ખુશી એ એક અનુભૂતિ છે, કોઈ વિચાર નથી…

(બી.કે. શિવાની)

મને વિચાર આવ્યો કે, જો હું નવી સાડી ખરીદીશ, તો મને ચોક્કસ ખુશી થશે. નવી-નવી ચીજ-વસ્તુઓ થોડા સમય માટે આપણને ખુશી તો આપે છે. પણ આપણે અહીં એ પણ સમજવું જોઈએ કે, સાડી મને થોડી ખુશી આપશે? કે ખુશ કેવી રીતે રહેવું તે શીખવશે? કે કોઈ સારી અનુભુતી કરાવશે? આપણને જયારે સારું લાગ્યું, ત્યારે આપણે નવી વસ્તુઓ ખરીદીએ છીએ. પછી આપણા મિત્રો પૂછશે કે સાડી ક્યાંથી લીધી?  તમને તો સાડી ખુબ સારી લાગે છે, ખુબ શોભે છે. આવા મારા અને મારી સાડીના વખાણ સાંભળીને મને વધુ ખુશી થાય છે. આ બધી વિધિ દરમિયાન સાડી તો કંઈ કરતી પણ નથી. સાડીની પાસે મને આપવા માટે કોઈ એવી ખાસ અનુભૂતિ પણ નથી, તો તે સાડી મને ખુશી કેવી રીતે આપશે?

બીજા કોઈ એક મિત્રએ મને કહ્યું કે સાડીનો કલર સારો નથી લાગતો. સાડી તો ત્યાંની ત્યાં જ જેમ છે તેમ જ છે. પરંતુ આપણી વિચારવાની રીત બદલાઈ જાય છે. જેના કારણે આપણી ખુશી-આનંદની અનુભૂતિ પણ બદલાઈ ને દુઃખની લાગણી આવી ગઈ. આના ઉપરથી એટલું તો સ્પષ્ટ થાય છે કે, સાડી આપણને કોઈ અનુભૂતિ કરાવતી નથી. પરંતુ તે ખુશી થવાની અનુભૂતિ હું પોતે જ નિર્માણ કરું છું.

સૌ પ્રથમ તો જ્યારે હું નવી વસ્તુ ખરીદું છું, ત્યારે મને સારી અનુભૂતિ થાય છે. પરંતુ જો હું એમ વિચારું કે મારે જે વસ્તુ જોઈએ છે તે વસ્તુ હું ખરીદી શકું તેમ નથી. ત્યારે તે વસ્તુ ન ખરીદી શકવાના જે વિચારો મનમાં ચાલે છે, જેના કારણે મને ક્યાંક દુઃખ થાય છે. મારી આજુબાજુના બધાએ તે વસ્તુ ખરીદી લીધી છે, અને હું એક જ રહી ગયી છું કે વસ્તુને ખરીદી શકતી નથી.

ઉદાહરણ તરીકે, આજે બજારમાં એક નવો મોબાઈલ આવ્યો છે. જેની કિમત વીસ હજાર રૂપિયા છે. પરંતુ મારી પાસે તો જૂનો મોબાઈલ છે, જે એકદમ સાદો છે તેમાં કોઈ ખાસ કોઈ વિશેષતાઓ પણ નથી. તો આવા વિચારો મને નવો મોબાઈલ ખરીદવાની પ્રેરણા આપે છે. જયારે હું નવો મોબાઇલ ખરીદી લઉં છું ત્યારે હું વિચારું છું કે મારી પાસે તો બીજા લોકો કરતાં પણ સારો મોબાઇલ છે. પછી આપણે તે ખુશી અને આંનદથી અન્ય લોકોને જણાવી આપણે આપણી ખુશી વક્ત કરીએ છીએ. આ સમગ્ર ઘટના દરમિયાન મોબાઇલ પોતે કશું કરી રહ્યો છે? મોબાઈલ પાસે ખુશી આપવાની શક્તિ ક્યાંથી આવી? નવો મોબાઈલ ખરીદ્યા પછી મારામાં ખુશીના વિચારો આવે છે. જેના કારણે મને એવું લાગે છે કે આ મોબાઈલ જ મને ખુશી આપી રહ્યો છે.

