Home Blog Page 4913

કોરોના સામે જંગઃ આજે ભારતમાં છે ‘જનતા કર્ફ્યૂ’, સમગ્ર દેશ સૂમસામ છે

મુંબઈઃ દુનિયાભરમાં હજારો લોકોના મૃત્યુ નિપજાવી, લાખો લોકોને બીમાર પાડી દઈ હાહાકાર મચાવી દેનાર ખતરનાક એવા કોરોના વાઈરસ સામેની લડાઈમાં આજે ભારતવાસીઓ પણ વધારે મક્કમ બની ગયા છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અપીલને માન આપીને આજે સવારે 7 વાગ્યાથી સ્વૈચ્છિક, સ્વયંભૂ ‘જનતા કર્ફ્યૂ’નો અમલ શરૂ કરી દીધો છે.

કોરોના વાઈરસ વધારે ન ફેલાય એટલા માટે પીએમ મોદીએ ‘જનતા કર્ફ્યૂ’ પાળવાની અપીલ કરી છે. દેશની 1 અબજ 30 કરોડ જેટલી જનતા જો એક દિવસ માટે ‘હોમ ક્વોરન્ટીન’ નિયમ અપનાવશે તો આ વાયરસનો ફેલાવો નબળો પડી જશે એવી ખાતરી સાથે વડા પ્રધાને જનતા કર્ફ્યૂની હાકલ કરી છે.

સમગ્ર દેશમાં લોકો આજે સવારે 7 વાગ્યાથી ઘરમાં જ રહેશે અને રાતે 9 વાગ્યા સુધી ‘જનતા કર્ફ્યૂ’નું પાલન કરશે.

ઘણા વિસ્તારોમાં આજે સવારે બરાબર 7 વાગ્યે પ્રશાસન તરફથી સાયરન વગાડવામાં આવી હતી એ સાથે જ ‘જનતા કર્ફ્યૂ’ નિયમોનું પાલન શરૂ થઈ ગયું હતું.

દેશભરમાં આજે સરકારો દ્વારા ઘોષિત આવશ્યક સેવાઓને બાદ કરતાં તમામ દુકાનો, વેપાર-ધંધા, ખાની કંપનીઓની ઓફિસો, જાહેર સ્થળો બંધ રાખવામાં આવ્યા છે. ઓટોરિક્ષા, ટેક્સી, બસ સેવા પણ બંધ રાખવામાં આવી છે તેથી રસ્તાઓ સૂમસામ છે. દૂધ અને વીજળી પૂરવઠા વિતરણ, રેલવે, સફાઈ, દવા-ઔષધો, હોસ્પિટલ્સ, અગ્નિશામક દળ વગેરે જેવી સેવાઓને આવશ્યક સેવાઓ તરીકે ગણવામાં આવી છે અને એને જનતા કર્ફ્યૂમાંથી બાકાત રખાઈ છે. મુંબઈમાં લોકલ ટ્રેનમાં સફર કરવાની સામાન્ય જનતાને મનાઈ ફરમાવી દેવામાં આવી છે, માત્ર પોલીસ જવાનો, પોલીસ તંત્ર, સફાઈતંત્ર સાથે સંકળાયેલા કર્મચારીઓ, તબીબી ઈમર્જન્સીવાળા લોકોને જ લોકલ ટ્રેનોમાં પ્રવાસ કરવા દેવામાં આવશે. તમામ બોર્ડિંગ સ્ટેશનો પર પ્રત્યેક પ્રવાસીનું ઓળખપત્ર ચકાસવામાં આવી રહ્યું છે. વિમાન સેવાઓ પણ સ્થગિત કરી દેવામાં આવી છે.

ભારતીય રેલવેએ જાહેર કર્યું જ હતું કે જનતા કર્ફ્યૂ નિમિત્તે શનિવારની મધરાતથી રવિવારે રાતે 10 વાગ્યા સુધી દેશના કોઈ પણ રેલવે સ્ટેશનેથી પેસેન્જર ટ્રેન ઉપાડવામાં નહીં આવે.

ભારતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસને કારણે ચાર જણના મોત નિપજ્યાં છે. કન્ફર્મ્ડ કેસોની સંખ્યા 300ના આંકને વટાવી ચૂકી છે. અત્યાર સુધીમાં 313 કેસ નોંધાયા છે.

પીએમ મોદીએ આજે વહેલી સવારે ટ્વીટ કર્યું હતું કે, હવે પછી થોડી જ મિનિટોમાં ‘જનતા કર્ફ્યૂ’ શરૂ થશે. ચાલો, આપણે પણ આ કર્ફ્યૂનો હિસ્સો બનીએ. એને કારણે #COVID19 દૂષણ સામેની લડાઈમાં મોટું બળ ઉમેરાશે. આપણે આજે જે પગલાં લઈશું એ આવનારા સમયમાં આપણને મદદરૂપ થશે.

વડા પ્રધાન દેશવાસીઓને બીજી પણ એક અપીલ કરી છે કે આજે સાંજે બરાબર પાંચ વાગ્યે લોકોએ પોતપોતાના ઘરની બાલ્કની, દરવાજા પર કે બારીમાં ઊભીને તાળી પાડીને, થાળી વગાડીને કોરોના વાઈરસ સામેના જંગમાં પોતાના જાનને જોખમમાં મૂકીને પણ લોકોની સારવાર-સેવા કરતા તબીબી વ્યવસાય તથા અન્ય કર્મચારીઓ, સ્વયંસેવકોનો આભાર માનવો. મોદીએ કહ્યું કે સાંજે પાંચ વાગ્યાથી આ ધન્યવાદ શરૂ કરી પાંચને પાંચ મિનિટ સુધી વ્યક્ત કરવો.

વાહ ભાઈ વાહ! ૨૨ માર્ચ, ૨૦૨૦

રાશિ ભવિષ્ય 22/03/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજના દિવસમાં તમને થોડો ઉત્સાહ જોવા મળી શકે છે, વાર્તાલાપમાં સારો સમય પસાર થાય, જૂની ઓળખાણ તાજી થાય તેમાં તમને આનંદ,ખુશીની લાગણીનો અનુભવ થાય, આજે આરામકરવાની અને થોડેક અંશે આળસવૃતિ પણ જોવા મળે, ધાર્મિકસ્થાનની મુલાકાત પણ થઈ શકે છે


આજે સગા-સ્નેહી, જુનાપરિચિત સાથે મિલનમુલાકાતકે કોઈ તેમની સાથેના અગત્યના કામકાજ યોગ છે, આરોગ્યબાબત થોડા બેદરકાર પણ બનો, કોઈ વ્યવહારુ અભિગમ અપનાવા જાવતો તમે ક્યાંક કોઈના થોડા રોષના પણ ભોગ બની શકો છે, ધીરજ અને શાંતિથી દિવસ પસાર કરવો ઇચ્છનીય છે


આજે તમારા માટે કોઇપણ પ્રકારના કામકાજ હેતુ નાનીકે મોટી મુસાફરીના યોગ બની રહ્યા છે, મુસાફરી દરમિયાન નવીનઓળખાણ પણ થઈ શકે છે, તમારાકે અન્ય માટેના શુભપ્રસંગ અંગે ચર્ચા-વિચારણા થઈ શકે છે, વડીલવર્ગ સાથે અતિઉત્સાહમાં વિવેકનો અતિરેકના થાય તેનું ધ્યાન રાખ્વવું


આજે તમને થોડો માનસિકથાકકે કારણવગરનો ઉશ્કેરાટની લાગણીનો અનુભવ થાય, વર્તણુકમાં થોડા લાગણીશીલ બની શકો છે, આકસ્મિકખર્ચા પણ કોઈ કારણસર થઈ શકે છે. શરદી,ખાંસી,તાવ જેવી નાનીનાની તકલીફથી તમે થોડી બેચીની વધુ અનુભવો. શાંતિથી દિવસ પસાર કરવો.યોગ્ય છે


