પીએમ મોદી જશે ઈન્ડોનેશિયા; G20-શિખરસંમેલનમાં હાજરી આપશે

નવી દિલ્હીઃ ઈન્ડોનેશિયાના બાલી ટાપુ-શહેરમાં નિર્ધારિત G20 રાષ્ટ્રોના વડાઓના શિખર સંમેલનમાં હાજરી આપવા વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે બાલી ખાતે રવાના થશે. ત્યાં 15-16 નવેમ્બરે G20 શિખર સંમેલન યોજાવાનું છે. આ શિખર સંમેલનમાં 20 દેશોના વડાઓ હાજરી આપશે. આ 20 દેશો સમગ્ર દુનિયાના જીડીપી આંકનો 85 ટકા હિસ્સો ધરાવે છે તેમજ દુનિયાની બે-તૃતિયાંશ વસ્તીનું પ્રતિનિધિત્વ પણ કરે છે. શિખર સંમેલનનો થીમ છેઃ ‘સાથે મળીને પુનઃપ્રાપ્ત કરીએ, વધારે મજબૂત રીતે પુનઃપ્રાપ્ત કરીએ’.

આ શિખર સંમેલન દરમિયાન વડા પ્રધાન મોદી વિશ્વના નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે અને ભારત દ્વારા નક્કી કરાયેલી G20 વિશેની પ્રાથમિકતાઓથી એમને વાકેફ કરશે. આ G20 શિખર સંમેલન એ રીતે વિશેષ છે કે ભારત 2022ની 1 ડિસેમ્બરથી એક વર્ષના સમયગાળા સુધી G20 સમૂહનું પ્રમુખપદ સંભાળવાનું છે. બાલી ખાતેના શિખર સંમેલનમાં જ આ પ્રમુખપદ ભારતને સુપરત કરવામાં આવશે.