Home Blog Page 4951

ઓબામાએ કહ્યુંઃ કોરોનાથી ડરો નહી, સ્વસ્થ લોકો માસ્ક છોડો

વોશિંગ્ટનઃ વિશ્વભરમાં કોરોના વાયરસના ડર વચ્ચે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ લોકોને સલાહ આપી છે કે ગભરાશો નહી અને સ્વસ્થ લોકો માસ્કનો ઉપયોગ કરવાનું છોડી દે. ઓબામાએ કહ્યું કે, સામાન્ય સાવધાનીઓ રાખવાની ખૂબ જરુર છે. તેમણે કહ્યું કે, માસ્ક ન પહેરીને નિયમિત સમય પર હાથ ધોતા રહો. ઓબામાએ ટ્વીટ કરીને કહ્યું કે, માસ્કને દર્દીઓની સારવાર માટે હોસ્પિટલમાં રહેલા સ્ટાફ માટે બચાવો. શાંત રહો, એક્સપર્ટ્સની વાત સાંભળો અને વિજ્ઞાનને સમજો.

હકીકતમાં ભારતની જેમ અમેરિકામાં પણ કોરોના વાયરસથી પીડિત દર્દીઓની સારવારમાં લાગેલા લોકો પાસે માસ્ક, ચશ્મા અને અન્ય સુરક્ષા ઉપકરણોની કમી છે. આવું ડિમાન્ડ વધવાના કારણે બન્યું છે. સામાન્ય લોકો પણ માસ્ક ખરીદીને પહેરી રહ્યા છે. ત્યારે આવામાં માસ્કનો ઘટાડો જોવા મળી રહ્યો છે. જો કે, ઘણી જગ્યાએ માસ્ક ન મળવાની પણ અફવા ફેલાઈ છે. પરંતુ સરકાર દ્વારા હજી સુધી માસ્ક અથવા અન્ય સામાનના ઘટાડાને લઈને કોઈ અધિકારીક જાહેરાત કરવામાં આવી નથી. દિલ્હી અને એનસીઆરમાં મોટા ભાગની જગ્યાએ સરળતાથી માસ્ક મળી રહ્યા છે.

કોરોનાની સારવાર માટે જરુરી વ્યવસ્થા કરવા મુખ્યમંત્રીનો આદેશ

નવી દિલ્હીઃ ગુજરાત કોરોના વાયરસથી હજી સુધી પૂર્ણ સુરક્ષિત છે. બે ડઝનથી પણ વધારે ટેસ્ટ નેગેટિવ આવ્યા છે પરંતુ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણીએ સરકારી હોસ્પિટલોમાં પૂરતી દવા, આઈસોલેશન વોર્ડની સાથે હેલ્પલાઈન પણ શરુ કરવાના આદેશો જાહેર કર્યા છે. લોકોને હાથ મિલાવવાની જગ્યાએ નમસ્તે કરીને જ શુભેચ્છાઓ આપવાની અપીલ કરવામાં આવી છે.

મુખ્યમંત્રી વિજય રુપાણીએ કહ્યું કે, ગુજરાતમાં અત્યારસુધીમાં એક પણ કેસ પોઝિટિવ આવ્યો નથી પરંતુ ગુજરાત કોરોના વાયરસની બિમારીને પહોંચી વળવા માટે સક્ષમ છે. રુપાણીએ જનતાને પણ સ્વાસ્થ્ય વિભાગ અને હોસ્પિટલો દ્વારા જાહેર દિશા-નિર્દેશનું પાલન કરવાની સાથે ચેપથી બચવા માટેના ઉપાયો અપનાવવાની અપીલ કરી છે. રુપાણીએ કહ્યું કે, હોસ્પિટલોમાં આઈસોલેશન વોર્ડ, પૂરતી દવા, માસ્ક, અને જરુરી માર્ગદર્શન માટે હેલ્પ લાઈન 104 પણ શરુ કરવામાં આવી છે.

