Home Blog Page 4954

મધ્ય પ્રદેશની સરકાર પર જોખમ અને રાજ્યસભામાં પ્રિયંકા ગાંધી

હારાષ્ટ્રમાં એક મહિના કરતાંય લાંબો સમય રાજકીય ડ્રામા ચાલ્યો હતો ત્યારે હરિયાણાના ગુરુગ્રામની એક હોટેલમાંથી એનસીપીના ધારાસભ્યોને યુવા કોંગ્રેસના સભ્યો છોડાવી લાવ્યા હતા. યુવા ભાજપના કાર્યકરોના કબજામાં એક હોટેલમાં તેમને રખાયા હતા, પણ યુવા કોંગ્રેસના કાર્યકરો ચાલાક નીકળ્યા અને હોટેલમાં ઘૂસીને ભાજપના કબજામાંથી ધારાસભ્યોને છોડાવીને, પાછલા બારણેથી બહાર કાઢીને એરપોર્ટ ભેગા કરી દેવાયા હતા.
ફરી એવો ડ્રામા હરિયાણામાં ભજવાયો અને કોંગ્રેસે પોતાના ધારાસભ્યોને એક હોટેલમાંથી છોડાવવા પડ્યા. આ વખતે પણ ભાજપે ધારાસભ્યોને કબજે કરીને રાખ્યા હતા તેવો આક્ષેપ થયો હતો. ફરક એટલો કે ધારાસભ્યો આ વખતે મધ્ય પ્રદેશના હતા. મધ્ય પ્રદેશમાં કમલનાથની સરકાર પાતળી બહુમતી પર ટકી રહી છે. કમલનાથની સરકારને ક્યારે પાડી દેવાશી તેની ગણતરીઓ મંડાતી રહે છે. મહારાષ્ટ્રમાં ભાજપની કારી ના ફાવી અને ઝારખંડમાં પણ હાર મળી, તે પછી ભાજપ ધીમું પડ્યું હતું, પણ હવે રાજ્યસભાની ચૂંટણી આવી છે ત્યારે મોકો જોઈને કોંગ્રેસની સરકાર પાડવા સાથે રાજ્યસભામાં સભ્યો વધારી લેવાની તક પણ મળી છે.

તેમાં વાંક મધ્ય પ્રદેશ કોંગ્રેસનો જ છે, કેમ કે માંડ માંડ 15 વર્ષે સત્તા મળી તે પછી ત્રણ મોટા નેતાઓ એકબીજાને પાડવાની કોશિશ કરી રહ્યા છે. તેમાંથી દિગ્વિજયસિંહ અત્યારે આમ કલમનાથ સામે છે, પણ આ દોસ્તી દિલની નથી, ગરજની છે. જ્યોતિરાદિત્ય સિંહ સામે બંને નેતા એક થયા છે, તેનો ફાયદો ભાજપ ક્યારે ઉઠાવે છે તે જોવાનું છે.
માથે રાજ્યસભાની ચૂંટણી છે અને ચાર ધારાસભ્યો ગાયબ થયા છે તેવી જાણ થઈ એટલે કમલનાથે પોતાના બે મંત્રીઓ જીતુ પટવારી અને જયવર્ધન સિંહને દોડાવ્યા. ગુરુગ્રામની આઈટીસી હોટેલમાં 4 અથવા 8 ધારાસભ્યો હોવાની ચકચાર વચ્ચે બંને મંત્રી પહોંચ્યા હતા. જોકે ભાજપની હરિયાણા સરકારે હરિયાણા પોલીસને હોટેલ પર ગોઠવી દીધી છે અને કોંગ્રેસના ધારાસભ્યોને મળવા નથી દેવાતા તેવી ફરિયાદો થઈ.

જોકે ગમે તેમ કરીને જીતુ પટવારી આઈટીસી ગ્રાન્ડ હોટેલમાં ઘૂસી ગયા. મંગળવારે રાત્રે તેમાંથી કોંગ્રેસ સરકારને ટેકો આપનારા બીએસપીના ધારાસભ્ય રમાબાઈને બહાર લઈ આવ્યા. પરંતુ કોંગ્રેસના પોતાના ચાર ધારાસભ્યોને ભાજપે ત્યાંથી હટાવી દીધા તેવું કહેવાયું હતું.

રામપાલ સિંહ, નરોત્તમ મિશ્ર, સંજય પાઠક અને અરવિંદ ભદૌરિયાને ભાજપે ખરીદી લીધા છે અને બીજા અડધો ડઝન ધારાસભ્યોને પણ કરોડો રૂપિયા આપીને ઓપરેશન ‘કમલનાથ’નો તખતો ગોઠવાઈ ગયો છે તેવો આક્ષેપ દિગ્વિજયસિંહે કર્યો. બુધવારે એવા પણ અહેવાલો આવ્યા કે કોંગ્રેસે પોતાના ચારેય ધારાસભ્યોને સલામત પોતાની પાસે લઈ લીધા છે. પણ આવી તોડફોડના અહેવાલો રાજ્યસભાની ચૂંટણી સુધી આવતા રહેશે તેમ લાગે છે.
દેશના ઘણા રાજ્યોમાં એક સાથે રાજ્યસભાની ચૂંટણી આવી છે ત્યારે મધ્ય પ્રદેશની રાજ્યસભાની ચૂંટણી ચર્ચાસ્પદ બની છે. તેમાં કોંગ્રેસનો આંતરિક કલહ વધારે જવાબદાર છે. પ્રિયંકા ગાંધીને મધ્ય પ્રદેશમાંથી રાજ્યસભામાં મોકલવા માટેની માગણી કોંગ્રેસના કેટલાક નેતાઓ દ્વારા કરવામાં આવી હતી. કમલનાથ આવી માગણી કરાવી રહ્યા છે તેમ માનવામાં આવે છે. તેઓ પ્રિયંકા ગાંધીનું નામ આગળ કરીને જ્યોતિરાદિત્યને રાજ્ય સભામાં જતા અટકાવવા માગે છે. જ્યોતિરાદિત્યને ઉત્તર પ્રદેશનો હવાલો સોંપાયેલો રાખવામાં આવે અને પ્રિયંકા ગાંધીને મધ્ય પ્રદેશમાંથી રાજ્યસભામાં મોકલીને કમલનાથ પોતાનું સ્થાન કોંગ્રેસમાં વધારે મજબૂત કરી લેવા માગે છે.

