નવરાત્રિના નવ દિવસ તો પૂરા થયા. નવ નવ દિવસ સુધી માતા આદ્યશક્તિની આરાધના કરી અને આજે દશેરાનો પુનિત દિવસ આંગણે આવ્યો છે. દશેરાના તહેવારને વિજયા દશમી તરીકે પણ ઓળખવામાં આવે છે.
માનવામાં આવે છે કે અશ્વિન શુક્લ દશમીના રોજ તારાનો ઉદય થતાં સમયે વિજય નામનો કાળ હોય છે. આ કાળ સર્વકાર્ય સિદ્ધિદાયક હોય છે અને એટલા માટે આ તહેવારને વિજયા દશમી તરીકે પણ ઓળખવામાં આવે છે.
વિજયા દશમીના દિવસે ભગવાન શ્રીરામે રાવણનો વધ કર્યો હતો. એટલા માટે પણ આજના દિવસને વિજયા દશમી તરીકે ઓળખવામાં આવે છે. વિજયા દશમીના પૌરાણિક મહત્વ અનુસાર શત્રુ પર વિજય મેળવવા માટે આ દિવસે પ્રસ્થાન કરવું જોઈએ. આ દિવસે શ્રવણ નક્ષત્રનો યોગ વધુ શુભ હોય છે. દુર્યોધને પાંડવોને જુગારમાં હરાવીને બાર વર્ષના વનવાસ સાથે તેરમાં વર્ષે અજ્ઞાતવાસની શરત આપી હતી. તેરમાં વર્ષે જો તેમને કોઈ ઓળખી લે તો તેમને ફરી બાર વર્ષનો વનવાસ ભોગવવો પડતો. આ અજ્ઞાતવાસ દરમિયાન અર્જુને પોતાનું ધનુષ એક શમી વૃક્ષ પર મૂક્યું હતું અને ખુદ બૃહન્નલા વેશમાં રાજા વિરાટની પાસે નોકરી કરી લીધી હતી. જ્યારે ગૌરક્ષા માટે વિરાટના પુત્ર કુમારે અર્જુનને પોતાની સાથે લીધો હતો ત્યારે અર્જુને શમી વૃક્ષ પરથી પોતાના હથિયાર ઉઠાવી શત્રુઓ પર વિજય મેળવ્યો હતો.
વિજયાદશમીના દિવસે ભગવાન શ્રીરામ દ્વારા લંકા પર ચઢાઈ કરવાનું પ્રસ્થાન કરતી વખતે શમી વૃક્ષે ભગવાનના વિજયની ઘોષણા કરી હતી. વિજયકાળમાં તેથી જ શમી પૂજા થાય છે.
ભારતીય સંસ્કૃતિ વૈદિક યુગથી વીરતાની પૂજક રહી છે. વ્યક્તિમાં અને વ્યક્તિ થકી સમાજમાં વીરતા પ્રગટે તે માટે દશેરા- વિજયાદશમીનો ઉત્સવ ઉજવાય છે. રાજનીતિ કહે છે કે રાષ્ટ્ર હિત અંગે જો યુદ્ધ અનિવાર્ય જ હોય તો વગર વિલંબે શત્રુઓ પર હુમલો કરવો જોઈએ જેથી શત્રુઓનો પગપેસારો અટકી જાય. વિજયની ભાવના દરેક યુગમાં રહી છે. ભગવાન વિષ્ણુના લીધેલા દરેક અવતારોમાં એક એક અસુરો પર પ્રભુએ વિજય મેળવીને સમાજને દૂષિત થતાં અટકાવ્યો છે. મધ્યકાલીન યુગ પણ પ્રજાપરાયણ અને વીર રાજવીઓ દ્વારા સંસ્કૃતિની રક્ષા કરી વિજય પતાકા ફરકાવવામાં આવી છે.
પ્રભુ રામચંદ્રના યુગથી જ વિજયા દશમીનો દિવસ એ વિજયનું પ્રતીક બન્યો છે. ભગવાન રામના પૂર્વજ રઘુ રાજાનો ઇતિહાસ શમી વૃક્ષ સાથે સંકળાયેલ છે. ઇતિહાસ કહે છે કે રઘુ રાજાને ત્યાં કૌત્સ નામનો વ્રતસ્નાતક આશ્રમ માટે ગુરુદક્ષિણાના રૂપમાં ચૌદ કરોડ સોનામહોર લેવા માટે આવ્યો ત્યારે રઘુરાજાએ પોતાનો સમગ્ર ભંડાર દક્ષિણામાં આપી દીધો ત્યારે તે વ્રતસ્નાતકે કહ્યું કે આપનો ભંડાર તો ખાલી થયો રાજન પરંતુ અમારે તો હજુ વધુ ધન જોઈએ છે. વ્રતસ્નાતકની વાત સાંભળીને રઘુરાજાને લાગ્યું કે ઋષિવર શિષ્ય આમ હતાશ થઈને વળે તે સારું ન કહેવાય આથી રઘુરાજાએ દેવરાજ કુબેરને આજ્ઞા કરી કે આપની પાસે સંસારનું અખૂટ ધન છે તે આપો પ્રથમ તો કુબેરે ના કહી પરંતુ રઘુરાજા લડવા તૈયાર થયાં ત્યારે કુબેરે વિચાર્યું કે આ વંશમાં તો સ્વયં ભગવાન વિષ્ણુ અવતાર લેવાના છે એ કુળને હું ના કેવી રીતે કહી શકું? ત્યારે દેવરાજ કુબેરે રઘુરાજાના બગીચામાં રહેલ શમીવૃક્ષ પર ધનનો વરસાદ વરસાવ્યો. તે દિવસથી આજ દિવસ સુધી શમીનાં વૃક્ષને ધનના વૃક્ષની માન્યતા મળી છે.
એવું મનાય છે કે દશેરાની તિથિએ ભગવાન રામે રાવણ સાથે યુદ્ધ કરી વિજય મેળવ્યો હતો. સંધ્યા કાળનો સમય વિજય કાળનો ગણાય છે. વિજ્યાદશમીના દિવસે નીલકંઠનાં દર્શન શુભ મનાય છે. વિજયકાળમાં શમીના વૃક્ષનું પૂજન કરવું જોઈએ અને આ કાળમાં રાજચિન્હ, હાથી, ઘોડા, અસ્ત્ર-શસ્ત્ર વગેરેનું પૂજન કરવામાં આવે છે. આ દિવસે લોકો શસ્ત્રોની પૂજા કે કોઈ નવા કામની શરૂઆત કરે છે. જેમકે અક્ષર લેખન, નવો વેપાર, વાવણી, સગાઈ કે નવું વાહન કે ઘરની ખરીદી. વિજયા દશમી એટલે વણજોયું મૂહુર્ત આ દિવસે કોઈપણ કાર્ય કરવા માટે મૂહુર્ત કે ચોઘડીયા જોવા પડતા નથી. એટલા માટે જ આજના દિવસે લોકો પોતાના ઘરમાં કથા, પૂજા, અને યજ્ઞ સહિતના ધાર્મિક કર્મો કરાવતા હોય છે. chitralekha.com ના તમામ વાચકમિત્રોને હેપી દશેરા…
(અહેવાલ- હાર્દિક વ્યાસ)