Home Blog Page 4953

રહી રહીને રાહુલ નીકળ્યા તોફાનગ્રસ્ત વિસ્તારની મુલાકાતે!

નવી દિલ્હીઃ કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી દિલ્હીના હિંસાગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. તેમની સાથે કોંગ્રેસના અધીર રંજન અને વેણી ગોપાલ સહિત અનેક વરિષ્ઠ નેતાઓ સામેલ હતા. રાહુલ ગાંધીએ તોફાનગ્રસ્ત વિસ્તારોમાં લોકો સાથે વાતચીત કરી હતી અને સ્થિતિની સમીક્ષા કરી હતી. દિલ્હીના ઉત્તર-પૂર્વના જિલ્લાઓમાં તોફાનો પછી જનજીવન પૂર્વવત થઈ રહ્યું છે. દિલ્હી હિંસામાં ઘણું મોટું નુકસાન થઈ ચૂક્યું છે. આ હિંસામાં અત્યાર સુધી 50 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે અને અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે.

રાહુલ ગાંધીએ વ્રજપુર વિસ્તારની મુલાકાત લીધી હતી. રાહુલ ગાંધીએ વ્રજપુરની અરુણ મોર્ડન પબ્લિક સ્કૂલની મુલાકાત લીધી હતી. આ વિસ્તારમાં તોફાનો દરમ્યાન સ્કૂલને બાળી નાખવામાં આવી હતી.

રાહુલ ગાંધીએ ભાજપને આડે હાથ લીધો

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે સ્કૂલોમાં તો હિન્દુસ્તાનનું ભવિષ્ય છે. તેમણે ભાજપ પર કટાક્ષ કરતાં કહ્યું હતું કે આનાથી ભારત માતાનું ભલું થવાનું નથી. હિન્દુસ્તાનને વહેંચવામાં આવી રહ્યું છે. નફરત અને હિંસા પ્રગતિનું દુશ્મન છે. તેમણે કહ્યું હતું કે હિન્દુસ્તાનને જોડીને પણ આગળ વધી શકાય છે. તેમણે કહ્યું હતું કે દેશની રાજધાની દિલ્હીમાં તોફાનોથી વિશ્વમાં એની છબિ ખરાબ થઈ છે.

મૌન રાખીને શ્રદ્ધાંજલિ

ચેરમેન એડવોકેટ સુનીલ કુમારે જણાવ્યું હતું કે આ બેઠકમાં પહેલાં ઉત્તર-પૂર્વમાં થયેલાં તોફાનોમાં માર્યા ગયેલા લોકોને મૌન રાખીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. તેમણે કહ્યું હતું કે તોફાનોમાં અસરગ્રસ્તોને મફત કાનૂની સલાહ અને સહાયતા કરવામાં આવશે.

કોંગ્રેસે હેલ્પલાઇન નંબર જારી કર્યો

કોંગ્રેસ દ્વારા પીડિત લોકોની સહાયત માટે વોટ્સએપ નંબર 7042793948 જારી કરવામાં આવ્યો હતો.

નિર્ભયા કેસઃ પવન ગુપ્તાની દયા અરજી ય ફગાવાઇ

નવી દિલ્હીઃ નિર્ભયાના ચારેય દોષિતો પૈકી એક પવન કુમાર ગુપ્તાની પણ દયા અરજી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ફગાવી દીધી છે. ત્યારે ફાંસીથી બચવાનો તેનો અંતિમ વિકલ્પ પણ ખતમ થઈ ગયો છે. આ સાથે જ રાષ્ટ્રપતિ દ્વારા નિર્ભયાના તમામ દોષિતોની દયા અરજી ફગાવી દેવામાં આવી છે. ફાંસીથી રાહત મેળવવા માટે પવન પાસે માત્ર દયા અરજીને સુપ્રીમ કોર્ટમાં પડકારવાનો જ વિકલ્પ બચ્યો છે.

આ પહેલા દિલ્હીમાં સત્તારુઢ આમ આદમી પાર્ટીની સરકારે સોમવારના રોજ દોષિત પવનની દયા અરજી ફગાવી દીધી છે. બાદમાં પવન ગુપ્તાની આ દયા અરજી રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવી હતી. બાદમાં રાષ્ટ્રપતિ ભવનમાંથી આને દિલ્હી સરકાર પાસે મોકલવામાં આવી હતી. દિલ્હી સરકારે આ મામલે તિહાડ જેલ મેનેજમેન્ટ પાસેથી મળેલી જાણકારી પર વિચાર વિમર્શ બાદ અરજી ફગાવી દીધી હતી.