તમારી પાસે સુંદર રંગીન સાડી છે, પરંતુ હું તે સાડી ખરીદી શકું તેમ નથી. મેં તો એક બ્રહ્માકુમારી બહેન તરીકે સફેદ સાડી પહેરી છે. મને રંગીન સાડી પહેરવાની મંજૂરી નથી. તો શું હું એમ વિચારીને દુઃખી થઈશ કે મારી મિત્ર ખૂબ ભાગ્યશાળી છે કે તે રંગીન કે સફેદ કોઈપણ સાડી પહેરી શકે છે. જ્યારે હું તો ફક્ત સફેદ સાડી જ પહેરી શકું છું. તો મેં પહરેલ સફેદ સાડી મને દુઃખ નથી આપતી, પરંતુ તે સમયે મારા મનમાં ચાલતા મારા વિચારો જ મને દુઃખી કરી રહ્યા છે. અને મારા મનમાં ઘર્ષણ શરૂ થાય છે કે, જે વસ્તુ મારી મિત્ર પાસે છે તે વસ્તુ મારી પાસે પણ હોવી જ જોઈએ અને જ્યારે તે વસ્તુ મારી પાસે આવશે ત્યારે જ મને ખુશી થશે. તો ખુશીનો અનુભવ કોઈ વસ્તુ નહીં પણ મારા મનના ખુશીના વિચારો કરવાથી જ થશે.

અહીં આપણે જોઈએ કે, ખુશી મારી સાડી ઉપર આધારિત નથી. ખુશી મારી કોઈ નવી વસ્તુ ખરીદવા કે ન ખરીદવા ઉપર આધારિત નથી. એવું પણ નથી કે મારી ખરીદેલી વસ્તુ માટે બીજા લોકો શું વિચારશે. આમ અહીં એ સ્પષ્ટ છે કે કોઈપણ વસ્તુ ફક્ત ને ફક્ત મને આરામ કે હુંફ આપી શકે, પણ તે મને ખુશી કે બીજા કોઈ પ્રકારનો અનુભવ કરાવી શકતી નથી. કારણ કે કોઈ સ્થૂળ વસ્તુમાં ખુશી ઉત્પન્ન કરવાની શક્તિ નથી. આપણા વિચારો દ્વારા જ ખુશીની અનુભૂતિ કરી શકાય. તે બાબત ઉપર આપણે અહીં પ્રકાશ પાડીશું. આજે આપણને એક વાત સ્પષ્ટ રીતે સમજાઈ ગઈ કે કોઈપણ ચીજ-વસ્તુઓ આપણને ક્યારેય ખુશી આપી શકતી નથી. પરંતુ હું પોતે પોતાની જાતને ખુશી આપી શકું છું. કારણ કે હું પોતે  ચૈતન્ય છું અને વસ્તુઓ તો જડ છે, નાશવંત છે.

ખુશી એ એક અનુભૂતિ છે. કોઈ વિચાર નથી કે જેની આપણે વાત કરીએ છીએ. મારી ખુશીનો ગ્રાફ આખા દિવસમાં કેટલીવાર ચડે કે ઉતરે છે? શું દિવસમાં એવી કોઈ ઘડી આવે ને મારી આંતરિક ખુશી કોઈ પણ પ્રકારના સંજોગોમાં પણ સ્થિર અને એકરસ રહી શકે. એવું શું શક્ય છે?

