MP: 21 બળવાખોર વિધાનસભ્યો ભાજપમાં જોડાયા

ભોપાલ: મધ્ય પ્રદેશની કમલનાથ સરકારને ઊથલાવનારા કોંગ્રેસના બળવાખોર વિધાનસભ્યો ભાજપમાં જોડાયા હતા. છેલ્લા 12 દિવસથી બેંગલુરુમાં રોકાયેલા કોંગ્રેસના 21 બળવાખોર ધારાસભ્યો આજે ભાજપમાં સામેલ થયા હતા. આ બધા નેતા બેંગલુરુથી દિલ્હી પહોંચ્યા હતા. આ નેતાઓએ પહેલાં જ્યોતિરાદિત્ય સિંધિયા સાથે મુલાકાત કરી હતી. ત્યાર બાદ તેઓ દિલ્હીમાં ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાના નિવાસસ્થાને ગયા હતા. આ વિધાનસભ્યો જ્યારે ભાજપમાં જોડાયા ત્યારે  સિંધિયા સહિત કૈલાશ વિજયવર્ગીય, નરેન્દ્ર તોમર અને ધર્મેન્દ્ર પ્રધાન પણ ઉપસ્થિત રહ્યા હતા. આ નેતાઓ કદાચ ગૃહપ્રધાન અમિત શાહને પણ મળે એવી સંભાવના છે.

આ વિધાનસભ્યો ચાર્ટર્ડ પ્લેનથી દિલ્હી પહોંચ્યા હતા. તેઓ આજે રાત્રે ભોપાલ આવે તેવી સંભાવના છે. 22 ધારાસભ્યોના રાજીનામા બાદ મધ્ય પ્રદેશમાં 15 મહિનાથી ચાલતી કમલનાથ સરકારે બહુમત ગુમાવી દીધો હતો. એ પછી શુક્રવારે કમલનાથે મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું આપ્યું હતું.

આ વિધાનસભ્યોમાં રાજીનામાં આપનારાઓમાં 18 ધારાસભ્ય સિંધિયા સમર્થક છે. જ્યારે ચાર ધારાસભ્યોએ સરકાર સામે નારાજગી હોવાથી રાજીનામુ આપ્યું હતું. તેમાં એદલસિંહ કંસાના અને બિસાહૂલાલ દિગ્વિજય સમર્થક માનવામાં આવતા હતા. હરદીપસિંહ ડંગ અને મનોજ ચૌધરી કોઇ જૂથના ન હતા.