કોરોનાની સારવાર માટે જરુરી વ્યવસ્થા કરવા મુખ્યમંત્રીનો આદેશ

નવી દિલ્હીઃ ગુજરાત કોરોના વાયરસથી હજી સુધી પૂર્ણ સુરક્ષિત છે. બે ડઝનથી પણ વધારે ટેસ્ટ નેગેટિવ આવ્યા છે પરંતુ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણીએ સરકારી હોસ્પિટલોમાં પૂરતી દવા, આઈસોલેશન વોર્ડની સાથે હેલ્પલાઈન પણ શરુ કરવાના આદેશો જાહેર કર્યા છે. લોકોને હાથ મિલાવવાની જગ્યાએ નમસ્તે કરીને જ શુભેચ્છાઓ આપવાની અપીલ કરવામાં આવી છે.

મુખ્યમંત્રી વિજય રુપાણીએ કહ્યું કે, ગુજરાતમાં અત્યારસુધીમાં એક પણ કેસ પોઝિટિવ આવ્યો નથી પરંતુ ગુજરાત કોરોના વાયરસની બિમારીને પહોંચી વળવા માટે સક્ષમ છે. રુપાણીએ જનતાને પણ સ્વાસ્થ્ય વિભાગ અને હોસ્પિટલો દ્વારા જાહેર દિશા-નિર્દેશનું પાલન કરવાની સાથે ચેપથી બચવા માટેના ઉપાયો અપનાવવાની અપીલ કરી છે. રુપાણીએ કહ્યું કે, હોસ્પિટલોમાં આઈસોલેશન વોર્ડ, પૂરતી દવા, માસ્ક, અને જરુરી માર્ગદર્શન માટે હેલ્પ લાઈન 104 પણ શરુ કરવામાં આવી છે.

મુખ્ય સચિવ અનિલ મુકીમે તમામ જિલ્લા કલેક્ટરને નિર્દેશ આપ્યા છે કે, મહાનગર પાલીકાથી લઈને પંચાયત સ્તર સુધી લોકોમાં જાગૃતતા લાવવા માટે ચર્ચા અને બેઠકો કરવામાં આવે. મુકીમે કહ્યું કે, રાજ્યમાં તમામ સરકારી અને પ્રાઈવેટ હોસ્પિટલોનું મેપિંગ કરીને તેમાં આઈસોલેશન વોર્ડ તૈયાર કરાવો, વેન્ટિલેટર, પીપી કિટ, એન95 માસ્ક, થ્રી લેયર માસ્ક, સહિતની સામગ્રીઓ પર્યાપ્ત પ્રમાણમાં ઉપ્લબ્ધ કરાવવામાં આવે.