આ સાથે જ ફાઈલ ઉપરાજ્યપાલ અનિલ બૈજલ પાસે મોકલી દેવામાં આવી. એલજીએ પણ સરકારના નિર્ણય પર મહોર મારી દયા અરજી ગૃહમંત્રાલયને મોકલી આપી હતી. બાદમાં આ દયા અરજી રાષ્ટ્રપતિ પાસે હતી જેને રાષ્ટ્રપતિએ ફગાવી દીધી છે.

પટિયાલા હાઉસ કોર્ટ પહેલેથી નિર્ભયાના દોષિતો પવન અને અક્ષયની અરજી ફગાવી ચૂક્યા છે અને ડેથ વોરન્ટ પર રોક લગાવવા પર કોર્ટ ઈન્કાર કરી ચૂકી છે. પવન ઉપરાંત બાકીના ત્રણ દોષિત મુકેશ, અક્ષય, અને વિનયની ક્યુરેટિવ અરજી પહેલેથી સુપ્રીમ કોર્ટ ફગાવી ચૂકી છે. ત્યારબાદ રાષ્ટ્રપતિ પણ તેમની દયા અરજી ફગાવી ચૂક્યા છે.

અજબગજબ કેસઃ હત્યાની સજા ભોગવ્યા પછી પત્નિ તો જીવતી નીકળી!!

ઓડિશા: કેન્દ્રપાડામાં એક એવી ઘટના સામે આવી છે જેને સૌ કોઈને ચોંકાવી દીધા છે. 2013માં પત્નીની હત્યાના કેસમાં જેલની સજા ભોગવી ચૂકેલા પતિએ 7 વર્ષ પછી પોલીસની મદદથી તેમની પત્નીને શોધી કાઢી. તેમની પત્ની અને તેનો પ્રેમી સાથે મળી આવ્યા આ સાથે જ નકલી કેસનો ખુલાસો પણ થયો. મીડિયા રિપોર્ટ અનુસાર અભય સુતારએ 7 ફેબ્રુઆરી 2013ના રોજ ઈતિશ્રી મોહરાના સાથે લગ્ન કર્યા. અભય કેન્દ્રપાડાના ચુલિયા ગામનો રહેવાસી છે. કથિત રીતે, ઈતિશ્રીને અભય સાથે લગ્ન કરવા માટે મજબૂર કરવામાં આવી હતી.

લગ્નના બે મહિના પછી ઈતિશ્રી ગાયબ થઈ ગઈ અને અભયે પોલીસની સંપર્ક કર્યો. 20 એપ્રિલ 2013ના રોજ અભય પટકુરા પોલીસ પાસે તેમની પત્નીની ગુમ થઈ ગઈ હોવાની ફરિયાદ નોંધાવી. 14 મે 2013ના રોજ ઈતિશ્રીના પિતા પ્રહલાદ મોહરાનાએ અભય વિરુદ્ધ એક ફરિયાદ નોંધાવી જેમાં તેનો આરોપ હતો કે અભયે તેમની પુત્રીને દહેજ માટે પ્રતાડિત કરી હતી. તેમની ફરિયાદમાં પ્રહલાદે દાવો કર્યો હતો કે, અભયે તેમની પુત્રીને મારી નાખી અને તેમના મૃતદેહને ફેંકી દીધો.

પિતા પ્રહલાદની ફરિયાદ બાદ પોલીસે અભયની ધરપકડ કરી હતી. એક મહિના પછી અભયને જામીન પર છૂટકારો મળ્યો. તેણે તેની પત્નીની શોધ શરૂ કરી કારણ કે તેને શંકા હતી કે તેની પત્ની ભાગી ગઈ છે. અભય તેની પત્ની વિશેની માહિતી એકત્રિત કરવામાં સફળ રહ્યો અને ખબર પડી કે તે પીપળીમાં તેના બોયફ્રેન્ડ સાથે રહે છે. ઇતિશ્રી અંગે જાણકારી મેળવ્યા પછી અભયે પોલીસને ફોન કરીને જાણ કરી. પોલીસે અભયને લઈને પીપળી પહોંચી અને બોયફ્રેન્ડ સાથે ઇતિશ્રીની ધરપકડ કરી લીધી. ઈતિશ્રીના પ્રેમીની ઓળખ રાજીવ લોચન મોહરાના તરીકે થઈ છે.

