જ્યોતિષ-વિજ્ઞાનની જુગલબંધીઃ પ્રમેયના રહસ્યમય ત્રિકોણનું શાસ્ત્ર

કેટલાય વિજ્ઞાનીઓએ જ્યોતિષશાસ્ત્રનો અભ્યાસ કરીને અજ્ઞાત એવા ભવિષ્યમાં દ્રષ્ટિ કરવાની કોશિશ કરી છે. સામાન્ય રીતે જ્યોતિષશાસ્ત્રને વિજ્ઞાનની હરોળમાં નથી મૂકવામાં આવતું, પરંતુ બીજી દ્રષ્ટિએ જ્યોતિષશાસ્ત્ર એ વિજ્ઞાનથી પણ આગળ હોવાનો ઘણાંને અનુભવ થાય છે તે પણ ખરું છે. જ્યોતિષશાસ્ત્રમાં ગણિત, ભૂમિતિ, ત્રિકોણમિતિ, ખગોળ, તર્ક, ઈતિહાસ, ધર્મ અને માનવ સ્વભાવ જેવા અનેક વિષયો આવરી લેવાયા છે. દરેક શાસ્ત્રનો એક અંશ જ્યોતિષશાસ્ત્રમાં તમને અચૂક મળશે, માટે જ્યોતિષશાસ્ત્ર આજે પણ રહસ્ય, જ્ઞાન અને રોમાંચનો ખજાનો રહ્યું છે. સાહિત્ય અને કાવ્યનો પણ સંગમ ખરો, એક ઉત્તમ જ્યોતિષીને સંસ્કૃત પણ આવડવું જોઈએ જ્યોતિષીઓમાં તેવો પણ એક મત છે.સામાન્ય રીતે દુનિયામાં ખગોળશાસ્ત્રીઓ તરીકે જાણીતાં બનેલા ટોલેમી, કોપરનિકસ, કેપ્લર, ન્યૂટન અને ગેલીલિયોએ પણ જ્યોતિષવિદ્યાનો અભ્યાસ કરેલો. ટોલેમીનું ટેટ્રાબોલીસ પુસ્તક આજે પણ જ્યોતિષના અભ્યાસમાં લેવાય છે. પ્રખર ખગોળશાસ્ત્રી અને વિદ્વાન ગણિતજ્ઞ વરાહ મિહિર તો પોતે જ્યોતિષ તરીકે જ રજૂ થયાં છે. એક સમયે વરાહ મિહિરને ખગોળશાસ્ત્રના જ્ઞાતા તરીકે સાહિત્યમાં મૂકવામાં આવ્યાં, પરંતુ સમય જતાં આજે લગભગ બધાં જ જાણે છે કે વરાહ મિહિર એક શ્રેષ્ઠ અને અદ્વિતીય જ્યોતિષશાસ્ત્રી હતાં. બૃહત સંહિતા અને બૃહત જાતક આજે પણ જ્યોતિષની દુનિયાના અનુપમ અને અદ્વિતીય પુસ્તકો છે. આજે પણ વિદ્વાનો આ પુસ્તકોનો અભ્યાસ કરતા થાકતાં નથી, પ્રખર જ્ઞાની વરાહ મિહિરે એ જમાનામાં તદ્દન અજ્ઞાત એવા ખગોળનું જ્ઞાન અને ખગોળનું ગણિત કોઈ પણ ટેકનોલોજી કે આધુનિક સાધનોની મદદ વગર ગ્રંથિત કર્યું તે ચોક્કસ રીતે એક આશ્ચર્ય અને સમગ્ર ભારત માટે ગર્વની વાત જ કહેવાય. ભૂમિમાં જળ ક્યાં મળે તેની પણ ગણતરી જ્યોતિષશાસ્ત્ર અને ખગોળ દ્વારા બતાવવામાં આવી છે.પાયથાગોરસના પ્રમેય વિષે લગભગ બધાં જ જાણતાં હશે, કાટકોણ ત્રિકોણની કાટખૂણો બનાવતી બે ભૂજાના વર્ગનો સરવાળો તેની ત્રીજી ભુજાના વર્ગ બરાબર થશે. આ પ્રમેય લગભગ દરેક વિદ્યાર્થી તેના અભ્યાસ દરમિયાન ભણે છે. જાણીને આશ્ચર્ય થશે કે, પાયથાગોરસનો પ્રમેય જ્યોતિષ જોવા માટે પણ ઉપયોગમાં લેવાતો હતો. પાયથાગોરસ પોતે અંકશાસ્ત્ર દ્વારા ભવિષ્યકથન જાણતાં હતાં, તેઓ આ ત્રિકોણના ગણિત દ્વારા જે તે તારીખે જન્મેલાં વ્યક્તિનું ભવિષ્ય જાણી શકતાં હતાં. ૧૯૭૯ની સાલમાં વ્હાઈટ ફોર્ડ પ્રેસ દ્વારા અમેરિકામાં પ્રકાશિત થયેલા પુસ્તક અનુસાર, જે તે દિવસે જન્મેલાં વ્યક્તિની જન્મતારીખને કાટકોણ ત્રિકોણ દ્વારા આકલન કરીને તેના જીવનના મહત્વના વર્ષ અને તકલીફના વર્ષ ૧-૯ અંકો દ્વારા જાણી શકાય છે. વ્યક્તિની જન્મતારીખને કાટકોણ ત્રિકોણ સાથે સરખાવી તેનું ભવિષ્ય જાણી શકાય છે.

૧-૯ અને શૂન્ય સહિતના અંકો બહાર દુનિયામાં કોઈ ગણિત છે નહીં આ મૂળઅંકોનો કોઈ સર્જક છે નહીં, બીજા અર્થમાં ૧-૯ અને શૂન્ય સહિતના અંકોનું સર્જન ચોક્કસપણે ઈશ્વરદત્ત છે. શૂન્યની શોધ ભારતમાં થઇ હતી અને બ્રહ્મગુપ્તે સૌ પ્રથમ શૂન્યને લોકો સમક્ષ દર્શાવ્યું હતું. તો અન્ય એક પ્રચલિત મત મુજબ આર્યભટ્ટે શૂન્યની શોધ કરી હતી. આપણે માની લઈએ કે શૂન્યને શોધક મળ્યો છે, પણ બાકીના નવ અંકોનો તો કોઈ શોધક છે જ નહીં માત્ર મતમતાંતર જ છે તે પણ સ્વીકારવું રહ્યું.ભૂમિતિના મૂળભૂત સિદ્ધાંતો અને આકૃતિઓને પણ જ્યોતિષશાસ્ત્રના ગૂઢઅર્થોમાં સ્થાન મળ્યું છે. વર્તુળ એ આત્માને રજૂ કરે છે, તો ઉભી લીટી આત્માના અવતરણ સંજ્ઞક છે. આડી લીટીએ ભૌતિક જગતને રજૂ કરે છે, તો ઉર્ધ્વગામી ત્રિકોણ પુરુષ શક્તિને દર્શાવે છે. અધોગામી ત્રિકોણ સ્ત્રીશક્તિને દર્શાવે છે. મોટા ભાગના ધર્મોમાં બે ત્રિકોણના સંગમને પવિત્ર આકૃતિ ગણી છે. કોઈ વિદ્વાને કહ્યું છે કે કૂતુહલ એ જ્ઞાનનું બીજ છે. આવા જ ધર્મ અને વિજ્ઞાનના કૂતુહલનો ફરી પરિચય આવતા અંકોમાં ચોક્કસ કરીશું.

અહેવાલ- નીરવ રંજન

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]