તસ્વીર માફક યાદોની પણ ફ્રેમ થઈ શકતી હોત તો?

આલાપ,

માણસ પણ કરોળિયો છે. એ સતત સંબંધોના નવા નવા જાળા ગૂંથતો જ રહે છે. ક્યારેક સમય તો ક્યારેક કિસ્મત એ જાળાને તોડી પણ નાખે છે પરંતુ માણસ હિંમત નથી હારતો. એ ફરી નવા જાળા રચે છે.

ભીતરનો કોલાહલ અને સંબંધોની ભીડ જ્યારે હદથી વધે છે ત્યારે માણસ એકાંતપ્રિય બની જાય છે, શાંતિપ્રિય બની જાય છે. દિવસના એકાંતમાં કે રાત્રીના અંધકારમાં એકલા બેસીને એ સતત વિચાર્યા કરે છે. માણસે જાતે ઉભી કરેલી ભીડમાં ગૂંગળામણનો અહેસાસ થાય ત્યારે કેટલાક અંગત લોકો સાથ છોડી જાય છે અને ત્યારે માત્ર એની સાથે વિતાવેલા સમયની યાદો જ હોય છે જે સતત નજીકતાનો અહેસાસ કરાવે.

આલાપ, આપણો સંબંધ કદાચ એ  જ કારણસર શ્વસી ન શક્યો. તેં ઉભી કરેલી સંબંધોની ભીડમાં એ ગૂંગળાઈને મરી ગયો પણ હા, યાદો આજે પણ અકબંધ છે. આ જો તેં ગિફ્ટ કરેલી ફોટોફ્રેમમાં આજે પણ આપણો હસતો ફોટો એમ જ છે જેમ તેં મને આપેલો. કલાકો સુધી આ એકાંતમાં ફોટોફ્રેમને ગળે લગાડીને દૂર બળતી તારા ઘર પાસેની લાલ લાઈટ જોયા કરું છું. સમય અને સંજોગો બદલાયા, હવેતો ઉંમર અને રહેઠાણ પણ બદલાયા છતાં આ લાલ લાઈટ આજે પણ એમ જ ટમટમે છે. ક્યારેક થાય કે એ લાઈટ પણ તારી જ પ્રતિક્ષામાં બળતી હશે?

ક્યારેક થાય કે એ લાઈટ સાથે મારા સળગતા હ્ર્દયનું કોઈ કનેક્શન હશે? આપણી આ તસ્વીરમાનાં બધા જ રંગો જીવનમાં ન ઉતારી શક્યાનો અફસોસતો છે પરંતુ એકમેકની આંખોમાં જોઈને મંત્રમુગ્ધ બનેલા આપણે બન્ને તસ્વીરમાં જે હાસ્ય વેરી રહ્યા છીએ એ જોતાં આજે પણ ચહેરા પર હાસ્ય રેલાઈ જાય છે. ક્યારેક વિચાર આવે ધારોકે તસ્વીર માફક યાદોની પણ ફ્રેમ થઈ શકતી હોત તો? તો હું તને સાથે વિતાવેલા સમયની ખુબસુરત યાદોની અનેક ફ્રેમ ગિફ્ટ કરતે. ઢળતી ઉંમર સાથે સંબંધોની ભીડ આપોઆપ ઓસરી જતી હોય છે પરંતુ યાદોની ભીડ જ્યારે હૃદયના પાટિયાને ભીંસે છે ત્યારે આ એકાંત ગોઝારું થઈ જ્તું હોય છે.

આલાપ, તને કયારેય આવો અહેસાસ થાય છે?

-સારંગી.

(નીતા સોજીત્રા)