કેન્દ્ર સરકારે છેલ્લે કાયદામાં ફેરફારો કરીને એસપીજીની સુરક્ષા માત્ર વડાપ્રધાન માટે જ રહે તેવી જોગવાઈ કરી છે. તે સિવાયના નેતાઓ માટે ઝેડ પ્લસ સિક્યુરિટી ખરી, પણ એસપીજી કક્ષાની નહિ. ભૂતપૂર્વ વડાપ્રધાનના કુટુંબીઓ તરીકે રાહુલ અને પ્રિયંકાને પણ એસપીજી સુરક્ષા મળતી હતી. તેના ભાગરૂપે લોધી રોડ પર આવેલો સરકારી બંગલો પણ પ્રિયંકા ગાંધીને મળેલો છે. એવી ચર્ચા હતી કે સરકાર પ્રિયંકા પાસેથી આ બંગલો ખાલી કરાવી લેવા માગે છે.
પ્રિયંકા લાંબા સમયથી જ્યાં રહે છે ત્યાં જ રહી શકે તે માટે તેમને રાજ્યસભાના સભ્ય બનાવવા જોઈએ તેવું સૂચન કેટલા કોંગ્રેસીઓએ કર્યું હતું. પ્રિયંકા અને રાહુલના અલગ જૂથો બહુ સ્પષ્ટ થયા નથી, પણ આ છાવણીઓ ગમે ત્યારે આકાર લેશે તેમ આંતરિક વર્તુળોને લાગી રહ્યું છે. તેથી પ્રિયંકા છાવણી પણ તેમને રાજ્યસભામાં મોકલવા ઇચ્છે છે. જોકે આ અંગેનો આખરી નિર્ણય કુટુંબના વડા તરીકે અને કોંગ્રેસના વડા તરીકે સોનિયા ગાંધી જ લેશે, પણ તક જોઈને કમલનાથે દાણો ચાંપી દીધો હતો.

જ્યોતિરાદિત્યને મુખ્ય પ્રધાન બનવા ના મળ્યું, ત્યારથી તેઓ સમસમી રહ્યા છે. વચ્ચે વચ્ચે કમલનાથની સરકારને મુશ્કેલી થાય તેવા નિવેદનો પણ આપતા રહે છે. દિગ્વિજયસિંહ અત્યારે કમલનાથની સાથે છે અને તેમને પણ ફરીવાર રાજ્યસભામાં જવા માટે કમલનાથના સાથની જરૂર છે. ત્રણેય નેતાઓ વચ્ચેની આ ખેંચતાણનો લાભ લેવા માટે ભાજપે દાવ ખેલ્યો અને ધારાસભ્યોને ઉઠાવી લીધા તેવું ચિત્ર મંગળવારે ખડું થયું હતું. બુધવારે ચિત્ર સ્પષ્ટ થયું નથી કે કોંગ્રેસના ધારાસભ્યો ફરીથી કબજે કરાયા કે નહિ. સ્પષ્ટતા થવાની બાકી છે. જીતુ પટવારીનું કહેવું છે કે ભાજપ લઈ ગયો હતો, તેમાંથી ચારને પરત લવાયા છે. દિગ્વિજયસિંહ કહે છે કે હજી છ ભાજપના કબજામાં છે. હરિયાણામાંથી ચારને બચાવાયા, પણ ભાજપે ચારને કર્ણાટક મોકલી દીધા છે એમ તેમણે કહ્યું. ભાજપના નેતા અને ભૂતપૂર્વ મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણે આખું નાટક કોંગ્રેસનું આંતરિક નાટક હોવાનું જ કહ્યું છે.

આ બધા વચ્ચે જ્યોતિરાદિત્યે કહ્યું કે ધારાસભ્યોના ખરીદ-વેચાણ વિશે પોતાને કશી ખબર નથી. તેમના નિવેદનથી એટલું સ્પષ્ટ થયું કે તેમની નારાજગી દૂર થઈ નથી. તેમનું રાજ્યસભાનું હજી પાકું થયું લાગતું નથી. મધ્ય પ્રદેશની 230 બેઠકોમાંથી કોંગ્રેસને 114 બેઠકો મળી હતી અને માંડ માંડ સત્તા મળી હતી. એસપી અને બીએસપીના એક એક ધારાસભ્યનો ટેકો લેવો પડ્યો હતો. ચાર અપક્ષો પણ જીત્યા હતા અને તેમનો ટેકો પણ કમલનાથને મળ્યો હતો, કેમ કે તેમની સરકાર બની રહી હતી. આ ચાર સાથે કોંગ્રેસ પાસે 120 સભ્યો થાય છે. (બાદમાં બીએસપીના બીજા ધારાસભ્યનો પણ ટેકો લઈ લેવાયો હતો અને બહુમતી 121ની થઈ હતી.) ભાજપને 109 બેઠકો મળી હતી, પરંતુ બે સભ્યોના અવસાનથી ધારાસભ્યોની સંખ્યા 107ની થઈ છે. ભાજપે સરકારને પાડી દેવા માટે બંને બેઠકો ફરી જીતવી પડે અને 7 ધારાસભ્યોને તોડવા પડે, કોંગ્રેસમાંથી અથવા અપક્ષોમાંથી.