મુખ્ય સચિવ અનિલ મુકીમે તમામ જિલ્લા કલેક્ટરને નિર્દેશ આપ્યા છે કે, મહાનગર પાલીકાથી લઈને પંચાયત સ્તર સુધી લોકોમાં જાગૃતતા લાવવા માટે ચર્ચા અને બેઠકો કરવામાં આવે. મુકીમે કહ્યું કે, રાજ્યમાં તમામ સરકારી અને પ્રાઈવેટ હોસ્પિટલોનું મેપિંગ કરીને તેમાં આઈસોલેશન વોર્ડ તૈયાર કરાવો, વેન્ટિલેટર, પીપી કિટ, એન95 માસ્ક, થ્રી લેયર માસ્ક, સહિતની સામગ્રીઓ પર્યાપ્ત પ્રમાણમાં ઉપ્લબ્ધ કરાવવામાં આવે.

પ્રાર્થનાની દીવાલ રચાઇ છે આ હોસ્પિટલમાં

રાજકોટ: માનવતાની દીવાલ, પ્રેમનો પટારો એવું ઘણું ઘણું હમણાં શરુ થયેલું જોવા મળ્યું. રાજકોટમાં તદ્દન નવજાત બાળકોને પણ સઘન અને આધુનિક સારવાર આપતી એક પ્રાઇવેટ હોસ્પિટલમાં પ્રાર્થનાની દીવાલ શરુ થઇ છે એ પણ થોડા દિવસો પહેલાં જ જન્મેલી એક બાળકી માટે.

રાજકોટ નજીકના ઠેબચડા ગામે ક્રિકેટ રમી રહેલા છોકરાઓએ જોયું કે એક કૂતરું નવજાત બાળકના શરીરને ઢસડીને લઇ જાય છે. પત્થરો મારીને કુતરાને ત્યાંથી ભગાડી મૂક્યું અને બાળકીને પોલીસ-ડોક્ટરના હવાલે કરી. ફૂલ જેવી પણ નહીં, નાજુક કળી જેવી એ બાળકીના શરીર પર ઘેરા-ઊંડા ઘા હતા. લોહી વહેતું હતું. સરકારી કે.ટી. ચિલ્ડ્રન હોસ્પીટલના સર્જન ડો.જયદીપ ગણાત્રાએ સારવાર શરુ કરી. જેને ઇશ્વરની પ્રતિનિધી કહેવામાં આવે છે એવી કોઇ માતા જ જન્મ આપ્યા બાદ આ બાળકીને તરછોડીને જતી રહી હતી એવું પોલીસનું તારણ હતું. બાળકીના શરીર પર અનેક ઘા હતા.

તબીબો એ તારણ પર આવ્યા કે ખુલ્લામાં પડેલી બાળકીના શરીર પર ઘા શ્વાનના દાંતના જ છે. એને ત્યજીને જતી રહેનાર સ્ત્રી કે વ્યક્તિને શોધી કાઢવા પોલીસે ચાર ટીમ બનાવી. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે બાળકીને નામ આપ્યું અંબે. ખરા અર્થમાં અંબાજીની પ્રાણ પ્રતિષ્ઠા થઇ. જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને કહ્યુઃ અમે અધિકારી તરીકે નહીં, માનવ તરીકે આ બાળાની સાથે છીએ. સ્થિતિ ગંભીર લાગતાં એને રાજકોટની પ્રાઇવેટ હોસ્પિટલમાં ખસેડાઇ.

રવિવારે,તા. 1 માર્ચે મુખ્યમંત્રી વિજયભાઇ રુપાણીએ પોતાના કાર્યક્રમમાં ન હોવા છતાં અચાનક હોસ્પિટલમાં જઇ બાળકીની હાલત જાણી, ડોક્ટરને સૂચના આપીઃ આને બચાવવાના તમામ પ્રયાસ કરો. એનો ખર્ચ સરકાર આપશે. બાળકીને સઘન સારવાર આપી રહેલા ડો. રાકેશ પટેલ ચિત્રલેખા.કોમ ને કહે છે, અમે નક્કી કર્યું છે કે આ બાળાની સારવાર માટે એક પણ રુપિયો અમે નહીં લઇએ. સારવાર અમારા તરફથી થશે. બાળકીને કદાચ કુતરાએ ઢસડી હશે એટલે એના ઘાવમાં ઇન્ફેક્શન થયું છેલિવરમાં પણ ઇજા છે. લોહી નીકળે છે. લોહીનો ચેપ પણ વધ્યો છે. સ્થિતિ નાજુક તો છે. અમે બચાવવા પ્રયત્નશીલ છીએ.

