મુંબઈના ધારાવી વિસ્તારમાં કોરોનાનો બીજો કેસ; એક વ્યક્તિનું મરણ થયું છે

મુંબઈઃ અહીંનો ધારાવી વિસ્તાર, જે એશિયા ખંડમાં સૌથી મોટો ઝૂંપડપટ્ટી વિસ્તાર છે, ત્યાં 24 કલાકમાં કોરોના વાઈરસનો બીજો કેસ નોંધાયો છે. એને કારણે આ શહેરમાં આ રોગચાળો ઝડપથી ફેલાવાની દહેશત ઊભી થઈ છે.

ગઈ કાલે, 56 વર્ષીય એક પુરુષનું મૃત્યુ થયું હતું. એનો કોરોના વાઈરસનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો.

મૃતક વ્યક્તિ કોઈ વિદેશ પ્રવાસે ગયો નહોતો. એના ઘરને સીલ કરી દેવામાં આવ્યું છે અને એના ઘરના અન્ય સાતેય રહેવાસીઓને હોમ-ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.

મૃતક વ્યક્તિ સ્લમ રીહેબિલિટીશેન ઓથોરિટી (એસઆરએ) સ્કીમ હેઠળ બાંધવામાં આવેલા મકાનમાં રહેતો હતો. એ મકાનમાં 300 જેટલા ફ્લેટ્સ છે. હવે એ તમામ ફ્લેટ્સને પણ સીલ કરી દેવામાં આવ્યા છે.

56-વર્ષીય પુરુષ દર્દીનું ગઈ કાલે સરકાર સંચાલિત સાયન હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. એને પગલે પોલીસે ધારાવી વિસ્તારમાં 300 જેટલા ઘર અને 30 જેટલી દુકાનોને બંધ કરાવી દીધી છે.

ધારાવી વિસ્તાર મધ્ય મુંબઈના માહિમ-બાન્દ્રા ઉપનગરોમાં આવ્યો છે અને ત્યાં આશરે 7 લાખ લોકો વસે છે. આ ઝૂંપડપટ્ટી વિસ્તાર 1884ના વર્ષ જેટલો જૂનો છે.

મુંબઈમાં કોરોના વાઈરસના 181 કેસ નોંધાયા છે. 9 વ્યક્તિએ આ રોગચાળાનો શિકાર બન્યા બાદ જાન ગુમાવ્યા છે.

મહારાષ્ટ્ર રાજ્યમાં કોરોના વાઈરસના 335 કેસ છે. અત્યાર સુધીમા 16 જણ મૃત્યુ પામ્યા છે.

ધારાવી ઝૂંપડપટ્ટી પાંચ સ્ક્વેર કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલી છે. ત્યાં અસંખ્ય ઝૂંપડા અને સાંકડી ગલી આવેલી છે. આ વિસ્તારમાં મોટા પરિવારો સાથે લોકો રહે છે.

ભારતમાં 1,965 કોરોના કેસો નોંધાયા છે. 50 જણના મોત થયાના અહેવાલો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]