Home Blog Page 4952

દિગ્વિજય સિંહ જ MPના રાજકીય નાટકના સૂત્રધારઃ કોંગ્રેસી નેતાએ વટાણા વેર્યા

નવી દિલ્હીઃ મધ્ય પ્રદેશની કોંગ્રેસ સરકાર હવે સુરક્ષિત છે. ખુદ કમલનાથે આવો દાવોય કર્યો છે. છેલ્લા 22 કલાકમાં રંગમંચ પર રાજકીય નાટક ભજવાઈ ગયું. આ રાજકીય રંગમંચ પર ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહ સંકટમોચક તરીકે ઊભરી આવ્યા હતા, પરંતુ તેમની ભૂમિકા પર પ્રશ્નચિહ્ન લગાવનાર કોંગ્રેસી નેતા જ છે. જોકે મધ્ય પ્રદેશમાં જે રાજકીય મેલો ડ્રામા ભજવાઈ ગયો એના સૂત્રધાર પણ દિગ્વિજય સિંહ છે, એવો આરોપ કોંગ્રેસ નેતાએ પરોક્ષરૂપે કર્યો છે.  

ભોપાળથી દિલ્હી સુધીના 22 કલાક ના રાજકીય ડ્રામા પછી છ વિધાનસભ્યો પાછા ફર્યા છે. આ પૂરા ઘટનાક્રમમાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દિગ્ગીરાજાની ભૂમિકાને લઈને હવે ગંભીર સવાલ ઊઠયા છે.

રાજ્યસભામાં જવાની આ બધી કવાયત

રાજકારણની ગલીઓમાં એવી ચર્ચા શોરશોરથી ચાલી રહી છે કે દિગ્ગી રાજાએ આ ષડયંત્રની પટકથા લખી હતી. આ દાવાની પાછળ બે તર્ક છે. પહેલો તર્ક એ છે કે હોર્સ ટ્રેડિંગમાં જે છ વિધાનસભ્યોનાં નામ સામે આવ્યાં છે, એમાંથી બે વિધાનસભ્યો દિગ્ગજ કોંગ્રેસી નેતા દિગ્વિજય સિંહની બહુ નજીકના છે. આ વિધાનસભ્યોમાં બિસાહુલાલ સિંહ અને એંદલ સિંહ સંષાના સામેલ છે.

કમલનાથના પ્રધાને ટ્વીટ કરીને ઇશારો કર્યો

મધ્ય પ્રદેશમાં રાજકીય ભૂકંપ સર્જનાર દિગ્વિજય સિંહને જવાબદાર બતાવવા પાછળ બીજો તર્ક એ છે કે કમલનાથ સરકારના એક કેબિનેટ પ્રધાનનું ટ્વીટ છે. કોંગ્રેસ સરકારમાં ઉમંગ સિંધારે ટ્વીટ કરીને જણાવ્યું છે કે માનનીય કમલનાથજી પૂર્ણ રૂપે સુરક્ષિત છે. આ રાજ્યસભા સીટ મેળવવાની લડાઈ છે. બાકી તમે બધા સમજદાર છે. આ ટ્વીટથી એ અટકળોને હવા મળી છે કે જેમાં કહેવામાં આવ્યું છે કે રાજકીય નાટક દિગ્વિજય સિંહે રાજ્યસભામાં જવા માટે રચ્યું હતું.

દિગ્વિજય સિંહનો કાર્યકાળ પૂરો થાય છે

દિગ્વિજય સિંહની રાજ્યસભાની સીટનો કાર્યકાળ ખતમ થઈ રહ્યો છે. મધ્ય પ્રદેશમાં ત્રણ સીટો પર રાજ્યસભા ચૂંટણી થવાની છે. એમાંથી બે સીટ કોંગ્રેસ સરળતાથી જીતી શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ કમલનાથ સરકાર સંકટમોચક બન્યા બાદ કોંગ્રેસના હાઇ કમાન્ડશી સોદો કર્યો છે, જેમાં સરકાર બચાવવાને બદલે તેમને ફરી રાજ્યસભામાં મોકલવામાં આવે.

