સોનાની દ્વારકા ક્યાં છે ?

અહેવાલ- ભરત પંચાલ

ડાપ્રધાન નરેન્દ્ર મોદી 7-8 ઓકટોબર ગુજરાતના પ્રવાસે આવ્યાં છે. પીએમ મોદીએ દ્વારકાધીશના દર્શન કરીને જાહેરસભામાં સોનાની દ્વારકાનો ઉલ્લેખ કર્યો, કહ્યું કે નિષ્ણાતોને કામ સોંપ્યું છે, કે સોનાની દ્વારકા ક્યા છે ?. ક્યા ગઈ એ સોનાની દ્વારકા… સૌથી મોટો સવાલ છે… ઈતિહાસના પાનાં પર સોનાની દ્વારકાની વાત રહી છે કે પછી માત્ર કથા છે. એ તો તપાસનો વિષય છે. આજે આપણે આ સોનાની દ્વારકાનો ઈતિહાસ ફંફોસીસું અને જાણવાનો પ્રયત્ન કરીશું કે હકીકત શું છે.?

શ્રીકૃષ્ણ અને યાદવો મથુરા છોડીને સૌરાષ્ટ્રના સમુદ્રતટે આવ્યા, ત્યારે નગરીના નિર્માણ માટે વિશાળ સાગરતટ પ્રદેશ પર તેમની નજર ઠરે છે, અને વિશ્વકર્માજીને  આહ્વવાન કરે છે, અને દ્વારકા નગરીના નિર્માણ માટે કહે છે. જો સમુદ્રદેવ દ્વારકાનગરીના નિર્માણ માટે થોડી ભૂમિ આપે તો જ આ કાર્ય પાર પડે તેમ હતું. શ્રી વિશ્વકર્માએ શ્રી કૃષ્ણને આ વાત જણાવી, ત્યારે શ્રી કૃષ્ણએ સમુદ્રદેવની આરાધના કરી અને પ્રસન્ન થઈને સમુદ્રદેવે બાર જોજન જેટલી જમીન સમર્પિત કરી. તેના પર વિશ્વકર્માજીએ સોનાની દ્વારકા નગરીનું નિર્માણ કર્યું. આ નગરીને દ્વારાવતી તથા કુશસ્થલીના નામથી પણ ઓળખાય છે.

મહાભારતના યુદ્ધના 36 વર્ષ પછી શ્રીકૃષ્ણ ભગવાને રચેલી દ્વારકા સમુદ્રમાં સમાઈ જાય છે. ત્યાર પછી એક દંતકથા મુજબ કૃષ્ણના જીવનનો અંત સોમનાથ પાસેના ભાલકાતીર્થમાં પારધીના બાણથી ઘવાયા હતા અને અરબી સમુદ્રના તટે સોમનાથની તીરે ત્રિવેણી સંગમ ખાતે શ્રીકૃષ્ણે દેહોત્સર્ગ કર્યો હતો. તે સમય પછી આ પ્રાચીન દ્વારકા નગરી સમુદ્રના પેટાળમાં હંમેશને માટે સમાઈ ગઈ હતી. મહાભારતના યુદ્ધ પછી યુધિષ્ઠિરનું રાજતિલક થયું ત્યારે કૌરવોની માતા ગાંધારીએ મહાભારતના યુદ્ધ માટે શ્રીકૃષ્ણને જવાબદાર ગણીને શ્રાપ આપ્યો હતો કે કૌરવોના વંશનો જે રીતે નાશ થયો છે, તે રીતે જ યદુવંશનો પણ નાશ થશે. તે પ્રમાણે જ અર્જુન આવીને દ્વારકાવાસીઓને પોતાની સાથે લઈ જાય છે, પણ તે પહેલાં કૃષ્ણના પરિવારજનો સ્વર્ગે સીધાવે છે.

