મનને શાંત કરવાના ઉપાયો

રાત્રે સુવાની 10 મિનિટ પહેલા તથા સવારે ઉઠ્યા પછી 10 મિનિટનો સમય આપણા જીવન માટે ખૂબ અગત્યનો છે. આ સમયનો ઉપયોગ આપણા મનને શાંત કરવામાં કરી શકીએ છીએ તથા મન દ્વારા સકારાત્મક વિચારો ઉત્પન્ન કરી શકીએ છીએ. ઘણીવાર આપણે બે-ત્રણ મિનિટ બેસીને કહીએ છીએ કે ચાલો બહુ થઈ ગયું. પરંતુ આ માટે દસ મિનિટનો સમય જરૂરી છે કારણકે મનને શાંત થવામાં થોડો સમય લાગે છે. તથા એક બીજી બાબત આ માટે મદદરૂપ થઈ શકે તેમ છે. તે છે શબ્દોનો પ્રભાવ.બ્રહ્માકુમારીઝ સંસ્થાનું સુંદર સુવાક્ય છે – “કમ બોલો, ધીરે બોલો, મીઠા બોલો” આપણે તેનો અભ્યાસ કરીએ. જો આપણે આપણા વિચારોની ગતિને ઓછી નથી કરી શકતા તો આપણા શબ્દોને ઓછા કરી દઈએ અર્થાત “ઓછું બોલો” તો આપણા વિચારો તેની જાતે જ ઓછા થઇ જશે. શબ્દો ઉપર ધ્યાન આપીએ. તેમાં આપણે શું કરવાનું છે! એક દિવસ માટે આપણે એવો નિર્ણય કરી લઈએ કે એક કલાકમાં ફક્ત કામની જ વાતો કરીશું. આનું પરિણામ એ આવશે કે આપણા બોલ ખૂબ ઓછા થઇ જશે.

એક દિવસ માટે આપણે આ બાબતને પ્રયોગમાં લાવીએ અને ચેક કરીએ કે ફક્ત એ જ વાત કરીશ કે કામની હશે. વ્યર્થની વાતો આજે મારે નથી કરવી. પરિણામે આપણે ઘણી બધી ઉર્જા બચી જશે. આ પ્રયોગ આપણે ક્યારેક-ક્યારેક કરવો જોઈએ. આપણે આજ સુધી સાંભળ્યું છે કે – “બોલવું એ ચાંદી છે તો ચૂપ રહેવું એ સોનું છે”. વિચાર એ પણ એક ઊર્જા છે. જો આપણે ઓછું બોલીશું તો વિચારો ધીરે ધીરે ઓછા થતા જશે. જ્યારે આપણા વિચારો ખૂબ જ ઝડપથી ચાલે છે ત્યારે આપણા શબ્દો પણ ખૂબ ઝડપથી ચાલે છે.

ઘણા લોકો ઊંઘમાં બોલે છે. આનું કારણ એ છે કે દિવસભરના પ્રભાવના કારણે મનના વિચારો ખૂબ જ ઝડપથી ચાલી રહ્યા છે. દિવસ દરમિયાન આપણે અભ્યાસ કરીએ છીએ ઓછું બોલીએ તથા ધીરે બોલિયે. જ્યારે આપણે ઓછું બોલીશું અને ધીરે બોલીશું તો આપણાથી પાછળથી પસ્તાવો કરવો પડે તેવી ભૂલ થશે જ નહીં. પહેલી નજરે ઓછું બોલવું ધીરે બોલવું તથા મીઠું બોલવું તે આપણા જીવનમાં અપનાવવું ખૂબ મુશ્કેલ લાગે છે. પરંતુ આપણે તેનો અભ્યાસ ચાલુ કરી દેવો જોઈએ.

અમે રાજયોગી ભાઈ-બહેનો સવારના બે-ત્રણ કલાક મૌન રહીએ છીએ, જેથી આપણા માટે ઊર્જા જમા કરી શકીએ. દિવસ દરમિયાન આ જમા કરેલ ઊર્જાનો ઉપયોગ કરીને શાંત, સ્વસ્થ તથા ખુશ રહી શકીએ છીએ. જ્યારે આપણે શાંત હોઈએ છીએ ત્યારે આપણા સંકલ્પોને જોઈ શકીએ છીએ. આપણે અઠવાડિયામાં એક દિવસ મૌન માટે ફાળવવો જોઈએ. દિવસ દરમિયાન આપણે મુખ દ્વારા કાંઈ પણ બોલીએ નહીં તથા મન પણ શાંત રાખીએ. પરિણામે આપણી ઘણી બધી ઉર્જા બચી જશે તથા જીવનમાં કોઈ સમસ્યા હોય તો તેનું નિરાકરણ પણ આપણને મળી જશે.

સામાન્ય રીતે આપણને કોઈ બાબત અંગે સમાધાન જોઈએ તો આપણે વધુ બોલવાનું શરૂ કરી દઈએ છીએ અને બીજા પાસે સમાધાનની અપેક્ષા રાખીએ છીએ. આપણે ભૂલી જઈએ છીએ કે સમાધાન આપવા વાળા આપણે પોતે જ છીએ. કારણકે સમસ્યા મારી છે તો સમાધાન પણ મારી પાસે જ છે. જો આપણે પોતે સમાધાન શોધીશું તો અવશ્ય સમાધાન મળશે પરંતુ તે મૌન દ્વારા જ શક્ય બનશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]