આજના દિવસે તમને કંઇકને કંઇક કરવાની જીજ્ઞાસા વધુ જોવા મળે અને કામકાજ કરવામાં થોડી ઉતાવળ કરવાની વૃતિ પણ જોવા મળે, કોઈ જુનાઅટકેલા કામ પુરા કરવા કે લગ્નની વાત ગોઠવવા માટે પ્રયત્ન કરવા જેમાં પ્રયત્ન સફળ થાય તેવા સંજોગો બની શકે છે, પ્રિયજન સાથે સારો સમય પસાર થાય


આજે કુટુંબના સભ્યો સાથે મિલનમુલાકાત થાય કે કોઈ સામાજિકકે ધાર્મિકપ્રસંગમાં હાજરી આપવાના યોગ બને છે અને તેમાં તમારું વર્ચસ્વ અને મોભો જળવાય તેવું પણ બની શકે છે. તમને કોઈની મજાક-મશ્કરી કરવાની વૃતિ જાગે પરંતુ તેમાં કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે


આજ દિવસમાં આત્મવિશ્વાસ વધુ જોવા મળે, કઈક નવીનકાર્ય કરવાની ઈચ્છા પ્રબળ થાય, લગ્નયોગ ધરવતા યુવાવર્ગ માટે વાર્તાલાપકે મિલનમુલાકાત સારી રહી શકે. નાનાઅંતરની મુસાફરી થઈ શકે, આજે કોઈના કામકાજમાં ક્યાંક સહભાગી બનો તેવું પણ બની શકે છે, પ્રિયજન તરફથી સારી વાત જાણવા મળે


આજે થોડી માનસિકચિંતાકે અશાંતિ જેવું લાગે કારણકે કોઈકને કોઈક વિચાર આબાબતે તમને અસ્વસ્થ કરી શકે છે. ઘરમાં વડીલવર્ગ સાથે વિચારમતભેદના થાય તેનું ધ્યાન રાખવું. બ્લડપ્રેશર, છાતીના દર્દ હોય તેવા લોકો માટે આજે તકેદારી રાખવી, ઉતાવળિયા નિર્ણયના લેવાય તેનું ખાસ ધ્યાન રાખવું


આજે મિત્રો સાથે સારોસમય પસાર થાય, તમે કોઈને કોઈકામમાં સહભાગી બનો તેવી લાગણી તમારામાં જોવા મળે, ધાર્મિકઆસ્થા થોડી વધુ જોવા મળી શકે. જુનાસંબંધ અચાનક યાદ આવે તેવા પણ યોગ છે. લગ્નબાબતની વાતચીતકે મિલનમુલાકાત કરવાથી સારો પ્રતિભાવ જોવા મળે તેવું બની શકે છે


આજે થોડાક માનસિકવિચારોથી તમે અશાંતિ અનુભવો, મનમાંને મનમાં કોઈક વાતનો અજંપો રહે, વાર્તાલાપ દરમિયાન ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું, શક્ય એટલું ઓછુ બોલવું સારું, .કમર, હાડકા,પગમાં દુખાવાની તકલીફ વાળાએ આરોગ્યબાબતમાં ધ્યાન વધુ આપવું ઇચ્છનીય છે


આજનો દિવસ સામાન્ય છે, કામમાં વ્યસ્ત રહેવાય, લાકડા, ચામડા, ધાતુ, ઓઈલ, પેટ્રોલ, કોમ્પુટરક્ષેત્ર,  ના કામ કરનારને સારું રહે, જુના કોઈકામમાં અટવાયેલા હોવતો તેનો જલ્દીથી ઉકેલન આવે તેને કારણે તમે અશાંત બની શકો છે, કોઈની ખોટીદોરવાણીથી ઉશ્કેરાઈના જવાય તેનું ધ્યાન રાખવું ઇચ્છનીય છે


