આપણે વિચારવાની આદત બદલવી જોઈએ

આમાં મહત્વપૂર્ણ બાબત એ છે કે આપણે પોતાની વિચારવાની આદતને બદલવી જોઈએ. આપણે જે પકડી રાખીએ છીએ કે મારી સાથે ખોટો વ્યવહાર કર્યો ચાલો બહારથી તો માફ કરી દીધું. પરંતુ હવે એ જોવાનું છે કે જ્યારે આપણે ભેગા થઈએ છીએ ત્યારે કેવી ઊર્જા ઉત્પન્ન કરીએ છીએ? ભેગા મળીને કામ કરવાનું છે. પરંતુ તે સમયે જો આપણા તરફથી આવેશની ઉર્જા ફેલાઈ રહી છે તો તે નકારાત્મક ઊર્જા છે. પછી શું થાય છે કે કોઈ વિષય ઉપર ચર્ચા શરૂ થઇ જાય છે ત્યારે આપણી અંદર જમા દર્દ શબ્દો દ્વારા બહાર આવી જાય છે.

આપણે એવું વિચારીએ છીએ કે જ્યાં સુધી તે વ્યક્તિને સજા નહીં મળે ત્યાં સુધી તે પોતાની ભૂલ વારંવાર કરતો રહેશે. બીજાને તેની ભૂલનો અનુભવ કરાવવાની જવાબદારી આપણે આપણા ઉપર લઈ લઈએ છીએ. જ્યારે સામેવાળી વ્યક્તિ કહે છે કે હું દિલગીર છું. મારાથી ફરીથી આવી ભૂલ નહીં થાય. પરંતુ તેનાથી આપણું દર્દ ઓછું થતું નથી. આપણે એવી આશા રાખીએ છીએ કે તે વ્યક્તિ એવું કાંઈક કરે કે જેથી મારું દર્દ ઓછું થાય. આપણે પોતાના ઉપર કામ કરવાના બદલે સામે વાળાને કહી દઈએ છીએ કે તમને ખબર નથી પડતી. આપણે એ બાબત ઉપર ધ્યાન આપવું જોઈએ કે સામે વાળી આત્મા પણ પોતાની યાત્રા પર છે. બીજી વ્યક્તિએ ભૂલ કરી તે સમયે આપણે ચેક કરવું જોઈએ કે એ પ્રસંગે આપણે જે વર્તન કર્યું તે શું યોગ્ય છે? એક ઘટના બની ગઇ એ ભૂતકાળ થઈ ગયો પરંતુ આપણે વારંવાર તેના વિચારે ચઢી જઈએ છીએ.

આપણી અંદર જે વિચારો ચાલી રહ્યા છે તે બીજા સુધી પહોંચે છે અને ધીરે-ધીરે આખા ઘર કે ઓફિસના વાતાવરણમાં તે ફેલાઈ જાય છે. આપણી અંદર જે વ્યર્થ વિચારો ભરેલા છે તે કચરો જ છે. જેના કારણે હું કડવી બનતી જાઉં છું. આ મન માટે ઝેર સમાન છે. આપણે શરીરને ઝેરથી મુક્ત કરવા માટે પ્રાકૃતિક ભોજન લઈએ છીએ, પરંતુ મનને ઝેરથી મુક્ત કોણ કરશે? માટે શાંતિથી બેસવું જોઈએ. એ ઘટના બને 8-10 દિવસ થઈ ગયા છતાં પણ તેને યાદ કરીને હું દુઃખી થવું થાઉં છું. છેવટે ક્યાં સુધી? કારણકે આ કડવાહટ જ્યાં સુધી સમાપ્ત નહીં થાય ત્યાં સુધી હું ખુશ નહિ રહી શકું. વર્તમાનમાં મને મન નહીં લાગે.

ભવિષ્યની તો વાત જ નથી. એક વ્યક્તિ પ્રત્યે પકડેલ કડવાહટ ફક્ત તે વ્યક્તિ સુધી મર્યાદિત નથી રહેતી પરંતુ તે સંબંધો સુધી ચાલી જાય છે. આ કડવાહટ હું જ્યાં પણ જઈશ, જેના પણ સંપર્કમાં આવીશ ત્યારે તે જરૂર મારી અંદરથી બહાર આવી જશે. આ માટે આપણે પોતાના વિચારોને શુદ્ધ બનાવતા રહેવું પડશે. કારણકે શરૂઆતમાં જ એને પરિવર્તન ન કર્યા તો તે નફરતમાં બદલાઈ જશે. ઘણી વ્યક્તિઓ એવું વિચારે છે કે કોઈએ મારી સાથે ખૂબ ખરાબ વ્યવહાર કર્યો છે તો હું કેવી રીતે ખુશ રહી શકું? આનો અર્થ એ કે એ વ્યક્તિ પોતાનું ભવિષ્ય પોતે જ નક્કી કરી દે છે કે આ ઘટના બન્યા બાદ આખા જીવન દરમ્યાન ખુશ રહેવું મારા માટે શક્ય નથી.

(બી. કે. શિવાની)

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)