મધ્ય પ્રદેશમાં રાજ્યસભાની ત્રણ બેઠકો માટે ચૂંટણી થશે અને અત્યારના ગણિત પ્રમાણે કોંગ્રેસને બે બેઠકો મળી શકે. ભાજપની એક બેઠક ઓછી થાય અને કોંગ્રેસની વધે ત્યારે તે વધેલી બેઠક કોને મળે તે માટે જંગ જામ્યો છે. દિગ્વિજયસિંહ અને જ્યોતિરાદિત્ય સિંધિયા બંને મુખ્ય દાવેદાર છે. પરંતુ સિંધિયાને રોકવા માટે દિગ્વિજય અને કમલનાથ એક થઈ ગયા છે. દિગ્વિજયની એક બેઠક પાકી થઈ જાય, પછી બીજી બેઠક માટે પ્રિયંકા ગાંધીનું નામ એટલે જ આગળ કરવામાં આવ્યું છે તેમ મનાય છે.

જોકે પ્રિયંકા રાજ્યસભા લડશે કે કેમ તે સ્પષ્ટ નથી અને તેનો નિર્ણય મધ્ય પ્રદેશના રાજકારણ પ્રમાણે નહિ, પણ દિલ્હીમાં પક્ષના મોવડીઓના રાજકારણ પ્રમાણે લેવાશે. લોકસભાની 2019ની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશનો હવાલો પ્રિયંકાને સોંપાયો હતો, જેથી તેઓ રાજકારણમાં સક્રિય પણ થાય અને રાહુલ ગાંધી સામે સીધી ચેલેન્જ પણ ના લાગે. કદાચ પ્રિયંકાને પણ ઉત્તર પ્રદેશમાં વધારે રસ હશે, કેમ કે સૌથી મોટા રાજ્યમાં કોંગ્રેસને બેઠી કરી શકાય તો તેનો મોટો જશ મળે. તેવા સંજોગોમાં મધ્ય પ્રદેશમાંથી રાજ્યસભાના સભ્ય બનવાનો કોઈ અર્થ નથી. બીજી બાજુ ઉત્તર પ્રદેશમાંથી રાજ્યસભા જઈ શકાય તેવી શક્યતા પણ નથી. માર્ચમાં 55 બેઠકોની ચૂંટણી છે અને તે પછી નવેમ્બરમાં ઉત્તર પ્રદેશમાં રાજ્યસભાની ચૂંટણી આવશે. ઉત્તર પ્રદેશમાં ભાજપની પાંચ બેઠકો વધવાની છે, અને ત્યાંથી પ્રિયંકા માટે જીતવું મુશ્કેલ છે.


જોકે પ્રિયંકાના બહાને મધ્ય પ્રદેશમાં જૂથો વચ્ચે ખેંચતાણ ચાલી છે તેની વચ્ચે આખી સરકાર જતી રહેશે કે શું તેની ચિંતા ઊભી થઈ છે. આ વખતની 55 બેઠકોમાંથી ભાજપની ગુજરાત સહિત ચાર બેઠકો ઓછી થઈ રહી છે, ત્યારે મધ્ય પ્રદેશની બેઠક બચાવી શકાય અને કોંગ્રેસની સરકાર પણ તોડી શકાય. એક કાંકરે બે પક્ષી મારી શકાય છે. રાજ્યસભાની ચૂંટણી પહેલાં જ કોંગ્રેસના 8-10 સભ્યોને તોડી નાખવામાં આવે તો રાજ્યસભાની ચૂંટણીનું ગણિત બદલાઈ શકે છે. હાલના ગણિત પ્રમાણે 58 મતો જોઈએ અને 116 સાથે કોંગ્રેસ બે બેઠકો માટે સ્યોર છે, પણ તેમાંથી 10 તૂટી જાય તો બીજી બેઠક જીતવી મુશ્કેલ બની જાય. સાથે જ સરકાર માથે પણ જોખમ. આ અઠવાડિયું મધ્ય પ્રદેશના રાજકારણ માટે અગત્યનું બની જવાનું છે.

આંધ્ર પણ બિહારના રસ્તેઃ નવા NPR ફોર્મથી અંતર જાળવશે

અમરાવતીઃ આંધ્ર પ્રદેશ સરકાર હાલના બજેટ સત્રમાં એક પ્રસ્તાવ પસાર કરશે, જેમાં કેન્દ્રને રાષ્ટ્રીય જનસંખ્ચા (NPR) 2010ને જ રાખવા માટે વિનંતી કરવામાં આવશે. રાજ્યના મુખ્ય પ્રધાન વાયએસઆર જગન રેડ્ડીએ ટ્વીટ કરીને એનપીઆર મુદ્દે  વાયએસઆર કોંગ્રેસનું વલણ સ્પષ્ટ કર્યું હતું. તેમણે ટ્વીટમાં કહ્યું હતું કે એનપીઆરમાં પ્રસ્તાવિત કેટલાક સવાલોને લઈને રાજ્યના અલ્પસંખ્યકોના મનમાં અસુરક્ષાના ભાવ ઉત્પન્ન થઈ રહ્યા છે. પાર્ટીની અંદર આ મુદ્દે વાતચીત કર્યા બાદ કેન્દ્ર સરકારથી 2010માં ચાલી રહેલી શરતોને પાછી લેવાનો અનુરોધ કર્યો હતો.