અંબે નામની આ બાળાએ હજી તો આંખ નથી ખોલી ત્યાં દુનિયાના બન્ને રંગ જોયા. જન્મ આપીને કોઇ ત્યજી ગયું તો કેટલા લોકો એને બચાવવા માટે પણ આગળ આવ્યા. અમૃતા ચિલ્ડ્રન હોસ્પિટલના સ્ટાફે એની સારવાર તો કરી જ છે પણ ત્યાં પ્રાર્થનાની દીવાલ બનાવાઇ છે. કોઇ દરદીના સગા, હોસ્પિટલના કર્મચારી કોઇ પણ ત્યાં આ બાળકીના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના લખે છે. અંબેની સારવાર સફળ નિવડે અને એ દીર્ઘાયુ થાય એ માટે રાજકોટના અનેક લોકો પ્રાર્થના કરે છે જેમાં ચિત્રલેખા.કોમ પણ સૂર પુરાવે છે.

(જ્વલંત છાયા)

તામિલનાડુના સમુદ્રમાંથી 14 કિલોથી વધુ સોનાનાં દાણચોરીનાં બિસ્કિટ મળ્યાં

મદુરાઈઃ તામિલનાડુના મન્નાર ખાડીમાં ડાઇવર્સોને ઊંડાં પાણીમાં 14 કિલોથી પણ વધુનું દાણચોરીનું સોનું મળ્યું છે. આ કદાચ એવો પહેલો મામલો છે કે જ્યાં સમુદ્રના ઊંડા પાણીની અંદરથી સોનાની દાણચોરીનો માલ જપ્ત કરવામાં આવ્યો છે. ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ (ISG) અને રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)ની સંયુક્ત ટીમે આ ઓપરેશન પાર પાડ્યું હતું. અહીં મન્નાર ખાડીમાં 14 કિલોથી વધુ વજનવાળા સોનાનાં બિસ્કિટ એક કપડામાં વીંટાળેલા મળી આવ્યાં હતાં. આ સોનાના બિસ્કિટની કિંમત રૂ. છથી સાડાછ કરોડ આંકવામાં આવે છે. બે કલાક સુધી ચાલેલા આ અભિયાનમાં સમુદ્રમાં 14.5થી 16.5 ફૂટ અંદર સોનાનાં બિસ્કિટ મળ્યાં હતાં.

 જાસૂસી તંત્રો દ્વારા ઇનપુટ મળ્યા

આઇસીજીના અધિકારીઓએ જણાવ્યું હતું કે તેમને જાસૂસી તંત્રો દ્વારા ઇનપુટ મળ્યા હતા, જેને આધારે મંગળવારે સમુદ્રની અંદર સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. ગુપ્ત સૂત્રો અનુસાર શ્રીલંકાથી આ સોનું દાણચોરીથી લાવવામાં આવતું હતું. તામિલનાડુના રામનાથપુરમ સોનું લાવવામાં આવ્યું હતું. બપોરે આશરે અઢી વાગ્યે બે લોકોને અનરજિસ્ટ્રડ બોટથી ધરપકડ કરવામાં આવી હતી.

 શંકાને આધારે સોનું મળ્યું

આ ઓપરેશનમાં સામેલ એક અધિકારીએ જણાવ્યું હતું કે અમને શંકા હતી કે તેમણે અમને જોઈને સમુદ્રમાં કંઇક ફેક્યું, કેમ તેમની બોટમાં માછલી નહોતી. જાળ પણ સુકાયેલી હતી અને પેક કરીને રાખવામાં આવી હતી. ફિશિંગના પણ કોઈ સંકેત મળતા નહોતા.

 

 

હોળી પછી મસ્જિદના ટ્રસ્ટની રચના, કોઈ મતભેદ નથીઃ  ફારુક

લખનૌઃ સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે ટ્રસ્ટની રચના થઈ ગઈ છે. હવે અયોધ્યામાં મસ્જિદ નિર્માણ માટેના ટ્રસ્ટની રચનાનો ઇન્તજાર છે. લખનૌમાં સુન્ની વકફ બોર્ડની બેઠકમાં ચેરમેન જુફર ફારુકે એ સંકેત આપ્યા હતા કે હોળી પછી ટ્રસ્ટની રચના કરવામાં આવે એવી સંભાવના છે.