 

એમપીમાં હજી સંકટ? ભાજપના નેતાએ કહ્યું કે, 15-20 ધારાસભ્યો સંપર્કમાં છે

ભોપાલઃ મધ્યપ્રદેશમાં કમલનાથ સરકાર પર સંકટના વાદળો મંડરાઈ રહ્યા છે. ડેમેજ કન્ટ્રોલમાં જોડાયેલી કોંગ્રેસ કહી રહી છે કે તેમની સરકારને કોઈ સંકટ નથી. તો ભારતીય જનતા પાર્ટીના નેતા નરોત્તમ મિશ્રાએ દાવો કર્યો છે કે, કોંગ્રેસના 15-20 ધારાસભ્યો તેમના સંપર્કમાં છે. નરોત્તમ મિશ્રાએ કહ્યું કે, ધારાસભ્ય કામ નથી કરાવી શકતા એટલા માટે તેમનામાં અસંતોષ વ્યાપ્ત છે.

આ પહેલા મધ્યપ્રદેશની રાજનીતિમાં મંગળવારના રોજ મોડી રાત સુધી હોબાળો થઈ ગયો હતો, જ્યારે 10 ધારાસભ્યોએ પાર્ટી બદલ્યાના સમાચારો આવ્યા. કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહે આરોપ લગાવ્યો કે ભાજપે કોંગ્રેસ અને કેટલાક અપક્ષ ધારાસભ્યોને દિલ્હી લઈ જવા માટે વિમાન બુક કરાવ્યો. જો કે તેમણે એપણ દાવો કર્યો કે, તેમના છ જેટલા ધારાસભ્યો પાછા આવી ગયા છે અને મધ્ય પ્રદેશ સરકારને કોઈ સંકટ નથી.

હવે ભાજપના નેતા નરોત્તમ મિશ્રાના એક દાવાએ પણ ખળભળાટ મચાવી દીધો છે. નરોત્તમ મિશ્રાએ દિલ્હીમાં કહ્યું કે, ધારાસભ્યો મારા સંપર્કમાં રહે છે. કોંગ્રેસના ધારાસભ્યો પોતાના કામ નથી કરી શકતા કારણ કે તેઓ જનતા પ્રત્યે જવાબદાર છે એટલા માટે તેમનામાં અસંતોષ વધી રહ્યો છે. 15-20 જેટલા ધારાસભ્યો અમારા સંપર્કમાં છે. જે 10 ધારાસભ્યોની ચર્ચા થઈ રહી છે, કે જો તેઓ પાર્ટી બદલીને ભાજપમાં જોડાઈ જશે તો વિધાનસભામાં ભાજપનો આંકડો 117 એટલે કે બહુમતથી એક સીટ વધારે થઈ જશે. ત્યારે આવામાં મધ્ય પ્રદેશની વર્તમાન સરકાર પડી જશે.

આ આખા ઘટનાક્રમ પર ધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે કહ્યું કે, માફિયાઓની મદદથી ભાજપ મધ્ય પ્રદેશની કોંગ્રેસની સરકારને અસ્થિર કરવાના નિષ્ફળ પ્રયત્નો કરી રહી છે. અમારી પાસે વિધાનસભામાં પૂર્ણ બહુમત છે, જેને અમે બજેટ પાસ કરાવવા સિવાય સ્પીકર અને ડેપ્યુટી સ્પીકરની ચૂંટણી સમયે સાબિત પણ કર્યું છે.

દક્ષિણ આફ્રીકાના પૂર્વ ક્રિકેટરે કર્યું ગંગા સ્નાનઃ જણાવ્યું ગંગાનું મહત્વ

નવી દિલ્હીઃ દક્ષિણ આફ્રીકાના પૂર્વ ક્રિકેટર જોન્ટી રોડ્સ ભારતને ખૂબ પસંદ કરે છે. જ્યારે પણ તેઓ ભારતના પ્રવાસે આવે છે ત્યારે અહીંયા ફરવાનું ભૂલતા નથી. તેમને ભારત દેશ એટલો પસંદ છે કે, તેમણે પોતાની દીકરીનું નામ પણ ઈન્ડિયા રાખ્યું છે. પાકિસ્તાનમાં સુપર લીગમાં ભાગ લીધા બાદ તેઓ ભારત આવ્યા અને ઋષિકેશમાં ગંગા સ્નાન કર્યું. આઈપીએલ માટે તેઓ ભારત આવ્યા છે. તેમણે ટ્વીટર પર ગંગા સ્નાનના ફોટોઝ શેર કર્યા છે. જેના પર ટીમ ઈન્ડિયાના ક્રિકેટર હરભજન સિંહએ રિએક્ટ કર્યું.

