BAPS સંસ્થાની વધુ એક સિદ્ધિ: સ્વામિનારાયણ હિંદુ માન્યતા પ્રણાલી દર્શાવતા પુસ્તકનું વિમોચન

દુનિયાની સૌથી જૂની ને જાણીતી તથા પ્રતિષ્ઠિત તેમ જ બૌદ્ધિક વિષયનાં પુસ્તકો છાપવા માટે સુખ્યાત એવી પ્રકાશન સંસ્થા “કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસ” દ્વારા તાજેતરમાં “ઍન ઈન્ટ્રોડક્શન ટુ સ્વામિનારાયણ હિંદુ થિઑલૉજી” નામનું પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું. સાડા ત્રણસો પૃષ્ઠોમાં ફેલાયેલા, અંગ્રેજી ભાષાના આ દળદાર પુસ્તકનો વિષય છેઃ અક્ષર-પુરુષોત્તમ દર્શન.

(ડાબેથી) પુસ્તકના રચયિતા, બીએપીએસના સંત પૂજ્ય પરમતત્વદાસ સ્વામી, ઑક્સફર્ડ સેન્ટર ફૉર હિંદુ સ્ટડીઝના ડિરેક્ટર શૌનક રિશી દાસ, લંડનની એસઓએએસ યુનિવર્સિટીમાં સંસ્કૃત-ક્લાસિકલ ઈન્ડિયન સ્ટડીઝના લેક્ચરર ડૉ. જેમ્સ મેલિસન તથા કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં હિંદુ સ્ટડીઝના લેક્ચરર ડૉ. અંકુર બૌરા

પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી તથા પરમ પૂજ્ય મહંત સ્વામીના આશીર્વાદથી “બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા” (“બીએપીએસ”)ના વિદ્ધાન સંત પૂજ્ય પરમતત્વદાસ સ્વામી દ્વારા રચિત આ સંશોધનાત્મક ગ્રંથમાં સ્વામિનારાયણ હિંદુ ધર્મશાસ્ત્રનો પરિચય કરાવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે પૂજ્ય પરમતત્વદાસ સ્વામી પોતે ઈંગ્લેન્ડની વિશ્વવિખ્યાત “ઑક્સફર્ડ યુનિવર્સિટી”માં અભ્યાસ કરી ચૂક્યા છે.

અદભુત કહેવાય એવું આ પુસ્તક સ્વામિનારાયણ સંપ્રદાયની પરંપરાની માન્યતા પ્રણાલીનો પરિચય તો કરાવે જ છે, સાથે સાથે ભગવાન સ્વામિનારાયણ દ્વારા પ્રબોધિત વૈદિક આદર્શોને કેન્દ્રમાં રાખી એમના ઉપદેશોની ચર્ચા કરે છે. આ ઉપરાંત પુસ્તકમાં હિંદુ ધર્મના પાયા સમાન “ઉપનિષદ”, “શ્રીમદ ભગવદ ગીતા” તથા “બ્રહ્મસૂત્ર” જેવા ત્રણ ધર્મગ્રંથો પર ટિપ્પણી કરવામાં આવી છે.

આ પુસ્તકનું વિમોચન લંડન, યુકે ઉપરાંત નૉર્થ અમેરિકાના રૉબિન્સવિલમાં પણ કરવામાં આવ્યું. બે ભાગમાં પ્રકાશિત આ પુસ્તકના ભાગ-1માં સ્વામિનારાયણ ધર્મશાસ્ત્રનાં સ્ત્રોત તથા સાધનોનું વર્ણન છે, જ્યારે ભાગ-2માં વ્યવસ્થિત રીતે તેનાં વિશિષ્ટ પાંચ શાશ્વત તત્વો – પરબ્રહ્મ, અક્ષરબ્રહ્મ, માયા, ઈશ્વર, જીવ – અને મુક્તિ (આધ્યાત્મિક મુક્તિ) પર પ્રકાશ પાડે છે.

પુસ્તકનું વૈશિષ્ટ્ય એ કે એના રચયિતા પૂજ્ય પરમતત્વદાસ સ્વામીએ સરળ ભાષામાં સ્વામિનારાયણ હિંદુ માન્યતા પ્રણાલી સમજાવી છે, જે વિદ્વાનો, સંશોધકો, વિદ્યાર્થીઓ તથા પંડિતોને એકસરખી રીતે સ્પર્શી જાય છે.

‘અક્ષર-પુરુષોત્તમ દર્શન’ પુસ્તક દર્શાવતા બીએપીએસના વર્તમાન આધ્યાત્મિક વડા પૂજ્ય મહંત સ્વામી

બીએપીએસના વર્તમાન આધ્યાત્મિક વડા પૂજ્ય મહંત સ્વામીને પુસ્તક અર્પણ કરી રહેલા પૂજ્ય પરમતત્વદાસ સ્વામી.

લંડન, યુકેમાં પુસ્તક-પ્રકાશનના અવસરે મંચ પર બિરાજમાન “બીએપીએસ”ના મોટેરા સંતો.