લખનૌમાં માલ એવન્યુમાં કાર્યાલયમાં આયોજિત બેઠક પહેલાં સુન્ની વકફના ચેરમેન જુફર ફારુકીએ કહ્યું હતું કે આજની બેઠક રૂટિન છે અને કોઈ બાબતે નિર્ણય લેવામાંઆવશે ત્યારે મિડિયાને જણાવવામાં આવશે. ટ્રસ્ટની રચના સહિત કોઈ પણ બાબતે મતભેદ નથી અને કોઈ પણ પ્રકારે  કોરઈ મનભેદ પણ નથી.

ઉત્તર પ્રદેશ સુન્ની સેન્ટ્રલ વકફ બોર્ડના અધ્યક્ષ જુફર ફારુકીએ કહ્યું હતું કે આજની બેઠક નિયમિત બેઠક હતી. એનો એજન્ડા અયોધ્યા મામલો નથી. જ્યાં સુધી મસ્જિદ નિર્માણને લઈને ટ્રસ્ટની રચનાની વાત છે તો એની જાહેરાત હોળી પછી કરવામાં આવશે. એવું મ નવામાં આવે છે કે બોર્ડના સભ્યો હાજર ના હોવાથી અયોધ્યા મુદ્દો ટાળી દેવામાં આવ્યો.

ટ્રસ્ટમાં કુલ 10 સભ્યો સામેલ

મસ્જિદ નિર્માણના ટ્રસ્ટમાં કુલ 10 સભ્યોને સામેલ કરવામાં આવશે. જેમાંથી કેટલાક સભ્યો બોર્ડ અને એક સભ્ય સરકાર તરફથી સામેલ કરવામાં આવશે. એવી ચર્ચા છે કે સુન્ની વકફ બોર્ડના અધ્યક્ષ જુફર ફારુકીને જ આ ટ્રસ્ટના અધ્યક્ષ બનાવવામાં આવશે.

અયોધ્યામાં પાંચ એકર જમીન

યોગી આદિત્યનાથ સરકારે અયોધ્યાના રૌનારીના ધન્નીપુર દામમાં મુસ્લિમ પક્ષને પાંચ એકર જમીન આપી છે. 24 ફેબ્રુઆરીની બોર્ડની બેઠકમાં આ જમીનનો સ્વીકાર કરવામાં આવ્યો. ત્યાર બાદ એ પણ નક્કી કરવામાં આવ્યું કે ત્યાં ઇન્ડો-ઇસ્લામિક રિસર્ચ સેન્ટર બનશે. આ જમીન પર મસ્જિદ સિવાય ચેરિટેબલ હોસ્ટિપલ, ભારતીય તથા ઇસ્લામિક સભ્યતાના અધ્યયન માટે રિસર્ચ કેન્દ્ર અને પબ્લિક લાઇબ્રેરી બનાવવામાં આવશે.

 

પાંચમી માર્ચ સાથે ગાંધીજીનો શો સંબંધ…જાણો

નવી દિલ્હીઃ પાંચમી માર્ચે ગાંધીજીને ખાસ સંબંધ છે. પ માર્ચ, 1931એ લંડનની દ્વિતીય ગોળમેજી સંમેલન પહેલાં મહાત્મા ગાંધીજી અને તત્કાલીન વાઇસરોય લોર્ડ ઇરવિનની વચ્ચે એક રાજનૈતિક સમજૂતી સધાઈ હતી. જેને ગાંધી-ઇરવિન સમજૂતી કહેવામાં આવે છે. બ્રિટિશ સરકાર પ્રથમ ગોળમેજી સંમેલનથી સમજી ગઈ હતી કે કોંગ્રેસના સહયોગ વગર કોઈ પણ નિર્ણય કરવો મુશ્કેલ છે. વાઇસરોય લોર્ડ ઇરવિન ગાંધીની વચ્ચે 5 માર્ચ, 1931એ ગાંધી-ઇરવિન સમજૂતી થઈ હતી આ સમજૂતી હેઠળ ઇરવિને સ્વીકાર કર્યો હતો…

1 હિંસાના આરોપીઓને છોડીને બાકી બધા રજકીય કેદીઓને છોડી મૂકવામાં આવશે.

