Home Blog Page 4886

એ કાલે સવારે 9 કલાકે મોદીસાહેબનો સંદેશ…

નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંકટની વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે સવારે નવ કલાકે ફરી એક વાર રાષ્ટ્રને સંબોધિત કરશે. કોરોના મામલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું આ ત્રીજું સંબોધન હશે. વડા પ્રધાને ટ્વીટ કરીને લખ્યું હતું કે તેઓ દેશવાસીઓ માટે એક વિડિયો સંદેશ જારી કરશે. આ પહેલાં કોરોના સંકટને લઈને બે વાર રાષ્ટ્રને સંબોધિત કરી ચૂક્યા છે. આ પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 24 માર્ચ અને 19 માર્ચે રાષ્ટ્રને સંબોધિત કરી ચૂક્યા છે. 24 માર્ચે રાત્રે વડા પ્રધાને દેશમાં 21 દિવસ માટે સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી હતી.  

કોરોનાની હજી સુધી વેક્સિન નથી બની

19 માર્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાઇરસથી દેશમાં વર્તમાન પરિસ્થિતિને લઈને દેશને સંબોધિત કર્યો હતો. તેમણે દેશવાસીઓથી કોરોનાની સામે લડવાનો સંકલ્પ લેવાનો આગ્રહ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે પાછલા કેટલાક દિવસોથી એવું લાગી રહ્યું છે કે આપણે આ કોરોના સંકટથી બચી ગયા છે, બધું બરાબર છે, પણ અત્યાર સુધી વિજ્ઞાન કોરોના રોગચાળાથી બચવા માટે કોઈ અસરકાર ઉપાય નથી, ના તો કોઈ અસરકારક વેક્સિન બનાવવામાં આવી. આનો સામનો સજાગ અને સંયમ રાખકવાની જરૂર છે. તેમણે દેશના લોકોએ 22 માર્ચએ એક દિવસ માટે જનતા કરફ્યુ કરવાની અપીલ કરી હતી.  

ભારતમાં કોરોના સંકટ સતત વધી રહ્યું છે. દેશમાં કોવિડ-19ના કેસ વધીને 1,965 થઈ ગયા છે અને અત્યાર સુધી આ રોગથી 50 લોકોનાં મોત થયાં છે. જોકે આ રોગથી 150 લોકો મુકક્ત પણ થયા છે. જોકે પાછલા 24 કલાકકમાં 328 નવા કેસ સામે આવ્યા છે. આ ઉપરાંત પાછલા 24 કલાકમાં 12 લોકોનાં મોત થયાં છે.

 

શું ઈમરજન્સી લાગુ કરવાની તૈયારીમાં છે રશિયા?

મોસ્કો: રશિયાના રાષ્ટ્રપતિ બ્લાદીમિર પુતિન એ એક બિલ પર હસ્તાક્ષર કર્યા છે. આ સાથે જ હવે કેબિનેટને દેશભરમાં ઈમરજન્સી લાગૂ કરવા સહિત કેટલાક અન્ય અધિકારો પણ મળી ગયા છે. રશિયા દ્વારા આ પગલુ કોરાના મહામારી સામે લડવા માટે ઉઠાવવામાં આવ્યું છે.  મીડિયા રિપોર્ટ અનુસાર લીગલ ઈન્ફોર્મેશન પોર્ટલ પર સત્તાવાર રીતે આ કાયદાને પ્રકાશિત કરવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિએ બે અન્ય બિલને પણ મંજૂરી આપી દીધી છે જેના હેઠળ ક્વોરન્ટાઈન કે સેનિટરીના નિયમોનું ઉલ્લંઘન કરવા પર કડક કાર્યવાહી કરવામાં આવશે. રશિયાના 75 વિસ્તારોમાં બુધવારે કોવિડ-19ના કુલ 2777 કેસ નોંધાયા છે.

મહત્વનું છે કે, કોરોનાના સંક્રમણને ફેલાતું રોકવા મોસ્કો સહિત રશિયાના અનેક વિસ્તારોમાં લોકડાઉન ચાલી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર દેશમાં ઈમરજન્સી લાગુ કરવા અંગે સરકાર ગંભીરતાથી વિચાર કરી રહી છે પણ હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. જો જરૂર પડશે તો સર્વસંમતીથી ઈમરજન્સી લાગુ કરવામાં આવશે. કાયદા અનુસાર સંસદમાં સમર્થન મળ્યા પછી માત્ર રાષ્ટ્રપતિ જ દેશમાં ઈમરજન્સી લાગુ કરી શકે છે.