આજનો દિવસ સારો છે, મિત્રો સાથે કામની ચર્ચા થાય, મુસાફરી થઈ શકે છે, તમારા વ્યવહાર અને સંબંધ થી તમને કોઈ સારી વાત ક્યાંકથી સંભાળવા મળી જાય, આજે તમે થોડા ઉદારવાદી બનો, કોઈ માટે સમય અને નાણા પણ ખર્ચી શકો છો. લગ્નમાટેની મિલનમુલાકાત આજે આશાસ્પદ બને તેવા યોગ પણ છે

મુંબઈમાં 31 માર્ચ સુધી સામાન્ય જનતા માટે લોકલ ટ્રેનો બંધ

મુંબઈઃ કોરોના વાઈરસનો ફેલાવો હાલ ભારતમાં ત્રીજા તબક્કામાં પ્રવેશી રહ્યો છે ત્યારે રેલવે વહીવટીતંત્રએ આજે રાતે મોટો નિર્ણય લીધો છે. રેલવેએ 22 માર્ચના રવિવારે મધરાતે 12 વાગ્યાથી 31 માર્ચ સુધી સામાન્ય જનતાને લોકલ ટ્રેનોમાં પ્રવાસ કરવા પર મનાઈ ફરમાવી દીધી છે.

માત્ર આવશ્યક સેવાઓ માટેના કર્મચારીઓ અને તબીબી ઈમર્જન્સીવાળાઓને જ પ્રવાસ કરવા દેવાશે.

22 માર્ચના રવિવારથી મુંબઈમાં બોર્ડિંગ સ્ટેશનો પર પ્રવાસીનું આઈડેન્ટિટિટી કાર્ડ ચેક કરવામાં આવશે.

કોંકણ ડિવિઝનલ કમિશનરે આજે સત્તાવાર નિવેદન બહાર પાડીને મુંબઈમાં લોકલ ટ્રેનો વિશેના નવા નિયમોની જાણકારી આપી હતી.

એમણે જણાવ્યું છે કે લોકલ ટ્રેનોમાં માત્ર પોલીસ કર્મચારીઓ, ડોક્ટરો કે સફાઈ કર્મચારીઓને જ પ્રવાસ કરવા દેવામાં આવશે. જે લોકો આવતીકાલથી લોકલ ટ્રેનમાં સફર કરે એમણે પોતાનું આઈકાર્ડ બતાવવું પડશે.

પંચાંગ તા. 22/03/2020

જનતા કર્ફયુ માટે દીપિકાએ આપી ટિપ્સ

નવી દિલ્હી: કોરોનાને લઈને તમને ઘરમાં રહેવાનો કંટાળો આવે છે? જનતા કર્ફ્યુ સમયે ઘરમાં રહીને કેવી રીતે ટાઈમ પાસ કરવો? અભિનેત્રી દીપિકા પાદુકોણ જણાવી રહી છે કે ઘરમા રહીને તમે શું કરી શકો છો… વર્તમાન સમયમાં, કોરોનાએ આખી દુનિયાને ઘેરી લીધી છે. ચીનના વુહાન શહેરથી લઈને આખી દુનિયામાં ફેલાયેલા કોરોના વાઈરસની અસર બોલીવુડ પર પણ જોવા મળી છે. કોરોના વાઈરસના ચેપને કારણે ઘણી મોટી ફિલ્મોની રિલીઝ ડેટ મોકૂફ રાખવામાં આવી છે. અભિનેત્રી દીપિકા પાદુકોણે આ સમયે ઘરે ટાઈમ પાસ કરવા એક નવો નુસખો શોધી કાઢ્યો છે.