2 ભારતીય દારૂ અને વિદેશી કપડાંની દુકાનોની સામે ધરણાં કરી શકાશે.

3આંદોલન દરમ્યાન રાજીનામું આપનારાઓને તેમના પદોએ પુનઃ નિયુક્તિ કરાશે

5આંદોલન દરમ્યાન જપ્ત કરવામાં આવેલી સંપત્તિ પાછી આપવામાં આવશે

કોંગ્રેસ દ્વારા ગાંધીજીએ નીચેની શરતો સ્વીકારી હતી…

1 સવિનય અવજ્ઞા આંદોલન સ્થગિત કરવામાં આવશે.

2 કોંગ્રેસ દ્વિતીય ગોળમેજી સંમેલનમાં ભાગ લેશે.

3 કોંગ્રેસ બ્રિટિશ સામાનનો બહિષ્કાર નહીં કરે

4 ગાંધીજી પોલીસના અત્યાચારની તપાસની માગ છોડી દે.
આમ આ સમજૂતી એટલા માટે મહત્ત્વપૂર્ણ છે, કેમ કે બ્રિટિશ સરકારે ભારતીયો સાથે સમાનતાના સ્તરે સમજૂતી કરી હતી.

 

 

પોલાર્ડે રચ્ચો ઈતિહાસ: એક જ T-20 મેચમાં બનાવ્યા બે રેકોર્ડ

નવી દિલ્હી: વેસ્ટ ઈન્ડિઝની ટીમ ભલે વનડે અને ટેસ્ટ ક્રિકેટમાં સારુ પ્રદર્શન ન કરી રહી હોય પરંતુ, જ્યારે વાત ટી-20ની ક્રિકેટની આવે તો વેસ્ટ ઈન્ડિઝના ખેલાડીઓ એક પછી એક નવા રેકોર્ડ બનાવી રહ્યા છે. વેસ્ટ ઈન્ડિઝ ટીમના કેપ્ટન કીરોન પોલાર્ડે 4 માર્ચે શ્રીલંકા સામે રમાયેલી પ્રથમ ટી-20 મેચમાં બે-બે રેકોર્ડ પોતાના નામે કર્યા છે. આ મેચ રમવાની સાથે પોલાર્ડ 500 ટી-20 મેચ રમનારો વિશ્વનો પ્રથમ ક્રિકેટર બની ગયો છે, આ ઉપરાંત આ મેચમાં તેમણે તેના 10 હજાર રન પણ પૂરા કર્યા.

વિસ્ફોટક ઓપનર ક્રિસ ગેલ વિશ્વનો પ્રથમ બેટ્સમેન છે, જેમણે ટી-20 મેચમાં 10 હજાર રન પૂરા કર્યા હતા. ગેલ પછી હવે આ લિસ્ટમાં પોલાર્ડ પણ સામેલ થઈ ગયો છે. પોલાર્ડે શ્રીલંકા વિરુદ્ધ પ્રથમ ટી-20 મેચમાં 15 બોલમાં 3 ચોકા અને 2 સિક્સરની મદદથી 34 રન બનાવ્યા. 34 રન પૂરા થવાની સાથે જ તેમના 10 હજાર રન પૂરા થઈ ગયા.

આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમની શાનદાર જીત થઈ. મેચ પછી ટીમની સાથે પોલાર્ડે કેક કાપીને રેકોર્ડની ઉજવણી કરી. આ મેચમાં પોલાર્ડ તેમના સાથી ખેલાડીઓએ ભેટ કરેલી સ્પેશિયલ જર્સી પહેરીને મેદાન ઉતર્યો હતો. આ જર્સી પર તેમના નામની સાથે 500 લખેલું હતું.
જો સૌથી વધુ ટી-20 મેચ રમનારા ખેલાડીઓની વાત કરવામાં આવે તો આ લિસ્ટમાં ટોપ ત્રણ ખેલાડીઓમાં વેસ્ટ ઈન્ડિઝના જ ખેલાડીઓ છે. પ્રથમ નંબર પર પોલાર્ડ, બીજા નંબરે ડ્વેન બ્રાવો અને ત્રીજા નંબર પર ક્રિસ ગેલ છે.

