આ ભેજાબાજે જૂના લેન્ડલાઈન ફોનને બનાવ્યો ગૂગલ આસિસ્ટન્ટ

નવી દિલ્હી: ટેકનોલોજીએ આજે આપણા બધાં કામો સરળ બનાવી દીધા છે. તો એમેઝોન એલેક્સા અને ગૂગલ હોમ જેવા ડિજિટલ સહાયકો(આસિસ્ટન્ટ) એ અમારા ઘરોને પણ સ્માર્ટ બનાવી દીધા છે. આવી સ્થિતિમાં, જો કોઈ તમને કહે કે જૂના લેન્ડલાઇન ફોન (રોટરી ફોન) પણ આજની જેમ હાઇટેક છે, તો કદાચ તમે વિશ્વાસ નહીં કરી શકો. તાજેતરમાં, રેડ્ડિટ(Reddit) યુઝરએ તેની સર્જનાત્મકતાથી વર્ષો જૂના રોટરી લેન્ડલાઇન ફોન (રિંગ ફેરવીને નંબર કરવાવાળો લેન્ડલાઇન ફોન)ને એક સ્માર્ટ આસિસ્ટન્ટ બનાવી દીધો છે. મજાની વાત એ છે કે આ ફોનમાં સ્માર્ટ સહાયકના મોટાભાગના ફિચર્સ એકદમ વ્યવસ્થિત રીતે કામ કરી રહ્યા છે.

ફોનના રિસીવરને બનાવ્યું માઈક અને સ્પીકર

Movieman_75  નામના આ રેડ્ડિટ યુઝરે, ગૂગલ હોમ મિની સ્માર્ટ સ્પીકરને એક જુના રોટરી ફોનમાં શ્રેષ્ઠ રીતે ફીટ કરી દીધો છે. આ માટે, આ યુઝરે ગૂગલ હોમ મિની સ્પીકર સાથે જૂના લેન્ડલાઇન ટેલિફોનની સર્કિટને રિપ્લેસ કરી દીધી. ફોન ગુગલ સહાયકની જેમ કાર્ય કરે એ માટે, યુઝરે ફોનના રિસીવરને એવી રીતે સેટ કર્યું છે કે તેનો ઉપયોગ ગૂગલ આસિસ્ટન્ટના કાર્યો માટે માઇક અને સ્પીકર તરીકે થઈ શકે.

ગૂગલ આસિસ્ટન્ટને બનાવ્યું રોટરી આસિસ્ટન્ટ

આ યુઝરે એક વીડિયો પણ શેર કર્યો છે. જેમાં તે બતાવે છે કે કેવી રીતે આ જૂનો લેન્ડલાઇન ફોન ડિજિટલ સહાયકની જેમ કામ કરે છે. જ્યારે રિસીવરમાં કોઈ કમાન્ડ આપવામાં આવે ત્યારે આ આસિસ્ટન્ટ ઇન્ટિગ્રેટેડ ફોન કામ શરું કરે છે. આ એકદમ ફોન પર નોર્મલ વાત કરવા જેવું સરળ છે. કમાન્ડ મળ્યા પછી, ફોનની અંદર રહેલ ગૂગલ આસિસ્ટન્ટ જવાબ આપે છે, જેને રિસીવરની ઉપરના ભાગેથી સાંભળી શકાય છે. આ ડિજિટલ આસિસ્ટન્ટને ચાલુ કરવા માટે ‘Hey google’ બોલવું પડે છે. આમાં, તમે સંગીત વગાડવા ઉપરાંત વોઈસ કોલ પણ ઉપાડી શકો છો.

યુઝરે જણાવ્યું કે, આ ટેકનિકથી ફોન ઘણાઅંશે યોગ્ય રીતે કામ કરે છે. જોકે, આમા અમુક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. ઓડિયો ક્વોલિટી સારી મળે એટલા માટે આમાં ઓરિજનલ ઈન-બિલ્ટ માઈકના સ્થાને હોમ મિનીના ફાર-ફિલ્ડ માઈક્રોફોનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સાથે જ જૂના ફોનના રિસીવરને હાઈ-ફાઈ ઓડિયો આઉટપુટ માટે ઉપયોગ ન કરી શકાય કારણ કે ગૂગલ હોમના ઓડિયો આઉટપુટનો બેઝ પ્રમાણમાં ઘણો વધારે હોય છે.