ખુશી એટલે શું? ખુશી એક અનુભૂતિ છે કે એક સંકલ્પ છે? ખુશી વાસ્તવમાં તો એક પ્રકારની અનુભૂતિ જ છે, તે એક અનુભવ છે. પરંતુ લાવવા માટે કોઈને કોઈ માધ્યમ તો જરૂર જોઈએ. આપણે આખા દિવસ દરમિયાન અનેક પ્રકારના અનુભવો કરતા હોઈએ છીએ. ક્યારેક ખુશ, ક્યારેક દુઃખ-દર્દ, કે ક્યારેક ચિંતા. પરંતુ આ બધી અનુભૂતિઓને હું પોતે શેના આધારે અનુભવ કરું છું? તે સમજવું ઘણું જરૂરી છે. ખુશીની અનુભૂતિનો આધાર આપણા વિચારો કે સંકલ્પ જ છે. જે સમયે ઉત્પન્ન કરું છું, તે સમયે તેવી અનુભતી થાય છે.

મેં કોઈ એક સુંદર મજાનું ફૂલ જોયું અને મન ખુશ થઈ ગયું. તેનું મૂળ કારણ તો એ છે કે તે ક્ષણે હું એવો સંકલ્પ કરું છું કે, આ ફુલ તો ખરેખર કેટલું બધું સુંદર છે! પણ એવું બની શકે કે, જે સુંદર ફુલ મને ખુશીની અનુભૂતિ કરાવે છે તે જ ફુલ પાસેથી હું પસાર થઈ જાઉં, અને છતાં પણ મને કોઈ જ પ્રકારની અનુભૂતિ ન થાય. કારણ કે મેં તે ફુલને જોઈને મનમાં તેના વિશે કોઈ વિચારો જ ન કર્યા. તો મનમાં કેવી અનુભૂતિ થાય? પણ ફુલ આગળથી પસાર થતી વખતે જો હું થોડો સમય ત્યાં રોકાઈ જાઉં અને મનમાં સંકલ્પ કરું કે આ ફૂલ કેટલું સુંદર છે! તેનો રંગ ઘણો આકર્ષક છે. તેની સુગંધ કેટલી સરસ છે! ફૂલના વિશે સુંદર વિચારો મનમાં કર્યા પરિણામે મને તે ફૂલની સુંદરતાનો અનુભવ થયો. તે સમયે કોઈએ આવીને આપણને કશુંક કહી દીધું. તો હવે આપણી વિચારવાની આખી પ્રક્રિયા બદલાઈ જશે. આ વ્યક્તિએ મને આવું શા માટે કહ્યું? પરિણામે આપણી અનુભૂતિ પણ આપોઆપ બદલાઈ ગઈ. ફુલ તો હજુ સુધી ત્યાંનું ત્યાંજ છે, પરંતુ હવે તે આપણને કોઈ અનુભૂતિ કરાવી રહ્યું નથી.

ફૂલ જોઈને મને એવું પણ યાદ આવે છે કે, મારા પતિ શરૂઆતમાં તો મારા માટે કેટલાં સુંદર સુંદર ફૂલો લાવી આપતા હતા, પરંતુ હવે તો લાવતા જ નથી. ફુલ તો ત્યાંનું ત્યાંજ છે, પરંતુ ફૂલને જોઈને આપણે અનેક પ્રકારના વિચારો આવ્યા. આપણે જે પ્રકારના વિચારો કરીશું એજ પ્રમાણે આપને અનુભવ થશે. હું આખો દિવસ કે જીવન પર્યંત કેવી અનુભૂતિ કરવા ઈચ્છું છું? તે મારા વિચારો ઉપર જ આધારિત છે.

અનુભવ બે પ્રકારના થાય છે. અનુભવ સારા પણ હોઈ શકે છે અને અનુભવ દુઃખદાયક પણ હોઈ શકે. ધારો કે મેં આજે એક નવી ગાડી ખરીદી. મારી બહેને મારાથી પણ મોટી ગાડી ખરીદી, અને મને જયારે એવા વિચાર આવે છે કે તેણે તો મારાથી પણ મોટી અને સરસ ગાડી ખરીદી, ત્યારે મને તેની અદેખાઈના વિચારો થાય છે. પરંતુ જો તે સમયે હું એમ વિચારું કે ખુબ જ સરસ વાત છે કે, મારી બહેને પણ એક સારી ગાડી ખરીદી. તો મને હવે આવા વિચારોથી સુખની અનુભૂતિ થશે. હવે જે પ્રકારની અનુભૂતિ મને થશે તેના આધારે જ મનમાં મને બીજા વિચારો આવશે.