EPFOએ PFનો વ્યાજદર ઘટાડીને 8.50 ટકા કર્યો, છ કરોડ લોકો પર અસર

નવી દિલ્હીઃ એમ્પ્લોયીઝ  પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO)એ નાણાકીય વર્ષ 2019-2020 માટે ઓછું રિટર્ન પ્રાપ્ત થશે. EPFO વ્યાજદર 8.65 ટકાથી ઘટાડીને 8.50 ટકા કર્યો હતો. લેબરપ્રધાન સંતોષ ગંગવારે જણાવ્યું હતું કે વર્ષ 2018-19 માટે આ દર 8.65 ટકા હતો, પણ આ વર્ષે એને 0.15 ટકા ઘટાડવામાં આવ્યો છે. નાણાકીય વર્ષ 2017-18માં EPFOનો રેટ 8.55 ટકા હતો. એના એક વર્ષ પહેલાં એ 8.55 ટકા હતો. આ નિર્ણય સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝની એક મિટિંગમાં થયો હતો.

ગંગવારે જણાવ્યું હતું કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (CBT)ની બેઠકમાં EPFOએ નિર્ણય કર્યો હતો કે નાણાકીય વર્ષ 2019-20 માટે 8.5 ટકા વ્યાજદર નક્કી કરવામાં આવે. જોકે આ મામલે નાણાકીય મંત્રાલયની મંજૂરી લેવાની બાકી છે. સરકારના આ નિર્ણયની અસર દેશભરના છ કરોડ PF સબસ્ક્રાઇબર પર થશે.

આ માલિકને તેમના પાલતું કૂતરાને કારણે જેલમાં જવાનો વારો આવ્યો!

અમદાવાદ: શહેરમાં એક વ્યક્તિને કુતરાને પાળવાનું ભારે પડી ગયું. આ પાલતુ કુતરાએ તેના પાડોશીને બટકુ ભર્યુ જેના પર કોર્ટે તેના માલિકને એક વર્ષની સજા સંભળાવી. માલિકે આ નિર્ણયને પડકારતા કોર્ટમાં જામીન માટે અરજી દાખલ કરી. જોકે, કોર્ટે શરતી જામીન આપતા કહ્યું કે, તે ગુજરાત બહાર નહીં જઈ શકે અને જવુ હોય તો કોર્ટની મંજૂરી લેવી પડશે. કોર્ટે કુતરાના માલિકને આઈપીસી કલમ 338 હેઠળ અન્ય લોકોના જીવને જોખમમાં નાખવા મામલે દોષિત ઠેરવ્યો હતો.

વર્ષ 2014માં ભદ્રેશ પંડ્યાના પાલતુ કુતરા શક્તિએ પડોશીને બચકુ ભરી લીધુ હતું. તેમની વિરુદ્ધ કેસ ચાલ્યો અને આ વર્ષે જાન્યુઆરીમાં કુતરાના માલિકને કોર્ટે એક વર્ષની જેલની સજા સંભળાવી. પંડયાએ કોર્ટમાં આ નિર્ણયને પડકારતા જામીન અરજી દાખલ કરી. એડિશનલ સેશન્સ જજ આરએસ પુરાણીએ તેમના નવા આદેશમાં 10,000 ના બોન્ડ પર જામીન આપી.

પંડયાના ડોબરમેન કુતરો જેનું નામ શક્તિ રાખવામાં આવ્યું હતું એમણે વર્ષ 2012થી 2014 દરમ્યાન 4 પડોશીઓ પર હુમલો કર્યો. ત્યારપછી તેમના પડોશી અવિનાશ પટેલે 2014માં તેમના વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી. પટેલે આરોપ લગાવ્યો કે, કુતરાના હુમલાને કારણે તેમના હાડકા તૂટી ગયા. પંડયા વિરુદ્ધ લાપરવાહીનો કેસ નોંધવામાં આવ્યો. કોર્ટે તેમને દોષિત ઠેરવતા 15000નો દંડ અને એક વર્ષની જેલની સજા સંભળાવી.

