બત્રા હોસ્પિટલમાં ઓક્સિજનની અછતે 12 દર્દીઓનાં મોત

નવી દિલ્હીઃ દિલ્હીની બત્રા હોસ્પિટલમાં શનિવારે બપોરે એક ડોક્ટર સહિત 12 કોરોના દર્દીઓનાં મોત કથિત રીતે ઓક્સિજનની અછતને કારણે થયાં છે. આ સપ્તાહે બીજી વાર ઓક્સિજનની અછતને પગલે દર્દીઓએ જીવ ગુમાવવા પડ્યા હતા. દિલ્હી હાઇકોર્ટમાં દિલ્હીમાં ગહેરાતા ઓક્સિજન સંકટ પર સુનાવણી દરમ્યાન હોસ્પિટલના અધિકારીઓએ જણાવ્યું હતું કે ઓક્સિજનના રિ-સપ્લાય માટે ટેન્કર હોસ્પિટલમાં બપોરે 1.30 કલાકે પહોંચ્યા હતા, જેને કારણે હોસ્પિટલમાં આશરે 80 મિનિટ સુધી ઓક્સિજન વિના રહ્યા હતા. કોર્ટને હોસ્પિટલે જણાવ્યું હતું કે બપોરે 12.45 કલાકે ઓક્સિજન ટેન્કર ખતમ થયું હતું. સપ્લાય બપોરે 1.30 કલાકે પહોંચ્યો હતો અને અમારા દર્દીઓ આશરે 80 મિનિટ વિના ઓક્સિજન રહ્યા હતા.

કોર્ટે કહ્યું હતું કે અમને આશા છે કે કોઈનો પણ જીવ નહીં ગયો તો એના જવાબમાં હોસ્પિટલે જણાવ્યું હતું કે આ સંકટમાં અમારા એક ડોક્ટરનું મોત થયું છે. આ પહેલાં બત્રા હોસ્પિટલના ડિરેક્ટર ડો. સુધાંશુ દ્વારા એક SOS જારી કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે અમારો ઓક્સિજન ખતમ થઈ રહ્યો છે. કેટલાક છેલ્લાં સિલિન્ડર બચ્યાં છે. આગામી  10 મિનિટમાં હોસ્પિટલમાં સંપૂર્ણ રીતે ઓક્સિજન ખતમ થશે. અમે ફરી એક વાર ઓક્સિજન સંકટમાં ઘેરાઈ ગયા છે, એમ તેમણે કહ્યું હતું.

ડો. સુધાંશુના જણાવ્યાનુસાર દિલ્હી સરકાર અમારી મદદ કરી રહી છે, પણ ઓક્સિજનના ટેન્કર હજી રસ્તામાં છે અને એને પહોંચવામાં સમય લાગશે. હોસ્પિટલે જણાવ્યું હતું કે અમારી હોસ્પિટલમાં 307 દર્દી દાખલ છે, જેમાંથી 230 ઓક્સિજન પર નિર્ભર છે.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]