પોતાના પરિવર્તનથી સંસારનું પરિવર્તન

(બી. કે. શિવાની)

અન્ય પ્રત્યે શુભ ભાવના ઉત્પન્ન કરવાની નથી હોતી. એવું નહીં કે બેસીને અન્ય પ્રત્યે વિચારું  કે તેની સાથે બધુ સારું થાય. આને શુભ ભાવના નહીં કહેવાય. શુભ ભાવના એ છે કે અન્ય પ્રત્યે કોઈ પણ નકારાત્મક પ્રકારના વિચાર ન ચાલે અને આપણે મનથી શાંત રહીએ. જેવી રીતે પરિસ્થિતિ આવી અને પરિસ્થિતિ ગઈ. પરંતુ પરિસ્થિતિએ મારા ઉપર કોઈ પ્રભાવ ન પાડ્યો , તો તે મનની સ્થિરતા છે. ઋતુમાં પરિવર્તન આવ્યું અને હું તે પરિવર્તનને સ્વસ્થતા પૂર્વક પસાર કરી શકી, તે છે સ્થિરતા. તેવી જ રીતે કોઈ વ્યક્તિના વ્યવહારમાં પરિવર્તન આવ્યું, પરંતુ તેનો પ્રભાવ મારા ઉપર ન પડ્યો. શું આ શક્ય છે કે નહીં ? તો આપણે આવો પ્રયત્ન કરીને જોઈએ.

એક ભાઈ મારી પાસે આવ્યા, તેઓએ કહ્યું કે મેં વર્ષોથી મારી માતા સાથે વાત નથી કરી. મેં પૂછ્યું કેમ વાત નથી કરી? તેઓએ જણાવ્યું કે મારી માતાએ મારા જીવનમાં ઉથલ-પાથલ લાવી દીધી, જેના કારણે  હું, મારી પત્ની અને મારી માતા ત્રણે બહુ જ દુઃખી છીએ. મેં કહ્યું કે આજે પ્રોગ્રામ પછી તમારી માતા સાથે વાત કરી લો. તેઓએ કહ્યું  કે આનો તો પ્રશ્ન જ નથી ઉઠતો. હું ક્યારેય માતા સાથે વાત નહીં કરું, કારણ કે તેઓએ મારી સાથે આટલો બધો ખરાબ વ્યવહાર કર્યો.

આ પરિસ્થિતિમાં ગંભીરતા પૂર્વક વિચાર કરીએ તો આપણે અનુભવી શકીએ છીએ કે તેમની પાસે બે જ વિકલ્પ છે. તો હંમેશા આ પ્રકારે દુઃખમાં જીવતા રહે અથવા તો જઈને પોતાની માતા સાથે વાત કરે. તેઓ પ્રોગ્રામ પછી ગયા અને માતા સાથે વાત કરી અને હળવા થઈ ગયા. શું આ અઘરું લાગ્યું ? જ્યારે આ પ્રકારે કોઈ પણ પગલું ભરીએ છીએ ત્યારે વિચારીએ છીએ કે આ મારી કમજોરી છે. પરંતુ વાસ્તવમાં આ મારી શક્તિ છે કે હું તેમની સાથે ધીરજ તથા સ્નેહથી થી વાત કરી શકું.

જો મારું જીવન અને મારું મન મારા વશમાં છે તો જીવનમાં દરેક પરિસ્થિતિમાં સુખ, શાંતિ, આનંદ નો અનુભવ નિશ્ચિત છે. આ માટે જે ઘટના બની તેની ઉપર પૂર્ણ વિરામ મૂકો અને સ્થિતિને મધુર બનાવો. જો આપણે ઓફિસમાં પોતાના બોસ  અંગે નકારાત્મક વિચારો ચાલુ રાખીશું તો આપણે જીવનમાં દુઃખ-દર્દ તથા સિનિયર અધિકારી પ્રત્યે કડવાપન સાથે કામ કરીશું, તો તે ફક્ત આપણા પૂરતું  મર્યાદિત નહિ રહે પરંતુ ઘેર જઈશું તો પરિવારના સભ્યો પર ગુસ્સાના રૂપમાં બહાર આવશે. આ રીતે આપણે આપણા જીવનની ક્વોલિટી બનાવી રહ્યા છીએ. આની શરૂઆત આપણા વિચાર થી થાય છે. આપણે પોતાના મનને સકારાત્મક  બનાવીએ. બીજાને જે રીતે વાત કરવી હોય તે રીતે કરવા દઈએ. બીજાને માફ કરીને સ્વયંને દુઃખ-દર્દથી મુક્ત કરી શકીએ છીએ.  અન્ય વ્યક્તિને ગુસ્સો કરવો હોય તો કરવા  દઈએ. પરંતુ મેં જો પોતાના મનને કહી દીધું કે મારે એકરસ સ્થિતિમાં રહેવું છે. તો મેં સ્વયંને દુઃખ-અશાંતિ-હતાશાથી બચાવી લીધી. સાંજે ઘરે આવીશું ત્યારે આપણને કેવો અનુભવ થશે ? જો આપણે કોઈ વ્યક્તિ પ્રત્યે કોઈ વાતને પકડી નહીં રાખીએ અને માફ કરીશું તો આપણે સહજ રહી  શકીશું.

આમ છતાં પણ જો તેઓ આપણા ઉપર ગુસ્સો કરે છે તો તે તેમની બાબત છે.  આપણે નારાજ કે દુઃખી થઈશું તો શું તેઓ ઠીક થઈ જશે ? આનાથી વિપરીત જો આપણે સારી રીતે વાત કરીશું તો તેમનો વ્યવહાર પોતાની જાતે જ સારો થઈ જશે. આપણે આખો દિવસ શું કરીએ છીએ! શું હું નારાજ થઈશ તો તેઓ બદલાઈ જશે? ક્યારેય નહીં. જીવનની આ યાત્રામાં મનુષ્ય એક બીજાને બદલવા ઈચ્છે છે. પ્રાપ્તિ નો અર્થ સારી નોકરી, સારુ લગ્ન જીવન કે  ધનની પ્રાપ્તિ નથી. પ્રાપ્તિ નો અર્થ છે હું દિવસ દરમિયાન માનસિક રીતે કેવો અનુભવ કરું છું?

જીવનના દરેક તબક્કામાં જેવી રીતે ઘરથી બહાર જવા માટે આપણે તૈયાર થઈએ છીએ, શરીરની અને ગાડી ની તૈયારી કરીએ છીએ, જરૂરી તમામ વસ્તુઓ ની તૈયારી કરીએ છીએ, તેવી જ રીતે મનને પણ તૈયાર કરીએ. હવે આપણે આ બાબતનો અભ્યાસ કરીશું. આપ દરરોજ દરેક કાર્ય શરૂ કરતા પહેલા બે-ત્રણ મિનિટ નો સમય કાઢી તેનો અભ્યાસ કરશો. જેનાથી આપને ખૂબ જ ફાયદો થશે. આપનો દિવસ ખુશી પૂર્વક પસાર થશે.

વધુ આવતા અંકમાં.

 

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)