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ સ્પિનર બોલર હરભજન સિંહનું માનવું છે કે દક્ષિણ આફ્રીકાના પૂર્વ ક્રિકેટર જોન્ટી રોડ્સે ભારતને તેમનાથી વધારે જોયું છે. હરભજન સિંહે રોડ્સને કહ્યું કે, આવતા વર્ષે તેમને પણ અહીંયા સાથે લઈને આવે. દુનિયાના સર્વશ્રેષ્ઠ ફિલ્ડરમાં ગણાતા રોડ્સ આ સમયે પોતાના પરિવાર સાથે ભારતમાં રજાઓ મનાવી રહ્યા છે. તેમણે ઋષિકેશમાં ગંગા સ્નાન કર્યું.

રોડ્સે પવિત્ર ગંગા નદીમાં ડુબકી લગાવનારો ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. રોડ્સે આ ફોટોના કેપ્શનમાં લખ્યું કે, પવિત્ર ગંગાના ઠંડા પાણીમાં ડુબકી લગાવવાના ભૌતિક અને આધ્યાત્મિક બંન્ને લાભ છે.

મની લોન્ડરિંગ કેસમાં જેટ એરવેઝના નરેશ ગોયલને અટકમાં લેવાયા

મુંબઈ: કથિતપણે મની લોન્ડરિંગ કેસના સંબંધમાં એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઈડી) એજન્સીના અધિકારીઓએ જેટ એરવેઝના ભૂતપૂર્વ ચેરમેન નરેશ ગોયલના મુંબઈસ્થિત નિવાસસ્થાને દરોડા પાડ્યા છે અને એમને અટકમાં લીધા હોવાનો અહેવાલ છે.

આર્થિક ગેરરીતિઓમાં તપાસ કરતી કેન્દ્રીય એજન્સી EDએ નરેશ ગોયલ તથા બીજાં અમુક જણ સામે મની લોન્ડરિંગનો કેસ કર્યો છે.

જેટ એરવેઝને હાલ બંધ કરી દેવામાં આવી છે.

ઈડીના અધિકારીઓએ મની લોન્ડરિંગના કેસના સંબંધમાં પૂછપરછ માટે નરેશ ગોયલને ગઈ કાલે એજન્સીના કાર્યાલય ખાતે બોલાવ્યા હતા. ત્યારબાદ ગોયલના નિવાસસ્થાને દરોડા પાડવામાં આવ્યા હતા.

નરેશ ગોયલની જેટ એરવેઝે ભંડોળને અન્યત્ર વાળવા સહિતની કેટલીક નાણાકીય ગેરરીતિઓ આચરી હોવાની શંકા છે અને માટે જ એમની સામે તપાસ ચલાવવા માટે નવો કેસ નોંધવામાં આવ્યો છે.

ગયા વર્ષે ઈડી એજન્સીએ નરેશ ગોયલ અને એમની એરલાઈન સામે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA)ના ભંગ બદલ એક કેસ નોંધ્યો હતો.

સુવિચાર – ૫ માર્ચ, ૨૦૨૦

પ્રવાસીઓ મામલે ભારત આગળ, શરણાર્થીઓ મામલે બાંગ્લાદેશ

નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્રનો પ્રવાસીઓ અને શરણાર્થીઓને લઈને આવેલો ‘માઇગ્રેશન અહેવાલ 2020’ બહુ ખાસ છે. આ અહેવાલ સંયુક્ત રાષ્ટ્રની સહયોગી સંસ્થા ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ઓન માઇગ્રેશને તૈયાર કર્યો છે. આ અહેવાલ મુજબ વિશ્વમાં આશરે 27 કરોડ પ્રવાસીઓ છે, જેમાંથી સૌથી વધુ ભારતીય છે. એકલા ભારતના 17 કરોડથી વધુ પ્રવાસીઓ વિશ્વના વિવિધ દેશોમાં રહી રહ્યા છે. એની સાથે બીજા નંબરે મેક્સિકોના નાગરિકો છે, જેમની સંખ્યા આશરે 12 કરોડ છે. ત્રીજા ક્રમાંકે વિવિધ દેશો ચીની નાગરિકો રહી રહ્યા છે, જેમની સંખ્યા 11 કરોડથી થોડી ઓછી છે. અહેવાલ મુજબ 14 કરોડ પ્રવાસી યુરોપ અને ઉત્તરીય અમેરિકામાં રહી રહ્યા છે.