કોરોના સાથે જોડાયેલા તથ્યોની તપાસ માટે સિસ્ટમ બનાવવા સૂચના

નવી દિલ્હી. કોરોનાના વધતા કેસની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વિડીયો કોન્ફોરન્સિંગ કર્યું હતું. આ દરમિયાન કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો.હર્ષવર્ધન અને સ્વાસ્થ્ય મંત્રાલયના અધિકારીઓ હાજર રહ્યાં હતા. આ સંજોગોમાં વડાપ્રધાને અત્યાર સુધીમાં કેન્દ્ર અને રાજ્યો દ્વારા ઉઠાવવામાં આવેલા પગલા પર ચર્ચા કરી હતી. વડાપ્રધાને મુખ્યમંત્રીઓ સાથે કોરોના સંક્રમણ સામે લડાવા માટેની વિવિધ રણનીતીઓ પર પણ વાત કરી છે. આ દરમિયાન કેન્દ્ર સરકારે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને સમાચારોની પુષ્ટિ માટે પોર્ટલ બનાવવાનો આદેશ આપ્યો છે.

કેન્દ્રએ કહ્યું- રાજ્યો સુપ્રીમ કોર્ટના આદેશનો અમલ કરે

કેન્દ્રીય ગૃહ સેક્રેટરી અજય ભલ્લાએ બુધવારે કહ્યું કે તમામ રાજ્યો સુપ્રીમ કોર્ટના આદેશનો અમલ કરે. પોતાના ત્યાં સમાચારોની પુષ્ટિ માટે પોર્ટલ બનાવો. સુપ્રીમ કોર્ટે 31 માર્ચે સંક્રમણને રોકવા માટે 21 દિવસના લોકડાઉન પર સુનાવણી કરી હતી. કોર્ટે 24 કલાકની અંદર કોરોનાવાઈરસ પર નિષ્ણાંતોની સમિતિનું ગઠન કરવા અને લોકોને સંક્રમણ વિશે માહિતી આપવા માટે પોર્ટલ બનાવવાનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટે કેન્દ્રને દરેક સ્થિતિમાં મજૂરોની અવર-જવર રોકવા, તેમના ખાવા, રહેવાની જગ્યા, પોષણ, સ્વાસ્થ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખવાનું કહ્યું હતું.

ગૃહ સચિવ અજય ભલ્લાએ કહ્યું કે ભારત સરકાર એક વેબ પોર્ટલ બનાવી રહી છે જ્યાં લોકો તથ્યો અને અનવેરિફાઈડ સમાચારને તાત્કાલિક ચકાસી શકે. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને વિનંતી છે કે આ મુદ્દાઓ માટે રાજ્ય કક્ષાએ એક સરખા મિકેનિઝમ બનાવવામાં આવે.

ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે કોરોના વાઈરસને ફેલાતો રોકવા માટે ભારત સરકાર દ્વારા ઉઠાવવામાં આવેલા પગલાઓની સ્થિતિ અંગે રિપોર્ટ માંગ્યો હતો. 31 માર્ચે ભારત સરકારે એક વિસ્તૃત સ્થિતિ રિપોર્ટ રજૂ કર્યો હતો.

ઇટલીમાં ભયંકર સ્થિતિઃ લોકડાઉન લંબાવાયું

રોમઃ ઈટલીના વડાપ્રધાને દેશમાં લોકડાઉનને લંબાવી દીધું છે. પ્રાપ્ત વિગતો અનુસાર ઈટલીના વડાપ્રધાને જાહેરાત કરી છે કે, કોરોના વાયરસ મહામારીના કારણે જે લોકડાઉન 3 એપ્રિલના રોજ પૂર્ણ થવાનું હતું તેને હવે 13 એપ્રિલ સુધી વધારી દેવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ઈટલીમાં કોરોના વાયરસના કારણે મૃત્યુ પામનારા લોકોનો આંકડો 13,155 સુધી પહોંચી ગયો છે જ્યારે કોરોના વાયરસના સંક્રમણના કુલ કેસોની સંખ્યા 1,10,574 પર પહોંચી ગઈ છે.

