કોરોનાને રોકવા સતર્કતા, સ્વચ્છતા અને સાવધાનીની શરુઆત…

અમદાવાદ: કોરોના વાયરસના પ્રકોપને નાથવા માનવ સતર્કતા જરુરી છે. સતર્કતા, સાવધાની અને સ્વચ્છતાની સ્વયંભુ શરુઆત અમદાવાદ શહેરના જુદા જુદા વિસ્તારમાં જોવા મળી હતી. શહેરના લો-ગોર્ડન , સી.જી.રોડ, પાનકોરનાકા જેવા વિસ્તારની દુકાનો-શો રુમ મોટી સંખ્યામાં બંધ રહ્યા હતા.

કોરોનાના ઇન્ફેક્શનને રોકવા માટે માસ્કની ખરીદી કરતાં જોવા મળ્યા હતા. શહેરના કેટલાક વિસ્તારમાં જાહેર માર્ગ પર ફેરિયાઓ માસ્ક વેચતા નજરે પડ્યા હતા. સતત વ્યસ્ત રહેતા વેપારથી ધમધમતા ભદ્રના બજારો, ખુમચા, ફેરિયાને સાવચેતીના પગલાં રુપે તંત્ર દ્વારા દુર કરી દેવામાં આવ્યા હતા.

પશ્ચિમ વિસ્તારના ગોદરેજ સિટી જેવી મોટી માનવ વસાહતોમાં અવર જવર માટેના દરવાજા સેન્ટ્રલાઇઝ કરી દેવામાં આવ્યા હતા. સોસાયટીઓમાં પ્રવેશતા ફરિયા, કુરિયર સર્વિસ, હોમ ડિલીવરી કરવા આવતા લોકોમાંથી કોઇ કિટાણુઓ ના પ્રવેશે એ માટે સેનિટાઇઝરની વ્યવસ્થા કરવામાં આવી છે.

સિક્યુરીટી અને સફાઇ કામદારોને માસ્ક સાથે સજ્જ કરી દેવામાં આવ્યા છે. ધાર્મિક આસ્થાના સ્થળો પણ માનવ વિહોણા થઇ ગયા છે. કોર્ટ ના બાર એસોસિયેશન દ્વારા પણ સાવચેતીની અપીલ સાથે જરુરી કામગીરીની જ થશે એવી સૂચનાઓ મુકવામાં આવી છે.
(પ્રજ્ઞેશ વ્યાસ)