ખુશી એટલે આંતરિક ખુશી

(બી.કે. શિવાની)

આપણે એ વાત જાણવી જોઈએ કે આપણા જીવનમાં ખુશી હંમેશા કેવી રીતે રહે. આપણે શાંતિથી પોતાની જાતનું અવલોકન કરવું જોઈએ કે, દિવસ દરમિયાન આપણી ખુશી ઓછી તો નથી થતી કે ગાયબ તો નથી થતી? જીવનમાં ઉતરાવ-ચઢાવ તો આવે. પણ જીવનમાં ખુશી સદા માટે કેવી રીતે રહે? આ લેખમાળામાં મારો એ જ ઉદ્દેશ્ય છે.

ધારો કે હું આખો દિવસ આપને ખુશ રાખવા મહેનત કરું છું. પરંતુ આપ ખુશ થતા નથી જે મારી અસફળતાનું કારણ બને છે. આ ઘટનાથી મારા ઉપર બે બાબતોનો પ્રભાવ પડે છે. એક તો આપ ખુશ ન થયા અને બીજું હું આપને ખુશ કરી ન શકી. અર્થાત્ હું મારા ઉદ્દેશ્યમાં અસફળ થઈ. જે વાતનું મને દુઃખ થાય છે, જેથી મારી આંતરિક ખુશી અને ઉત્સાહ જતો રહે છે.

આપણને દરરોજ કોઈ નવી વસ્તુઓ ખરીદવાની ઈચ્છા થાય છે. આના બે પાસા છે. એક તો ક્યાંકને ક્યાંક હું ખુશીઓને વસ્તુઓમાં શોધું છું અને બીજું મને નવી-નવી વસ્તુઓ ભેગી કરવાનો શોખ થઈ ગયો છે. એમ કહેવાય કે વસ્તુઓને ખરીદી હું ખુશીઓને મેળવવાનો નિર્રથક પ્રયત્ન કરું છું. આજ એક બહુ મોટું કારણ છે, જે મારી ખુશીને પ્રભાવિત કરે છે.

હું બજારમાંથી પસાર થઇ રહી છું. દુકાનની બહાર રાખેલ શોકેસ પાસેથી પસાર થતાં, હું જોઉં છું કે તેની અંદર આકર્ષક ચીજ-વસ્તુઓ છે. હું તે દુકાનથી થોડી આગળ જતી રહી. પણ તે ચીજ-વસ્તુઓની યાદ સતત મારા મનમાં આવી રહી છે. આને તે ચીજ પ્રત્યેનો મારો એક લગાવ છે એમ કહી શકાય. ત્યારબાદ મારું મન વર્તમાનમાં ન રહેતા ક્યાંક ને ક્યાંક તે ચીજ-વસ્તુઓ સાથે જોડાયેલું રહે છે. હું તે ચીજ ખરીદી લઉં છું, તો મને સારું લાગે છે. આને આપને નામ આપીએ છીએ – ‘મારી સુખ- સુવિધા માટેના સાધન’. અર્થાત સુખ પણ અને સુવિધા પણ. સુવિધા ચોક્કસ આપણા માટે આરામદાયક હોય છે.  પરંતુ આપણે સુવિધા અને સુખ બંનેને એક બીજા સાથે મેળવી દીધા. હવે તે સુખમાં હું ખુશીને શોધવાનો પ્રયત્ન કરું છું. આપણા મનમાં એવા વિચારો ચાલે છે કે, આ ચીજ મારે ખરીદવી છે, જે મારી પાસે આવશે અને મને ખુશી-આનંદ મળશે.

