આપણે વિન્ડચાઇમ્સ બન્યા હોત તો??

આલાપ,

કોઈ એક સંબંધ માણસની પસંદગી, ઈચ્છા, સપનાં કે સ્વભાવને સમૂળગા બદલી નાખે એ વાત થોડી વિચિત્રતો લાગે, હેં ને? પણ એ શક્ય છે, જો સંબંધ શ્વાસ જેવો હોય તો.

શિયાળાએ પોતાનો રંગ બતાવવાની શરૂ કર્યું છે. ગુલાબી ઠંડી હવે કાતિલ પવનમાં ફેરવાઈ છે. હું ગેલેરીમાં આવીને ઉભી છું અને તેજ પવનના લીધે આમથી તેમ ઝૂલી રહેલી વિન્ડચાઇમ્સની ભૂંગળીઓનો એકધારો મધુર રણકાર મને ભૂતકાળમાં લઈ જાય છે.

યાદ છે? એકવાર તેં મને  વિન્ડચાઇમ્સ ગિફ્ટ કરેલું. મેં આશ્ચર્ય સાથે તને પૂછેલું, “આલાપ, આ કઈ ખુશીમાં? તું જાણે છે ને કે મને કોલાહલ કે ઘોંઘાટ બિલકુલ પસંદ નથી, તો આવી ભેટ કેમ?” ને તેં મંદ મુસ્કાન સાથે કહેલું, “સારું, હું જાણું છું કે તને ઘોંઘાટ પસંદ નથી પરંતુ હું ઇચ્છુ છું કે તું ઘોંઘાટ અને રણકાટ વચ્ચેનો ફરક સમજે. તું સંગીત સાથેની શાંતિનો અનુભવ કરે.” મેં ગિફ્ટ તો લઈ લીધેલી પરંતુ બાળપણથી જ ઓછા બોલી અને તદ્દન શાંત વાતાવરણમાં ઉછરેલી એવી મને ક્યારેય એ ટીંગાડવાની ઈચ્છા જ ન થઈ.

સમય વીતતો ચાલ્યો અને જે રીતે મેં વિન્ડચાઇમ્સના રણકાટને મારા જીવનમાં પ્રવેશવા ન દીધો એમ જ ઈશ્વરે તને પણ સદેહે મારા જીવનમાં પ્રવેશવા ન દીધો. બસ, પછીતો આઘાત, હતાશા, નિરાશા, ફરિયાદો, છેતરાયાની લાગણી- આ બધાનો કોલાહલ એટલો વધી ગયો કે મને અચાનક પેલું વિન્ડચાઇમ્સ યાદ આવ્યું. મેં તરત જ એને ગેલેરીમાં લગાડ્યું અને લાગતાની સાથે જ એના મધુર સ્વરે મારા મનને થોડી રાહત આપી. એ પછી તો હું કલાકો બાલ્કનીમાં બેસીને એના રણકાટને સાંભળતી રહી. મનમાં ઉઠતા તમામ સવાલોના જવાબો જાણે કે એ રણકાટમાંથી મળવા લાગ્યા. મારી તમામ હતાશા ખંખેરાઈ ગઈ અને થોડાક જ સમયમાં હું એ રણકાટની વ્યસની બની ગઈ. હવે તો એ વિન્ડચાઇમ્સ મટીને ‘આલાપ’ બની ગયું છે. હું સતત એની જોડે વાતો કરું છું અને એ પણ મારી સાથે.

આજે થાય છે કે ધારો કે આપણે વિન્ડચાઇમ્સ બન્યા હોત તો?? તો આ મધુર રણકાર આપણાં જીવનને સંગીતમય કરી શક્યું હોત. આપણાં અહમ, સપનાં, ઈચ્છાઓ, મર્યાદાઓ સામસામે અથડાયા ત્યારે આપણે એમાંથી મધુર રણકાર ઉત્તપન્ન કરવામાં નિષ્ફળ ન રહ્યા હોત તો આજે આ વિન્ડચાઇમ્સ આપણાં ઘરમાં રણકતું હોત અને આપણે એના રણકારને સાથે ઝીલતા હોત.

આલાપ, અત્યંત શાંતિ ઝંખતી હું છેલ્લા કેટલાય વર્ષોથી આ વિન્ડચાઇમ્સના રણકાર વગર ખુદને અધૂરી અને એકલી સમજવા લાગી છું. મને લાગે છે કે આ બદલાવ જ આપણા સંબંધની મજબૂતાઈ બતાવે છે. ‘આપણે પાસે નથી પણ સાથે છીએ’ એવો અહેસાસ સતત થાય છે. આટલી સુંદર ગિફ્ટ આપવા બદલ તારો આભાર.

-સારંગી.

(નીતા સોજીત્રા)