આ સપનાઓનો ખટ-મીઠો સ્વાદ તને પણ ચખાડી શકી હોત તો…

આલાપ,

વાંચન માણસને નવા વિચારો આપે છે એ તો હું જાણું છું પરંતુ દરેક વિચાર મને તારા સુધી લઈ જાય છે એ મારે તને જણાવવું છે.

બન્યું એવું કે કોઈ હેતુ વગર મોબાઈલ ફોન પર સ્ક્રોલિંગ કરી રહી હતી અને એક વાક્ય વાંચવા મળ્યું, “કાશ..!! સપનાંઓની cd બનતી હોત તો?” વાક્ય મને ખુબ ગમ્યું અને બસ યાદ આવી ગયો તું. વાત તો ખરી છે કે સપનાઓ પણ સ્ટોર કરી શકાતા હોત તો કેટલું સારું હોત. આપણે ઈચ્છા પડે ત્યારે એને જોઈ શકતા હોત. સ્ટોર કરેલા સપનાંઓ સમય વિત્યા પછી જોવાનો અનેરો આનંદ હોય. કેટલીક વખત એ સમયની આપણી છોકરમત, નાદાની અને ભોળપણ પર હસવું પણ આવે અને ક્યારેક અમુક સપનાંઓ તૂટ્યાની યાદો રડાવે પણ ખરા પણ, જીવનમાં આ ‘ખટ્ટા-મીઠ્ઠા’ ટેસ્ટ જળવાઈ રહે તો એકલતાના કડવા ઘૂંટ લાંબા સમય સુધી પી શકાય છે.

તું મને વારંવાર કહેતો કે, “તારું મગજતો કોમ્યુટર છે એમાં બધું જ સ્ટોર હોય છે” હેં ને? હા બસ આજે એ કોમ્યુટર ઑન કરીને બેઠી છું. મેં સાચવેલા એ આપણાં સહજીવનના સપનાંઓનું ફોલ્ડર ખોલી રહી છું. આહાહા..!! કેટલા સુંદર સપનાંઓ હતા. હું, તું અને ખુશીઓ. ક્યાંય એ સપનામાં નાનો અમથો પણ સ્ક્રેચ નહિ. પરિચય પછીના પહેલા સપનાથી લઈને તારા ગયા પછીના તારા આવવાની આશાના સપનાંઓ પણ એમાં અંકબંધ છે.
ધારોકે આ સપનાઓનો ખટ-મીઠો સ્વાદ તને પણ ચખાડી શકી હોત તો … તને સાથે બેસાડીને હું આ સપનાંઓને પ્લે કરત. તારા મારી જિંદગીમાં આગમનથી લઈને તારા જવા પહેલાનાં મીઠા સપનાઓમાં અચાનક તારા ગયા પછી ખાટો સ્વાદ ભળ્યો. તારા જવાની નારાજગી, ગુસ્સો અને તને ખોઇ ચૂક્યાનો અફસોસ દરરોજ ખાટા સપના બતાવતું છતાં, ક્યારેક કોઈ ચમત્કારની આશ અને તારા ફરીથી આવી જવાના મીઠા સપનાંની છૂટી છવાઈ આવ-જા કાયમ રહેતી.

સાચું કહું? આ એકલતાના કડવા ઘૂંટમાં આજે આ સપનાઓનું ફોલ્ડર મીઠા સપનાંઓ પર જ અટકાવી દેવું છે. આજે ફરીથી એ બધા જ સપનાંઓ જીવવા છે. હા, આજે મને ફરીથી આ સપનાંઓ જોવા માટે રાત થશે એ ગમશે પણ હવે કોઈ સપનાંઓ ક્યાં આંખ બંધ થવાના કે અંધારું થવાના મહોતાજ છે? જ્યારે આખી જિંદગી જ તારા જવાથી અંધકારમય બની છે ત્યારે સપનાંઓ ગમે ત્યારે આવી જાય છે. આજે આપણાં પરિચય પછીના સપનાંઓ ફરીથી જોવાની- એ સમયને થોડાક સમય પૂરતો પુનર્જીવિત કરવાની મજા પણ ઓછી નથી.

સપનાંઓને હાર્ટ ડિસ્કમાં સંઘરતો જા,
કડવી એકલતામાં સ્વાદ નવા ભરતો જા.

-સારંગી.

(નીતા સોજીત્રા)