દીપિકા પાદુકોણ તેની આજુબાજુની સ્વચ્છતાની ખૂબ કાળજી લે છે. એકબાજુ બોલીવુડ કોરોનાથી પોતાને સંપૂર્ણ બચાવવા માટે પ્રયાસ કરી રહ્યું છે, તો બીજી બાજુ દીપિકાએ તેમના વૉરડ્રોબની સફાઈ કરવામાં વ્યસ્ત છે. દીપિકાએ આ તસવીર તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. તસવીરમાં દીપિકા વૉરડ્રોબની સફાઈ કરતી નજરે પડે છે.

હાલમાં ઇન્સ્ટાગ્રામ પર 45 મિલિયનથી વધુ ચાહકો દીપિકા પાદુકોણને ફોલો કરી રહ્યા છે. તાજેતરમાં , બોલીવુડની અનેક હસ્તીઓએ કોરોનાને ટાળવા અને તેનો સામનો કરવા માટે સોશિયલ મીડિયા પર તેમની વાતો પોસ્ટ કરી છે. આ જ ક્રમમાં દીપિકાએ કોરોના સામે રક્ષણ આપવા સ્વચ્છતા લેવાનું પણ કહ્યું છે . દીપિકાનો આ સંદેશ તેના ચાહકો દ્વારા ખૂબ જ ગંભીર રીતે લેવામાં આવી રહ્યો છે અને ઘણા ચાહકોએ પોતાના ઘરની સફાઈ અંગે પણ જણાવ્યું છે.

MP: 21 બળવાખોર વિધાનસભ્યો ભાજપમાં જોડાયા

ભોપાલ: મધ્ય પ્રદેશની કમલનાથ સરકારને ઊથલાવનારા કોંગ્રેસના બળવાખોર વિધાનસભ્યો ભાજપમાં જોડાયા હતા. છેલ્લા 12 દિવસથી બેંગલુરુમાં રોકાયેલા કોંગ્રેસના 21 બળવાખોર ધારાસભ્યો આજે ભાજપમાં સામેલ થયા હતા. આ બધા નેતા બેંગલુરુથી દિલ્હી પહોંચ્યા હતા. આ નેતાઓએ પહેલાં જ્યોતિરાદિત્ય સિંધિયા સાથે મુલાકાત કરી હતી. ત્યાર બાદ તેઓ દિલ્હીમાં ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાના નિવાસસ્થાને ગયા હતા. આ વિધાનસભ્યો જ્યારે ભાજપમાં જોડાયા ત્યારે  સિંધિયા સહિત કૈલાશ વિજયવર્ગીય, નરેન્દ્ર તોમર અને ધર્મેન્દ્ર પ્રધાન પણ ઉપસ્થિત રહ્યા હતા. આ નેતાઓ કદાચ ગૃહપ્રધાન અમિત શાહને પણ મળે એવી સંભાવના છે.

આ વિધાનસભ્યો ચાર્ટર્ડ પ્લેનથી દિલ્હી પહોંચ્યા હતા. તેઓ આજે રાત્રે ભોપાલ આવે તેવી સંભાવના છે. 22 ધારાસભ્યોના રાજીનામા બાદ મધ્ય પ્રદેશમાં 15 મહિનાથી ચાલતી કમલનાથ સરકારે બહુમત ગુમાવી દીધો હતો. એ પછી શુક્રવારે કમલનાથે મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું આપ્યું હતું.

આ વિધાનસભ્યોમાં રાજીનામાં આપનારાઓમાં 18 ધારાસભ્ય સિંધિયા સમર્થક છે. જ્યારે ચાર ધારાસભ્યોએ સરકાર સામે નારાજગી હોવાથી રાજીનામુ આપ્યું હતું. તેમાં એદલસિંહ કંસાના અને બિસાહૂલાલ દિગ્વિજય સમર્થક માનવામાં આવતા હતા. હરદીપસિંહ ડંગ અને મનોજ ચૌધરી કોઇ જૂથના ન હતા.