મુખ્ય પ્રધાન જગન રેડ્ડીએ ટ્વીટમાં લખ્યું હતું કે આ સંબંધમાં અમે હાલના સમયમાં જારી બજેટ સત્રમાં એક પ્રસ્તાવ પણ રજૂ કરીશું. જગન મોગન રેડ્ડીનું ટ્વીટ એ વખતે સામે આવ્યું, જ્યારે તેમની સરકારે હાલમાં જ એક આદેશમાં એનપીઆર પ્રક્રિયા માટે એડમિનિસ્ટ્રેશન મશીનરીને તૈયાર કરવા માટે આદેશ કર્યા હતા.

સામાન્ય વહીવટ ડિપાર્ટમેન્ટના સચિવ શશિભૂષણ કુમારે 22 જાન્યુઆરીએ જારી આદેશમાં કહ્યું હતું કે એનપીઆર પ્રક્રિયા સંબંધમાં વિવિધ આશંકાઓને જોતાં બધા જિલ્લા કલેક્ટરો અને મુખ્ય જનગણના અધિકારીઓને વારંવાર પૂછવામાં આવતા પ્રશ્નના રૂપમાં સ્પષ્ટીકરણ જારી કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું હતું કે એનપીઆર પ્રક્રિયા દરમ્યાન કોઈ પણ દસ્તાવેજ જમા કરવાની જરૂર નથી.

 

અમદાવાદઃ ટાગોર હોલમાં માણવા મળશે આ અદભૂત ફિલ્મો…

અમદાવાદ: દેશમાં ઉજવાઈ રહેલ ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિના ઉપલક્ષમાં શહેરીજનો માટે પાલડીના ટાગોર હોલ ખાતે ૪ થી ૬ માર્ચ દરમ્યાન ગાંધીજીના જીવન પર આધારિત અને અન્ય ફિલ્મો નિ:શુલ્ક દર્શાવવામાં આવશે.


4 માર્ચે એટલે કે આજથી બપોરે ૧૨ કલાકે ‘ગાંધી’ ફિલ્મથી તેની શરૂઆત થશે. 5 માર્ચના રોજ સવારે ૯:૦૦ કલાકે ‘લગે રહો મુન્નાભાઈ બપોરે’, ૧૨:૦૦ વાગ્યે ‘હેલ્લારો’. 6 માર્ચના રોજ સવારે ૦૯:૦૦ વાગે ‘ધ મેકિંગ ઓફ મહાત્મા’, બપોરે ૧૨:૦૦ કલાકે ‘આઇ. એમ. કલામ’ ફિલ્મ દર્શાવવામાં આવશે.

ફિલ્મ સમારોહ નિદેશાલય દિલ્હી દ્વારા આયોજિત આ ત્રિ-દિવસીય ફિલ્મ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગેની માહિતી આપવા કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં અમદાવાદ કલેક્ટર કે.કે. નિરાલાએ કહ્યું કે, ફિલ્મો સામાજિક અને સાંસ્કૃતિક મૂલ્યોને સુંદર કરનારું માધ્યમ છે તેમણે વધુમાં જણાવ્યું કે, ગાંધીજી વિશેની ફિલ્મ દ્વારા નગરજનોને સ્વતંત્રતા સંગ્રામથી વાકેફ થશે, તે સમયે કેવી સ્થિતિ હતી તેની જાણકારી પણ નવી પેઢી ને મળશે. ફિલ્મ મહોત્સવમાં નિર્દેશિત થનાર ફિલ્મોનો વધુ ને વધુ બાળકો-વિદ્યાર્થીઓ તેનો લાભ લે તેવી અપીલ તેમણે કરી હતી.

ભારતમાં એશિયન રમતોત્સવ આજના દિવસે શરૂ કરાયો હતો

નવી દિલ્હીઃ ચોથી માર્ચનો દિવસ ભારતમાં એશિયન રમતોત્સવના આયોજનથી સંકળાયેલો છે. 1951માં 4-11 માર્ચ દરમ્યાન નવી દિલ્હીમાં સૌપ્રથમ એશિયાઇ રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રમતોમાં 11 એશિયન દેશોના કુલ 489 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આમ તો આ રમતોત્સવનું આયોજન 1950માં કરવામાં આવ્યું હતું, પણ તૈયારીઓ માટે પર્યાપ્ત સમય નહીં હોવાને કારણે તેનું આયોજન વર્ષ 1951માં કરવામાં આવ્યું હતું. પહેલા એશિયન રમતોત્સવમાં આઠ રમતોની કુલ 57 સ્પર્ધાઓ સામેલ કરવામાં આવી હતી. જાપાનના સ્પર્ધકોએ વધુમાં વધુ સ્વર્ણપદકોને જીત્યા હતા અને 24 સ્વર્ણપદકોની સાથે 60 મેડલ હાંસલ કર્યા હતા. યજમાન ભારતે 15 સ્વર્ણપદકોની સથે કુલ 51 મેડલ જીતીને બીજું સ્થાન હાંસલ કર્યું હતું.