પટકુરા પોલીસના એક વરિષ્ઠ અધિકારી સુજિત પ્રધાને જણાવ્યું કે, “સોમવારે બંનેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ઇતિશ્રીએ પોતાના નિવેદનમાં કહ્યું કે તે લગ્ન પહેલા રાજીવ સાથે અફેરમાં હતી. પરંતુ તેના માતા પિતા તેને અભય સાથે લગ્ન કરવા મજબૂર કરી હતી.

તપાસમાં એ પણ જાણવા મળ્યું છે કે, ઈતિશ્રી અને રાજીવ ભાગીને ગુજરાત જતા રહ્યા હતા અને લગભગ સાત વર્ષ સુધી તેઓ અહીં રહ્યા હતા. હાલમાં જ આ બંને પ્રેમી પંખીડા ઓડિશા પરત ફર્યા હતા. ઈતિશ્રી અને રાજીવને બે બાળકો પણ છે.

ઉન્નાવ રેપ કેસઃ કુલદીપ સેંગર સહિત સાત દોષિત

નવી દિલ્હીઃ ઉન્નાવ રેપ બળાત્કારની પીડિતાના પિતાની હત્યા મામલામાં દિલ્હીની તીસ હજારી કોર્ટે પૂર્વ ધારાસભ્ય કુલદીપ સેંગર સહિત સાત અન્યને દોષિત ઠેરવવામાં આવ્યા છે. આ મામલામાં ચારને નિર્દોષ છોડવામાં આવ્યા હતા. બુધવારે નિર્ણય આપતા કોર્ટે કહ્યુ કે, જે રીતે પીડિતાના પિતાની હત્યા કરવામાં આવી તે ખૂબ જઘન્ય છે.પોલીસ કસ્ટડીમાં પીડિતાના પિતાનું મોત થયું હતું. કોર્ટ 12 માર્ચના રોજ આ મામલામાં ફરી સુનાવણી કરશે.

કોર્ટે કુલદીપ સેંગરને ગુનાહિત કાવતરુ કરવાના કેસમાં દોષિત ઠેરવાયા હતા. નિર્ણય સંભળાવતા કોર્ટના જજે કહ્યું કે આ મારી લાઇફનો સૌથી પડકારરૂપ ટ્રાયલ હતું. જસ્ટિસે સીબીઆઇ અને પીડિતના વકીલની પણ પ્રશંસા કરી હતી. કોર્ટે આ અગાઉ 29 ફેબ્રુઆરીના રોજ આ મામલામાં સુનાવણી કરી હતી અને નિર્ણય માટે ચાર માર્ચની તારીખ નક્કી કરી હતી.

આ કેસમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય કુલદીપસિંહ સેંગર, કામતા પ્રસાદ (સબ ઇન્સ્પેક્ટર), અશોક સિંહ ભદૌરિયા, વિનીત મિશ્રા ઉર્ફ વિનય મિશ્રા, બીરેન્દ્ર સિંહ ઉર્ફ બઉવા સિંહ, શશિ પ્રતાપ સિંહ ઉર્ફ સુમન સિંહ અને જયદીપ સિંહ ઉર્ફ અતુલ સિંહને કોર્ટે દોષિત ઠેરવ્યા હતા. શૈલેન્દ્ર સિંહ, રામશરણ સિંહ, અમીર ખાન, કોન્સ્ટેબલ અને શરદવીર સિંહને કોર્ટે નિર્દોષ છોડ્યા હતા.

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ  આ કેસને ઉત્તર પ્રદેશ બહાર શિફ્ટ કરી દીધો હતો ત્યારબાદથી તીસ હજારી કોર્ટમાં આ મામલાની સુનાવણી ચાલી રહી હતી. આ કેસમાં પીડિતાના પક્ષથી કુલ 55 લોકોએ સાક્ષી આપી. જ્યારે બચાવ પક્ષ તરફથી ફક્ત નવ સાક્ષીઓ કોર્ટમાં રજૂ થયા હતા.

સીબીઆઈ તરફથી દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં કહેવામાં આવ્યું હતું કે, પીડિતાના પિતાને કસ્ટડીમાં ખૂબ જ ખરાબ રીતે મારવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમના શરીર પર 18 જગ્યાએ ઈજા થઈ હતી. આ ઘટનાના ચોથા દિવસે 9 એપ્રિલ 2018 ના રોજ પોલીસ કસ્ટડીમાં જ તેમનું મોત થયું હતું. મૃતક પર ખોટો કેસ નોંધવામાં આવ્યો હતો અને આ બધું જ કુલદીપ સેંગરના ઈશારા પર થયું હતું.