 

કોરોનાને રોકવા સતર્કતા, સ્વચ્છતા અને સાવધાનીની શરુઆત…

અમદાવાદ: કોરોના વાયરસના પ્રકોપને નાથવા માનવ સતર્કતા જરુરી છે. સતર્કતા, સાવધાની અને સ્વચ્છતાની સ્વયંભુ શરુઆત અમદાવાદ શહેરના જુદા જુદા વિસ્તારમાં જોવા મળી હતી. શહેરના લો-ગોર્ડન , સી.જી.રોડ, પાનકોરનાકા જેવા વિસ્તારની દુકાનો-શો રુમ મોટી સંખ્યામાં બંધ રહ્યા હતા.

કોરોનાના ઇન્ફેક્શનને રોકવા માટે માસ્કની ખરીદી કરતાં જોવા મળ્યા હતા. શહેરના કેટલાક વિસ્તારમાં જાહેર માર્ગ પર ફેરિયાઓ માસ્ક વેચતા નજરે પડ્યા હતા. સતત વ્યસ્ત રહેતા વેપારથી ધમધમતા ભદ્રના બજારો, ખુમચા, ફેરિયાને સાવચેતીના પગલાં રુપે તંત્ર દ્વારા દુર કરી દેવામાં આવ્યા હતા.

પશ્ચિમ વિસ્તારના ગોદરેજ સિટી જેવી મોટી માનવ વસાહતોમાં અવર જવર માટેના દરવાજા સેન્ટ્રલાઇઝ કરી દેવામાં આવ્યા હતા. સોસાયટીઓમાં પ્રવેશતા ફરિયા, કુરિયર સર્વિસ, હોમ ડિલીવરી કરવા આવતા લોકોમાંથી કોઇ કિટાણુઓ ના પ્રવેશે એ માટે સેનિટાઇઝરની વ્યવસ્થા કરવામાં આવી છે.

સિક્યુરીટી અને સફાઇ કામદારોને માસ્ક સાથે સજ્જ કરી દેવામાં આવ્યા છે. ધાર્મિક આસ્થાના સ્થળો પણ માનવ વિહોણા થઇ ગયા છે. કોર્ટ ના બાર એસોસિયેશન દ્વારા પણ સાવચેતીની અપીલ સાથે જરુરી કામગીરીની જ થશે એવી સૂચનાઓ મુકવામાં આવી છે.
(પ્રજ્ઞેશ વ્યાસ)

યસ બેન્ક ક્રાઇસિસઃ ED એ સુભાષ ચંદ્રાની પૂછપરછ કરી

નવી દિલ્હીઃ યસ બેન્કના પ્રમોટર રાણા કપૂરની સામે મની લોન્ડરિંગ કેસની તપાસના સિલસિલામાં એસ્સેલ ગ્રુપના ચેરમેન સુભાષ ચંદ્રા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સમક્ષ હાજર થયા હતા. એસ્સેલ ગ્રુપની કંપની એ મોટી કંપનીઓની યાદીમાં છે, જેની લોનો NPAની યાદીમાં પહોંચી ગઈ છે. આ કંપનીઓએ યસ બેન્કને લોન લીધી હતી, જે પરત નથી કરી.

યસ બેન્કના 44 કંપનીઓ પાસે 34,000 કરોડનાં લેણાં

નાણાપ્રધાન નિર્મલા સીતારામને છઠ્ઠી માર્ચે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે યસ બેન્ક પાસેથી લોન લેવામાં અનિલ અંબાણી ગ્રુપ, આઇએલ એફએસ, ડીએચએફએલ અને વોડાફોન મુખ્ય કંપનીઓ છે. આ મોટી કંપનીઓના પ્રમોટરોને બોલાવવામાં આવ્યા છે. આ લોકોને આપવામાં આવેલી લોન NPA થઈ ગઈ છે. આ પહેલાં ED રિલાયન્સ ગ્રુપના અનિલ અંબાણીથી કેટલાક કલાક પૂછપરછ કરી ચૂકી છે.