દિલ્હીઃ શું હિંસાની આડમાં જાણી જોઈને કરાઈ હતી આઈબી ઓફિસરની હત્યા?

નવી દિલ્હીઃ આઈબી અધિકારી અંકિત શર્માની હત્યા મામલે ચાલી રહેલી તપાસથી એવા સંકેતો મળી રહ્યા છે કે, આ એક ટાર્ગેટ કીલિંગ છે એટલે અંકિતને જાણી જોઈને નિશાન બનાવવામાં આવ્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર આ માત્ર તોફાનોમાં થયેલા મોતનો મામલો નથી. પોલીસ આખા ઘટનાક્રમને જોડી રહી છે. અંકિત 25 ફેબ્રુઆરીના રોજ સાંજે 5 વાગ્યાની આસપાસ ઓફિસથી પાછા આવ્યા હતા અને પોતાના મિત્રો સાથે બહાર ગયા હતા. તેમની સાથે તેમનો મિત્ર કાળુ પણ હતો અને અન્ય કેટલાક લોકો હતા કે જે એકબાજુ ઉભા હતા. ત્યારે બીજીબાજુથી પથ્થરમારો થયો અને અંકિત સામે જ ઉભા હતા. પ્રત્યક્ષદર્શિઓએ પોલીસને જણાવ્યું કે, અંકિતને પથ્થર વાગ્યો અને તેઓ પડી ગયા. બાદમાં બીજી તરફથી ત્રણ-ચાર લોકો આવ્યા અને તેમણે અંકિતને કાબુમાં કરી લીધા. બાદમાં અંકિતને એક ઘરની અંદર લઈ જવામાં આવ્યા. સૂત્રોએ જણાવ્યું કે, અચંબિત કરનારી વાત તો એ છે કે, તેઓ અંકિત સિવાય કોઈને ટચ પણ ન કર્યું.

અંકિતને કોઈ સુમસાન જગ્યાએ લઈ જવામાં આવ્યા અને બાદમાં કોઈને કશી જ ખબર નથી. ત્યાં તેમના કપડા ઉતારી દેવામાં આવ્યા અને ત્યાં તેમના પર અત્યાચાર ગુજારવામાં આવ્યો. તેમના મૃતદેહને એક નાળામાં ફેંકી દેવામાં આવ્યો. બીજા દિવસે તેમનો મૃતદેહ નાળામાંથી મળ્યો, માત્ર અંડરગારમેન્ટ્સ જ હતા. ઘટનાક્રમને જોતા આઈબીનું માનવું છે કે, અંકિતની હત્યા કોઈ ઉદ્દેશ્ય સાથે કરવામાં આવી હતી. આઈબીના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, ઘટનાક્રમ સંકેત આપે છે કે હત્યારાઓ કેટલાક સંદેશ આપવા ઈચ્છતા હતા. અંકિતના શબ પર ઘા ના નિશાન સ્પષ્ટ નથી, તો પોસ્ટમોર્ટમ કરનારા ડોક્ટરોએ પોલીસને જણાવ્યું કે, તેના શરીર પર ચપ્પાથી મારવામાં આવેલા ઓછામાં ઓછા 54 ઉંડા ઘા હતા.

તપાસકર્તાઓએ કહ્યું કે, મામલાની તપાસ હવે ટાર્ગેટ કિલીંગને જોઈને પણ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું છે કે, સત્ય એ છે કે અંકિતનું અપહરણ થયું અને દૂર લઈ જવામાં આવ્યા. તેમને ઘટના સ્થળ પર ન મારવામાં આવ્યા કે જેણે શંકા પેદા કરી છે. જ્યારે ઘટનાક્રમ સામે આવ્યો ત્યારે આ વાતને બળ મળ્યું છે. મૃતદેહ જે સ્થિતિમાં મળ્યો છે તેનાથી વેરની ભાવના સ્પષ્ટ દેખાય છે. જો કે, એવાત પણ સ્પષ્ટ છે કે ભીડ દ્વારા ક્યારેય કોઈ વ્યક્તિને આ રીતે મારવામાં આવતા નથી.