ઈટલીના વડાપ્રધાને કહ્યું કે, અમે 13000 થી વધારે લોકો કોરોના વાયરસના કારણે ગુમાવ્યા છે અને આ એવો ઘા છે કે જેનું દર્દ ખૂબ થઈ રહ્યું છે. આ એક એવો ઘા છે કે જે ક્યારેય સાજો થઈ શકે તેમ નથી. તેમણે કહ્યું કે જે પ્રકારે દેશમાં તેજીથી કેસો વધી રહ્યા છે ત્યારે આવા સમયે પ્રતિબંધો હટાવી શકાય તેવી કોઈ સ્થિતિ નથી અને આ જ કારણ છે કે મેં એક નવા આદેશ પર હસ્તાક્ષર કર્યા છે કે જે વર્તમાન લોકડાઉનને 13 એપ્રીલ સુધી વધારવાનો આદેશ આપે છે.

કોરોના વાયરસના કારણે યૂરોપમાં 30,000 થી વધારે લોકોના જીવ ગયા છે. 21,000 થી વધારે લોકોના મોત તો માત્ર ઈટલી અને સ્પેનમાં જ થયા છે. આખા યૂરોપમાં સંક્રમણની વાત કરીએ તો આશરે 4,58,061 જેટલા લોકો આનાથી પ્રભાવિત છે. તો માત્ર યૂરોપમાં જ 30,063 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. સર્વાધિક 12,428 લોકોના મોત તો માત્ર ઈટલીમાં જ થયા છે, જ્યારે સ્પેનમાં 9,053 લોકોના જીવ ગયા છે. તો અમેરિકામાં મૃતકોની સંખ્યા 4000 થી વધારે થઈ ગઈ છે.

ક્રિકેટઃ ડકવર્થ-લૂઈસ મેથડના બે ઘડવૈયામાંના ટોની લૂઈસનું નિધન

લંડનઃ ક્રિકેટમાં મર્યાદિત ઓવરોવાળી આંતરરાષ્ટ્રીય મેચો વખતે વરસાદના વિઘ્ન બાદ પરિણામ લાવવા માટે ઉપયોગમાં લેવાતા નિયમ – ડકવર્થ/લૂઈસ મેથડના બે ઘડવૈયામાંના ટોની લૂઈસનું 1 એપ્રિલે નિધન થયું છે. એ 78 વર્ષના હતા.

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના કહેવાથી લૂઈસે 1999માં એમના સાથી ક્રિકેટ સ્ટેટીસ્ટિશિયન ફ્રેન્ક ડકવર્થ સાથે મળીને એક નિયમ ઘડ્યો હતો જેને આઈસીસી સંસ્થાએ સત્તાવાર રીતે સ્વીકાર્યો હતો. વર્લ્ડ કપ સહિતની આંતરરાષ્ટ્રીય મેચો વખતે વરસાદ પડે તો જે ઓવરો વેડફાઈ જાય એને ગણતરીમાં લઈને નવો રન-ચેઝ નક્કી કરવા માટે ડકવર્થ-લૂઈસ નિયમનો સહારો લેવામાં આવે છે.

2014માં, ઓસ્ટ્રેલિયાના પ્રોફેસર સ્ટીવ સ્ટર્ને ડી-એલ મેથડમાં મોડર્ન સ્કોરિંગ રેટ્સને ધ્યાનમાં લઈને અમુક સુધારા સૂચવ્યા હતા અને ત્યારથી આ મેથડને ‘ડીએલએસ’ (ડકવર્થ-લૂઈસ-સ્ટર્ન) તરીકે ઓળખવામાં આવે છે. ડીએલએસ મેથડનો ઉપયોગ પહેલી વાર 2015ની વર્લ્ડ કપ વખતે કરવામાં આવ્યો હતો.

ટોની લૂઈસ બ્રિટનના લેન્કેશાયરના બોલ્ટનમાં જન્મ્યા હતા અને શેફિલ્ડ યુનિવર્સિટીમાંથી મેથેમેટિક્સ એન્ડ સ્ટેટીસ્ટિક્સમાં ડિગ્રી સાથે ગ્રેજ્યુએટ થયા હતા.

ટોની લૂઈસના નિધન અંગે આઈસીસી સંસ્થાએ શોક વ્યક્ત કર્યો છે.

