મનમાં રહેલી ગાંઠો ઉકેલવી

સત્સંગ એટલે સત્યનો સંગ, વાસ્તવિક સાથે સંપર્ક.સત્સંગ એટલે તમને સમજ ના પડે એવા કેટલાક ભજન ગાવા એવું નથી. સંગીત તેનો એક ભાગ છે. બીજો ભાગ છે તર્ક સમજવો. ત્રીજો ભાગ છે ધ્યાનની ગહેરાઈમાં વિશ્રામ કરવો અને પોતાની જાત સાથે રહેવું. તો યોગ્ય સંગ કયો છે? એ કે જેનાથી તમને હળવાશ અનુભવાય,એ કે જેનાથી લાગે કે તમે માન્યું હતું તેના કરતાં સમસ્યા નાની છે. તમને સમસ્યાનું સ્વરૂપ મોટું કરીને બતાવે તો એ સત્સંગ નથી. સત્સંગ એ એવું સ્થળ છે જ્યાં લોકો તમારા વિશે શું વિચારે છે તેને તમે ભૂલી શકો અને તમે જેવા છો એવા રહો. સામાન્ય રીતે જે લોકો ઉજવણી કરતા હોય છે તેઓ ગહેરાઈમાં પહોંચતા નથી અને જે લોકો મૌનનો અનુભવ કરે છે તે ઉજવણી કરતા નથી. પરંતુ જ્યારે આપણે મૌન અને ઉજવણી બન્નેને મહત્વ આપીએ છીએ ત્યારે સત્સંગ થાય છે. સંગીતનો ઉદ્દેશ તમારી અંદર ગહેરાઈમાં મૌન ઉત્પન્ન કરવાનો છે અને મૌનનો ઉદ્દેશ જીવનમાં ગતિશીલતા ઉત્પન્ન કરવાનો છે.

સંગીત ‘લય યોગ’ છે. લય એટલે એકરૂપ થઈ જવું. એ સમાધિની પરાકાષ્ઠા છે(ઈશ્વર સાથે તાદાત્મ્ય). ધ્વનિ ઊર્જાનું એક સ્વરૂપ છે.તમારું આખું શરીર અણુઓનું બનેલું છે. જ્યારે તમે ભજન ગાવ છો ત્યારે ધ્વનિની ઊર્જાના સ્પંદન તમારા શરીરના દરેક કણમાં શોષાય છે. જેવી રીતે માઈક્રોફોન અવાજને શોષે છે અને તેનું વીજળીમાં રૂપાંતર કરે છે તેવી રીતે શરીર સ્પંદનોને શોષે છે અને તેમનું ચેતનામાં રૂપાંતરણ કરે છે.જો તમે બેસીને પંચાત કે ઉશ્કેરણીજનક સંગીત સાંભળતા હોવ તો તમારું શરીર તે શોષે છે અને કંઈ સારો અનુભવ આપતું નથી.જ્યારે તમે જ્ઞાન સાંભળો છો કે ભાવથી જપ કરો છો તો તે તમારી ચેતનાને ઉચ્ચ સ્તરે લઈ જાય છે.

