અજબગજબ કેસઃ હત્યાની સજા ભોગવ્યા પછી પત્નિ તો જીવતી નીકળી!!

ઓડિશા: કેન્દ્રપાડામાં એક એવી ઘટના સામે આવી છે જેને સૌ કોઈને ચોંકાવી દીધા છે. 2013માં પત્નીની હત્યાના કેસમાં જેલની સજા ભોગવી ચૂકેલા પતિએ 7 વર્ષ પછી પોલીસની મદદથી તેમની પત્નીને શોધી કાઢી. તેમની પત્ની અને તેનો પ્રેમી સાથે મળી આવ્યા આ સાથે જ નકલી કેસનો ખુલાસો પણ થયો. મીડિયા રિપોર્ટ અનુસાર અભય સુતારએ 7 ફેબ્રુઆરી 2013ના રોજ ઈતિશ્રી મોહરાના સાથે લગ્ન કર્યા. અભય કેન્દ્રપાડાના ચુલિયા ગામનો રહેવાસી છે. કથિત રીતે, ઈતિશ્રીને અભય સાથે લગ્ન કરવા માટે મજબૂર કરવામાં આવી હતી.

લગ્નના બે મહિના પછી ઈતિશ્રી ગાયબ થઈ ગઈ અને અભયે પોલીસની સંપર્ક કર્યો. 20 એપ્રિલ 2013ના રોજ અભય પટકુરા પોલીસ પાસે તેમની પત્નીની ગુમ થઈ ગઈ હોવાની ફરિયાદ નોંધાવી. 14 મે 2013ના રોજ ઈતિશ્રીના પિતા પ્રહલાદ મોહરાનાએ અભય વિરુદ્ધ એક ફરિયાદ નોંધાવી જેમાં તેનો આરોપ હતો કે અભયે તેમની પુત્રીને દહેજ માટે પ્રતાડિત કરી હતી. તેમની ફરિયાદમાં પ્રહલાદે દાવો કર્યો હતો કે, અભયે તેમની પુત્રીને મારી નાખી અને તેમના મૃતદેહને ફેંકી દીધો.

પિતા પ્રહલાદની ફરિયાદ બાદ પોલીસે અભયની ધરપકડ કરી હતી. એક મહિના પછી અભયને જામીન પર છૂટકારો મળ્યો. તેણે તેની પત્નીની શોધ શરૂ કરી કારણ કે તેને શંકા હતી કે તેની પત્ની ભાગી ગઈ છે. અભય તેની પત્ની વિશેની માહિતી એકત્રિત કરવામાં સફળ રહ્યો અને ખબર પડી કે તે પીપળીમાં તેના બોયફ્રેન્ડ સાથે રહે છે. ઇતિશ્રી અંગે જાણકારી મેળવ્યા પછી અભયે પોલીસને ફોન કરીને જાણ કરી. પોલીસે અભયને લઈને પીપળી પહોંચી અને બોયફ્રેન્ડ સાથે ઇતિશ્રીની ધરપકડ કરી લીધી. ઈતિશ્રીના પ્રેમીની ઓળખ રાજીવ લોચન મોહરાના તરીકે થઈ છે.

પટકુરા પોલીસના એક વરિષ્ઠ અધિકારી સુજિત પ્રધાને જણાવ્યું કે, “સોમવારે બંનેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ઇતિશ્રીએ પોતાના નિવેદનમાં કહ્યું કે તે લગ્ન પહેલા રાજીવ સાથે અફેરમાં હતી. પરંતુ તેના માતા પિતા તેને અભય સાથે લગ્ન કરવા મજબૂર કરી હતી.

તપાસમાં એ પણ જાણવા મળ્યું છે કે, ઈતિશ્રી અને રાજીવ ભાગીને ગુજરાત જતા રહ્યા હતા અને લગભગ સાત વર્ષ સુધી તેઓ અહીં રહ્યા હતા. હાલમાં જ આ બંને પ્રેમી પંખીડા ઓડિશા પરત ફર્યા હતા. ઈતિશ્રી અને રાજીવને બે બાળકો પણ છે.