સાચું સન્માન કોને કહેવાય?

અત્યાર સુધી આપણે ખુશી મેળવવા માટે બધું જ કરી રહ્યા હતા પરંતુ આપણને એ જ ખબર ન હતી કે ખુશી પહેલેથી જ આપણી અંદર છે. ખુશી, શાંતિ, સુખ, પ્રેમ, પવિત્રતા એ આત્માનો કુદરતી સ્વભાવ છે. કુદરતી અર્થાત તેના માટે કોઈ પ્રયત્ન નથી કરવો પડતો. હવે આપણે આખા દિવસ દરમિયાન એ ધ્યાન રાખવાનું છે કે કોઈ પણ અસ્વાભાવિક કાર્ય ના કરી દઈએ. આપણે સામાન્ય રીતે એવું માનીએ છીએ કે ગુસ્સો કરવાથી જ આપણે બીજા પાસેથી કામ કરાવી શકીશું. બાળકોને પણ આપણે ધમકાવીને વાંચવા માટે બેસાડીએ છીએ. હવે સામાન્ય સમજની વાત છે કે બાળકને ધમકાવ્યા પછી જો તે ડરના માર્યા વાંચવા બેસસે તો શું ચાલતું હશે? શું ભણવામાં તે એકાગ્ર રહી શકશે? આપણે પોતાનું જ ઉદાહરણ લઈએ કે આપણા વડીલો આપણને ધમકાવે અને ત્યાર બાદ હું વાંચવા બેસું. તો શું મારું મન ભણવામાં લાગશે? માતા-પિતાએ એવી માન્યતા બનાવી લીધી છે કે ગુસ્સો કર્યા વગર બાળકો ભણવા બેસે તે શક્ય નથી.

તેઓ કોઈ બીજી વિધિનો પ્રયોગ પણ કરતા નથી. તેઓ એમ માને છે કે એકવાર પ્યારથી કહ્યું, બીજી વાર પ્યાર થી કહ્યું છતાં તેણે ગણકાર્યું નહીં. હવે કેટલી વાર પ્યાર થી કહું! હવે તો મારા માટે બાળકને ભણાવવું ખૂબ મુશ્કેલ છે, કારણકે મારે તેને રોજ ભણાવવાનો છે. જે કામ આપણે રોજ કરવાનું છે તેને જો આપણે નિરાશા વાળી ઉર્જા સાથે આપણા જીવનમાં ફીટ કરી દીધી છે તો આપણે ગુસ્સો કરવો જ પડશે. વારંવાર ગુસ્સો કરવાથી તે આપણો સંસ્કાર બની જશે.

કાર્યાલયમાં પણ આપણે જાણીએ છીએ કે દરેક વ્યક્તિ પોતાની મર્યાદા અનુસાર કાર્ય કરી રહેલ છે. પરંતુ આપણી એ માન્યતા છે કે ગુસ્સો કર્યા વગર કર્મચારીઓ કામ નહીં કરે. આ દ્વારા આપણે પોતાને એ સંદેશ આપીએ છીએ કે સામેવાળી વ્યક્તિ મારું કહ્યું ત્યારે જ માનસે કે જ્યારે હું ગુસ્સો કરીશ. શું આ યોગ્ય છે?

જો આપણે એકબીજા સાથે સારો સંબંધ રાખવો હશે તો આપણે બીજા ઉપર વિશ્વાસ રાખવો જ પડશે, તેમને સન્માન આપવું જ પડશે. જેવો આપણે બીજી વ્યક્તિ ઉપર ગુસ્સો કરીએ છીએ કે તરત જ તે વ્યક્તિ પ્રત્યે આપણું સન્માન સમાપ્ત થઈ જાય છે. આપણા હાથ નીચેની વ્યક્તિ ઉપર ગુસ્સો કરવાથી ડરના કારણે તેઓ કામ કરે છે તથા આપણને સન્માન આપે છે. પરંતુ ગુસ્સો કરવાથી જે ઉર્જા ઉત્પન્ન થાય છે તે મને પોતાને પણ ખાલી કરે છે તથા સાથી વ્યક્તિને પણ ખાલી કરી દે છે. આપણે કોઈ પણ ઓફિસમાં જઈશું કે જ્યાં ઉપરી અધિકારીને ગુસ્સો કરવાની આદત છે, તો નીચેના કર્મચારીઓ તેમની સામે તો ‘જી સાહેબ’ કહેશે પરંતુ તેમની પાછળ તેમની ટીકા કરશે. સાચું સન્માન તેને જ કહેવાય કે આપણી ગેરહાજરીમાં પણ બધા આપણા વિશે સારો અભિપ્રાય આપે.

(બી. કે. શિવાની)

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]