દેશ અને વિશ્વના ઇતિહાસમાં ચોથી માર્ચે નોંધાયેલી અન્ય મહત્ત્વપૂર્ણ ઘટનાઓનો સિલસિલાબંધ વિગતોઃ-

1778: કોલકાતા ગેઝેટનું પ્રકાશન શરૂ. આજે ગેઝેટ ઓફ ગવર્નમેન્ટ ઓફ વેસ્ટ બેંગાલના નામે ઓળખાય છે.

1858: બ્રિટિશ અધિકારી જે પી વોકર આશરે 200 કેદીઓને લઈને કોલકાતાથી આંદામાન  અને નિકોબાર માટે રવાના થયા હતા. આ લોકો પર મોટા ભાગે 1857ના બળવાના આરોપી હતા.

1879: યુવતીઓને ઉચ્ચ શિક્ષણ આપવા માટે કોલકાતામાં બેથુન કોલેજની સ્થાપના. એ બ્રિટનથી બહાર પહેલી મહિલા કોલેજ હતી.

1933 : ફ્રેન્કલિન ડી રુઝવેલ્ટે અમેરિકાના 32મા  રાષ્ટ્રપતિ તરીકે કાર્યભાર સંભાળ્યો.

1951: નવી દિલ્હીમાં પહેલા એશિયન રમોત્સવનું આયોજન

1961: ભારતના પહેલા વિમાન વાહક સહબરમીન આઇએનએસ વિક્રાંતની સેનાએ પોતાની સર્વિસ આપવી શરૂ કરીય

1975: મૂક સિનેમાના શ્રેષ્ઠતમ અભિનેતા ચાર્લી ચેપલિનને 85 વર્ષની વયે નાઇટની ઉપાધિ આપવામાં આવી. તેમને મોડે-મોડે પણ સર ચાર્લ્સનું સન્માન મળ્યું.

1980: ઝિમ્બાબ્વેના રાષ્ટ્રવાદી નેતા રોબર્ટમુગાબેને ચૂંટણીમાં ભારે જીત હાંસલ કર્યા બાદ તેઓ ઝિમ્બાબ્વેના પ્રથમ અશ્વેત રાષ્ટ્રપતિ બન્યા.

2009: રાજસ્થાનના પોખરણમાં બ્રહ્મોસ પ્રક્ષેપાસ્ત્રના નવા સસ્કરણની પરીક્ષણ.

દિલ્હી આવેલા ઈટલીના પર્યટકોને કોરોના હોવાની આશંકા

નવી દિલ્હીઃ દિલ્હી સ્થિત આઈટીબીપીના ક્વોરૈન્ટાઈન સેન્ટરમાં 21 ઈટાલિયન પર્યટકો પૈકી 15 લોકોને કોરોના વાયરસ હોવાની આશંકાઓ સેવાઈ રહી છે. સ્વાસ્થ્ય વિભાગે પણ આની પુષ્ટી કરી છે.

ઉલ્લેખનીય છે કે દેશ અને દુનિયામાં કોરોના વાયરસના વધતા સંકટને જોતા સરકારે દવાઓના મામલે જરુરી પગલા ભરવાના શરુ કરી દીધા છે. દેશમાં દવાઓની ઘટ ના સર્જાય એટલા માટે સરકારે અનેક પ્રકારની દવા સામગ્રીઓ અને તેમાંથી બનતી દવાઓની નિકાસ પર પ્રતિબંધ લગાવ્યો છે. ભારત ખુદ જેનેરિક દવાઓનો સૌથી મોટો નિર્માણકર્તા દેશ છે.

સરકારે પેઈન કીલર, તાવ માટેની પેરાસીટામોલ, એન્ટિબાયોટિક મૈટ્રોનિડઝોલ તેમજ વિષાણુઓની સારવારમાં કામ આવનારી દવાની સાથે જ વિટામિન બી1 અને બી12ના નિકાસ પર અત્યારે પ્રતિબંધ લગાવી દીધો છે.

ડીજીએફટી દ્વારા જાહેર કરવામાં આવેલી સૂચના અનુસાર 26 સક્રિય ઔષધી સામગ્રી અને ફોર્મ્યુલેશન્સની નિકાસ માટે હવે લાઈસન્સ લેવાની જરુર પડશે.

અત્યારસુધી આ દવા સામગ્રીઓની નિકાસ પર કોઈ પ્રકારનો પ્રતિબંધ નહોતો. એપીઆઈ વિભિન્ન પ્રકારની દવાઓના નિર્માણમાં કાચા માલ તરીકે ઉપયોગ કરાતો હતો. સરકાર દ્વારા કરવામાં આવેલી જાહેરાત કોરોના વાયરસના દુનિયાના ઘણા દેશોમાં ફેલાયા બાદ સર્જાયેલી ચિંતાને જોતા ખૂબ મહત્વપૂર્ણ છે. ભારત જો કે દુનિયામાં 20 ટકા જેનેરિક દવાઓ પૂરી પાડે છે, પરંતુ દેશની દવા કંપનીઓમાં દવા બનાવવાના રાસાયણિક ફોર્મ્યુલેશન્સની બે તૃતિયાંશ જેટલો પુરવઠો ચીન પર જ નિર્ભર છે.

