મનનું ભોજન– શુભવિચાર 

(બી.કે. શિવાની)

વૈજ્ઞાનિકો એ પણ પુરવાર કરેલ છે કે, સવારે નીંદરમાંથી જાગ્યા પછી આશરે બે કલાક સુધી મનની ગ્રહણ કરવાની શક્તિ ખૂબ જ વધુ હોય છે. ધીરે ધીરે દૈનિક પ્રવૃત્તિઓ શરૂ થતાં મનની ગ્રહણશક્તિ ઓછી થવા લાગે છે. મનના વિચારો ઓછા થતાં આપણું ચૈતન્ય મન પણ શાંત થઈ જાય છે, અને સુષુપ્ત મન સક્રિય થઈ જાય છે. આ સમયે આપણે જે પણ માહિતી મનને આપીશું તે સીધી સુષુપ્ત મનમાં પહોંચી જશે. સુષુપ્ત મનમાં જે પ્રકારની માહિતી હોય તે જ અનુસાર આખો દિવસ આપણા વિચારો ચાલે છે. મોટેભાગે આપણે એવું કરીએ છીએ કે,સવાર સવારમાં આપને આપણા મનમાં નકારાત્મક માહિતીઓ આપીએ છીએ. જેમ કે,આ જ્ગ્યાએ ધરતીકંપ થયો, કોઈ જગ્યાએ પુર આવ્યું, કોઈ સ્થાને મોટો અકસ્માત થયો વગેરે આ પ્રકારની નકારાત્મક માહિતી સવાર સવારમાં ફેશ સુષુપ્ત મનમાં ભરવાથી તે છેક આપણા મનના ઊંડાણ સુધી જતી રહે છે. જેના દ્વારા આપણી અંદર સંસ્કાર બનવાની પ્રકિયા શરૂ થઈ જાય છે.

સવારે આપણે સુષુપ્ત મનમાં હિંસા, ભય, નફરત, અસલામતીના વિચારોથી મન ભરી દઈએ અને પછી આપણે એમ કહીએ છીએ કે, મને આખો દિવસ બીક કેમ લાગે છે? કે ભય કેમ લાગે છે? કારણ કે આપણે આપણા મનમાં એવું બીજ તૈયાર કરેલ હતું કે….ભય, ચિંતા, હિંસા અને અસલામતી જે પ્રકારની માહિતી આપણે સવારમાં આપણા મનમાં ભરીશું, તેના આધારે આખો દિવસ વિચારો ચાલશે. ભલે દેશ-દુનિયાની ઘટનાઓથી આપણે કોઈ લેવાદેવા નથી,પરંતુ જેના વિશે આપણે સવાર-સવારમાં વાંચ્યું-જોયું કે દેશમાં આવી ઘટના બની. પરિણામે આ માહિતી આપણા સુષુપ્ત મનમાં રેકોર્ડ થઈ ગઈ. જે દિવસ દરમિયાન આપણા વિચારોનું નિર્માણ કરે છે.

સંકલ્પ એક ઉર્જા છે. સવાર પડતા જુઓ દિવસની શરૂઆત આપણે આપણા મનની અંદર નકારાત્મક વિચારો કરવાનું શરૂ કરી દઈએ, તો આપણે પરિણામે ગમે તેટલા પ્રયત્નો કરીશું તો પણ દિવસ દરમિયાન સકારાત્મક વિચાર આપણે નહીં કરી શકીએ. ધારો કે, સાંજે તમે ઘેર પહોંચ્યા તે સમયે ઘરનો કોઇ એક સભ્ય સમયસર ઘરે નથી આવ્યા, તમે ફોન ઉપર તેમનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેઓએ ફોન ન ઉપાડ્યો તો તેવા સમયે તમારા મનમાં સૌથી પહેલા કયો વિચાર આવે છે? ક્યાંક અકસ્માત તો નહિ થઈ ગયો હોય? આવો નકારાત્મક વિચાર શા માટે આવ્યો? કારણ કે, આજે સવારે ઉઠતાની સાથે જ તમે નકારાત્મક વિચારો મનમાં કરવાના ચાલુ કરી દીધા હતાં. આમ જોઈએ તો સવારના જાગ્યા પછીના એક-બે કલાકનો સમય આપણા માટે ખૂબ અગત્યનો બની જાય છે.

સવારના સમયે જ્યારે સુષુપ્ત મન સક્રિય હોય છે ત્યારે આધ્યાત્મિક ઈશ્વરીય જ્ઞાન આપણી બુદ્ધિમાં જે રીતે જાય છે તેના આધારે મનન ચિંતનમાં મન-બુદ્ધિને વ્યસ્ત રાખી શકાય છે.  સકારાત્મક શક્તિશાળી શબ્દ અંદર જશે તો તે સકારાત્મક સંકલ્પ (વિચાર) પેદા કરશે. તે માટે બે બાબતો ધ્યાનમાં રાખવાની છે. એક – રાત્રે સુતા પહેલા આપણે આપણા મનને કેવા પ્રકારની અને કઈ માહિતી આપીએ છીએ? બીજું સવારે ઉઠ્યા બાદ આપણે કેવા સંકલ્પો કરીએ છીએ? અત્યારે મોટાભાગે લોકો રાત્રે સુતા પહેલા ટીવીની સિરિયલ જુએ છે, મોબાઈલમાં વ્યસ્ત હોય છે, તેમાં મનોરંજનના નામે ભય, સંબંધોમાં અવિશ્વાસ, દુ:ખ અનુભાવય તેવા કાર્યક્રમો જુએ છે અને સવારે ઉઠતાવેંત સમાચાર પત્ર દ્વારા નકારાત્મક સમાચારો વાંચે છે. રાત્રે આ પ્રકારની માહિતી મનમાં વિચારો કરીને સુઈ ગયા. હવે રાત્રે સુષુપ્ત મન કયા પ્રકારના વિચાર કરશે? જે પ્રકારની માહિતી આપણે રાત્રે સુતા પહેલા મનમાં આપી હતી, તેવા જ વિચારો મનમાં થશે.

સવારે ઊઠીને તરત આપણે સૌથી પહેલા કેવાં વિચારો મનમાં કરવા? આ એક વિધિ છે. સવારમાં શરૂઆતના પ્રથમ મનના વિચારો નાસ્તા જેવા છે. જેમ સવારનો નાસ્તો હળવો તથા પૌષ્ટિક હોવો જોઈએ, તેવી જ રીતે સવારના સમયે સકારાત્મક વિચારો એ આપણા મનનું ભોજન છે. તેથી આપણે સવારે ખૂબ જ શક્તિશાળી વિચારો (સંકલ્પ) કરવા જોઈએ. આ પ્રયોગ તમે એક મહિના સુધી કરી જુઓ. એક મહિના સુધી સવારે નવ વાગ્યા પહેલા દુનિયાના કોઈ પણ  સમાચાર, છાપા કે ટીવી ચેનલ દ્વારા ન મેળવો તથા રાત્રે સુવાના સમયના એક કલાક પહેલા ટીવી ન જુઓ. ચાલો આપણે સૌ એક પ્રયોગ કરીએ.

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]