હું 40 લાખ રૂપિયાની ગાડી ખરીદું છું. જેમાં A.C બહુ જ સરસ છે. મ્યુઝિક સિસ્ટમ પણ ઉત્તમ છે. ગાડીની તમામ સુવિધા મારા માટે આરામદાયક છે. જે કારણે હું બહુ જ ખુશ છું. પરંતુ શું ગાડીમાં બેસતી વખતે મારી ખુશી કાયમ બની રહેશે? અને હું તે ગાડીમાં ૨૪ કલાક તો બેસી રહેવાની નથી, કે મને સતત તેના દ્વારા ખુશી મળ્યા જ કરે. માનો કે હું ઓફિસમાંથી બહાર નીકળી અને ગાડીમાં બેઠી. અને આજે જ  ઓફિસમાં મારા બોસ સાથે ઝઘડો થઈ ગયો. તો શું હું 40 લાખ રૂપિયાની ગાડીમાં બેઠા પછી પણ સવારે જે રીતે ખુશ હતી તેવી આ પરીસ્થિતિમાં ખુશી રહેવાની? ખુશીનો અનુભવ કરીશ? તે ગાડી હવે મને ખુશી આપશે? નહીં. આપણે એમ વિચાર્યું કે, આરામદાયક ગાડીમાં બેસવાથી હું હંમેશા ખુશ રહીશ. પરંતુ એ જરૂરી નથી કે, ગાડીમાં બેસતી વખતે કાયમ હું ખુશ રહીશ. એમ પણ બની શકે કે ગાડીમાં બેઠા પછી પણ હું દુઃખી જ રહું, ચિંતામાં રહું. ગાડી પાસે એવી કોઈ શક્તિ કે તાકત નથી કે, તે મારી જિંદગીની સમસ્યાઓનું નિરાકરણ કરી શકે. આમ આપણે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે, ગાડી આરામ આપી શકે છે, પરંતુ ખુશી નહીં. આપણે ગુસ્સામાં હોઈએ અને આરામદાયક સ્થાન પર થોડો વિશ્રામ લઈ લઈએ તો બની શકે કે આપણો થોડો ગુસ્સો ઓછો થઈ જાય. પરંતુ ગુસ્સાનું પુરું ચક્ર તો મનમાં ચાલતું જ રહે છે.

જ્યારે આપણે પહેલી વાર ગાડી ખરીદીએ છીએ ત્યારે ઘરના બધા સભ્યો ખૂબ ખુશ અને ઉત્સાહમાં હોય છે. પરંતુ તે કેટલા દિવસ સુધી? એક મહિનો, બે મહિના. ત્યારબાદ જેવી રીતે અન્ય વસ્તુઓ ઘરમાં સામાન્ય રીતે પડી હોય છે એ જ પ્રકારે એક વસ્તુ તરીકે એટલી મોઘી ગાડી પણ આપણા ઘરમાં પડી જ રહે છે. ત્યારબાદ પુનઃ તેજ ચિંતા, દુઃખ, પરેશાની વાળી જીંદગીની દિનચર્યા (રોજનો નિત્યક્રમ) શરૂ થઈ જાય છે.

હવે આપણે એવું વિચારીએ છીએ કે, હવે ફરીથી કઈ નવી વસ્તુ ખરીદીએ જેથી મને ખુશી થાય. આમ દરેક વખતે થોડા-થોડા સમય બાદ આપણે એવું કઈક કરવા ઇચ્છીએ છીએ કે, જેનાથી મનને શાંતિ અને ખુશી મળે. જીવનમાં પરિસ્થિતિઓ અને સંબંધોમાં ઉતરાવ-ચઢાવ થયા કરે. સ્વભાવ અને સંસ્કારનો ટકરાવ પણ રહે. હવે હું દુઃખી છું, એમ વિચારીને, એવું તો હું શું કરું, જેથી મને જીવનમાં શાંતિ અને ખુશી મળે? એ દિશામાં જવા માંગીએ છીએ.

ધારો કે મારા ઘરમાં ચાર વ્યક્તિઓ છે. અમે ક્યાંક એકબીજાથી અસંતુષ્ટ છીએ. ઘરનું વાતાવરણ સુધારવા માટે હું ઘરમાં એક નવી વસ્તુ ખરીદીને લાવું છું. પરિણામે ઘરના તમામ વ્યક્તિઓ ખુશ થઈ  જાય છે. ઉત્સાહમાં આવી જાય છે, અને કહે છે કે, આજે તો પાર્ટી થવી જોઈએ. આમ ઘરમાં ખુશીનું વાતાવરણ બની જાય છે.

