આપણી ગેરહાજરીમાં પણ આપણા વિશે બધા સારો અભિપ્રાય આપે તે ત્યારે જ શક્ય બનશે કે જ્યારે બધા સાથે સંબંધ-સંપર્કમાં સારી ઊર્જા પ્રવાહિત થઈ રહી હોય. આપણે હંમેશા સકારાત્મક વિચારવું જોઈએ તથા બીજાને સકારાત્મક ઉર્જા આપવી જોઈએ, ત્યારે જ લોકો આપણા ઉપર વિશ્વાસ મૂકી આપણા પ્રત્યે આદર વ્યક્ત કરશે. જો બધા આપણો આદર કરે છે તો હું બધાની નજીક આવી જઈશ. અર્થાત જ્યારે મારું મન ઈચ્છે ત્યારે મારી અંદર જે છે તે હું બધા સાથે વ્યક્ત કરી શકું. જો હું આપથી કોઈ બાબત છુપાવું છું કે આપની સન્મુખ તે વાત નથી કરી શકતી તેનો અર્થ છે કે હું આપથી ડરું છું.
કાર્યાલયમાં જો મારી ભૂલ પકડાઈ જાય તો હું શું કરું છું? આ સમયે ઠપકાથી બચવા માટે હું જૂઠું બોલું છું તથા બીજાને મારી ભૂલ માટે જવાબદાર બતાવું છું. વાસ્તવમાં આના કારણે કાર્યાલયમાં ટીમ ભાવના સમાપ્ત થઈ જાય છે. જો આપણે સાક્ષી ભાવથી જોઈએ કે એક વ્યક્તિએ ભૂલ કરી અને બીજી વ્યક્તિ તેના ઉપર ગુસ્સે થઈ રહી છે તો આપણને બીજી વ્યક્તિની ભૂલ મોટી લાગશે. કારણકે આપણે તે સ્વીકાર કરી લઈએ છીએ કે ભૂલ તો બધા થી થાય, પરંતુ સામેવાળી વ્યક્તિ જે તેને ધમકાવી રહી છે તે આપણને યોગ્ય નથી લાગતું. બધાનો અંદરનો સ્વભાવ શાંત રહેવાનો છે.
ગુસ્સો શા માટે કરીએ છીએ? કારણકે બહાર જે થઈ રહ્યું છે તે મારી અપેક્ષા થી વિરુદ્ધનું છે, પરિણામે મને ગુસ્સો આવે છે. આ મારી કમજોરી છે. ધારો કે મેં મારા હાથ નીચેના કર્મચારીને કહ્યું કે આ કામ એક કલાકમાં શું કરવાનું છે. પરંતુ તે કામ દોઢ કલાકમાં પૂરું થયું. આ વખતે ગુસ્સો ના કરતા આપણે સકારાત્મક વિચારવું જોઈએ કે ભલે થોડો વધુ સમય ગયો પરંતુ તેણે કામ તો સારું કર્યું છે ને! જો આ સમયે હું ગુસ્સે થઈશ તો બીજી વખતે તે કામ બરાબર નહીં કરે. જો તે આળસુ હોય તથા બેજવાબદાર હોય તો પણ ગુસ્સો ના કરતા તેને મજબૂત બનાવવાના લક્ષ્ય સાથે સકારાત્મક ઉર્જા મોકલવી જોઇએ.
જો તમે પ્રેમથી કામ કરાવી રહ્યા છો, પરંતુ તેણે કામ બરાબર ન કર્યું, છતાં પણ તમે તમારા મનને સ્થિર રાખો. તેને કામ બરાબર ન થવાનું કારણ પૂછો તથા તેની વાતનો વિશ્વાસ સાથે સ્વીકાર કરો કે તે જે કહી રહ્યા છે તે સાચું કહી રહ્યા છે. આમ કરવાથી સામેવાળી વ્યક્તિનું દિલ જીતી શકીશું. જો હું તેને પૂછું કે કામ એક કલાકમાં થવું જોઈતું હતું પરંતુ બે કલાક કેમ થયા? તે કર્મચારી કારણો બતાવશે. આ સમયે આપણે મનમાં શું વિચારીએ છીએ? કે તે જૂઠું બોલી રહેલ છે. તે બેજવાબદાર છે. જો મેં મનમાં આ પ્રકારની ઊર્જા ઉત્પન્ન કરી તો તે કર્મચારી તેને ગ્રહણ કરશે અને પરિણામે અવિશ્વાસની ભાવના ઉત્પન્ન થશે. બંને વચ્ચે અંતર વધશે. પરંતુ જો હું કહું કે તમારી વાત બરાબર છે, તમે તમારું કામ પૂરું કરો. જો તે જૂઠું બોલ્યા પણ હશે તેમ છતાં આપના તરફથી તેને જે સન્માન મળશે તેના કારણે તે બીજી વાર જૂઠું નહીં બોલે.