કોર્ટે આ મામલે કુલદીપ સેંગર સહિત સાત આરોપીઓને દોષિત માન્યા છે, જ્યારે ચાર લોકોને પૂરાવાના અભાવે છોડી દેવામાં આવ્યા છે. કોર્ટ 12 માર્ચના રોજ ચર્ચા બાદ આ મામલે સજા સંભળાવશે.

અમેરિકા તાલિબાન આગળ કેમ ઘૂંટણિયે પડ્યું છે?

કાબુલઃ આતંકવાદીઓ સાથે કોઈ પણ પ્રકારની સમજૂતી ક્યારેય નહીં કરવામાં આવેના અમેરિકાના દાવા પોકળ સાબિત થયા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાલિબાનના રાજનીતિજ્ઞ પ્રમુખ મુલ્લા બરાદર સાથે 35 મિનિટ ફોન પર વાતચીત કરી હતી. આ એ જ મુલ્લા બરાદર છે, જેણે અફઘાનિસ્તાનમાં હજ્જારો અમેરિકી સૈનિકોનાં મોત માટે જવાબદાર માનવામાં આવે છે. ટ્રમ્પે મુલ્લા બરાદરને વિનંતી કરી હતી કે તે અફગાન શાંતિ વાર્તામાં ભાગ લે. આમ વિશ્વનો હોકીવાળો દાદો અમેરિકા તાલિબાનના નેતાઓ સામે ઘૂંટણિયે પડ્યો છે.

અમેરિકામાં ચૂંટણી પહેલાં ટ્રમ્પનો દાવ ઊંધો પડશે?

અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી આ વર્ષે નવેમ્બરમાં યોજાવાની છે અને ડોનાલ્ડ ટ્રમ્પ અફઘાનિસ્તાન મુદ્દે અટવાઇ ગયા છે. ટ્રમ્પને આશા હતી કે આ શાંતિ સંધિ પછી અમેરિકા તેના સૈનિકોને પાછા બોલાવશે, જેથી તેમને ચૂંટણીમાં લાભ થાય, પણ આ દાવ હાલ ઊંધો પડી જાય એવું લાગી રહ્યું છે, કેમ કે પાછલા 24 કલાકમાં અફઘાનિસ્તાનના 16 પ્રાંતોમાં 33 હુમલા કરવામાં આવ્યા છે, જેમાં છ સામાન્ય નાગરિકોનાં મોત થયાં છે. તાલિબાનની સેના પણ કેટલાંક સ્થાનો પર હુમલા કર્યા છે.

અમેરિકા-તાલિબાન સમજૂતી કરાર ઘોંચમાં

અફઘાનિસ્તાનમાં આ તાજી હિંસા પછી ઐતિહાસિક સમજૂતી કરાર પર અસમંજતા છે. અમેરિકા અને તાલિબાનની વચ્ચે બે મુખ્ય મુદ્દે મતભેદો વધી રહ્યા છે. શાંતિ સમજૂતી અનુસાર તાલિબાન અને અફઘાન સરકાર વચ્ચે કાયમી યુદ્ધવિરામ અને સત્તાની વહેંચણી માટે સીધી વાતચીત થશે. જોકે આ બંને મુદ્દાએ તાલિબાન અને અફઘાનિસ્તાન સરકાર વચ્ચે ગંભીર મતભેદો છે. તાલિબાનની માગ છે કે અફઘાનિસ્તાન સરકાર જેલમાં રાખેલા તેના 5000 લડાકુઓને છોડી મૂકે, પણ અફઘાનિસ્તાન સરકારે એ માગ ફગાવી દીધી છે.

તાલિબાન કેદીઓને છોડી મૂકવા મુદ્દે માથાકૂટ

અમેરિકા-તાલિબાનની વચ્ચે સમજૂતીમાં વોશિંગ્ટને વાયદો કર્યો હતો કે તે અફઘાન સરકાર તરફથી જેલમાં રહેલા 5000 તાલિબાની લડાકુઓને છોડી મૂકવા પ્રતિબદ્ધ છે. જોકે 29 ફેબ્રુઆરીએ શાંતિ સમજૂતીમાં કહેવામાં આવ્યું હતું કે અફઘાન સરકાર બંને પક્ષે કેદીઓને છોડવા માટે વાટાઘાટ કરશે. વળી સમજૂતીમાં કેદીઓને છોડાશે એવો કોઈ ઉલ્લેખ નથી કરાયો.