હવે આપણે એમ સમજીએ કે વિચાર પહેલા આવે છે કે અનુભૂતિ?  જ્યારે આપણે સમાચાર સાંભળીએ છીએ કે કોઈ સ્થળે મોટો અકસ્માત થઈ ગયો, કોઈ સ્થળે કોઈની સાથે અન્યાય થઇ રહ્યો છે, કોઈ સ્થળે ખૂબ વરસાદ પડી રહ્યો છે. ત્યારે આપણને દુઃખની અનુભૂતિ થશે. પરંતુ દુઃખની અનુભૂતિ કરતા પહેલા આપણે શું કર્યું? સમાચાર પહેલા આપણે પણ મનમાં આવ્યા અને તે વિચારોના આધારે હવે આ લોકોનું શું થશે? તેમની સાથે આવી ઘટના ઘટી, હવે તેમનું ભવિષ્ય કેવું હશે? વગેરે વગેરે… આપણે પહેલા વિચાર કરીએ છીએ ત્યારબાદ તેનું પરિણામ આપણને અનુભૂતિના રૂપમાં મળે છે.

આપણે આપણા દિવસની શરૂઆત કેવી રીતે કરીયે છીએ તે સમજીએ. માનો કે મેં સવારે 5:00 વાગ્યાનું એલાર્મ મુક્યું હતું.  પરંતુ એલાર્મ વાગ્યું નહીં અને મારે સવારે ઊઠવામાં મોડું થઈ ગયું. જેવી હું ઉઠી ત્યારે મારા મનમાં સૌ પ્રથમ એ વિચાર આવે છે કે, મારે ઊઠવામાં ઘણું મોડું થઈ ગયું. એક વિચારના કારણે મારી આખી ઉર્જાનું સ્તર બદલાઈ જાય છે. હું વિચારું છું કે હવે મારી પાસે કસરત કરવા માટે સમય નથી. હવે જલ્દી-જલ્દી બધી તૈયારી કરવી પડશે. ત્યારબાદ અનેક ચિંતાયુક્ત વિચારો મનમાં આવવાના શરૂ થઈ જાય છે. ત્યારે હું એમ કહું છું કે, આજે મારો દિવસ સારો ન ગયો, કોણ જાણે સવાર સવારમાં  કોનો ચહેરો જોયો હતો? પરંતુ આમાં કોઈનો ચહેરો જોવાની વાત જ નથી. પરંતુ સવારે ઉઠતા સમયે સૌ પ્રથમ મેં કયો વિચાર કર્યો હતો? તેની ઉપર આખા દિવસની માનસીક અવસ્થાનો આધાર હોય છે. વાસ્તવમાં સવારે ઉઠતા સમયે સૌ પ્રથમ દસ મિનિટ એકાંતમાં શાંત ચિત્તે બેસીને સકારાત્મક વિચારો કરીએ, પરમાત્માને યાદ કરીએ, કારણ કે આખા દિવસની આપણી મનની અવસ્થાનો આધાર સવારના ઉઠીને પ્રથમ 10 મિનિટમાં કરેલ સંકલ્પ ઉપર જ હોય છે.

જેવી રીતે આપણે આપણી આખા દિવસની દિનચર્યાનું ટાઈમ-ટેબલ બનાવીએ છીએ, તેવી જ રીતે આપને એ પણ પ્લાનિંગ કરીએ કે મારે મારા દિવસની શરૂઆત કેવા વિચારો સાથે કરવી છે? પરિણામે હું જાગૃત થઈ જાઉં છું, હું સકારાત્મક વિચારો કરી શકું છું અને મારામાં આત્મવિશ્વાસ આવતો જશે. હું કેવા પ્રકારના વિચારો કરવા માગું છું? તે પસંદ કરવાની શક્તિ મારી પોતાની પાસે જ છે.

વધુ આવતા અંકમાં….

બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]