આઈસીસીના જનરલ મેનેજર જ્યોફ એલર્ડાઈસે કહ્યું છે કે ક્રિકેટમાં ટોની લૂઈસનું પ્રદાન બહુમૂલ્ય રહ્યું છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચોમાં હાલ જે પદ્ધતિ અપનાવવામાં આવે છે તેને લૂઈસ અને ફ્રેન્ક ડકવર્થે બે દાયકા પહેલા ડેવલપ કરી હતી.

હવે WHOના વડાએ PM મોદીની પ્રશંસા કરી

નવી દિલ્હીઃ વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના પ્રમુખ ટેડરોસ અધનોમ ઘેબરેયસસે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી છે. તેમણે કોરોના વાઇરસનો વધુ ફેલાવો ના થાય એ માટે દેશભરમાં મોદી દ્વારા લોકડાઉન કરવાના પગલાને તો વખાણ્યું હતું, પણ તેમણે મોદી સરકાર દ્વારા ગરીબ અને જરૂરિયાતવાળાઓનાં હિતમાં જે પગલાં લીધાં એની પણ પ્રશંસા કરી હતી. લોકડાઉન જેવાં પગલાંને કારણે ગંભીર પરિણામ ગરીબ અને નીચલા વર્ગને ભોગવવાં પડ્યાં છે. બધા દેશના પોતાના દેશના નાગરિકોને ઘરે રહેવા માટે કહેવામાં આવ્યું છે અને કોરોના વાઇરસના સંક્રમણને ફેલાવાને રોકવા માટે લોકોની મુવમેન્ટને પૂરી કરી રહ્યા છે, એમ તેમણે કહ્યું હતું.

WHOએ 1.70 લાખ કરોડના રાહત પેકેજની પ્રશંસા કરી

ટેડરોસે ભારત સરકાર દ્વારા ગરીબોને મફતમાં અનાજ, રોકડ અને મફત ગેસ સિલિન્ડર આપવાના કાર્યની સરાહના કરી હતી અને વડા પ્રધાનની પ્રશંસી કરતાં તેમણે લખ્યું હતું કે કોરોના સંકટ દરમ્યાન ભારતની ગરીબ જનતા માટે 24 બિલિયન ડોલરનું પેકેજ જાહેર કરવા માટે હું વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરું છું. તેમણે 80 કરોડ જરૂરિયાત લોકોને મફત કરિયાણું, 20 કરોડ લોકોને આર્થિક મદદ અને આઠ કરોડ ઘરોને મફત ગેસ સિલિન્ડર આપવાની જાહેરાત કરી હતી.

કેટલાય વિકાસશીલ દેશો આ સ્તરના જનહિત કાર્યક્રમોને લાગુ કરવા માટે સંઘર્ષ કરતા રહે છે. ગરીબોનાં હિતમાં આ પ્રકારના પ્રયાસ સામાજિક અને આર્થિક રીતે દેશને મજબૂત બનાવે છે. કેન્દ્ર સરકારે આ પહેલાં 1.70 લાખ કરોડના રહત પેકેજની પણ તેમણે પ્રશંસા કરી હતી.

વડા પ્રધાન ગરીબ કલ્યાણ યોજના

નાણાપ્રધાન નિર્મલા સીતારામને વડા પ્રધાન ગરીબ કલ્યાણ યોજના જાહેર કરતાં કહ્યું હતું કે દેશમાં કોઈ પણ ભૂખ્યું નહીં રહે. તેમણે કહ્યું હતું કે સરકારનું હાલ ધ્યાન ગરીબ જનતા, મજૂરો અને કામદારોને રાહત આપવા પર છે. બધાં રાજ્યોમાં સામાજિક સંગઠન પણ લોકો સુધી ખાદ્ય ખોરાકી અને અન્ય જરૂરતોના માલસામાન પહોંચાડવા માટે કામ કરી રહ્યા છે.

 

કોરોનાઃ સુવર્ણ મંદિરના પૂર્વ હુજૂરીનું નિધન

ચંદીગઢઃ પંજાબમાં કોરોના વાયરસથી અન્ય એક દર્દીનું મોત થયું છે. સુવર્ણ મંદિર સાહિબના પૂર્વ હુજૂરી રાગી નિર્મલ સિંહનું નિધન થયું છે. તેઓ પદ્મશ્રીથી સન્માનિત હતા. 62 વર્ષના નિર્મલ સિંહને કોરોના વાયરસ પોઝિટિવ આવ્યો હતો અને તેમની સારવાર કરવામાં આવી રહી હતી. સારવાર દરમિયાન તેમનું નિધન થયું હતું. ત્યારે આ સાથે જ પંજાબ અને ચંદીગઢમાં કોરોના વાયરસથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા 5 થઈ ગઈ છે. આ સિવાય રાજ્યમાં એક અન્ય દર્દી કોરોનાથી સંક્રમિત હોવાની પુષ્ટી થઈ છે.