વિશ્વની કુલ વસતિના 3.5 ટકા પ્રવાસીઓ

UNના અહેવાલ મુજબ વિશ્વની પૂરી વસતિના આશરે 3.5 ટકા લોકો પ્રવાસીઓ તરીકે વિવિધ દેશોમાં રહી રહ્યા છે. આ વસતિમાં 52 ટકા લોકો પુરુષ અને 48 ટકા મહિલાઓ છે.  આશરે 74 ટકા 20-64 વર્ષની વયના છે, જે એક વર્કિંગ એજ હોય છે.

આનો સીધો અર્થ એ છે કે વધુમાં વધુ લોકો કામકાજની તલાશમાં પોતાનો દેશ છોડીને અન્ય દેશમાં રહી રહ્યા છે. અહેવાલ કહે છે કે વિશ્વની કુલ વસતિના 3.5 ટકા વસતિ  પ્રવાસી તરીકે રહે છે.

આ અહેવાલ કહે છે આવનારાં 30 વર્ષોમાં આ સંખ્યામાં ઘટાડો થશે અને એ માત્ર 23 કરોડ રહી જશે.

વિકાસશીલથી વિકસિત દેશ તરફ

મોટા ભાગના પ્રવાસીઓ વિકાસશીલ દેશોથી સંબંધ ધરાવે છે અને તેઓ વધુ આવકવાળા દેશોમાં સ્થળાંતર કરે છે. જેમાં અમેરિકા સૌથી વધુ લોકોને પસંદ દેશ છે. આ સિવાય ફ્રાંસ, રશિયા, યુએઈ, સાઉદી અરેબિયા પણ લોકોને પસંદ છે.

અમેરિકા જવામાં ઘટાડો

અહેવાલમાં એક રસપ્રદ બાબત આવી છે કે વર્ષ 2013-2017 દરમ્યાન અમેરિકા જતા લોકોમાં આશરે એક ટકાનો ઘટાડો નોંધાયો હતો. અમેરિકાની તુલનામાં ઓછી આવક ધરાવતા દેશોમાં પ્રવાસીઓની સંખ્યામાં આશરે બે ગણો વધારો થયો છે.

વિદેશોથી રેમિટન્સ મોકલવામાં ભારતીયો અવ્વલ

વિદેશોથી રેમિટન્સ (ધન) મોકલવામાં ભારતીયો સૌથી આગળ છે. વર્ષ 2018 દરમ્યાન ભારતીયો દ્વારા મોકલવામાં આવેલું ફંડ આશરે 78.6 ખર્વ ડોલર છે. જ્યારે બીજા ક્રમે ચીન છે, જેના નાગરિકોએ 67.4 ખર્વડોલર મોકલ્યા હતા અને ત્રીજા ક્રમે મેક્સિકો- જેણે 35.7 ખર્વ ડોલર સ્વદેશ મોકલ્યા હતા.

વિવિધ સમસ્યાઓને લીધે શરણાર્થીઓની સંખ્યામાં વધારો

વર્ષ, 2018માં વિશ્વમાં આશરે અઢી કરોડ શરણાર્થીઓ હતા. આ એ શરણાર્થી છે, જે UNHCR અને  UNRWA હેઠળ રહે છે. આમાં શરણાર્થીઓમાં સૌથી વધુ 52 ટકા લોકો 18 વર્ષથી ઓછી ઉંમરના છે. આ લોકોએ પોતાનો દેશ છોડીને અન્ય દેશમાં જવાના કારણો ખાસ કરીને હિંસા, હુમલા અને ગૃહયુદ્ધ છે.

અહેવાલ મુજબ ગૃહયુદ્ધને કારણે ઘર છોડવાવાળાઓની સંખ્યા ચાર કરોડને પાર હતી, જે 1998 પછી સૌથી વધુ છે. જેમાં સિરિયામાં સૌથી વધુ છે.

રાજ્યવિહીન લોકોમાં બંગલાદેશ ટોચ પર

2018માં રાજ્યવિહીન લોકોની સંખ્યા પણ ચાર કરોડની આસપાસ પહોંચી ચૂકી છે. જેમાં બંગલાદેશના સૌથી વધુ આશરે નવ લાખ છે. ત્યાર બાદ કોટ ધઆઇવોરેના આશરે સાત લાખ લોકો અને એ પછી મ્યાનમારના  છ લાખ 20 હજાર લોકો સામેલ છે, એમ અહેવાલ કહે છે.

