શું જ્યોતિષ કામ કરે છે?

આર્યો દ્વારા વિકસિત જ્યોતિષશાસ્ત્ર એ ખગોળશાસ્ત્રનું અર્થઘટન છે. જો તમે કંઈક અર્થઘટન કરવાનો પ્રયાસ કરો છો, તો ચોક્કસપણે તમે ઘણા બધા મુદ્દા ચૂકી જશો. માટે તે ખોટું અર્થઘટન છે કારણ કે તેઓ ઘણી બધી વસ્તુઓ ચૂકી ગયા છે. આર્યોથી વિપરીત, દ્રવિડિયન સંસ્કૃતિએ તારાઓને જોઈને ક્યારેય આગાહી કરી નથી; તેઓએ લોકોને જોઈને આગાહી કરી. અહીં, તેમની પાસે જે છે તેને નાડી જોશ્યમ્ કહે છે.

આર્યો વિચરતી જાતિ હોવાથી, તેઓ ચાર દિશાઓ જાણવા માટે તારાઓ તરફ જોતા હતા. જ્યારે સૂર્ય ઉપર હોય, ત્યારે તેઓને ખબર રહેતી. એકવાર સૂર્યાસ્ત થયા પછી, આગ અને તારાઓ સિવાય કંઈ જ ન હોય. અગ્નિએ તેમને પ્રકાશ, ગરમી અને જંગલી પ્રાણીઓથી રક્ષણ આપ્યું. તારાઓએ રસ્તો બતાવ્યો. તેથી આર્ય સંસ્કૃતિ અગ્નિ અને તારાઓની આસપાસ કેન્દ્રિત રહી. તેઓ તારાઓનું અવલોકન કરતા રહ્યા અને તારાઓ વિશેનું તેમનું જ્ઞાન વધતું ગયું. અર્થઘટન શરૂ થયું, અને તેઓએ તારાઓ વિશે ચોક્કસ નિપુણતા અને જ્ઞાન વિકસાવ્યું.

આ ભૂમિના મૂળ રહેવાસીઓ ઉપર નજર કરતા ન હતા. તેઓ હંમેશા પૃથ્વીને પોતાની માતા તરીકે જોતા અને તેણીની ઉપર ધ્યાન આપતા હતા. કારણ કે તેઓએ પૃથ્વી તરફ જોયું, તેઓએ ખેતીનો વિકાસ કર્યો. તેઓ સ્થાયી થયા અને ઘરો બાંધ્યા. જ્યારે તેમણે ઘરો બાંધવાનું શરૂ કર્યું, તેઓએ ગાવાનું શરૂ કર્યું. કારણ કે તેમણે ઘરો બનાવ્યા હતા અને તેઓએ ઉગાડેલા અનાજની થેલીઓ ગણવાની હતી, તેઓએ અંકગણિત વિકસાવ્યું. આ સંસ્કૃતિમાં ગણિત, સંગીત, સૌંદર્યશાસ્ત્ર, કૃષિ અને આધ્યાત્મિક પ્રક્રિયાનો વિકાસ થયો કારણ કે તેઓએ પૃથ્વી પર ધ્યાન આપ્યું હતું. આ બે અલગ-અલગ પ્રકારની સંસ્કૃતિઓ છે, જે આજની દુનિયામાં પણ જોવા મળે છે: એક હંમેશા ઉપર જોતી રહે છે, હવે તારાઓ તરફ નહીં, પરંતુ એકમાત્ર ભગવાનને ત્યાં ઉપર જુએ છે. બીજી નીચે જોઈ રહી છે. નીચે જોનાર સંસ્કૃતિઓ વધુ સંવેદનશીલ રીતે જીવે છે કારણ કે તેઓ પૃથ્વી માતાને ભગવાન માને છે, અને તેથી તેઓ પૃથ્વી પર થોડી વધુ હળવાશથી ચાલે છે.

તો અંતે, પસંદગી આ છે-કાં તો તમે અનુમાનો દ્વારા તમારું જીવન જીવવાનો પ્રયાસ કરો અથવા તમે યોજના બનાવવાની અને તેને પૂર્ણ કરવાની ક્ષમતા રાખો. જે મન કોઈ યોજના માટે અસમર્થ છે તે આગાહી શોધશે. તમે જે તારાઓ જુઓ છો તેને તમારી સાથે કોઈ લેવાદેવા નથી. ફક્ત એક તારાનો તમારા પર મોટો પ્રભાવ છે – સૂર્ય. ચંદ્રનો પણ તમારા પર થોડો પ્રભાવ છે. આ પૃથ્વીનો તમારા પર ઘણો વધુ પ્રભાવ છે. પરંતુ સૌથી ઉપર, તમારી અંદર જે છે તે તમારા પર સૌથી વધુ પ્રભાવ પાડે છે. અનુમાનો સાથે ફાયદો એ છે કે તમે તેને બદલતા રહી શકો છો. પરંતુ એક યોજનાને સફળ બનાવવા માટે, તમારે તેને બનાવવા પર બહોળું ધ્યાન આપવું પડે. પછી તમારે તેને વળગી રહેવું પડે.

હું એટલી જ આશા રાખું છું કે તમારા માટે બધી આગાહીઓ ખોટી પડે. તો તેનો અર્થ છે કે તમારું જીવન અદ્ભુત રીતે ચાલી રહ્યું છે. નહિંતર, તમે કોઈ મૂર્ખ દ્વારા લખેલી સ્ક્રિપ્ટ પ્રમાણે ચાલી રહ્યા છો. આશા છે કે તમારા માટેની ભવિષ્યવાણીઓ અને સપના સાચા ન થાય. કારણ કે અનુમાન એ બસ એક બાંધછોડ સાથેનું નબળું સપનું જ છે.

(સદગુરુ, જગ્ગી વાસુદેવ)

(ભારતની 50 સૌથી શક્તિશાળી વ્યક્તિઓમાં સ્થાન ધરાવતા સદગુરુ એક યોગી, રહસ્યવાદી , સ્વપ્નદ્રષ્ટા અને બેસ્ટસેલિંગ લેખક છે. તેમની પ્રશંસનીય અને બહુમૂલ્ય સેવા બદલ ભારત સરકાર દ્વારા 2017માં તેમને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનપદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા છે.)