બુધવારના રોજ રાજ્યમાં પાંચ નવા કેસ સામે આવ્યા હતા. એક કેસ લુધિયાણા, એક અમૃતસર અને ત્રણ કેસ મોહાલીના છે. આમાં શ્રી હરિમંદીર સાહિબના 62 વર્ષીય પૂર્વ હુજૂરી રાગી પણ હતા. તેઓ થોડા મહિના પહેલા ઈન્ગ્લેન્ડથી પાછા ભારત આવ્યા હતા. તેમને અમૃતસર સ્થિત ગુરુનાનક દેવ હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના પરિવાર અને બે ડ્રાઈવરોને અત્યારે ક્વોરન્ટાઈન કરી દેવામાં આવ્યા છે.

નિર્મલ સિંહ ચંદીગઢના સેક્ટર 27 માં 19 માર્ચના રોજ ગયા હતા. તેમણે અહીંયા એક ઘરમાં કિર્તન કર્યા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર આ કિર્તનમાં 60 થી 70 લોકો જોડાયા હતા. અત્યારે આ પરિવાર અને ઘરમાં કામ કરનારા 13 જેટલા લોકોને ક્વોરન્ટાઈન કરી દેવામાં આવ્યા છે તેમની તપાસ પણ અત્યારે કરવામાં આવી રહી છે.

વિલય પછી PNB સૌથી મોટી બીજી બેન્ક બની

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસને પગલે સંપૂર્ણ લોકડાઉન કરવામાં આવ્યું છે, પણ પહેલી એપ્રિલથી પંજાબ નેશનલ બેન્કમાં ઓરિયેન્ટલ બેન્ક ઓફ કોમર્સ અને યુનાઇટેડ બેન્ક ઓફ ઇન્ડિયાનું વિલીનીકરણ અમલમાં આવી ગયું છે. જેથી પંજાબ નેશનલ બેન્ક દેશની જાહેર ક્ષેત્રની સૌથી બીજી મોટી બેન્ક બની ગઈ છે. દેશની સૌથી મોટી બીજા ક્રમાંકની બેન્ક પંજાબ નેશનલ બેન્ક પણ દેશભરમાં 11,000 શાખાઓ ધરાવે છે.

 બેન્કિંગ ક્ષેત્રે લોકડાઉનની અસર

દેશમાં લોકડાઉનને પગલે લોકોને નાણાંની તંગી ના પડે એ માટે સરકારે બેન્કિંગ સેવા ચાલુ રાખી છે. પંજાબ નેશનલ બેન્કની પણ 30 માર્ચથી 95-96 શાખાઓમાં કામકાજ ચાલુ છે. જોકે લોકડાઉનને પગલે સરકારે ગ્રાહકોને નજીકના કોઈ પણ ATMથી નાણાં ઉપાડવાની છૂટ આપતાં બેન્કોમાં ગ્રાહકોની સંખ્યામાં 90 ટકાનો ઘટાડો નોંધાયો છે. વળી સરકારના આદેશ મુજબ બેન્કની દરેક શાખા અને ATMમાં રોકડનો પર્યાપ્ત ભંડોળ ઉપલબ્ધ છે. વળી સરકારે જાહેર કર્યા મુજબ ગરીબ જનતાના ખાતામાં બે દિવસમાં પૈસા જમા થઈ જશે.

 ટર્મ લોનના હપતા આગળ વધારવા બેન્ક કઈ રીતે લાગુ કરશે

 સરકારની જાહેરાત પ્રમાણે મોટા ભાગની સરકારી બેન્કોએ ઓટોમેટિક રીતે બધા લોનધારોને ટર્મ લોનના હપતા આગળ વધારવાનો નિર્ણય કર્યો છે. આનાથી લોનની મુદત વધુ ત્રણ મહિના વધી જશે, જે ગ્રાહક આનો લાભ નહીં ઉઠાવવા ઇચ્છે તેમણે બેન્કને જાણ કરવી પડશે.

