શેફાલી વર્મા બની વિશ્વની નંબર-1 T20I બેટ્સવુમન

સિડની : ભારતની મહિલા ક્રિકેટ ટીમની યુવા સનસનાટી શેફાલી વર્મા ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) મહિલાઓની ટ્વેન્ટી ઈન્ટરનેશનલ રેન્કિંગ્સમાં ટોચના સ્થાને પહોંચી ગઈ છે. હાલ રમાઈ રહેલી વર્લ્ડ કપમાં એણે રમેલા ઝમકદાર દાવને કારણે તે આ ટોચનું રેન્કિંગ પ્રાપ્ત કરી શકી છે.

ઓપનર તરીકે રમતી શેફાલી માત્ર 16 વર્ષની જ છે અને એણે 761 પોઈન્ટ્સ મેળવીને ન્યૂઝીલેન્ડની સુઝી બેટ્સને પાછળ રાખી દીધી છે, જે 2018ના ઓક્ટોબરથી ટોપ પર હતી. સુઝીના 750 પોઈન્ટ્સ છે.

શેફાલી પહેલા નંબર પર છે અને એની પછીના ચાર નંબરે આ ખેલાડીઓ છે – સુઝી બેટ્સ (ન્યૂઝીલેન્ડ), બેથ મૂની (ઓસ્ટ્રેલિયા), સોફી ડીવાઈન (ન્યૂઝીલેન્ડ) અને મેગ લેનિંગ (ઓસ્ટ્રેલિયા).

ભારતીય ટીમની અન્ય ઓપનર સ્મૃતિ મંધાના જોકે બે નંબર નીચે ઉતરી ગઈ છે અને નવી યાદીમાં એ છઠ્ઠા નંબર પર છે.

ભારતની અન્ય સ્ટાર બેટ્સવુમન જેમિમા રોડ્રિગ્સને પણ બે સ્થાનનું નુકસાન ગયું છે. એ સાતમા નંબર પરથી 9મા નંબર પર નીચે ઉતરી ગઈ છે.

શેફાલી વર્મા એની વિસ્ફોટક બેટિંગને કારણે ઝડપથી ખ્યાતનામ થઈ ગઈ છે. એણે ચાર દાવમાં જ 161 રન ઝૂડી કાઢ્યા છે. એમાં શ્રીલંકા સામે 47 રન અને ન્યૂઝીલેન્ડ સામે 46 રનના દાવનો સમાવેશ થાય છે.

મહિલાઓનાં T20I રેન્કિંગ્સમાં ટોચના સ્થાને પહોંચનાર શેફાલી ભૂતપૂર્વ કેપ્ટન મિતાલી રાજ પછી માત્ર બીજી જ ભારતીય બેટ્સવુમન બની છે.

બોલરોના રેન્કિંગ્સમાં, ઈંગ્લેન્ડની સ્પિનર સોફી એક્લીસ્ટન પહેલા નંબર પર છે. વર્તમાન ટ્વેન્ટી-20 વર્લ્ડ કપમાં એ અત્યાર સુધીમાં 8 વિકેટ લઈ ચૂકી છે.

વર્તમાન ટ્વેન્ટી-20 વર્લ્ડ કપમાં ગુરુવારે ભારતનો મુકાબલો ઈંગ્લેન્ડ સામે થવાનો છે. આ મેચ સેમી ફાઈનલ છે.

બોલરોની યાદીમાં, ભારતની દિપ્તી શર્મા અને રાધા યાદવને નુકસાન ગયું છે. આ બંને જણ અનુક્રમે પાંચમા અને સાતમા નંબર પર નીચે ઉતરી ગઈ છે. લેગસ્પિનર પૂનમ યાદવે ચાર સ્થાનની છલાંગ લગાવી છે અને તે હાલ આઠમા સ્થાને છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]