અમદાવાદઃ ઓડિશા પૂર્વ ભારતનું ગેટવે અને ટેક્નોલોજી હબ બનવા તરફ આગેકૂચ કરી રહ્યું છે. અદાણી પોર્ટ્સ (APSEZ)ના મેનેજિંગ ડિરેક્ટર કરણ અદાણી અને મુખ્ય મંત્રી મોહનચરણ માઝીની ઉપસ્થિતિમાં ઓડિશાને પૂર્વ ભારતનું ઔદ્યોગિક હબ બનાવવા રૂ. ૩૩,૦૮૧ કરોડના પ્રોજેક્ટ્સનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.બુધવારે આયોજિત ઈન્વેસ્ટમેન્ટ સમિટમાં અદાણીએ ત્રણ મલ્ટી-સેક્ટરલ પ્રોજેક્ટ્સમાં રોકાણની ઘોષણા કરી હતી, જેમાં ડેટા સેન્ટર, થર્મલ પાવર પ્લાન્ટ અને સિમેન્ટ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ જેવા ત્રણ મોટા પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે.
ઓડિશાને ડિજિટલ ક્ષેત્રે નવી ઓળખ અપાવવા અદાણી ગ્રુપ ભુવનેશ્વરમાં રૂ. ૮૦૦ કરોડના રોકાણ સાથે ડેટા સેન્ટર સ્થાપિત કરશે. તે પ્રદેશને AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) અને ક્લાઉડ કોમ્પ્યુટિંગના ગ્લોબલ મેપમાં સ્થાન આપશે.અદ્યતન ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ૨૦૦ જેટલા ઉચ્ચ કૌશલ્ય ધરાવતા યુવાનોને રોજગારીની નવી તકો મળશે.
બીજા પ્રોજેક્ટની વાત કરીએ તો ઔદ્યોગિક ક્રાંતિ માટે રાજ્યને અવિરત વીજળી પૂરી પાડવા અદાણી જૂથ રૂ. ૩૦,૧૮૧ કરોડના રોકાણ સાથે કટક નજીક એક થર્મલ પાવર પ્લાન્ટ સ્થાપિત કરશે. આ વિશાળ પાવર પ્લાન્ટ રાજ્યના અર્થતંત્રને નવી ગતિની સાથે ૭૦૦૦ પરિવારોને સીધી રોજગારી પૂરી પાડશે. અદાણી જૂથ સિમેન્ટ ઉત્પાદન ક્ષેત્રે પણ ઓડિશામાં ભારે રોકાણ કરી રહ્યું છે. રૂ.૨૧૦૦ કરોડના રોકાણથી બનેલા સિમેન્ટ પ્લાન્ટ દ્વારા અંદાજે ૨૫૦૦ લોકોને રોજગારી મળશે. આ પ્લાન્ટ ઓડિશા રાજ્યના રસ્તાઓ, શાળાઓ અને હોસ્પિટલોના નિર્માણ માટે મજબૂત પાયો પૂરો પાડશે.
આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે ઓડિશા હવે માત્ર પરિવર્તનના માર્ગ પર નથી, પણ તે પોતાની મંઝિલ નક્કી કરી ચૂક્યું છે. તેમણે ઉમેર્યું હતું કે અદાણી ગ્રુપ અહીં માત્ર એક મુલાકાતી તરીકે નહીં, પણ એક ‘બિલ્ડર’ તરીકે આવ્યું છે. આ રોકાણ ઓડિશાના $ ૧.૫ ટ્રિલિયન અર્થતંત્રના સ્વપ્નને સાકાર કરવામાં પાયાનો પથ્થર સાબિત થશે.
તેમણે ઓડિશાના ભવ્ય ભૂતકાળને યાદ કરતાં કહ્યું હતું કે જે ધરતીએ સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન કર્યું અને જેના દરિયાખેડુઓએ એશિયામાં ભારતીય સંસ્કૃતિનો પ્રસાર કર્યો, તે ધરતી આજે ભારતનું ભવિષ્ય લખવા જઈ રહી છે. અદાણી ગ્રુપના અન્ય પ્રોજેક્ટ્સ જેમ કે સુંદગઢમાં રૂ. ૮૪,૦૦૦ કરોડનો કોલ-ટુ-કેમિકલ પ્લાન્ટ અને અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર કામો ઓડિશાને વિશ્વના નકશા પર એક મજબૂત ઔદ્યોગિક ઓળખ આપી રહ્યા છે.