સરકારે પંજાબ નેશનલ બેન્કના વિલીનીકકરણની જાહેરાત કરી કે તરત જ બેન્કો એની તૈયારીમાં લાગી ગઈ હતી. જોકે લોકડાઉનને કારણે બધા બેન્કોના બોર્ડમાં જરૂરી ફેરફાર માટે સમય લાગશે, પણ આ વિલીનીકકરણ પહેલી એપ્રિલથી અમલમાં આવી જશે. આને માટેની ટેક્નિકલ અને અન્ય જરૂરી પ્રક્રિયાઓ 15-20 દિવસોમાં પૂરી થઈ જશે. ગ્રાહકોનાં જૂનાં ATM કાર્ડ, ચેકબુક પણ હાલપૂરતા ચાલ્યા કરશે.

વિલીનીકરણ પછી બેન્કના બિઝનેસમાં નોંધપાત્ર વધારો

પંજાબ નેશનલ બેન્ક હવે બેન્કિંગ ક્ષેત્રે સ્ટેટ બેન્ક પછીની દેશની સૌથી મોટી બીજા ક્રમાંકની બેન્ક બની ગઈ છે. આ વિલીનીકરણથી બેન્ક મોટા પ્રોજેક્ટોને સરળતાથી ફંન્ડિંગ કરી શકશે. આ ઉપરાંત બેન્કની શાખાઓમાં પણ વધારો થતાં વધુ સારી બેન્કિંગ સેવાઓ બેન્ક આપી શકશે. વિલીનીકરણ પછી બેન્ક પાસે હવે 18,000 ATM, 11,000 શાખાઓની સાથે કુલ રૂ. 18 લાખ કરોડનો વેપાર-વ્યવસાય થઈ જશે. બેન્ક હવે ગ્રાહકોને  મોબાઇલ  અને ઇન્ટરનેટ બેન્કિંગ સહિતની વધુ સારી સુવિધા આપી શકશે.

પહેલી એપ્રિલથી વિલીનીકરણ પછી નવી બેન્કે નવા વર્ષે કામકાજ શરૂ કરી દીધું છે. તેનું એકાઉન્ટ વધુ મજબૂત બનશે. બેન્ક પર જૂના NPAનું ભારણ હવે નહીં રહે. જૂના ખાતાધારકોથી બાકી રકમની વસૂલાતની પ્રક્રિયા ઝડપી બનશે. આ વિલીનીકરણ પછી બેન્કના વેપાર-વ્યવસાયમાં 10-12 ટકાનો સતત વધારો થશે

 

 

મુંબઈના ધારાવી વિસ્તારમાં કોરોનાનો બીજો કેસ; એક વ્યક્તિનું મરણ થયું છે

મુંબઈઃ અહીંનો ધારાવી વિસ્તાર, જે એશિયા ખંડમાં સૌથી મોટો ઝૂંપડપટ્ટી વિસ્તાર છે, ત્યાં 24 કલાકમાં કોરોના વાઈરસનો બીજો કેસ નોંધાયો છે. એને કારણે આ શહેરમાં આ રોગચાળો ઝડપથી ફેલાવાની દહેશત ઊભી થઈ છે.

ગઈ કાલે, 56 વર્ષીય એક પુરુષનું મૃત્યુ થયું હતું. એનો કોરોના વાઈરસનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો.

મૃતક વ્યક્તિ કોઈ વિદેશ પ્રવાસે ગયો નહોતો. એના ઘરને સીલ કરી દેવામાં આવ્યું છે અને એના ઘરના અન્ય સાતેય રહેવાસીઓને હોમ-ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.

મૃતક વ્યક્તિ સ્લમ રીહેબિલિટીશેન ઓથોરિટી (એસઆરએ) સ્કીમ હેઠળ બાંધવામાં આવેલા મકાનમાં રહેતો હતો. એ મકાનમાં 300 જેટલા ફ્લેટ્સ છે. હવે એ તમામ ફ્લેટ્સને પણ સીલ કરી દેવામાં આવ્યા છે.

56-વર્ષીય પુરુષ દર્દીનું ગઈ કાલે સરકાર સંચાલિત સાયન હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. એને પગલે પોલીસે ધારાવી વિસ્તારમાં 300 જેટલા ઘર અને 30 જેટલી દુકાનોને બંધ કરાવી દીધી છે.

