મધ્યપ્રદેશમાં રાજકીય ઉથલ-પાથલઃ કમલનાથની ખુરશી ડગુમગુ

ભોપાલઃ મધ્યપ્રદેશમાં કમલનાથની આગેવાની વાળી 15 મહિના જૂની કોંગ્રેસ સરકારમાં રાજનૈતિક ઉથલ-પાથલ શરુ થઈ ગઈ છે. કેટલાક ધારાસભ્યો ગુરુગ્રામની એક હોટલમાં હોવાના સમાચારો બાદ કમલનાથ સરકાર ફરીથી એકવાર મુશ્કેલીઓમાં ઘેરાઈ ગઈ છે. આખીરાત આ રાજનૈતિક ઉથલ-પાથલ બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ કેટલાક ધારાસભ્યોને બહાર લાવવાની વાત કહી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે કહ્યું કે, અમને લાગે છે કે હોટલમાં 10-11 જેટલા ધારાસભ્યો હતા જે પૈકી 6 ધારાસભ્યો કોંગ્રેસમાં પાછા આવી ગયા છે.

દિગ્વિજય સિંહ અનુસાર, અન્ય 4 ધારાસભ્યોને ભાજપે બેંગ્લોર મોકલી દીધા છે પરંતુ તેઓ તમામ પણ પાછા આવી ગયા છે. જે ધારાસભ્યો હોટલ પહોંચ્યા હતા, તેમાં કોંગ્રેસના 4 ધારાસભ્યો હતા. આ સિવાય બીએસપી અને સમાજવાદી પાર્ટીના પણ ધારાસભ્યો હતા. દિગ્વિજય સિંહે કહ્યું કે મધ્યપ્રદેશની સરકાર સુરક્ષિત હતી અને રહેશે.

કોંગ્રેસ નેતાઓએ કહ્યું કે, બહુજન સમાજ પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવેલા ધારાસભ્ય રમાબાઈને હોટલથી બહાર લાવવામાં આવ્યા છે. મધ્યપ્રદેશ સરકારમાં મંત્રી અને કોંગ્રેસ નેતા જીતુ પટવારી અને જયવર્ધન સિંહ ગુરુગ્રામના માનેસર સ્થિત આઈટીસી હોટલમાં રમાબાઈ સાથે નિકળતા દેખાઈ રહ્યા છે. ગઈકાલે દિગ્વિજય સિંહ ગુડગાવની એ હોટલમાં પહોંચ્યા હતા કે જ્યાં આ ધારાસભ્યોને રાખવામાં આવ્યા હતા પરંતુ તેમને ધારાસભ્યોને મળવા દેવાયા નહોતા. આ પહેલા કહેવામાં આવી રહ્યું હતું કે હોટલમાં 8 જેટલા ધારાસભ્યો ઉપસ્થિત છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]