બે-ત્રણ દિવસ સુધી નવી વસ્તુનો પ્રભાવ રહેશે. ત્યાર બાદ ફરીથી પહેલાની જેમ જ નિત્યક્રમ શરૂ થઈ જશે. થોડા દિવસ પછી ફરીથી આપણે વિચારીશું કે હવે હું શું નવું ખરીદું? આપણે ખુશ રહેવા માટે વારંવાર કેટલીક ચીજો ખરીદતાં રહીશું? કેટલી વાર વર્ષમાં નવી ગાડીઓ ખરીદશું? કેટલી વાર નવા TV કે મોબાઈલ ખરીદશું? જે ચીજની આવશ્યકતા જ નથી છતાં પણ તે ખરીદવાની ઈચ્છા થાય છે. અને જ્યાં સુધી નવી ચીજ ઘરમાં આવતી નથી, ત્યાં સુધી આપણે ખુશ નહીં રહી શકીએ એમ આપણે માનીએ છીએ. પરિણામે દુઃખ, અશાંતિ, પરેશાની ને ગુસ્સો પણ આવશે. આપણે જે વસ્તુ ખરીદી રહ્યા છીએ તે અંગે સ્પષ્ટ સમજ હોવી જોઈએ કે, તે વસ્તુ શરીરને આરામ આપવા માટે બનાવવામાં આવી છે, મારા મનને ખુશ કરવા માટે નહીં.

જાહેરાત આપતી કંપનીઓ ગ્રાહકોને આકર્ષણ કરી ખરીદવા માટે લોભામણી જાહેરાતો કરી લલચાવી ખરીદવા માટેની ભાવનાઓને જાગૃત કરે છે. આ પણ એક મનો-વૈજ્ઞાનિક વાત છે કે, તેઓ જે વસ્તુની જાહેરાત આપે છે, તેમાં જણાવે છે કે, જો તમે આ વસ્તુ ખરીદશો તો આપનો પરિવાર તમારાથી ખુશ થઈ જશે. ગ્રાહકોની માનસિક અવસ્થા એવી હોય છે કે, તેઓ જાહેરાતથી પ્રભાવિત થઈને તે ચીજ ખરીદવા માટે લલચાય છે. આપણે વિચારીએ છીએ કે હું આ ચીજ ખરીદું તો મારા ઘરના તમામ સભ્યો ખુશ થઈ જશે.

આપણે સ્થૂળ વસ્તુઓ ભેગી કરવા માટે પ્રયત્નશીલ છીએ. જે શરીરના સુખ માટે યોગ્ય છે. પરંતુ આપણે સાથે-સાથે એ પણ યાદ રાખવું જોઈએ કે, આ ચીજ-વસ્તુઓ મને ખુશી નહીં આપે. મેં એમ વિચાર્યું હતું કે, જ્યારે હું આ વસ્તુ ખરીદીશ તો મારો પરિવાર ખુશ થઈ જશે. એકવાર આપણે શાંતચિત્તે એ વિચારવું પડશે કે, આજકાલ મારા પરિવારના સભ્યોનું ખુશીનું સ્તર કેવું છે? જયારે આપણે સાંજે કાર્યસ્થળથી ઘેર આવતા સમયે બાળકો માટે કોઈ એક રમકડું કે કોઈ ચીજ લઈ આવીએ છીએ, ત્યારે બાળકો ખુશ થઈ જાય. આપણે એમ વિચાર્યું કે, આપણે બાળકોને ખુશ કરી દીધા. આ ચીજ થોડા સમય માટે બાળકોને ખુશી આપશે. ત્યારબાદ બાળકો તે વસ્તુને ભૂલી જશે અને પોતાના કામમાં વ્યસ્ત થઈ જશે. પરંતુ ચીજ-વસ્તુઓ આપીને આપણે બાળકોને જ્યાંથી ખુશી મેળવી શકતા હતા, તે માર્ગેથી તેમને દૂર કરી દીધા. હવે તો બાળકોને એક આદત (ટેવ) પડી જશે કે, જેટલી નવી-નવી વસ્તુઓ તેમની પાસે આવતી જશે એટલી ખુશી મળશે. પછી આપણે એમ કહીએ છીએ કે, બાળકોની માંગણીઓ તો પુરી જ થતી નથી. દરરોજ નવી-નવી ચીજ-વસ્તુઓની માંગણી કરે છે. હવે પ્રશ્ન એ થાય છે કે બાળકોને આવું શીખવ્યું કોણે? આપણે જ તો તેમને શીખવ્યું કે નવી-નવી ચીજ-વસ્તુઓ તમારી પાસે આવતા તમને ખુશી થશે. આપણો હેતુ તથા વ્યવહાર તેમના માટે ખૂબ શુદ્ધ છે, પરંતુ આપણે એ પણ યાદ રાખવું પડશે કે, તેના માટે આપણે જે પદ્ધતિ અપનાવી તે અયોગ્ય છે.

વધુ આવતા લેખમાં…

બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.