નવી દિલ્હીઃ ઓડિશામાં રાજ્યસભા ચૂંટણીમાં ક્રોસ વોટિંગના આરોપોને લઈને કોંગ્રેસે ત્રણ ધારાસભ્યોને સસ્પેન્ડ કર્યા છે. સસ્પેન્ડ કરાયેલા ધારાસભ્યોમાં રમેશ જેના, દશરથી ગામંગ અને સોફિયા ફિરદૌસનો સમાવેશ થાય છે. પાર્ટીએ તેમના પર ચૂંટણી દરમિયાન પક્ષવિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ ધારાસભ્યોએ પાર્ટી વ્હિપનું ઉલ્લંઘન કર્યું અને કથિત રીતે ભાજપ સમર્થિત ઉમેદવારોના પક્ષમાં મતદાન કર્યું, જેને કારણે આ કડક કાર્યવાહી કરવામાં આવી છે.
આ કાર્યવાહી ઓડિશા પ્રદેશ કોંગ્રેસ કમિટી દ્વારા કરવામાં આવી હતી. કમિટીએ જણાવ્યું હતું કે પાર્ટી શિસ્ત જાળવવા માટે આ પગલું જરૂરી હતું. આ ઘટનાના બાદ ઓડિશાના રાજકારણમાં હલચલ તેજ બની છે અને અન્ય રાજકીય પક્ષો પણ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે.
ચૂંટણીની રાજકીય ચાલોમાં ભાજપ ભારે પડી
ચૂંટણી દરમિયાન વિરોધી ધારાસભ્યો દ્વારા થયેલી ક્રોસ વોટિંગ બાદ NDAએ ઓડિશામાં રાજ્યસભાની બે બેઠકો જીતવામાં સફળતા મેળવી. ઓડિશામાં દર બે વર્ષે યોજાતી રાજ્યસભા ચૂંટણીનાં પરિણામો સોમવારે જાહેર થયાં, જેમાં ચાર ઉમેદવારો રાજ્યસભામાં પહોંચ્યા હતા. આ ચૂંટણી ખૂબ જ ટક્કરભરી રહી, જેમાં ક્રોસ વોટિંગ અને રાજકીય દાવપેચ સ્પષ્ટ રીતે જોવા મળ્યા હતા.
કોણ-કોણ રાજ્યસભા પહોંચ્યું?
ભાજપના વરિષ્ઠ નેતા અને ઓડિશા પ્રદેશ અધ્યક્ષ મનમોહન સામલે જીત મેળવી, જે રાજ્યમાંથી પાર્ટીની રાષ્ટ્રીય હાજરી મજબૂત કરવા માટે મહત્વપૂર્ણ સિદ્ધિ માનવામાં આવી રહી છે. ભાજપના અન્ય ઉમેદવાર અને હાલના રાજ્યસભા સાંસદ સુજિત કુમાર પણ ફરીથી ચૂંટાઈ આવ્યા, જેને કારણે સંસદમાં ઓડિશાથી પાર્ટીનું પ્રતિનિધિત્વ વધુ મજબૂત બન્યું છે.
દિલીપ રાયની જીત ચર્ચાનો વિષય
બીજી તરફ, મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં અનુભવી નેતા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન દિલીપ રાયે ભાજપ સમર્થિત અફક્ષ ઉમેદવાર તરીકે જીત મેળવી. BJD અને કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો દ્વારા ક્રોસ વોટિંગ થયાની ખબર વચ્ચે તેમની જીત રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બની છે, કારણ કે રાજ્યસભા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારોની જીત સામાન્ય રીતે દુર્લભ માનવામાં આવે છે. BJD સૂત્રોએ સંકેત આપ્યો હતો કે લગભગ આઠ ધારાસભ્યોએ તેમના પક્ષમાં ક્રોસ વોટિંગ કર્યું હોઈ શકે છે, જેને કારણે પરિણામ પર અસર પડી.




