મહી નદી પર ૧૭૦૦ કરોડના ખર્ચે ‘બદલપુર-કારેલી બેરેજ કમ બ્રિજ’ બનશે

આણંદ: ગુજરાત સરકાર દ્વારા રાજ્યના દરિયાકાંઠાના અને નદી કિનારાના વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે વધુ એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. આણંદ જિલ્લામાં મહી નદી ઉપર ધુવારણ પાસે ‘બદલપુર-કારેલી બેરેજ કમ બ્રિજ’ના નિર્માણ માટે સરકારે અંદાજિત રૂ. ૧૭૦૦ કરોડની માતબર રકમની સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકીના પ્રયાસોના પરિણામે  મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં લેવાયેલો આ દીર્ઘદ્રષ્ટિપૂર્ણ નિર્ણય મધ્ય અને દક્ષિણ ગુજરાતના કૃષિ, પીવાના પાણી અને પરિવહન ક્ષેત્રે મોટી ક્રાંતિ લાવશે.

આણંદ સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર રજત ચૌધરીના જણાવ્યા પ્રમાણે, આ પ્રોજેક્ટ અંતર્ગત મહી નદીના ૪.૫ કિલોમીટર પહોળા પટમાં વચ્ચે ૨ કિલોમીટરની લંબાઈ ધરાવતું અત્યાધુનિક બ્રીજ સ્ટ્રક્ચર બનાવવામાં આવશે. નદીના વહેણને નિયંત્રિત કરવા અને ચોમાસા દરમિયાન દરિયામાં વહી જતા મીઠા પાણીનો સંગ્રહ કરવા માટે અંદાજે ૭૦ જેટલા દરવાજા મૂકાશે. આ બેરેજની કુલ જળ સંગ્રહ શક્તિ ૧૩ મિલિયન ઘન મીટર જેટલી હશે, જેનાથી આસપાસના વિસ્તારોની કડાણા ડેમ પરની નિર્ભરતા ઘટશે અને ઉદ્યોગો તેમજ ખેતી માટે પાણીની તંગી કાયમ માટે ભૂતકાળ બની જશે.આ પ્રોજેક્ટથી લાંબા સમયથી પ્રવર્તતી દરિયાઈ ખારાશ (સેલેનીટી)ની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે. દરિયાનું પાણી સીંધરોટ વીયર સુધી અંદર આવતું અટકાવી શકાશે, જેનાથી આશરે ૧૬,૦૦૦ હેક્ટર જેટલો જમીન વિસ્તાર સીધો લાભાન્વિત થશે અને ભૂગર્ભ જળની ગુણવત્તા સુધરશે. આ યોજના દ્વારા આણંદના ૪૨, વડોદરાના ૩૦ અને ભરૂચના ૮ ગામો મળી કુલ ૮૦ ગામોના ૧૫ લાખથી વધુ લોકોને પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડી શકાશે. જ્યારે ત્રણેય જિલ્લાના કુલ ૪૦૯ ગામો અને ૩૨ તળાવોને આ પ્રોજેક્ટનો પ્રત્યક્ષ કે પરોક્ષ લાભ મળશે.

જળ સંગ્રહ ઉપરાંત, આ બેરેજ કનેક્ટિવિટી માટે પણ ગેમ-ચેન્જર સાબિત થશે. ખંભાત-તારાપુરથી જંબુસર અને દહેજ ઔદ્યોગિક વસાહત વચ્ચેના વાહનવ્યવહારના અંતરમાં અંદાજે ૭૫ કિલોમીટરનો ધરખમ ઘટાડો થશે. જેનાથી દરરોજ હજારો લિટર ઇંધણ અને કિંમતી સમયની બચત થશે. વેપાર-ઉદ્યોગને વેગ મળવાની સાથે સ્થાનિક સ્તરે રોજગારી વધશે અને યુવાનોનું સ્થળાંતર અટકશે. નદી કિનારે જમા થનારી વિશાળ જળરાશિને કારણે આ સ્થળ ભવિષ્યમાં એક સુંદર પ્રવાસન ધામ (ટૂરિઝમ સ્પોટ) તરીકે પણ વિકસશે.