અમેરિકા તાલિબાન આગળ કેમ ઘૂંટણિયે પડ્યું છે?

કાબુલઃ આતંકવાદીઓ સાથે કોઈ પણ પ્રકારની સમજૂતી ક્યારેય નહીં કરવામાં આવેના અમેરિકાના દાવા પોકળ સાબિત થયા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાલિબાનના રાજનીતિજ્ઞ પ્રમુખ મુલ્લા બરાદર સાથે 35 મિનિટ ફોન પર વાતચીત કરી હતી. આ એ જ મુલ્લા બરાદર છે, જેણે અફઘાનિસ્તાનમાં હજ્જારો અમેરિકી સૈનિકોનાં મોત માટે જવાબદાર માનવામાં આવે છે. ટ્રમ્પે મુલ્લા બરાદરને વિનંતી કરી હતી કે તે અફગાન શાંતિ વાર્તામાં ભાગ લે. આમ વિશ્વનો હોકીવાળો દાદો અમેરિકા તાલિબાનના નેતાઓ સામે ઘૂંટણિયે પડ્યો છે.

અમેરિકામાં ચૂંટણી પહેલાં ટ્રમ્પનો દાવ ઊંધો પડશે?

અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી આ વર્ષે નવેમ્બરમાં યોજાવાની છે અને ડોનાલ્ડ ટ્રમ્પ અફઘાનિસ્તાન મુદ્દે અટવાઇ ગયા છે. ટ્રમ્પને આશા હતી કે આ શાંતિ સંધિ પછી અમેરિકા તેના સૈનિકોને પાછા બોલાવશે, જેથી તેમને ચૂંટણીમાં લાભ થાય, પણ આ દાવ હાલ ઊંધો પડી જાય એવું લાગી રહ્યું છે, કેમ કે પાછલા 24 કલાકમાં અફઘાનિસ્તાનના 16 પ્રાંતોમાં 33 હુમલા કરવામાં આવ્યા છે, જેમાં છ સામાન્ય નાગરિકોનાં મોત થયાં છે. તાલિબાનની સેના પણ કેટલાંક સ્થાનો પર હુમલા કર્યા છે.

અમેરિકા-તાલિબાન સમજૂતી કરાર ઘોંચમાં

અફઘાનિસ્તાનમાં આ તાજી હિંસા પછી ઐતિહાસિક સમજૂતી કરાર પર અસમંજતા છે. અમેરિકા અને તાલિબાનની વચ્ચે બે મુખ્ય મુદ્દે મતભેદો વધી રહ્યા છે. શાંતિ સમજૂતી અનુસાર તાલિબાન અને અફઘાન સરકાર વચ્ચે કાયમી યુદ્ધવિરામ અને સત્તાની વહેંચણી માટે સીધી વાતચીત થશે. જોકે આ બંને મુદ્દાએ તાલિબાન અને અફઘાનિસ્તાન સરકાર વચ્ચે ગંભીર મતભેદો છે. તાલિબાનની માગ છે કે અફઘાનિસ્તાન સરકાર જેલમાં રાખેલા તેના 5000 લડાકુઓને છોડી મૂકે, પણ અફઘાનિસ્તાન સરકારે એ માગ ફગાવી દીધી છે.

તાલિબાન કેદીઓને છોડી મૂકવા મુદ્દે માથાકૂટ

અમેરિકા-તાલિબાનની વચ્ચે સમજૂતીમાં વોશિંગ્ટને વાયદો કર્યો હતો કે તે અફઘાન સરકાર તરફથી જેલમાં રહેલા 5000 તાલિબાની લડાકુઓને છોડી મૂકવા પ્રતિબદ્ધ છે. જોકે 29 ફેબ્રુઆરીએ શાંતિ સમજૂતીમાં કહેવામાં આવ્યું હતું કે અફઘાન સરકાર બંને પક્ષે કેદીઓને છોડવા માટે વાટાઘાટ કરશે. વળી સમજૂતીમાં કેદીઓને છોડાશે એવો કોઈ ઉલ્લેખ નથી કરાયો.

અમેરિકાના આ વાયદા મુદ્દે અફઘાનિસ્તાન સરકારે કહ્યું હતું કે કેદીઓની છોડી મૂકવામાં આવશે, એવો કોઈ વચન નથી અપાયાં. સામે પક્ષે તાલિબાને કહ્યું છે કે જ્યાં સુધી કેદીઓને છોડી મૂકવામાં નહીં આવે ત્યાં સુધી એ વાતચીતમાં ભાગ નહીં લે.

અફઘાન સરકારને સત્તા ખૂંચવી લેવાનો ડર

અફઘાનિસ્તાન સરકારને ડર લાગી રહ્યો છે કે જો આ પાંચ હજાર કેદીઓને છોડી મૂકવામાં આવશે તો તાલિબાન મજબૂત થશે અને તાલિબાનના લડાકુઓ તેમની સત્તા ખૂંચવી લેવા પ્રયત્ન કરશે. એનાથી તાલિબાની સેના મજબૂત થશે. પ્રાપ્ત માહિતી અનુસાર આશરે 10,000 તાલિબાની કેદી અત્યારે અફઘાનિસ્તાનની સરકારની જેલોમાં બંધ છે.

અમેરિકાને આ યુદ્ધનો અધધધ…ખર્ચ

અમેરિકી ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સના જણાવ્યા મુજબ અમેરિકાને અફઘાનિસ્તાનમાં (ઓક્ટોબર, 2001થી સપ્ટેમ્બર, 2019 સુધીમાં 822 કરોડ ડોલરનો ખર્ચ થઈ ચૂક્યો છે. આમ અમેરિકા માટે તાલિબાન સાથે સમજૂતી કર્યા સિવાય છૂટકો નથી. અમેરિકાની હાલત હાલ તો સાપે છછૂંદર ગળ્યા જેવી છે.