‘નો ટાઈમ ટૂ ડાય’નું ગુજરાતીમાં ટ્રેલર, ફિલ્મ 1 મહિનો વહેલી રિલીઝ થશે

મુંબઈ : હોલીવૂડ સિનેમાની સૌથી મોટી ફ્રેન્ચાઈઝી જેમ્સ બોન્ડ સિરીઝની 25મી ફિલ્મ ‘નો ટાઈમ ટૂ ડાય’ કોરોના વાઈરસના રોગચાળાને કારણે એક મહિનો વહેલી કરવામાં આવે એવા સમાચાર છે.

આ ફિલ્મનું નિર્માણ અને રિલીઝમાં અનેક અવરોધો આવ્યા છે અને તે વિલંબિત થઈ છે. હવે કોરોના વાઈરસના ફેલાવાએ એને માટે નવી કટોકટી ઊભી કરી છે.

ફિલ્મના નિર્માતાઓ ‘નો ટાઈમ ટૂ ડાય’ને નિર્ધારિત રિલીઝ તારીખ 2 એપ્રિલ (બ્રિટનમાં) અને 10 એપ્રિલ (યૂએસ)કરતાં એક મહિનો વહેલી રિલીઝ કરવા વિચારી રહ્યા છે. ફિલ્મ કદાચ આવતા અઠવાડિયે જ થિયેટરોમાં રિલીઝ કરી દેવામાં આવે એવી ધારણા છે.

આ ફિલ્મ જેમ્સ બોન્ડનું પાત્ર ભજવનાર ડેનિયલ ક્રેગની આખરી ફિલ્મ હશે. એ 15 વર્ષથી જાસૂસ 007 પાત્ર ભજવતો આવ્યો છે.

આ થ્રિલર એક્શન ફિલ્મનું ટ્રેલર અંગ્રેજી ઉપરાંત ગુજરાતી સહિત ભારતની 10 ભાષાઓમાં રિલીઝ કરવામાં આવ્યું છે.

જોકે આ ફિલ્મ ભારતની માત્ર 4 ભાષામાં જ રિલીઝ કરાશે – હિન્દી, તામિલ, કન્નડ અને તેલુગુ.

ફિલ્મનું અંગ્રેજી ભાષાનું ટ્રેલર ગયા ડિસેંબરમાં રિલીઝ કરાયું હતું.

ટ્રેલરમાં ડેનિયલ ક્રેગનો લુક જોરદાર છે. 2015માં સ્પેક્ટર ધ 007ના શૂટિંગ બાદ ક્રેગે કહ્યું હતું કે હવે તે બોન્ડ ફિલ્મમાં કામ નહીં કરે. જોકે એને કારણે દુનિયાભરમાં એના ચાહકો નિરાશ થતાં એણે વિચાર બદલ્યો હતો અને એક વધુ ફિલ્મ કરવાનો નિર્ણય લીધો હતો, પણ હવે ‘નો ટાઈમ ટૂ ડાય’ એની આખરી ફિલ્મ છે.

આ ફિલ્મ બાદ મહિલા જાસૂસ (લેડી જેમ્સ બોન્ડ)ની ફિલ્મ આવશે. એમાં અભિનેત્રી લશાના લિન્ચ લોકપ્રિય બ્રિટિશ જાસૂસનું પાત્ર ભજવશે. લશાના પહેલી જ અભિનેત્રી હશે જે જેમ્સ બોન્ડના પાત્રમાં જોવા મળશે. અત્યાર સુધી માત્ર પુરુષ અભિનેતાઓ જ એજન્ટ 007 તરીકે ચમક્યા છે.