 

 

 

આ ભેજાબાજે જૂના લેન્ડલાઈન ફોનને બનાવ્યો ગૂગલ આસિસ્ટન્ટ

નવી દિલ્હી: ટેકનોલોજીએ આજે આપણા બધાં કામો સરળ બનાવી દીધા છે. તો એમેઝોન એલેક્સા અને ગૂગલ હોમ જેવા ડિજિટલ સહાયકો(આસિસ્ટન્ટ) એ અમારા ઘરોને પણ સ્માર્ટ બનાવી દીધા છે. આવી સ્થિતિમાં, જો કોઈ તમને કહે કે જૂના લેન્ડલાઇન ફોન (રોટરી ફોન) પણ આજની જેમ હાઇટેક છે, તો કદાચ તમે વિશ્વાસ નહીં કરી શકો. તાજેતરમાં, રેડ્ડિટ(Reddit) યુઝરએ તેની સર્જનાત્મકતાથી વર્ષો જૂના રોટરી લેન્ડલાઇન ફોન (રિંગ ફેરવીને નંબર કરવાવાળો લેન્ડલાઇન ફોન)ને એક સ્માર્ટ આસિસ્ટન્ટ બનાવી દીધો છે. મજાની વાત એ છે કે આ ફોનમાં સ્માર્ટ સહાયકના મોટાભાગના ફિચર્સ એકદમ વ્યવસ્થિત રીતે કામ કરી રહ્યા છે.

ફોનના રિસીવરને બનાવ્યું માઈક અને સ્પીકર

Movieman_75  નામના આ રેડ્ડિટ યુઝરે, ગૂગલ હોમ મિની સ્માર્ટ સ્પીકરને એક જુના રોટરી ફોનમાં શ્રેષ્ઠ રીતે ફીટ કરી દીધો છે. આ માટે, આ યુઝરે ગૂગલ હોમ મિની સ્પીકર સાથે જૂના લેન્ડલાઇન ટેલિફોનની સર્કિટને રિપ્લેસ કરી દીધી. ફોન ગુગલ સહાયકની જેમ કાર્ય કરે એ માટે, યુઝરે ફોનના રિસીવરને એવી રીતે સેટ કર્યું છે કે તેનો ઉપયોગ ગૂગલ આસિસ્ટન્ટના કાર્યો માટે માઇક અને સ્પીકર તરીકે થઈ શકે.

ગૂગલ આસિસ્ટન્ટને બનાવ્યું રોટરી આસિસ્ટન્ટ

આ યુઝરે એક વીડિયો પણ શેર કર્યો છે. જેમાં તે બતાવે છે કે કેવી રીતે આ જૂનો લેન્ડલાઇન ફોન ડિજિટલ સહાયકની જેમ કામ કરે છે. જ્યારે રિસીવરમાં કોઈ કમાન્ડ આપવામાં આવે ત્યારે આ આસિસ્ટન્ટ ઇન્ટિગ્રેટેડ ફોન કામ શરું કરે છે. આ એકદમ ફોન પર નોર્મલ વાત કરવા જેવું સરળ છે. કમાન્ડ મળ્યા પછી, ફોનની અંદર રહેલ ગૂગલ આસિસ્ટન્ટ જવાબ આપે છે, જેને રિસીવરની ઉપરના ભાગેથી સાંભળી શકાય છે. આ ડિજિટલ આસિસ્ટન્ટને ચાલુ કરવા માટે ‘Hey google’ બોલવું પડે છે. આમાં, તમે સંગીત વગાડવા ઉપરાંત વોઈસ કોલ પણ ઉપાડી શકો છો.

યુઝરે જણાવ્યું કે, આ ટેકનિકથી ફોન ઘણાઅંશે યોગ્ય રીતે કામ કરે છે. જોકે, આમા અમુક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. ઓડિયો ક્વોલિટી સારી મળે એટલા માટે આમાં ઓરિજનલ ઈન-બિલ્ટ માઈકના સ્થાને હોમ મિનીના ફાર-ફિલ્ડ માઈક્રોફોનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સાથે જ જૂના ફોનના રિસીવરને હાઈ-ફાઈ ઓડિયો આઉટપુટ માટે ઉપયોગ ન કરી શકાય કારણ કે ગૂગલ હોમના ઓડિયો આઉટપુટનો બેઝ પ્રમાણમાં ઘણો વધારે હોય છે.