ધારાવી વિસ્તાર મધ્ય મુંબઈના માહિમ-બાન્દ્રા ઉપનગરોમાં આવ્યો છે અને ત્યાં આશરે 7 લાખ લોકો વસે છે. આ ઝૂંપડપટ્ટી વિસ્તાર 1884ના વર્ષ જેટલો જૂનો છે.

મુંબઈમાં કોરોના વાઈરસના 181 કેસ નોંધાયા છે. 9 વ્યક્તિએ આ રોગચાળાનો શિકાર બન્યા બાદ જાન ગુમાવ્યા છે.

મહારાષ્ટ્ર રાજ્યમાં કોરોના વાઈરસના 335 કેસ છે. અત્યાર સુધીમા 16 જણ મૃત્યુ પામ્યા છે.

ધારાવી ઝૂંપડપટ્ટી પાંચ સ્ક્વેર કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલી છે. ત્યાં અસંખ્ય ઝૂંપડા અને સાંકડી ગલી આવેલી છે. આ વિસ્તારમાં મોટા પરિવારો સાથે લોકો રહે છે.

ભારતમાં 1,965 કોરોના કેસો નોંધાયા છે. 50 જણના મોત થયાના અહેવાલો છે.

સચિનનું સૌથી મોટું ‘સપનું’ આજે પૂરું થયું હતું

નવી દિલ્હીઃ ભારતીય ટીમના ભૂતપૂર્વ મહાન ખેલાડી સચિન તેન્ડુલકરે દેશ માટે 1989માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. 16 વર્ષની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો પ્રારંભ કરનારા સચિન તેન્ડુલકરનું વર્ષ 2011 સુધી સૌથી મોટું સપનું પૂરું નહોતું થયું. આજના દિવસે વર્ષ 2011માં બીજી એપ્રિલે સચિનનું સપનું પૂરું થયું હતું.

વિશ્વ કપમાં 600થી વધુ રન બનાવ્યા

વર્ષ 1992માં સચિન તેન્ડુલકરે પહેલો વિશ્વ કપ રમ્યો હતો. ત્યાર બાદ એક વખત પણ ટીમ ઇન્ડિયા વિશ્વ કપની ફાઇનલમાં નહોતી પહોંચી, પણ 2003માં સચિન તેન્ડુલકરને પહેલી વિશ્વ કપની ફાઇનલમાં રમવાની તક મળી હતી. આ વર્લ્ડ કપમાં સચિન તેન્ડુલકરે 600થી વધુ રન બનાવ્યા હતા, પણ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાની સામે ટીમ ઇન્ડિયા હારી ગઈ હતી અને ફરી એક વાર સચિનનું સપનું તૂટી ગયું હતું.

સચિનનું સપનું પૂરું થયું

સતત ચાર વર્લ્ડ કપ રમી ચૂકેલા સચિન તેન્ડુલકરે વર્ષ 2007માં વિશ્વ કપમાં ભાગ લીધો હતો, પણ વેસ્ટ ઇન્ડિઝમાં થયેલા વર્લ્ડ કપની લીગ મેચમાં ટીમ ઇન્ડિયા બંગલાદેશથી હારીને વિશ્વ કપમાંથી ફેંકાઈ ગઈ હતી. આવામાં સચિને તેના સપનું પૂરું કરવા માટે વધુ રાહ જોવી પડે એમ હતું. ત્યાર બાદ 2011માં એ સોનેરી દિવસ આવ્યો હતો, જેમાં ટીમ ઇન્ડિયાએ 1983 પછી બીજો વર્લ્ડ કપ જીત્યો હતો અને આ ટીમમાં સચિન તેન્ડુલકર પણ હતો.

વર્ષ 2011માં એટલે કે બીજી એપ્રિલે ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેન્ડુલકરનું સૌથી મોટું સપનું સાકાર થયું હતું. ટીમ ઇન્ડિયાને કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ વિશ્વ વિજેતા બનાવી હતી. બીજી એપ્રિલે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં સચિન તેન્ડુલકરની આંખોમાં આસુ હતાં અને ટીમના ખેલાડીઓ તેમને ખભે બેસાડીને સ્ટેડિયમમાં ફરી રહ્યા હતા. એ ઐતિહાસિક પળ હતી, કેમ કે છઠ્ઠા વિશ્વ કપ રમ્યા પછી સચિનના હાથમાં વર્લ્ડ કપની ટ્રોફી હતી.