અમેરિકાના આ વાયદા મુદ્દે અફઘાનિસ્તાન સરકારે કહ્યું હતું કે કેદીઓની છોડી મૂકવામાં આવશે, એવો કોઈ વચન નથી અપાયાં. સામે પક્ષે તાલિબાને કહ્યું છે કે જ્યાં સુધી કેદીઓને છોડી મૂકવામાં નહીં આવે ત્યાં સુધી એ વાતચીતમાં ભાગ નહીં લે.

અફઘાન સરકારને સત્તા ખૂંચવી લેવાનો ડર

અફઘાનિસ્તાન સરકારને ડર લાગી રહ્યો છે કે જો આ પાંચ હજાર કેદીઓને છોડી મૂકવામાં આવશે તો તાલિબાન મજબૂત થશે અને તાલિબાનના લડાકુઓ તેમની સત્તા ખૂંચવી લેવા પ્રયત્ન કરશે. એનાથી તાલિબાની સેના મજબૂત થશે. પ્રાપ્ત માહિતી અનુસાર આશરે 10,000 તાલિબાની કેદી અત્યારે અફઘાનિસ્તાનની સરકારની જેલોમાં બંધ છે.

અમેરિકાને આ યુદ્ધનો અધધધ…ખર્ચ

અમેરિકી ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સના જણાવ્યા મુજબ અમેરિકાને અફઘાનિસ્તાનમાં (ઓક્ટોબર, 2001થી સપ્ટેમ્બર, 2019 સુધીમાં 822 કરોડ ડોલરનો ખર્ચ થઈ ચૂક્યો છે. આમ અમેરિકા માટે તાલિબાન સાથે સમજૂતી કર્યા સિવાય છૂટકો નથી. અમેરિકાની હાલત હાલ તો સાપે છછૂંદર ગળ્યા જેવી છે.

 

શેફાલી વર્મા બની વિશ્વની નંબર-1 T20I બેટ્સવુમન

સિડની : ભારતની મહિલા ક્રિકેટ ટીમની યુવા સનસનાટી શેફાલી વર્મા ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) મહિલાઓની ટ્વેન્ટી ઈન્ટરનેશનલ રેન્કિંગ્સમાં ટોચના સ્થાને પહોંચી ગઈ છે. હાલ રમાઈ રહેલી વર્લ્ડ કપમાં એણે રમેલા ઝમકદાર દાવને કારણે તે આ ટોચનું રેન્કિંગ પ્રાપ્ત કરી શકી છે.

ઓપનર તરીકે રમતી શેફાલી માત્ર 16 વર્ષની જ છે અને એણે 761 પોઈન્ટ્સ મેળવીને ન્યૂઝીલેન્ડની સુઝી બેટ્સને પાછળ રાખી દીધી છે, જે 2018ના ઓક્ટોબરથી ટોપ પર હતી. સુઝીના 750 પોઈન્ટ્સ છે.

શેફાલી પહેલા નંબર પર છે અને એની પછીના ચાર નંબરે આ ખેલાડીઓ છે – સુઝી બેટ્સ (ન્યૂઝીલેન્ડ), બેથ મૂની (ઓસ્ટ્રેલિયા), સોફી ડીવાઈન (ન્યૂઝીલેન્ડ) અને મેગ લેનિંગ (ઓસ્ટ્રેલિયા).

ભારતીય ટીમની અન્ય ઓપનર સ્મૃતિ મંધાના જોકે બે નંબર નીચે ઉતરી ગઈ છે અને નવી યાદીમાં એ છઠ્ઠા નંબર પર છે.

ભારતની અન્ય સ્ટાર બેટ્સવુમન જેમિમા રોડ્રિગ્સને પણ બે સ્થાનનું નુકસાન ગયું છે. એ સાતમા નંબર પરથી 9મા નંબર પર નીચે ઉતરી ગઈ છે.

શેફાલી વર્મા એની વિસ્ફોટક બેટિંગને કારણે ઝડપથી ખ્યાતનામ થઈ ગઈ છે. એણે ચાર દાવમાં જ 161 રન ઝૂડી કાઢ્યા છે. એમાં શ્રીલંકા સામે 47 રન અને ન્યૂઝીલેન્ડ સામે 46 રનના દાવનો સમાવેશ થાય છે.

મહિલાઓનાં T20I રેન્કિંગ્સમાં ટોચના સ્થાને પહોંચનાર શેફાલી ભૂતપૂર્વ કેપ્ટન મિતાલી રાજ પછી માત્ર બીજી જ ભારતીય બેટ્સવુમન બની છે.