મહાભારતમાં કહેવાયું છે કે આખરે પ્રલયમાં દ્વારકા નગરી ડૂબી ગઈ. દ્વારકાના સાગરકાંઠે આર્કિયોલોજી દ્વારા થયેલા સંશોધનોમાં પાણી નીચે નગરના અવશેષો મળ્યાં છે. ઈસવીસન પૂર્વે 1500 વર્ષ જૂની હડપ્પા સંસ્કૃતિનું તે નગર મનાય છે. શ્રદ્ધાળુઓ તેને કૃષ્ણની સોનાની દ્વારકા જ માને છે.

ઈતિહાસકારોમાં દ્વારકા ક્યા હતી એ અંગે અનેક મતમતાંતર છે. કૃષ્ણયુગ પુરો થયો ને પાંચ હજાર વર્ષ પુરા થઈ ગયાં છે, પણ હજી કૃષ્ણની દ્વારકા કયાં હતી, તે પ્રશ્ન એમનો એમ રહ્યો છે. દરિયાના તળિયે સોનાની દ્વારકા ડૂબી ગઈ તેની દંતકથા છે. માટે સમુદ્રના પાણીમાં દ્વારકા નગરી હોવાની માન્યતા પ્રબળ છે. અને એ દિશામાં સંશોધન થઈ રહ્યું છે. પણ હજી સુધી નક્કર કહી શકાય તેવા કોઈ પુરાવા મળ્યાં નથી.

આજની દ્વારકા નગરી તે જ મૂળ દ્વારકા નગરી હોવાનું મનાય છે. ભક્તકવિ નરસિંહ મહેતાએ શામળિયાને હૂંડી લખી હતી તેમાં જે સરનામું ટાંકયું હતું, ‘ સ્વસ્તી શ્રીમંત શુભ સ્થાન દ્વારામતી, રાય રણછોડને કરું પ્રણામ, સાગરબેટમાં ઠેઠ મધ્યે વસો, શામળા શેઠ પ્રસિદ્ધ નામ’. તે મુજબ જોઈએ તો બેટદ્વારકા એ અસલ દ્વારકા છે. બીજી તરફ આદ્ય શંકરાચાર્ય હાલની દ્વારકાને ઓરિજનલ દ્વારકા ગણે છે. માટે તેમણે શારદાપીઠની સ્થાપના કરી હતી. પુરાત્વ જાણકારો પણ આ દ્વારકાને અસલ દ્વારકા ગણે છે. બીજી વાત એવી છે કે મહાભારતના ઉલ્લેખ પ્રમાણે દ્વારકા રૈવતક નામના પર્વત પાસે હતું. આજનું દ્વારકા જ્યાં છે, તો કોઈ પર્વત નથી. એક શકયતા એ છે કે જૂનાગઢને દ્વારકા તરીકે રજૂ કરાઈ રહ્યું છે, પણ કોઈ પુરાવા કે સંકેત મળતા નથી.

કોડીનાર પાસે મૂળ દ્વારકા નામનું ગામ છે. અહીંથી ઈસવીસન દસમી સદીના અવશેષો મળી આવ્યાં છે. ખોદકામ દરમિયાન અહીંથી ગોળાકાર બાંધકામ મળ્યું હતું. અને આ બાંધકામ પંદર ફૂટ ઊંચું હતું. સૌરાષ્ટ્રની પ્રાચીન દીવાદાંડી પણ મળી છે. જાણીતા પુરાત્વશાસ્ત્રી દ્વારકા અહીં હોવાનું માનતાં હતાં.

જો કે દ્વારકાના અનેક સરનામા મળ્યાં છે, પણ હજુ સુધી કોઈ નક્કર પુરાવા કે સંકેતો મળ્યાં નથી. પણ સોનાની દ્વારકા હતી તે વાત સાચી છે. જો કે શોધસંશોધન પૂરતું થયું નથી. હવે આજે 7 ઓકટોબર, 2017ના રોજ પીએમ મોદીએ જાહેર મંચ પર પોતાના સંબોધનને અંતે સોનાની દ્વારકાનો ઉલ્લેખ કરીને એક્સપર્ટને કામ સોંપ્યું છે, અને સોનાની દ્વારકા શોધવા માટે બીડું ઝડપ્યું છે. જો ખરેખર અને હકીકતમાં દ્વારકાની શોધ કરાશે તો 100 ટકા પુરાવા મળશે જ.