સાપનું ઝેર વેચનાર એલ્વિશ યાદવને તાત્કાલિક પકડવો જોઈએઃ મેનકા ગાંધી

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશ પોલીસે રેવ પાર્ટીઓમાં સાપનું ઝેર સપ્લાઈ કરવા બદલ યૂટ્યૂબર અને બિગ બોસ ટીવી શોના વિજેતા એલ્વિશ યાદવ સામે એફઆઈઆર ફરિયાદ નોંધી છે. ભારતીય જનતા પાર્ટીનાં સંસદસભ્ય અને પીપલ ફોર એનિમલ્સ (પીએફએ) સંસ્થાનાં સ્થાપક મેનકા ગાંધીનું કહેવું છે કે, ‘એલ્વિશ યાદવની તાત્કાલિક ધરપકડ થવી જોઈએ. આ ગ્રેડ-1 અપરાધ છે, જે માટે અપરાધીને સાત વર્ષની જેલની સજા થાય… અમારી સંસ્થાએ છટકું ગોઠવીને આ લોકોને પકડ્યા હતા. યાદવ તેના વીડિયોમાં સાપ જેવા ખતરનાક પ્રાણીઓનો ઉપયોગ કરતો હતો. બાદમાં અમને જાણવા મળ્યું હતું કે એ નોઈડા અને ગુરુગ્રામ જેવા સ્થળોએ પાર્ટીઓમાં સાપનું ઝેર વેચે છે.’ એલ્વિશ યાદવ હાલ ફરાર છે. પોલીસ એને શોધી રહી છે. યાદવે એક અજ્ઞાત સ્થળેથી પોતાનું વીડિયો નિવેદન સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું છે જેમાં એણે પોતાની સામેના આરોપોને નકારી કાઢ્યા છે.

ઉલ્લેખનીય છે કે, યૂટ્યૂબ પર મૂકેલા વીડિયોમાં એલ્વિશ યાદવને કોબ્રા સહિતના સર્પ સાથે જોવા શકાય છે. એમાંના ઘણા સાપ તો એવા છે જેમની જાતિ લુપ્ત થવાને આરે આવી ગઈ છે. મેનકા ગાંધીનું કહેવું છે કે સાપનું ઝેર કાઢી લેવું ગુનો ગણાય છે, કારણ કે સાપમાંથી ઝેર કાઢી લેવામાં આવે તો એ મરી જાય. એમનું ઝેર તેઓ જે ખાય એને પચાવવાનું કાર્ય કરતું હોય છે. આ કુદરતે જ નિર્માણ કરેલી પ્રક્રિયા છે.