મધ્યપ્રદેશમાં રાજકીય ઉથલ-પાથલઃ કમલનાથની ખુરશી ડગુમગુ

ભોપાલઃ મધ્યપ્રદેશમાં કમલનાથની આગેવાની વાળી 15 મહિના જૂની કોંગ્રેસ સરકારમાં રાજનૈતિક ઉથલ-પાથલ શરુ થઈ ગઈ છે. કેટલાક ધારાસભ્યો ગુરુગ્રામની એક હોટલમાં હોવાના સમાચારો બાદ કમલનાથ સરકાર ફરીથી એકવાર મુશ્કેલીઓમાં ઘેરાઈ ગઈ છે. આખીરાત આ રાજનૈતિક ઉથલ-પાથલ બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ કેટલાક ધારાસભ્યોને બહાર લાવવાની વાત કહી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે કહ્યું કે, અમને લાગે છે કે હોટલમાં 10-11 જેટલા ધારાસભ્યો હતા જે પૈકી 6 ધારાસભ્યો કોંગ્રેસમાં પાછા આવી ગયા છે.

દિગ્વિજય સિંહ અનુસાર, અન્ય 4 ધારાસભ્યોને ભાજપે બેંગ્લોર મોકલી દીધા છે પરંતુ તેઓ તમામ પણ પાછા આવી ગયા છે. જે ધારાસભ્યો હોટલ પહોંચ્યા હતા, તેમાં કોંગ્રેસના 4 ધારાસભ્યો હતા. આ સિવાય બીએસપી અને સમાજવાદી પાર્ટીના પણ ધારાસભ્યો હતા. દિગ્વિજય સિંહે કહ્યું કે મધ્યપ્રદેશની સરકાર સુરક્ષિત હતી અને રહેશે.

કોંગ્રેસ નેતાઓએ કહ્યું કે, બહુજન સમાજ પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવેલા ધારાસભ્ય રમાબાઈને હોટલથી બહાર લાવવામાં આવ્યા છે. મધ્યપ્રદેશ સરકારમાં મંત્રી અને કોંગ્રેસ નેતા જીતુ પટવારી અને જયવર્ધન સિંહ ગુરુગ્રામના માનેસર સ્થિત આઈટીસી હોટલમાં રમાબાઈ સાથે નિકળતા દેખાઈ રહ્યા છે. ગઈકાલે દિગ્વિજય સિંહ ગુડગાવની એ હોટલમાં પહોંચ્યા હતા કે જ્યાં આ ધારાસભ્યોને રાખવામાં આવ્યા હતા પરંતુ તેમને ધારાસભ્યોને મળવા દેવાયા નહોતા. આ પહેલા કહેવામાં આવી રહ્યું હતું કે હોટલમાં 8 જેટલા ધારાસભ્યો ઉપસ્થિત છે.

સતત સોશ્યલ મિડીયા પર રહેતા હો તો ચેતી જજો…

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા છોડવાની વાત સાંભળતા જ તેમના ચાહકોની ઢગલાબંધ પ્રતિક્રિયાઓ ટ્વિટર પર આવવા લાગી હતી. અને ટ્વિટર પર #nosir  #NoModiNoTwitter હેશટેગ ટ્રેન્ડ થયાં. જો કે, વડાપ્રધાન સોશિયલ મીડિયા નથી છોડવાના એમનો કહેવાનો અર્થ કંઈક બીજો હતો પણ અહીં સવાલ એ છે કે શું તમે જાણો છો કે, સોશિયલ મીડિયાની લત તમારા સ્વાસ્થ્ય માટે કેટલી નુકસાનકારક છે? શું તમે પણ સોશિયલ મીડિયાની આદતના શિકાર છો? જો તમારો જવાબ હા હોય તો તમારે સાવચેત રહેવાની જરૂર છે. કારણ કે સતત સોશિયલ મીડિયા પર રહેવાની આદત તમને તણાવ ઉપરાંત અનેક સ્વાસ્થ્ય સંબંધિત બિમારીઓનો શિકાર બનાવી શકે છે. અહીં આપણે જાણીએ કે સોશિયલ મીડિયા લોકોને કેવી રીતે પ્રભાવિત કરે છે.

તણાવ- 2016માં ડિપ્રેશન એન્ડ એંગ્ઝાયટી જર્નલમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં જોવા મળ્યું કે, વધુ પ્રમાણમાં સોશિયલ મીડિયાનો ઉપયોગને કારણે લોકો ડિપ્રેશનનો શિકાર થાય છે અને તેમણે તણાવનો પણ સામનો કરવો પડી શકે છે. ખાસ કરીને ત્યારે જ્યારે તે વારંવાર તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ ચેક કરતા રહે છે.

ઉંઘની સમસ્યા: એક્ટા પીડિયાટ્રિક જર્નલમાં છપાયેલ અભ્યાસ અનુસાર, 10થી 12 વર્ષની ઉંમરવાળા બાળકોની ઉંઘ સોશિયલ મીડિયાને કારણે સૌથી વધુ પ્રભાવિત થાય છે કારણ કે, તેમના માટે આ વસ્તુઓ નવી હોવાથી તે વધુ સમય સોશિયલ મીડિયા પર વિતાવવા લાગે છે.

2017માં યુનિવર્સિટી ઓફ એક્સેટર(ઈગ્લેન્ડ)ના અભ્યાસમાં જોવા મળ્યું કે, લોકો સોશિયલ મીડિયા પર દુબળા પાતળા લોકોની તસવીરો જોઈને તેમના જેવું દેખાવા માટે પોતાનું ખાવા-પીવાનું છોડી દે છે. એટલું જ એ તસવીરોને જોઈને પોતાની જાતને ખાવાનું છોડવા માટે મજબૂર પણ કરી દે છે.

