મનના વિચારોને ઓળખો

જ્યારે આપણને ભયનો અનુભવ થાય ત્યારે મારા મનમાં કેવા વિચારો ચાલી રહ્યા છે? તે જોવો.  જરૂર તે નકારાત્મક વિચારો જ હશે. ઘણાં બધાં પ્રયત્નો કરવા છતાં પણ ખુશ નથી રહી શકતા તેનું કારણ એ છે કે આપણે આપણી ખુશી માટે બીજા ઉપર આધાર રાખીએ છીએ. જેમ-જેમ આપણે પોતાની ખુશી માટે બહારની ચીજ-વસ્તુઓ પર આધાર રાખવાનું છોડતા જઈશું તેમ-તેમ આપણને એ અનુભવ થશે કે આપણી ખુશી બહારની ચીજો પર આધારિત ન હતી. જો મારી ખુશી શરીરની તંદુરસ્તી પર આધારિત હશે તો સતત એ ડર લાગ્યા કરશે ક્યાંક મારા શરીરમાં બીમારી ના આવી જાય! એક વિજ્ઞાન એ છે આપણે બહારથી જે કામ કરીએ છીએ તે કાર્ય કરતી વખતે અંદર પણ એ જ અનુભૂતિ કરીએ છીએ. તમારા માટે હું ઘણું બધુ કામ કરું છું. જેમ કે બધા માટે સારું ભોજન બનાવું છું. પણ જો અંદર થી હું કોઈ ડરમાં છું તો તેવા જ ડરના તરંગો તે ભોજનમાં ઉત્પન્ન થશે. કારણ કે આ બધાં કામ હું બધાને ખુશ કરવા માટે કરી રહી છું. એક બાબત ખૂબ જ મહત્વપૂર્ણ છે કે કોઈ પણ કાર્ય કરતી વખતે મારા દ્વારા કેવા તરંગો ઉત્પન્ન થાય છે. તે ખાસ જોવું જોઈએ. આજે આપણે આટલી બધી મહેનત કરવા છતાં પણ અંદરથી શક્તિશાળી જેટલા હોવા જોઈએ તેટલા હોતા નથી. કારણ કે આજે કદાચ પહેલા કરતાં ઘણું વધારે કામ કરી રહ્યા છીએ પરંતુ અંદરથી જે ઊર્જા ઉત્પન્ન થવી જોઈએ તેટલી શક્તિશાળી નથી.

એક પતિ-પત્ની બંને નોકરી કરે છે. બંનેને અંદરથી એમ થાય છે કે અમે પોતાના બાળકોને માટે જેટલો સમય ફાળવવો જોઇએ તેટલો ફાળવી શકતા નથી. જ્યારે પત્ની ઘેર આવે છે ત્યારે તે બાળકોને ખુશ કરવાનો પ્રયત્ન કરે છે. તે વિચારે છે કે બાળકોની દરેક વાત માની લઊં તથા તેઓને જે જોઈએ તે બધું જ આપું. તેમના મનમાં એવો ભાવ હોય છે કે હું મારી ભૂલ પણ સુધારું અને બાળકોને કોઇ ફરિયાદ પણ ન રહે. આમ કરવાથી સંબંધ તો ખુબ સરસ બની ગયા પરંતુ તેમ કરતાં-કરતાં બાળકોને ફાયદો કરાવવાના બદલે નુકસાન કરી દીધું. બાળકોની સાચી કે ખોટી તમામ માગણીઓ પૂરી કરવાથી તેમનું નુકસાન થાય છે. આની માતાને ખબર નથી પડતી કારણ કે તેને લાગે છે કે હું જે કરું છું તે બાળકોના સારા માટે કરું છું.

હું તમને ખૂબ ખુશ કરવા પ્રયત્ન કરું છું, પણ જો તમે મારાથી ખુશ ન થયા તો હું એકદમ પ્રતિક્રિયા આપી તમારાથી દુર જતો રહું છું. જો હું મનથી શાંત છું, સ્થિર છું, તો મારી ખુશી મારા હાથમાં છે. ખરેખર તો મારે બીજાને ખુશ નથી કરવાના પરંતુ મારે પોતે અંદરથી ખુશ રહેવાનું છે. જો હું આંતરિક ખુશ હોઈશ તો મારા શરીરમાંથી યોગ્ય તરંગો નીકળશે, અને મારી ભાષા પણ યોગ્ય હશે. કારણ કે મારા બોલ, શબ્દ તથા કર્મનું બીજ આત્મામાં છે. જો આપણે અંદરથી ભય અને દુઃખનો અનુભવ કરીએ તો સારું બોલવા, સારું કામ કરવા માટે મહેનત પણ કરવી પડશે.

 

જ્યારે મેં અનુભવી લીધું કે ખુશી મારી પોતાની રચના છે, તો મને મારી જાતથી હવે ડર નહીં લાગે. પણ જયારે હું કોઈ પાસેથી દુઃખ-દર્દ લવું છું ત્યારે મનમાં વિચારોનું ચક્ર ચાલે છે. ધારો કે ઘરમાં સવારે અશાંતિ થઇ, તેથી જે નકારાત્મક ઊર્જા ઉત્પન્ન થઈ તે માત્ર તમારા ઘર સુધી જ નહિ પણ તમારા કાર્યના સ્થાન સુધી પણ આવે છે. મનમાં વિચારોનું ચક્ર ચાલુ થઈ જાય છે કે આ વ્યક્તિ તો આવા જ છે, મારી વાત કોઈ સાંભળતું નથી. આ પ્રકારે નકારાત્મક વિચારો ઉત્પપન્ન થવાથી તેની અસર આપણા કાર્ય ઉપર પણ પડે છે. પરિણામે ઓફિસમાં આપણું મન લાગતું નથી અને જ્યારે ઘેર પાછા આવીશું ત્યારે તે જ પ્રકારની  દુઃખ-અશાંતિ, નિરાશાની ઉર્જા સાથે આપણે ઘેર પાછા આવીશું. આ ઉર્જા આખો દિવસ આપણી સાથે જ રહે છે.

જો એકવાર આપણે દરેક સ્થિતિમાં રહેવાનું શીખી લીધું તો હંમેશા આપણે ખુશ રહી શકીશું. સ્થિરતા અર્થાત આપણો મૂળ સ્વભાવ – “ખુશી, પ્રેમ અને શાંતિ” દરેક સંજોગોમાં સ્વાભાવિક રીતે પ્રવાહિત થતા રહે. આપણે તે માટે કોઈ પ્રયત્ન ન કરવો પડે. આ એક એવી બાબત છે જે સામેની વ્યક્તિ સુધી સૌથી પહેલા પહોંચે છે. હવે આપણને સૌને એ સ્પષ્ટ થઈ ગયું છે કે આપણો ઉદ્દેશ્ય શું છે? બીજી વ્યક્તિએ કરેલી વાતો આપણને વિચલિત નહીં કરે. આપણે જ્યારે શાંત રહીએ છીએ ત્યારે બીજા સાથે સંબંધોમાં પણ સહજ રહીએ છીએ. અર્થાત શાંતિ એ આપણો સ્વભાવ બની જાય છે. શાંતિ, ખુશી, પ્રેમ સ્વરૂપ બનવાથી આપણે સતત તેનો અનુભવ કરતા રહીશું અને આપણી સાથે સંપર્કમાં આવનાર વ્યક્તિ પણ આપણા આ તરંગોથી પ્રભાવિત થશે.

– વધુ આવતા અંકમાં.

(બી. કે. શિવાની)

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)