બોલરોના રેન્કિંગ્સમાં, ઈંગ્લેન્ડની સ્પિનર સોફી એક્લીસ્ટન પહેલા નંબર પર છે. વર્તમાન ટ્વેન્ટી-20 વર્લ્ડ કપમાં એ અત્યાર સુધીમાં 8 વિકેટ લઈ ચૂકી છે.

વર્તમાન ટ્વેન્ટી-20 વર્લ્ડ કપમાં ગુરુવારે ભારતનો મુકાબલો ઈંગ્લેન્ડ સામે થવાનો છે. આ મેચ સેમી ફાઈનલ છે.

બોલરોની યાદીમાં, ભારતની દિપ્તી શર્મા અને રાધા યાદવને નુકસાન ગયું છે. આ બંને જણ અનુક્રમે પાંચમા અને સાતમા નંબર પર નીચે ઉતરી ગઈ છે. લેગસ્પિનર પૂનમ યાદવે ચાર સ્થાનની છલાંગ લગાવી છે અને તે હાલ આઠમા સ્થાને છે.

ફરીથી મુકેશ અંબાણી નાનાભાઇ અનિલની મદદમાં આવ્યા?

નવી દિલ્હીઃ દેશના સૌથી શ્રીમંત ઉદ્યોગપતિ મુકેશ અંબાણી ભાઈ અનિલ અંબાણીની નાદાર થઈ ચૂકેલી કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન્સને ખરીદી લેશે. આમ મોટા ભાઈ નાના ભાઇની વહારે આવ્યા છે. આ માટે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ આરકોમની રિઝોલ્યુશન પ્લાનને મંજૂરી આપી દીધી છે, એમ સૂત્રોએ કહ્યું હતું. બેન્કોને આશા છે કે આનાથી એમના રૂ. 23,000 કરોડ રિકવર થશે.

જિયો ટાવર અને ફાઇબર બિઝનેસ ખરીદશે

મુકેશ અંબાણીની રિલાયન્સ જિયો આરકોમનો ટાવર અન  ફાઇબર બિઝનેસ (રિલાયન્ ઇન્ફ્રાટેલ)ને ખરીદવા માટે રૂ. 4,700 કરોડની ઓફર કરી રહી છે. યુવી એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની (UVARC)એ આરકોમ અને રિલાયન્સ ટેલિકોમની એસેટ માટે રૂ. 14,700 કરોડની બોલી લગાવી હતી. આરકોમે રૂ. 4,300 કરોડનાં લેણાં ઇન્ડિયન અને ચાઇનીઝ ક્રેડિટર્સને પ્રાથમિકતાને આધારે ચૂકવવાની છે.

કંપની પર કુલ રૂ. 82,000 કરોડનાં દેવાં

આ મામલે એસબીઆઇ બોર્ડે આરકોમના રિઝોલ્યુશન પ્લાનને મંજૂરી આપી દીધી છે. આરકોમનાં સિક્યોર્ડ દેવાં રૂ. 33,000 કરોડના છે અને લેન્ડર્સે રૂ. 49,000 કરોડનો દાવો કર્યો છે.

જિયોની આરકોમની એસેટ ખરીદવા અસહમતી

પાછલા દિવસોમાં આરકોમે એસેટ વેચીને દેવાં ચૂકવવાના પ્રયત્નો કર્યા હતા. આ માટે અનિલ અંબાણીએ રિલાયન્સ જિયોનો પણ સંપર્ક કર્યો હતો. જોકે આ સોદો થઈ ના શક્યો. જિયોએ આરકોમની એસેટ ખરીદવા માટે ના પાડી હતી. જિયોએ કહ્યું હતું કે કંપની આરકોમનાં ભારે દેવાંનો બોજ ઉઠાવવા નથી માગતી. જેથી સ્વિડિશ ટેલિકોમ કંપની એરિક્શને ઇન્સોલ્વન્સી માટે અરજી કરી હતી અને આ પ્રક્રિયાની શરૂઆત થઈ હતી.

 

ગુજરાત: બે વર્ષમાં 15 હજારથી વધુ નવજાત શિશુઓના મોત

અમદાવાદઃ ગુજરાત વિધાનસભા સત્રમાં રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં થયેલા બાળકોના મોત અંગે ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે. કોંગ્રેસના ધારાસભ્યોએ પૂછેલા પ્રશ્નના જવાબમાં રાજ્યસરકાર જણાવ્યું કે, છેલ્લા 2 વર્ષમાં સરકારી હોસ્પિટલમાં 71 હજાર 774 બાળકનો જન્મ થયો હતો અને તેમાના 15 હજાર 13 નવજાત શિશુના મોત થયા હતા.