લોન આપવા માટે રૂ. 4,300 કરોડની લાંચ

યસ બેન્કના પ્રમોટર રાણા કપૂર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની કસ્ટડીમાં છે. EDએ રાણા અને તેમના પરિવાર  અને અન્ય પર લોન લાઈને રૂ. 4,300 કરોડની લાંચ લીધી હોવાનો આરોપ મૂક્યો છે. ત્યાર બાદ આ લોનો NPAમાં તબદિલ થઈ છે.

અનિલ સુભાષ પર રૂ. 22,000 કરોડ

યસ બેન્કે 10 મોટાં કોર્પોરેટ ગૃહોથી જોડાયેલી 44 કંપનીઓનને રૂ. 34,000 કરોડની લોન આપી હતી, જે NPAમાં ફેરવાઈ ગઈ છે. આમાં અનિલ અંબાણી ગ્રુપની નવ કંપનીઓને રૂ. 12,800 કરોડ તથા સુભાષ ચંદ્રાના એસ્સેલ ગ્રુપને રૂ. 8,400 કરોડની લોન આપી હતી.

નરેશ ગોયલની પણ ટૂંકમાં પૂછપરછ કરાશે

યસ બેન્કે જેટ એરવેઝને રૂ. 550 કરોડની લોન આપી હતી, જે NPAમાં ફેરવાઈ ગઈ છે. જેથી ED ટૂંક સમયમાં તેમને પણ પૂછપરછ માટે બોલાવે એવી શક્યતા છે.

કોરોના ઈફેક્ટઃ સૂમસામ સાપુતારા, ટુરીઝમ ઉપર માઠી અસર

સુરતઃ આખા વિશ્વમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. ભારતમાં કોરોના વાયરસ માથુ ઉંચકી રહ્યો છે. ભારતમાં કોરોના વાયરસના કારણે શાળા, હોટલ્સ, રેસ્ટોરન્ટ્સ, પબ્લિક પ્લેસ, ધાર્મિક સ્થળો, ટુરીઝમ વગેરે બંધ છે. ગુજરાતમાં પણ બીલકુલ આવી જ સ્થિતિ છે. અનેક જગ્યાએ લોકો જવાનું ટાળી રહ્યા છે અને એમાંય ટુરીઝમ પર તો ખૂબ મોટી અસર પડી છે. એવી જગ્યાઓ કે જ્યાં લોકો સૌથી વધારે ફરવા જવાનું પસંદ કરે છે તેવા સ્થળો પર અત્યારે રીતસરની કર્ફ્યૂ જેવી સ્થિતિ છે.

ત્યારે ગુજરાતમાં આવેલા સાપુતારામાં કોરોના વાયરસના કારણે ટુરીઝમ પર અસર પડી છે. અહીંયા બોટિંગ, રોપવે, મ્યુઝિયમ બધુ જ બંધ છે. સાપુતારાના રસ્તાઓ અત્યારે સુમસામ ભાસી રહ્યા છે અને રીતસરનો કર્ફ્યૂ જેવો માહોલ અત્યારે અહીંયા બની ગયો છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં કોરોના વાયરસના 13 જેટલા કેસો સામે આવ્યા છે. સાપુતારા ગુજરાતમાં આવેલું એક એવું પર્યટન સ્થળ છે કે જ્યાં દેશભરમાંથી અને વિશ્વભરમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. ત્યારે કોરોના વાયરસના સંકટને કારણે સાપુતારામાં અત્યારે આંગળીના વેઢે ગણી શકાય એટલા પણ પ્રવાસીઓ આવી રહ્યા નથી જેને કારણે અહીંયા આવેલા ફરવા લાયક સ્થળો સહિત રિસોર્ટ, હોટલ્સ વગેરે જેવી જગ્યાઓ સૂમસામ ભાસી રહી છે.

(ફયસલ બકીલી)