વોટ્સએપ પર માણો હવે ડાર્ક મોડની મજા

નવી દિલ્હી: વોટ્સએપ યુઝર્સ માટે ખુશખબરી છે. લાંબી રાહ જોવડાવ્યા પછી હવે કંપનીએ આખરે તેના વપરાશકર્તાઓ માટે ડાર્ક મોડ સુવિધા રજૂ કરી છે. ડાર્ક મોડ ફિચર આઇઓએસ અને એન્ડ્રોઇડ બંને પ્લેટફોર્મ્સ પર રોલ આઉટ કરવામાં આવ્યું છે. ધીમે ધીમે આ અપડેટ બધા વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ થશે. છેલ્લા ઘણા મહિનાઓથી ડાર્ક મોડનું પરીક્ષણ ચાલી રહ્યું હતુ.

ડાર્ક મોડની સૌથી મોટી ખાસીયત એ છે કે, એમાં ચેટિંગ દરમ્યાન તમારી આંખોને મુશ્કેલી નહીં પડે. આ સાથે જ ડાર્ક મોડ ફોનની સ્ક્રીનમાંથી નિકળતી લાઈટને પણ ઓછી કરી દેશે, જેથી ફોનની બેટરી પણ ઓછી ઉતરશે. પહેલાની સરખામણીએ ડાર્ક મોડમાં ચેટિંગ નવો અનુભવ આપશે.

તાજેતરમાં જ કંપનીએ ડાર્ક મોડનો લોગો પણ બહાર પાડ્યો હતો. આ લોગોનો રંગ કાળો છે. કંપનીને તેના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર નવા લોગો વિશે માહિતી આપી હતી. આ સાથે જ કંપનીએ તેના ટ્વિટર એકાઉન્ટ અને બ્લોગ પોસ્ટ પરથી ડાર્ક મોડ સુવિધા વિશે માહિતી આપી છે.

ડાર્ક મોડને યુઝર્સ તેમની જરૂરીયાત અનુસાર ચાલુ બંધ કરી શકશે. ડાર્ક મોડમાં બ્લેક બેકગ્રાઉન્ડ પર ડાર્ક ગ્રે ટેકસ્ટ જોવા મળશે. ડાર્ક મોડ ખાસ કરીને નાઈટ ચેટિંગને વધુ સારું બનાવે છે.

જો તમારા ફોનમાં પહેલાથી જ આઇઓએસ 13 અથવા એન્ડ્રોઇડ 10 છે તો તમે સેટિગ્સમાં જઈને ડાર્ક મોડને ચાલુ કરી શકો છો. પરંતુ જો તમે Android 9 નો ઉપયોગ કરી રહ્યાં છો તો તમારે ડાર્ક મોડનો ઉપયોગ કરવા માટે વોટ્સએપ સેટિંગ્સમાં જઈને ચેટ્સ પર ટેપ કરવાનું રહેશે. ત્યાં તમને થીમ ઓપ્શન જોવા મળશે જેના પર ક્લિક કરીને ડાર્ક મોડનો વિકલ્પ મળશે. મહત્વનું છે કે, ડાર્ક મોડ માટે સૌથી જરૂરી છે કે, તમારું વોટ્સએપ લેટેસ્ટ વર્ઝન વાળું હોય. જો તમે જૂનું વોટ્સએપ વર્ઝન વાપરી રહ્યા હોવ તો પ્લેસ્ટોર પરથી તેને અપડેટ કરી શકો છો.

 

મહિલા દિવસે યોજાશે અનોખો ફૂડ ફેસ્ટીવલઃ ‘સંવેદનાનો સ્વાદ’

અમદાવાદ: ૮ માર્ચ ર૦ર૦ આતરરાષ્ટ્રીય મહિલા દિવસે અમદાવાદમાં એક અનોખી ઉજવણી થવાની છે. પ્રજ્ઞાચક્ષુ બહેનો ગૃહિણી તરીકે  કેવી રીતે ફરજ બજાવતી હશે, કેવી રીતે રસોઈ કરતી હશે, તે પ્રશ્નોના સરળ ઉત્તરો માટે લાયન્સ કલબ ઓફ કચ્છ-ભૂજ સાઈટ ફર્સ્ટ, સ્વ. રંજનબેન રમણલાલ ચેરીટેબલ ટ્રસ્ટ તથા રાહ ફાઉન્ડેશન દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે.