મનમાં બીજા પ્રત્યે ઈર્ષા ઉદભવે છે: એમાં કોઈ શંકા નથી કે સોશિયલ મીડિયા પર લોકો પોતાની લાઈફને બીજાની લાઈફ સાથે સરખાવીને મનમાં ઈર્ષાની ભાવના પેદા કરે છે. એકબીજાની પોસ્ટ જોઈને પોતાની અંદર ઈર્ષાની ભાવનાને પ્રોત્સાહન આપે છે. આ જ કારણે માનસિક બિમારી જન્મ લે છે અને પછી અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ટુંકમાં આ અભ્યાસો પરથી એ સ્પષ્ટ થાય છે કે, સોશિયલ મીડિયાનો વધુ પડતો ઉપયોગ તમારા જીવનમાં અનેક અણજોઈતી બિમારીઓ અને મુશ્કેલીઓને નોતરે છે.

ભાજપે કહ્યુંઃ એનસીપી-કોંગ્રેસ મુસ્લિમ ક્વોટા મામલે દબાણ કરે તો…

મુંબઈઃ ભાજપે કહ્યું છે કે જો એનસીપી અને કોંગ્રેસ સરકાર છોડવાની ધમકી આપીને શિવસેના પર મુસ્લિમ ક્વોટા આપવાનું દબાણ બનાવે તો મહારાષ્ટ્ર સરકાર હાથ પકડશે. એનસીપી અને કોંગ્રેસે કહ્યું કે, સરકાર શિક્ષણમાં મુસ્લિમોને પાંચ ટકા ક્વોટા આપશે. મુખ્યમંત્રી અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે કહ્યું કે મુસ્લિમ ક્વોટા આપવા માટે પ્રસ્તાવ હજી સુધી મારી પાસે આવ્યો નથી અને જ્યારે આવશે તો તની યોગ્યતાની ચકાસણી કરવામાં આવશે.

ભાજપના વરિષ્ઠ નેતા સુધીર મુગંતીવારે મીડિયાને કહ્યું કે, અમારી પાર્ટીનું માનવું છે કે અનામત ધર્મના આધારે ન આપી શકાય. રાજ્યના પૂર્વ નાણામંત્રીએ કહ્યું કે, શિવસેનાએ જે વલણ અપનાવ્યું છે તે યોગ્ય નથી તેઓ સંવિધાનની વાત કરી રહ્યા છે. સંવિધાન ધર્મના આધાર પર અનામત આપતો નથી. જો ધર્મના આધાર પર જ અનામત આપવામાં આવવાની હોય તો શિખો અને ઈસાઈઓનો શું વાંક છે?

ભાજપના નેતાએ કહ્યું કે, કેન્દ્ર સરકારે પહેલા જ આર્થિક રુપથી પછાત વર્ગ માટે 10 ટકા કોટાની વ્યવસ્થા કરી છે. જેમાં મુસ્લિમ અને ઈસાઈ બંન્ને આવે છે. તેમણે કહ્યું કે, મને લાગે છે કે ઉદ્ધવજીએ ખૂબ સારુ વલણ અપનાવ્યું છે. શિવસેનાની સાથે અમારું ગઠબંધન સિદ્ધાંત પર આધારીત હતું. જો કોંગ્રેસ અને એનસીપી આ મુદ્દે દબાણ કરી રહ્યા છે તો શિવસેનાએ ચિંતા કરવાની કોઈ જરુર નથી.

‘નો ટાઈમ ટૂ ડાય’નું ગુજરાતીમાં ટ્રેલર, ફિલ્મ 1 મહિનો વહેલી રિલીઝ થશે

મુંબઈ : હોલીવૂડ સિનેમાની સૌથી મોટી ફ્રેન્ચાઈઝી જેમ્સ બોન્ડ સિરીઝની 25મી ફિલ્મ ‘નો ટાઈમ ટૂ ડાય’ કોરોના વાઈરસના રોગચાળાને કારણે એક મહિનો વહેલી કરવામાં આવે એવા સમાચાર છે.

આ ફિલ્મનું નિર્માણ અને રિલીઝમાં અનેક અવરોધો આવ્યા છે અને તે વિલંબિત થઈ છે. હવે કોરોના વાઈરસના ફેલાવાએ એને માટે નવી કટોકટી ઊભી કરી છે.

ફિલ્મના નિર્માતાઓ ‘નો ટાઈમ ટૂ ડાય’ને નિર્ધારિત રિલીઝ તારીખ 2 એપ્રિલ (બ્રિટનમાં) અને 10 એપ્રિલ (યૂએસ)કરતાં એક મહિનો વહેલી રિલીઝ કરવા વિચારી રહ્યા છે. ફિલ્મ કદાચ આવતા અઠવાડિયે જ થિયેટરોમાં રિલીઝ કરી દેવામાં આવે એવી ધારણા છે.

આ ફિલ્મ જેમ્સ બોન્ડનું પાત્ર ભજવનાર ડેનિયલ ક્રેગની આખરી ફિલ્મ હશે. એ 15 વર્ષથી જાસૂસ 007 પાત્ર ભજવતો આવ્યો છે.

