પ્રાર્થનાની દીવાલ રચાઇ છે આ હોસ્પિટલમાં

રાજકોટ: માનવતાની દીવાલ, પ્રેમનો પટારો એવું ઘણું ઘણું હમણાં શરુ થયેલું જોવા મળ્યું. રાજકોટમાં તદ્દન નવજાત બાળકોને પણ સઘન અને આધુનિક સારવાર આપતી એક પ્રાઇવેટ હોસ્પિટલમાં પ્રાર્થનાની દીવાલ શરુ થઇ છે એ પણ થોડા દિવસો પહેલાં જ જન્મેલી એક બાળકી માટે.

રાજકોટ નજીકના ઠેબચડા ગામે ક્રિકેટ રમી રહેલા છોકરાઓએ જોયું કે એક કૂતરું નવજાત બાળકના શરીરને ઢસડીને લઇ જાય છે. પત્થરો મારીને કુતરાને ત્યાંથી ભગાડી મૂક્યું અને બાળકીને પોલીસ-ડોક્ટરના હવાલે કરી. ફૂલ જેવી પણ નહીં, નાજુક કળી જેવી એ બાળકીના શરીર પર ઘેરા-ઊંડા ઘા હતા. લોહી વહેતું હતું. સરકારી કે.ટી. ચિલ્ડ્રન હોસ્પીટલના સર્જન ડો.જયદીપ ગણાત્રાએ સારવાર શરુ કરી. જેને ઇશ્વરની પ્રતિનિધી કહેવામાં આવે છે એવી કોઇ માતા જ જન્મ આપ્યા બાદ આ બાળકીને તરછોડીને જતી રહી હતી એવું પોલીસનું તારણ હતું. બાળકીના શરીર પર અનેક ઘા હતા.

તબીબો એ તારણ પર આવ્યા કે ખુલ્લામાં પડેલી બાળકીના શરીર પર ઘા શ્વાનના દાંતના જ છે. એને ત્યજીને જતી રહેનાર સ્ત્રી કે વ્યક્તિને શોધી કાઢવા પોલીસે ચાર ટીમ બનાવી. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે બાળકીને નામ આપ્યું અંબે. ખરા અર્થમાં અંબાજીની પ્રાણ પ્રતિષ્ઠા થઇ. જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને કહ્યુઃ અમે અધિકારી તરીકે નહીં, માનવ તરીકે આ બાળાની સાથે છીએ. સ્થિતિ ગંભીર લાગતાં એને રાજકોટની પ્રાઇવેટ હોસ્પિટલમાં ખસેડાઇ.

રવિવારે,તા. 1 માર્ચે મુખ્યમંત્રી વિજયભાઇ રુપાણીએ પોતાના કાર્યક્રમમાં ન હોવા છતાં અચાનક હોસ્પિટલમાં જઇ બાળકીની હાલત જાણી, ડોક્ટરને સૂચના આપીઃ આને બચાવવાના તમામ પ્રયાસ કરો. એનો ખર્ચ સરકાર આપશે. બાળકીને સઘન સારવાર આપી રહેલા ડો. રાકેશ પટેલ ચિત્રલેખા.કોમ ને કહે છે, અમે નક્કી કર્યું છે કે આ બાળાની સારવાર માટે એક પણ રુપિયો અમે નહીં લઇએ. સારવાર અમારા તરફથી થશે. બાળકીને કદાચ કુતરાએ ઢસડી હશે એટલે એના ઘાવમાં ઇન્ફેક્શન થયું છેલિવરમાં પણ ઇજા છે. લોહી નીકળે છે. લોહીનો ચેપ પણ વધ્યો છે. સ્થિતિ નાજુક તો છે. અમે બચાવવા પ્રયત્નશીલ છીએ.

અંબે નામની આ બાળાએ હજી તો આંખ નથી ખોલી ત્યાં દુનિયાના બન્ને રંગ જોયા. જન્મ આપીને કોઇ ત્યજી ગયું તો કેટલા લોકો એને બચાવવા માટે પણ આગળ આવ્યા. અમૃતા ચિલ્ડ્રન હોસ્પિટલના સ્ટાફે એની સારવાર તો કરી જ છે પણ ત્યાં પ્રાર્થનાની દીવાલ બનાવાઇ છે. કોઇ દરદીના સગા, હોસ્પિટલના કર્મચારી કોઇ પણ ત્યાં આ બાળકીના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના લખે છે. અંબેની સારવાર સફળ નિવડે અને એ દીર્ઘાયુ થાય એ માટે રાજકોટના અનેક લોકો પ્રાર્થના કરે છે જેમાં ચિત્રલેખા.કોમ પણ સૂર પુરાવે છે.

(જ્વલંત છાયા)