ભારતવાસીઓએ 2021ને વધાવ્યું; રાષ્ટ્રપતિ, મોદીએ શુભેચ્છા આપી

મુંબઈઃ ભારતવાસીઓએ 2020ને આવજો કરી દીધું છે અને 2021ને આવકાર આપ્યો છે. નવી આશા સાથે નવા વર્ષની પહેલી સવાર ઊગી છે. કોરોના વાઈરસ રોગચાળો ફેલાયો હોવાથી નવા વર્ષની ઉજવણીમાં નિયંત્રણ, સંયમ જોવા મળ્યા છે. વળી, મુંબઈ અને રાષ્ટ્રીય પાટનગર દિલ્હી સહિત ગુજરાત તથા દેશના અન્ય ઘણા ભાગોમાં નાઈટ કર્ફ્યૂ પણ અમલમાં હોવાથી ગઈ કાલે થર્ટી ફર્સ્ટ નાઈટ અગાઉના વર્ષો જેવી ધામધૂમવાળી નહોતી. તે છતાં ઘણા સ્થળોએ ગઈ કાલે મધરાતે 12ના ટકોરા પડ્યા કે તરત લોકોએ ફટાકડા ફોડીને, આતશબાજી કરીને નવા વર્ષને વધાવ્યું હતું. થર્ટી ફર્સ્ટ રાત્રીએ લોકોએ ઘરમાં જ રહેવાનું પસંદ કર્યું અને પરિવારજનો સાથે નવા વર્ષની ઉજવણી કરવાનું પસંદ કર્યું.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાષ્ટ્રને નવા વર્ષના આગમન નિમિત્તે ટ્વીટ કરીને શુભેચ્છા આપી છે. એમણે એવી આશા વ્યક્ત કરી છે કે દેશવાસીઓ દેશની પ્રગતિના સમાન ધ્યેયને હાંસલ કરવા માટે નવા વર્ષમાં નવી ઊર્જા સાથે આગળ વધશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પણ ટ્વીટ કરીને દેશવાસીઓને નવા વર્ષની શુભેચ્છા આપી છે.