ગાંધીનગર: રાજ્યની વહીવટી સેવાના કુલ 17 અધિકારીને ભારતીય વહીવટી સેવામાં બઢતી આપવા કેન્દ્ર સરકારે મહત્ત્વનો નિર્ણય લીધો. કેન્દ્ર સરકારે ગુજરાત કેડરના 17 અધિકારીની IASમાં નિમણૂકને મંજૂરી આપી છે. વર્ષ 2025ની પસંદગી યાદી અંતર્ગત રાજ્ય વહીવટી સેવાના આ અધિકારીઓને નિમણૂક આપવામાં આવેલી છે. નવી નિમણૂક પામેલા અધિકારીઓને ટૂંક સમયમાં જ પોસ્ટિંગ અપાશે.
કોને અપાઈ નિમણૂક?
નિમણૂક પામેલા અધિકારીઓમાં આર. એન. કુછરા, આર. પી. પટેલ, ડી. કે. પટેલ, બી. એચ. પટેલ, સી. બી. ગણાત્રા, સી. એ. ગાંધી, બી. એન. પટેલ, એમ. કે. જોશી, એ. કે. જોશી, કે. એસ. ઝાલા, વી. કે. જાદવ, આઈ. આર. વાળા, એમ. ડી. ચૂડાસમા, બી. એસ. પ્રજાપતિ, વી. જી. પટેલ, એ. કે. વસતાણી અને પી. બી. રાઠોડનો સમાવેશ થાય છે.
નોટિફિકેશનમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ નિયુક્તિઓ ગુજરાત હાઈકોર્ટમાં પેન્ડિંગ કેટલીક વિશેષ નાગરિક અરજીઓના અંતિમ ચુકાદાઓને આધીન રહેશે. એટલે કે, સંબંધિત કેસોના પરિણામ બાદ જરૂરી હોય તો આગળની કાર્યવાહી થઇ શકે છે. નિમણૂક મેળવેલા તમામ અધિકારીઓ હાલ પ્રોબેશન પર રહેશે. આ ઉપરાંત તેમની સિનિયોરિટી અને એલોટમેન્ટ વર્ષ નક્કી કરવા માટે ગુજરાત સરકારને જરૂરી દસ્તાવેજો મોકલવા માટેની સૂચના આપવામાં આવેલી છે.




