ક્રિકેટઃ ડકવર્થ-લૂઈસ મેથડના બે ઘડવૈયામાંના ટોની લૂઈસનું નિધન

લંડનઃ ક્રિકેટમાં મર્યાદિત ઓવરોવાળી આંતરરાષ્ટ્રીય મેચો વખતે વરસાદના વિઘ્ન બાદ પરિણામ લાવવા માટે ઉપયોગમાં લેવાતા નિયમ – ડકવર્થ/લૂઈસ મેથડના બે ઘડવૈયામાંના ટોની લૂઈસનું 1 એપ્રિલે નિધન થયું છે. એ 78 વર્ષના હતા.

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના કહેવાથી લૂઈસે 1999માં એમના સાથી ક્રિકેટ સ્ટેટીસ્ટિશિયન ફ્રેન્ક ડકવર્થ સાથે મળીને એક નિયમ ઘડ્યો હતો જેને આઈસીસી સંસ્થાએ સત્તાવાર રીતે સ્વીકાર્યો હતો. વર્લ્ડ કપ સહિતની આંતરરાષ્ટ્રીય મેચો વખતે વરસાદ પડે તો જે ઓવરો વેડફાઈ જાય એને ગણતરીમાં લઈને નવો રન-ચેઝ નક્કી કરવા માટે ડકવર્થ-લૂઈસ નિયમનો સહારો લેવામાં આવે છે.

2014માં, ઓસ્ટ્રેલિયાના પ્રોફેસર સ્ટીવ સ્ટર્ને ડી-એલ મેથડમાં મોડર્ન સ્કોરિંગ રેટ્સને ધ્યાનમાં લઈને અમુક સુધારા સૂચવ્યા હતા અને ત્યારથી આ મેથડને ‘ડીએલએસ’ (ડકવર્થ-લૂઈસ-સ્ટર્ન) તરીકે ઓળખવામાં આવે છે. ડીએલએસ મેથડનો ઉપયોગ પહેલી વાર 2015ની વર્લ્ડ કપ વખતે કરવામાં આવ્યો હતો.

ટોની લૂઈસ બ્રિટનના લેન્કેશાયરના બોલ્ટનમાં જન્મ્યા હતા અને શેફિલ્ડ યુનિવર્સિટીમાંથી મેથેમેટિક્સ એન્ડ સ્ટેટીસ્ટિક્સમાં ડિગ્રી સાથે ગ્રેજ્યુએટ થયા હતા.

ટોની લૂઈસના નિધન અંગે આઈસીસી સંસ્થાએ શોક વ્યક્ત કર્યો છે.

આઈસીસીના જનરલ મેનેજર જ્યોફ એલર્ડાઈસે કહ્યું છે કે ક્રિકેટમાં ટોની લૂઈસનું પ્રદાન બહુમૂલ્ય રહ્યું છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચોમાં હાલ જે પદ્ધતિ અપનાવવામાં આવે છે તેને લૂઈસ અને ફ્રેન્ક ડકવર્થે બે દાયકા પહેલા ડેવલપ કરી હતી.