આર્ટ ઓફ લિવિંગ દ્વારા “આપણું ગુજરાત, હરિયાળું ગુજરાત”નું ધ્યેય

અમદાવાદઃ રાજ્યમાં આગામી વર્ષોમાં જો યોગ્ય માત્રામાં વૃક્ષારોપણ નહીં કરવામાં આવે તો ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થશે. આ પરિસ્થિતિને નિવારવા માટે ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીની પ્રેરણાથી આર્ટ ઓફ લિવિંગ દ્વારા મિયાવાકી અને પારંપરિક પદ્ધતિઓથી રાજ્યભરમાં કરોડોની સંખ્યામાં વૃક્ષારોપણ કરવામાં આવશે.

આધ્યાત્મિક ગુરુ તથા આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી ગુજરાત યાત્રા કરી રહ્યા છે, ત્યારે વાસદના આર્ટ ઓફ લિવિંગ ગુજરાત આશ્રમથી મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીની ઉપસ્થિતિમાં મિશન ગ્રીન અર્થ-ગુજરાત પ્રોજેક્ટના ઉદઘાટન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆત વૃક્ષારોપણથી કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટ દ્વારા આર્ટ ઓફ લિવિંગ સંસ્થા રાજ્યમાં 1000 કરોડ વૃક્ષોને રોપીને તેનો ઉછેર કરશે.

રાજ્યમાં પર્યાવરણ સુરક્ષાના હેતુથી આર્ટ ઓફ લિવિંગ સંસ્થા દ્વારા મિશન ગ્રીન અર્થ-ગુજરાત પ્રોજેક્ટનો પ્રારંભ થઈ રહ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત અત્યાર સુધીમાં વિશ્વમાં 5.5 કરોડ જેટલાં વૃક્ષોને ઉછેરવામાં આવ્યાં છે. “યુનાઇટેડ નેશન્સ એન્વાયર્નમેન્ટ પ્રોગ્રામ” સાથે સંકળાઈને  2008થી સંસ્થા આ દિશામાં કાર્ય કરી રહી છે.

પાટણમાં આર્ટ ઓફ લિવિંગ દ્વારા સંચાલિત મિયાવાકી વનીકરણ પ્રોજેક્ટ સફળ થયો છે. મિશન ગ્રીન અર્થ-ગુજરાત પ્રોજેક્ટ અંતર્ગત વૃક્ષારોપણ, ઉછેર, પર્યાવરણ પ્રતિ જાગૃતિ અને જવાબદારી, ગાર્ડનિંગ અને પ્લાન્ટેશનની તાલીમ, નર્સરી ઉછેર અને વૈજ્ઞાનિક સમજ તથા ટેક્નોલોજીનો ઉપયોગ આ સઘળાં પાસાં આવરી લેવામાં આવ્યાં છે. “આપણું ગુજરાત, હરિયાળું ગુજરાત” એ આ પ્રોજેક્ટનું મુખ્ય ધ્યેય છે. આ પ્રોજેક્ટમાં ઉદ્યોગો અને શૈક્ષણિક સંસ્થાઓ પણ પોતાનું યોગદાન આપશે.

મુખ્ય મંત્રીએ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના આશીર્વાદ લઈને, આર્ટ ઓફ લિવિંગનાં સેવા કાર્યોને બિરદાવ્યાં હતાં. ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીએ ગુજરાતની પ્રગતિ અને સમૃદ્ધિ માટે મુખ્ય મંત્રીના પ્રયાસોની પ્રશંસા કરી હતી તથા તેમણે પોતાનો મૂલ્યવાન સમય ફાળવ્યો એ માટે આભાર માન્યો હતો.

 

 

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]