સમસ્યાઓના સમાધાન માટે વિશાળ બુદ્ધિ તથા નિર્ણય શક્તિ જોઈએ

આજે જેટલા પણ બાળ મજદૂરો છે તેમનો જન્મ પણ તેમના માતા-પિતા દ્વારા જ થયો છે. માતા-પિતા દ્વારા સંતાન પ્રાપ્તિનો આધાર કામ-વાસના છે. જે ફક્ત લગ્ન જીવન પૂરતી જ મર્યાદિત હોય તેવું નથી. જેના કારણે ગેરકાયદેસરના બાળકો ઉત્પન્ન થતા રહે છે.

સામાજિક બંધનો તથા લોકલાજના કારણે માતા -પિતા તેમને સ્વીકાર કરી શકતા નથી. આવા બાળકો અનાથ બની પેટની આગ ઠારવા માટે ભટકવા માટે મજબૂર બને છે. સરકાર આવા બાળકોને ઉદ્ધાર માટે કાયદા બનાવે છે પરંતુ સમસ્યાનુ મૂળ ગેરકાયદેસરની કામવાસના પ્રવૃત્તિ છે જેને રોકવા માટે કોઈ કાયદો નથી, પરિણામે દર વર્ષે આવા બાળકોની સંખ્યા વધતી જ જાય છે. આથી ઈશ્વરીય શ્રીમત અનુસાર સંયમ યુક્ત જીવનના ફાયદાનો પ્રચાર કરી લોકોમાં મર્યાદિત જીવનનું મહત્વ ઉત્પન્ન કરી આ સમસ્યાને સમાપ્ત કરી શકાય છે.

હવે આપણે કાયદેસર બનેલ પરિવારો ઉપર એક નજર નાખીએ. ઉદાહરણ રૂપે – એક વ્યક્તિ 12 વર્ષની ઉંમરથી મજૂરી કરી રહેલ છે કારણ કે તેના પિતા બીમાર હતા અને 5 ભાઈઓમાં તે સૌથી મોટો હતો. પાંચેય ભાઈઓને ઘરની પરિસ્થિતિના કારણે નાની ઉંમરથી કમાવવું પડ્યું. હવે 20 વર્ષની ઉંમરે મોટા છોકરાના લગ્ન 18 વર્ષની એક એવી કન્યા સાથે થયા કે જે 7 ભાઈ બહેનોમાં સૌથી મોટી હતી. તેને 12 વર્ષની ઉંમર થી માંની સાથે મજૂરી કરવી પડી. બંનેને પોતાના માતા-પિતા તરફથી કાંઈ જ ન મળ્યું. હવે તેમણે એ નિર્ણય કરવાનો છે કે જે દુઃખ દર્દમાંથી તેઓ પસાર થયા છે તેમાંથી તેમના બાળકો મુક્ત રહે. જે રીતે કોઈ સાધન બનાવતા પહેલા તેનો રંગ, આકાર, ગુણ, ટકાઉપણું વગેરેનું પૂરું જ્ઞાન તથા તાલીમ જરૂરી છે તેવી જ રીતે લગ્ન જીવન શરૂ કરનાર વ્યક્તિઓએ એ બાબતનું પાલન કરવું જોઈએ કે ભલે સંતાન ન હોય અને જો હોય તો તે સમાજની કોઈપણ મુશ્કેલીને વધારવા વાળાના હોય.

આ જવાબદારી સરકારની પહેલા દરેક માતા-પિતાની છે. રહેવા માટે મકાન તથા ખાવા માટે પૂરતા અન્ન વગરના દંપતિઓએ બાળ મજૂરોની સંખ્યા વધારવાનું મહાન પાપ ના કરવું જોઈએ. આવું ત્યારે જ શક્ય બનશે કે જ્યારે લગ્ન જીવનમાં સંયમ તથા બ્રહ્મચર્યની ઉપયોગીતાનો સ્વીકાર કરવામાં આવે. આ માટે લોકોને માનસિક રૂપથી તૈયાર કરવામાં આવે. ઘણી સમસ્યાઓના મૂળમાં જૂની, ચિલાચાલુ દેહઅભિમાન ઉપર આધારિત વાતો હોય છે, જે પ્રત્યે જાગૃતિ ઉત્પન્ન કરવાથી પણ સમાધાન મળી શકે છે. સામાન્ય માન્યતા છે કે વંશ વૃદ્ધિ માટે પોતાનું જ લોહી હોવું જોઈએ. પરંતુ આ સંકુચિત માન્યતાને વર્તમાન સમસ્યાઓ થી ભરેલ સમાજમાં કોઈ મહત્વ ન આપવું જોઈએ. સમસ્યાઓના સમાધાન માટે વિશાળ બુદ્ધિ તથા ત્રણે કાળને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાની શક્તિ હોવી જોઈએ. ધરતી ઉપર આવેલ મનુષ્યને કાયમ માટે દરેક પ્રકારની સમસ્યાઓથી મુક્તિ મળે આ વિચાર સાથે દરેક સંકુચિત વિચારધારાઓની જંજીરોને તોડી નાખવી જોઈએ.

(બી. કે. શિવાની)

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)