આમ દરરોજ 20 બાળકોના મોત થઈ રહ્યાં છે. અમદાવાદની સરકારી હોસ્પિટલમાં સૌથી વધુ 4,322 બાળકના મોત થયા છે. ત્યારબાદ વડોદરા 2362 અને સૂરતમાં 1986 બાળકો મોતને ભેટ્યા. આ બાળકો સીક ન્યૂબોર્ન કેર યુનિટમાં દાખલ હતા. જ્યારે આરોગ્ય તપાસ દરમ્યાન અમદાવાદ જિલ્લામાં બાળકોને ગંભીર બીમારી હોવાનો પણ ખુલાસો થયો છે. જેમાં 199 બાળકને હ્યદયની, 62ને કીડનીની અને 45 બાળકને કેન્સરની બીમારી હોવાનું બહાર આવ્યું છે.

અમદાવાદ સિવિલ, યુ.એન. મહેતા અને એચ.એલ. ત્રિવેદી હોસ્પિટલ મળીને ક્લાસ 1,2 અને 3ની કુલ મંજુર મહેકમ 1108માંથી 158 જગ્યાઓ ખાલી પડી છે.જ્યારે સિવિલ હોસ્પિટલમાં ક્લાસ-3માં 682 અને ક્લાસ-4 માં 1106 જગ્યાઓ આઉટસોર્સિંગથી ભરવામાં આવી છે. યુ.એન.મહેતામાં 1886 જગ્યાઓ કોન્ટ્રાક્ટ આધારિત ભરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલમાં આઉટસોર્સિંગ કરતી 3 કંપનીઓને 2 વર્ષમાં રૂ. 48 કરોડની ચુકવણી કરવામાં આવી છે.

શું છે કોરોના? તેના લક્ષણો અને બચવાના ઉપાયો જાણો

નવી દિલ્હીઃ નોવેલ કોરોના વાયરસના કારણે મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. વિશ્વ આખામાં આ મહામારીએ પોતાનો કહેર વરસાવ્યો છે. આ વાયરસ ફેલાવાની શરુઆત ચીનથી થઈ હતી. તો ચીનના વુહાન શહેરમાં આનો સૌથી વધારે પ્રકોપ જોવા મળ્યો. આ સિવાય જાપાન, થાઈલેન્ડ, સિંગાપુર અને હવે તો ભારતમાં પણ કોરોના વાયરસના પોઝિટિવ કેસો સામે આવ્યા છે. આ વાયરસ ઝડપી ફેલાવાના કારણે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ચીનથી આવનારા યાત્રીઓની તપાસને ચુસ્ત કરી છે અને વધારી દીધી છે. આવો જાણીએ, કોરોના વાયરસ શું છે? ક્યાંથી આવ્યો? કઈ રીતે ફેલાય છે? અને તેને પહોંચી વળવાના શું છે ઉપાયો?

શું છે આ વાયરસ?

WHO અનુસાર કોરોના વાયરસનો સંબંધ સી-ફૂડ સાથે છે. કોરોના વાયરસની ખતરનાક વાત એ છે કે આ વાયરસ ઉંટ, બિલાડી અને ચામાચીડિયા સહિત અન્ય પણ ઘણા જાનવરોમાં પ્રવેશ કરી રહ્યો છે. કોરોના વાયરસ સતત લોકોને ભરડામાં લઈ રહ્યો છે. જો કે બહુ ઓછા કેસ એવા જોવા મળ્યા છે કે જેમાં આ પશુઓથી માણસોમાં ફેલાયો હોય.

હકીકતમાં કોરોના વાયરસ(સીઓવી) વાયરસના એક મોટા પરિવારનો સભ્ય છે કે જેના કારણે સામાન્ય શરદીથી લઈને એક્યૂટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ જેવી બિમારીઓ થઈ રહી છે પરંતુ અત્યારસુધી ચીનમાં અનેક લોકોના જીવને ભરખી જનારો આ વાયરસ અલગ પ્રકારનો છે કે જેને પહેલા ક્યારેય જોવામાં આવ્યો નથી.

કોરોના વાયરસ કેવી રીતે ફેલાય છે?

WHO ના જણાવ્યા અનુસાર, એવાતની પૂરી શક્યતાઓ છે કે આ વાયરસ માણસો દ્વારા એકબીજાને ફેલાયો છે. સીઓવી વાયરસની સૌથી મોટી પ્રજાતિ છે, જેના કારણે સામાન્ય શરદીથી લઈને મિડલ ઈસ્ટ રિસ્પિરેટરી સિન્ડ્રોમ અને સીવિયર એક્યૂટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ જેવી ગંભીર બિમારીઓ થઈ શકે છે.