આ થ્રિલર એક્શન ફિલ્મનું ટ્રેલર અંગ્રેજી ઉપરાંત ગુજરાતી સહિત ભારતની 10 ભાષાઓમાં રિલીઝ કરવામાં આવ્યું છે.

જોકે આ ફિલ્મ ભારતની માત્ર 4 ભાષામાં જ રિલીઝ કરાશે – હિન્દી, તામિલ, કન્નડ અને તેલુગુ.

ફિલ્મનું અંગ્રેજી ભાષાનું ટ્રેલર ગયા ડિસેંબરમાં રિલીઝ કરાયું હતું.

ટ્રેલરમાં ડેનિયલ ક્રેગનો લુક જોરદાર છે. 2015માં સ્પેક્ટર ધ 007ના શૂટિંગ બાદ ક્રેગે કહ્યું હતું કે હવે તે બોન્ડ ફિલ્મમાં કામ નહીં કરે. જોકે એને કારણે દુનિયાભરમાં એના ચાહકો નિરાશ થતાં એણે વિચાર બદલ્યો હતો અને એક વધુ ફિલ્મ કરવાનો નિર્ણય લીધો હતો, પણ હવે ‘નો ટાઈમ ટૂ ડાય’ એની આખરી ફિલ્મ છે.

આ ફિલ્મ બાદ મહિલા જાસૂસ (લેડી જેમ્સ બોન્ડ)ની ફિલ્મ આવશે. એમાં અભિનેત્રી લશાના લિન્ચ લોકપ્રિય બ્રિટિશ જાસૂસનું પાત્ર ભજવશે. લશાના પહેલી જ અભિનેત્રી હશે જે જેમ્સ બોન્ડના પાત્રમાં જોવા મળશે. અત્યાર સુધી માત્ર પુરુષ અભિનેતાઓ જ એજન્ટ 007 તરીકે ચમક્યા છે.

જો જો, રંગોથી રમતી વખતે ત્વચાને નુકસાન ના થાય…

નવી દિલ્હીઃ હોળીનો તહેવાર હવે નજીકમાં છે, ત્યારે આ એવો તહેવાર છે, જે  ઉત્સાહ, ઉમંગ અને ઉલ્લાસથી ઊજવાય છે, પણ રંગો વગર અધૂરો છે. જોકે આ તહેવારમાં રંગોથી રમવામાં જેટલો ઉમંગ હોય છે, એનાથી ક્યાંય વધુ રંગથી પીછો છોડાવવાનું હોય છે. ધુળેટી રમવી બધાને પસંદ છે, પણ રંગ ત્વચાને તો નુકસાન કરે છે, બલકે એને કાઢવામાં પરસેવો પડી જાય છે.

‘બૂરા ના માનો હોલી હૈ’

તમે ગમેતેટલા બચવાના પ્રયત્ન કરો, પણ ‘બૂરા ના માનો હોલી હૈ’ કહીને લોકો રંગ લગાડવા આવી જ પહોંચે છે. હર્બલ રંગોને બાદ કરીએ તો કેટલાય પ્રકારના રંગો (કેમિકલયુક્ત) બજારમાં વેચાતા છે, જેનાથી ત્વચાને નુકસાન થાય છે. ત્વચા શુષ્ક અને મૃત થવાની સાથે તેમાં ઘણી વાર બળતરા થવા લાગે છે. વળી વાળ પણ ખરવા લાગે છે.

જો તમને હોળી રમવી પસંદ છે, પણ તેનાથી થનારા નુકસાનથી ડરો છો, તો ગભરાવ નહીં. તમે પૂરા ઉત્સાહ અને ઉમંગથી દિલ ખોલીને વિના ટેન્શને હળી રમી શકો છો અને રંગોના હાનિકારક પ્રભાવોથી બચી શકો છો, બસ તમારે થોડા ઉપાય કરવા પડશે.

ચહેરા પર ઓઇલ લગાવો

હોળી રમતા પહેલાં વાળની સાથે ચહેરા અને ત્વચા પર પણ તેલ લગાડો. હોળી રમવાના એક કલાક પહેલાં ત્વચા અને વાળો પર સારી રીતે તેલથી માલિશ કરો, જેનાથી ત્વચા તેલ શોષી લે. આનાથી રંગમાંના કેમિકલ્સ તમારી ત્વચાને નુકસાન નહીં પહોંચાડે અને રંગ સરળતાથી નીકળી શકે.

સન સ્ક્રીન લગાવો

તેલની સાથે-સાથે હોળી રમતાં પહેલાં ચહેરા પર સનસ્ક્રીન જરૂર લગાડો. આ રંગોની સાથે તમારી સ્કિનને સૂર્યનાં હાનિકારક કિરણોથી બચાવશે.

હોળીના રંગ ત્વચાની સાથે હોઠને પણ શુષ્ક બનાવી શકે છે. વળી લિપ્સ પર લાગેલા રંગ મોંમાં ઝઈ શકે છે, જે ગંભીર બની શકે છે. એટલે હોળી રમતા પહેલાં લિપ બામ કે પેટ્રોલિયમ જેલી અવશ્ય લગાવો.

નખોનો સાચવો

આપણે હોળી રમતી વખતે ત્વચાની સાથે નખોને પણ સાચવવા જોઈએ, કેમ કે નખોમાં એક વાર રંગ ઘૂસી જાય પછી એ સરળતાથી નથી નીકળતા, જે નુકસાનકારક થઈ શકે છે. એટલા માટે હોળી રમતાં પહેલાં નખો પર નેઇલ પેઇન્ટ લગાવી લો.