ધારો કે કોઈ નદી વૃદ્ધ થતી હોત તો..?

આલાપ,
શું તને ક્યારેય એવો વિચાર આવે છે કે આ સતત ખળખળ વહેતી નદી ક્યારેય વૃદ્ધ નહિ થતી હોય? સતત નવયુવાન માફક ઘૂઘવાટા કરતો રહેતો દરિયો ક્યારેય ઘરડો નહિ થતો હોય? મન પણ કેવું તરંગી છે ! કેવા કેવા વિચારો આવે અને કલ્પના પણ.

ધારો કે કોઈ નદી વૃદ્ધ થતી હોત તો..? આવું કોઈ વિચારતું હશે? નદી કેવી રીતે વૃદ્ધ થાય? અને થાય તો શું થાય? -આવા સવાલો થાય એ સ્વાભાવિક છે. આલાપ, આ વિચારમાં ખરું કહું તો પેલી ખળખળ વહેતી નદીતો ક્યાંય છે જ નહીં. આ વાત છે નદી જેવા સતત બોલકા વ્યક્તિત્વની. આવું કોઈ વ્યક્તિતવ કોઈ કારણસર વૃદ્ધ થઈને થંભી જાય તો શું થાય? અરે થંભી જ ક્યાં, કદાચ એનો માર્ગ ફંટાય અને એની દિશા બદલાય તો પણ એનો લય અટકી જતો હોય છે. એને નહિ ગમતી સ્થિતિમાં વહેવું એ એની મજબૂરી હોય છે માટે એ વહે તો છે પરંતુ એમાં ઉન્માદ, ઉત્સાહ, થનગનાટ કે ખળખળાટ નથી હોતો. બિલકુલ મારી જેમ.

તારા મારી જિંદગીમાંથી ગયા પછી પણ સમય સાથે વહેતા રહેવું એ મારી મજબૂરી છે આજે હું વહી રહી છું પરંતુ બદલાયેલી કે નહીં ધારેલી દિશામાં વહેવું પડે છે એ લાચારીએ મારો ઉન્માદ ઓસરી ગયો છે. યાદ છે? તું કહેતો, “આટલી બોલ બોલ કરે છે તો લગ્ન પછી મારુ શું થશે?” કદાચ એટલે જ ઈશ્વરે મારી દિશા બદલી. હવે હું વહ્યા કરું છું કોઈપણ ખળખળાટ વગર.

સમય અને કિસ્મત સાથે સમજૂતી કરીને જીવ્યા-વહ્યા કરું છું પરંતુ આજે હવે ખપ પૂરતું જ બોલાય છે. આજે હવે નદી જેવું મારુ અસ્તિત્વ વૃદ્ધ થઈ ચૂક્યું છે. હવે બોલવાનો થાક લાગે છે. જેના માર્ગમાં ખળખળવું હતું એ માર્ગ જ ફંટાઈ ગયો. સંજોગ ક્યારેક એવા આવે છે કે જ્યારે વહેવા અને ખળખળવાના માર્ગો તદ્દન જુદા થઈ જાય ત્યારે જ્યાં વહેવાય છે ત્યાં બિહામણી ચુપકી હોય છે અને જાય ખળખળાય છે ત્યાં માત્ર પડઘા.

પત્રો રૂપે જીવતો મારી અંદરનો આ ખળખળાટ તને આભારી છે.

-સારંગી

(નીતા સોજીત્રા)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]