આ વિચારથી હાર્ટ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટના ર્ડા. નીતીનભાઈ શાહ અને સદ્‌વિચાર પરિવારના સહયોગથી એક અનોખા ફૂડ ફેસ્ટીવલ ‘સંવેદનો સ્વાદ’ આયોજક સદ્‌વિચાર પરિવાર, સમર્પણ કેમ્પસ, મેરીએટ હોલ પાસે, જોધપુર ટેકરા રોડ, રામદેવનગર, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું છે.

૮ માર્ચ રવિવારે આ ‘સ્વાદોત્સવ’ સાંજે ૪.૦૦ થી રાત્રે ૯.૦૦ સુધી ખુલ્લો રહેશે, જરૂરથી પધારજો.

 

NRI સાંભળજો! એર ઇન્ડિયા ખરીદવી હોય તો ચાન્સ છે…

નવી દિલ્હીઃ મોદી સરકારે એર ઇન્ડિયાના એક્વિઝિશન મામલે મોટી જાહેરાત કરી છે. કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે, એર ઇન્ડિયાનું સંપૂર્ણ અધિગ્રહણ (100 ટકા) નોન રેસિડેન્ટ ઇન્ડિયન એટલે કે કોઇ એનઆરઆઇ પણ કરી શકે છે. પહેલા NRI માટે અધિગ્રહણની મર્યાદા 49 ટકા હતી. એર ઇન્ડિયાને વર્ષ 2018માં વેચવાનો પ્રથમ પ્રયત્ન નિષ્ફળ રહ્યા બાદ કેન્દ્ર સરકારે આ વખતે પોતાનો સંપૂર્ણ હિસ્સો વેચવાનો નિર્ણય કર્યો છે.

મહત્વનું છે કે, એર ઇન્ડિયાની ખરીદી માટે બીડિંગ કરવાની છેલ્લી તારીખ 17 માર્ચ છે. સરકારી વિમાન કંપનીને ખરીદવાની ઇચ્છા ધરાવતી પાર્ટીઓ- કંપનીઓની નેટવર્થ 3500 કરોડ રૂપિયા હોવી જરૂરી છે. બીડ જમા થયા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

આજે યોજાયેલી કેન્દ્રીય કેબિનેટને બેઠકમાં એફડીઆઇના નિયમોમાં ફેરફારને લઇ નિર્ણય લેવાઇ ગયો છે. હવે વિદેશી કંપનીઓ પણ સરળતાપૂર્વક એર ઇન્ડિયા માટે બીડિંગ કરી શકશે. તે ઉપરાંત હવે NRI ઓટોમેટિક રૂટ હેઠળ એવિએશન સેક્ટરની કંપનીઓમાં 100 ટકા હિસ્સેદારી ખરીદી શકે છે.

તાજેતરમાં જ અશ્વિની લોહાણાના સ્થાને સિનિયર આઇએએસ ઓફિસર રાજીવ બંસલની એર ઇન્ડિયાના નવા ચીફ મેનેજિંગ ડિરેક્ટર પદે નિમણુંક કરવામાં આવી છે. બંસલ 1988 બેન્ચના નાગાલેન્ડ કેડરના આઇએએસ અધિકારી છે.

ઉલ્લેખનિય છે કે એર ઇન્ડિયા પર લગભગ 80 હજાર કરોડ રૂપિયાનું દેવું છે. નાણાંકીય વર્ષ 2018-19માં એર ઇન્ડિયાને રૂ. 8556 કરોડની ચોખ્ખી ખોટ થઇ હતી. હાલ એર ઇન્ડિયા અને તેની પેટા કંપની એર ઇન્ડિયા એક્સપ્રેસમાં સરકારે 100 ટકા હિસ્સેદારી ધરાવે છે.  7 જાન્યુઆરીએ ગૃહ મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં બનેલ ગ્રુપ ઓફ મિનિસ્ટર્સ એ ખાનગીકરણ સાથે જોડાયેલા પ્રસ્તાવને મંજૂરી આપી હતી.