જ્યારે તમે સત્સંગમાં બેસો છો ત્યારે તમારું આખું શરીર ઊર્જામાં તરબોળ થઈ જાય છે અને પરિવર્તન થાય છે. તમારામાં ઊર્જા ઉત્પન્ન થાય છે અને ચેતનાને ઊંચકે છે કારણ કે ધ્વનિની ઊર્જા બહુ સહેલાઈથી મનમાં ઉતરે છે. શરીર પાંચ તત્વોનું બનેલું છે–પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ અને આકાશ. ધ્વનિ એ આકાશનો ગુણ છે, ધ્વનિ ઐક્ય સાધે છે. તે તમારા શરીરના સમસ્ત પોલાણોમાં સ્પંદન કરે છે. તે રીતે મન અને ચેતનાનું નિર્માણ થાય છે. આપણા મન અને ચેતના બહુ પ્રાચીન છે;હજારો વર્ષ જૂના છે. જ્યારે તમે ચેતનાના વિવિધ સ્તરમાં જાવ છો ત્યારે ત્યાં અલગ અલગ ભાષાઓ હોય છે. આપણી ચેતનાનું સૌથી પ્રાચીન સ્તર દુનિયાની સૌથી પ્રાચીન ભાષા -સંસ્કૃત સમજી શકે છે. જ્યારે આપણે બેઠા હોઈએ, વિચારતા હોઈએ કે વાતો કરતા હોઈએ ત્યારે દરેક મન જુદી રીતે વિચારતું હોય છે, એક સરખી રીતે નહીં પરંતુ જ્યારે આપણે સંસ્કૃત ભજન ગાઈએ છીએ ત્યારે આપણું મન કે જે અતિ પ્રાચીન છે તે આ જૂના ભજનોની છાપને ઓળખી કાઢે છે. આપણી ચેતના સાથે તે છાપ એકરૂપ થઈ જાય છે અને અંદર ગહેરાઈમાં ક્યાંક સંયોજન થાય છે. ભજનો અને મંત્રો મનમાં ઊંડી છાપ પાડે છે જ્યાં તે લાંબા સમય સુધી રહે છે. આ એક બ્રશ જેવું છે. બધા દાંતા સાથે મળીને મનની બધી ગાંઠો સાફ કરે છે.

ભલે આપણને કેટલાક શબ્દોના અર્થ ખબર ના હોય છતાં આપણે તેમનો જપ કરીએ છીએ કારણ કે માત્ર તેમને જપવાની સકારાત્મક અસર હોય છે. અર્થ ખબર હોવો એ અગત્યનું નથી. માત્ર અવાજ પૂરતો છે. આથી જ્યારે આપણે ગાઈએ છીએ ત્યારે આપણે કેટલું ગાઈએ છીએ અને ક્યાં ગાઈએ છીએ એ અગત્યનું નથી. બસ તમારી આંખો બંધ કરો અને સંગીત તથા અવાજ સાથે એકરૂપ થઈ જાવ. ભજન દ્વારા બનતા અવકાશમાં એકરૂપ થઈ જાવ.

આપણે સામાન્ય રીતે માનીએ છીએ કે ભજન એટલે માત્ર ગીતો ગાવા. એ એવું નથી. ભજન એટલે વહેંચવું. ઈશ્વર પ્રેમસ્વરુપ છે. તમે જ્યારે એ પ્રેમમાં ખીલો છો ત્યારે તમે એ પ્રેમ વહેંચો છો. ઈશ્વર કરુણાસ્વરુપ છે. તમે જ્યારે કરુણા દાખવો છો ત્યારે તમે ભજનમય હોવ છો. જ્યારે મન સો ટુકડાઓમાં વહેંચાયેલું હોય છે ત્યારે દુખ ઉત્પન્ન થાય છે. મનના એ જ ટુકડાઓ જ્યારે એકત્રિત થાય છે ત્યારે એક એકમ બને છે ત્યારે આનંદ ઉદ્ભવે છે. જ્યારે તમે સત્સંગમાં બેસો છો, જ્યારે ધ્યાન કરો છો ત્યારે તમે પોતાની જાતને એ આંતરિક સંગીતના, સંપૂર્ણ આનંદના સ્રોતની સમીપ લાવો છો. એકવાર જ્યારે ચેતના એકત્રિત થયેલી હોય છે, એકરૂપ હોય છે ત્યારે ચેતનાની તે અવસ્થા આનંદ કહેવાય છે. કુદરત લયબદ્ધ રીતે કામ કરે છે!આપણું શરીર લયબદ્ધ રીતે કામ કરે છે!જ્યારે જ્ઞાન, ધ્યાન અને સંગીત લયબદ્ધ બને છે ત્યારે જીવન એકદમ સંવાદિત બને છે. આપણી લય કુદરત સાથે સંવાદિત હોય છે ત્યારે જીવન એક અદ્ભૂત અનુભવ બની રહે છે.

(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)