કોરોના વાયરસના લક્ષણો

કોરોના વાયરસના લક્ષણોને સમજવા જરુરી છે. આ વાયરસ મનુષ્યની કિડનીને નુકસાન પહોંચી શકે છે. સામાન્ય રીતે કોરોના વાયરસના લક્ષણ ન્યુમોનિયા જેવા હોઈ શકે છે. આમાં શરદી, ગળામાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ અને તાવ જેવા લક્ષણો દેખાય છે. આના ચેપી લોકોમાં શ્વાસ સાથે જોડાયેલી સમસ્યાઓ, તાવ, શરદી અને ઉધરસ છે. વધારે ગંભીર મામલાઓમાં ચેપના કારણે ન્યુમોનિયા, સીવિયર એક્યૂટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ, કિડની ફેઈલ થઈ જવી અને મૃત્યુ પણ થઈ શકે છે.

કોરોનાથી બચવાના ઉપાયો

એવા લોકોના સંપર્કમાં ન આવશો કે જેમને આ વાયરસ છે અથવા તેના લક્ષણો છે.

બીજી સૌથી જરુરી વાત એ છે કે સી-ફૂડ ક્યારેય ન ખાશો.

આ સિવાય પોતાને વાયરસથી દૂર રાખવા માટે હાઈજીનનું સંપૂર્ણ ધ્યાન રાખો. સેનિટાઈઝરનો ઉપયોગ કરો.

જ્યારે ઘરેથી બહાર નિકળો ત્યારે માસ્ક પહેરીને જ નિકળો.

ટાઈગર અભી ઝિંદા હૈ: અમર સિંહ બોલ્યા

નવી દિલ્હી: પૂર્વમાં સમાજવાદી પાર્ટી (એસપી)ના કદ્દાવર નેતા રહેલા અમર સિંહે થોડા દિવસો પહેલા જ બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન અને તેમના પરિવારની માફી માગી હતી. આ દરમિયાન અમરસિંહે જણાવ્યું કે તેઓ હાલ સિંગાપોરમાં છે અને મોત સામે ઝઝૂમી રહ્યાં છે. હવે એક વિડીયો પોસ્ટ કરીને તેમણે કહ્યું છે કે, ‘કેટલાક લોકો મારા મોતની ખબર ફેલાવી રહ્યાં છે. જે સમગ્ર રીતે ખોટી છે.’

કહ્યું,’ટાઈગર અભી ઝિંદા હૈ’ આ સાથે જ તેમણે વિડીયો સાથે લખ્યું કે, મારા શુભચિંતક અને મિત્રોએ અફવા ખૂબ ઝડપથી ફેલાવી છે કે યમરાજે મને તેની પાસે બોલાવી લીધો છે. આવું બિલકુલ નથી. મારી સારવાર ચાલી રહી છે.’  ‘ટાઈગર અભી ઝિંદા હૈ’. આ વિડીયોમાં અમર સિંહ એવું કહેતા જોવા મળે છે કે,’સિંગાપુરથી હું અમર સિંહ બોલી રહ્યો છું. મારામાં હિંમત બાકી છે. જોશ પણ બાકી છે અને હોશ પણ બાકી છે.

અમર સિંહે કહ્યું કે, જલદીથી જ બમણી તાકાતથી પરત આવીશ અને તમારા લોકો વચ્ચે હંમેશની જેમ…જેવો છું, તમારો જ છું. ખરાબ છું કે સારો છું, ગમે તેવો… પોતાની ચીરપરિચિત શૈલી, પ્રથા અને પરંપરા અનૂકુળ જેમ અત્યારે જીવન પસાર કર્યું છે. એમ જ આગળ પણ જીતતો રહીશ.’

મહત્વનું છે કે, અમર સિંહનું એક સમયે સમાજવાદી પાર્ટીના કદાવર નેતાઓમાં નામ લેવાતું હતું. વર્ષ 2010માં તેમણે તેમની નવી પાર્ટી રાષ્ટ્રીય લોક મંચની રચના કરી. ત્યારપછી તેણે ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં 360 બેઠકો પર ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા હતા પણ એક પણ બેઠક પર જીત મળી નહતી. આ ઉપરાંત તેમણે રાષ્ટ્રીય લોકદળથી લોકસભા ચૂંટણી પણ લડી હતી.