કોરોના ઈફેક્ટઃ સૂમસામ સાપુતારા, ટુરીઝમ ઉપર માઠી અસર

સુરતઃ આખા વિશ્વમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. ભારતમાં કોરોના વાયરસ માથુ ઉંચકી રહ્યો છે. ભારતમાં કોરોના વાયરસના કારણે શાળા, હોટલ્સ, રેસ્ટોરન્ટ્સ, પબ્લિક પ્લેસ, ધાર્મિક સ્થળો, ટુરીઝમ વગેરે બંધ છે. ગુજરાતમાં પણ બીલકુલ આવી જ સ્થિતિ છે. અનેક જગ્યાએ લોકો જવાનું ટાળી રહ્યા છે અને એમાંય ટુરીઝમ પર તો ખૂબ મોટી અસર પડી છે. એવી જગ્યાઓ કે જ્યાં લોકો સૌથી વધારે ફરવા જવાનું પસંદ કરે છે તેવા સ્થળો પર અત્યારે રીતસરની કર્ફ્યૂ જેવી સ્થિતિ છે.

ત્યારે ગુજરાતમાં આવેલા સાપુતારામાં કોરોના વાયરસના કારણે ટુરીઝમ પર અસર પડી છે. અહીંયા બોટિંગ, રોપવે, મ્યુઝિયમ બધુ જ બંધ છે. સાપુતારાના રસ્તાઓ અત્યારે સુમસામ ભાસી રહ્યા છે અને રીતસરનો કર્ફ્યૂ જેવો માહોલ અત્યારે અહીંયા બની ગયો છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં કોરોના વાયરસના 13 જેટલા કેસો સામે આવ્યા છે. સાપુતારા ગુજરાતમાં આવેલું એક એવું પર્યટન સ્થળ છે કે જ્યાં દેશભરમાંથી અને વિશ્વભરમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. ત્યારે કોરોના વાયરસના સંકટને કારણે સાપુતારામાં અત્યારે આંગળીના વેઢે ગણી શકાય એટલા પણ પ્રવાસીઓ આવી રહ્યા નથી જેને કારણે અહીંયા આવેલા ફરવા લાયક સ્થળો સહિત રિસોર્ટ, હોટલ્સ વગેરે જેવી જગ્યાઓ સૂમસામ ભાસી રહી છે.

(ફયસલ બકીલી)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]