Home Blog Page 4885

અમે વાસ્તુનો વિચાર કર્યો અને બધું બંધ થઇ ગયું…

મારા પ્રોબ્લેમનું તમારે સોલ્યુસન આપવું પડશે. એક વાત કહી દઉં છુ, મારાથી ખરાબ કોઈ નહિ હોય. મારા લગ્ન થયા અને પછી ખબર પડીકે મારા પતિને રાજકારણમાં રસ હતો. મને રાજકારણ જરા પણ ન ગમે. એ બધે દોડાદોડી કરે. પણ આવડત પણ હોવી જોઈએ ને? આખી જિંદગી કાર્યકર રહીને જીવન થોડું ચાલે. મારા કારણે એમણે મકાનની લે વેચ ચાલુ કરી. હવે સારું છે. મને જ્યોતિષમાં બહુ રસ પણ એમને એ બધું ન ગમે. તમારા એક પણ શો છોડ્યા નથી. તમારા લેખ પણ વાંચુ. મારા ઘરમાં એ પ્રમાણે ફેરફાર પણ કરું અને ફાયદો પણ થયો. પણ આવું થોડું ચાલે? માંડ બધું સારું ચાલતું હતું ને કેવું થઇ ગયું? અમે ફ્લેટ લીધો અને વાસ્તુની સલાહ લેવાનો વિચાર જ કરતા હતા કે બધું બંધ થઇ ગયું. કલર કામના કારીગરો પણ મળી ગયા હતા. એ લોકો નવા ફ્લેટમાં જ રહેતા. બે દિવસથી સફેદો મારતા હતા ને ખબર પડીકે વાયરસ આવ્યો છે. મેં એમને ઘરે જવા કહ્યું. પાછુ આપણે ત્યાં રહે ને અમારા ઘર સુધી ચેપ લાવે તો? એ લોકો ઉત્તર પ્રદેશ જતા રહ્યા. ફોન ઉપાડતા ન હતા એટલે મારા દીકરાને જોવા મોકલેલો. બાકી આપણને તો ખબર પણ ન પડે. મારા પતિ ખીજાયા કે મને દીકરો વહાલો નથી. બોલો, એવું હોય? આપણને ખબરતો હોવી જોઈએ ને? હવે મૂળ વાત. અમે વાસ્તુનો વિચાર કર્યો અને બધું બંધ થઇ ગયું. હવે એવું કોઈક વાસ્તુનું તારણ આપો કે આખા વિશ્વમાંથી આ કોરોના ભાગી જાય, અમારું કામ ફરી ચાલુ થાય અને ઝટ અમે નવા ઘરે રહેવા જતા રહીએ. અને હા, પેલા લોકો યુપી થી વહેલા પાછા આવે એવું પણ કૈક કરજો. ભૂલચૂક માફ પણ મારા એમને પણ થોડી સદબુદ્ધિ આવે એવું કરજો.

બહેનશ્રી, તમે ખરેખર ભોળા છો પણ જીદ્દી પણ છો. તમે પોતે જ આખી વાત વાંચો. તમારાથી ખરાબ કોઈ ન હોય એ ગર્વ લેવા જેવી બાબત ન જ ગણાય. તમારા પતિ જો તમને ગમતું કરતા હોય તો તમે એમનું મન અને માન સચવાય એવું તો કરો. તમને વાસ્તુ નિયમોથી ફાયદો થયો તે ખરેખર સારી વાત છે. ભારતીય વાસ્તુના નિયમોમાં વિજ્ઞાન છે તેથી સારા પરિણામો મળે જ. પણ, હા, જ્યોતિષ અને વાસ્તુ એ બંને અલગ વિષયો છે. બંને પોતપોતાની જગ્યાએ અદ્ભુત છે. તમને સારા માણસો મળી ગયા હતા. એ તમારા નવા ફ્લેટમાં રહીને કામ કરતા હતા અને જાતે પોતાનું ખાવાનું મેનેજ કરતા હતા. તો એમનો ચેપ તમને થોડો જ લાગવાનો હતો? જો એલોકો ત્યાજ રહેતા હોત તો એ યુપી ન ગયા હોત અને તમને ચિંતા ન થઇ હોત. એમને જવાનું તમેજ કહ્યું ને? વળીતમે તમારા દીકરાને એમને ત્યાં જોવા મોકલ્યો એ કેટલું વ્યાજબી કહેવાય? તમારા પતિની ચિંતા સાચીજ છે. એક વિંનતી છે. “ કોઈ પણ વ્યક્તિ ઘરની બહાર ન નીકળો.” નવા ઘરે રહેવા જવાની તમારી તાલાવેલી વ્યાજબી છે. પણ અત્યારના સંજોગોમાં કોઈ બહાર નીકળે નહિ તેજ સારું છે. બહેન, આ વાઈરસ વિષે હજુ સંપૂર્ણ માહિતી કોઈની પાસે નથી. તેથીજ ઘરમાં રહીને કોઈના સંપર્કમાં ન આવવું એ જરૂરી છે.

તમારા ઘરમાં દક્ષિણ અગ્નિનું પ્રવેશદ્વાર છે તેથી તમારું ઘર નારી પ્રધાન છે. તમે ઈશાનના બેડરૂમમાં દક્ષિણ તરફ માથું રાખીને સુવો છો તેથી તમે એવું ઈચ્છો છો કે તમે જે કહો એવુજ બધાએ કરવું જોઈએ. જે અશક્ય છે. તમારા ઘરમાં ઉત્તરનો દોષ છે. તેથી તમારો સ્વભાવ ભૌતિક્તાવાદી થઇ ગયો. તમારો દીકરો પૂર્વમાં રહે છે એટલે કહ્યાગરો છે. આજના જમાનામાં આવો દીકરો આશીર્વાદ ગણાય. તમારી તિજોરી યોગ્ય જગ્યાએ મુક્યા બાદ તમને આર્થિક લાભ પણ થયા જ છે. અને એટલે જ તમે આટલી મોંઘી પ્રોપર્ટી ખરીદી શક્યા છો. બહેન સમય ક્યાં ગયો ખબર નહિ પડે. બસ થોડો સમય રાહ હુઓ અને શાંતિ રાખો. બીજું ખાસ, કુદરત પોતાનું કાર્ય કરેજ છે. માણસે પૃથ્વીને પોતાની જાગીર સમજી લીધી હતી. કુદરત પોતાનું સંતુલન પાછુ લાવી રહી છે. આખા સૌરમંડળ માં એકજ ગ્રહ પર જીવન શક્ય છે. જો પૃથ્વી જ નહિ હોય તો આપણે સહુ જઈશું ક્યાં? વિજ્ઞાન અને વિકાસ જરૂરી છે પણ કુદરતના સંતુલન સાથે. ભારતીયજીવન શૈલી અત્યારે વખણાઇ રહી છે. અને સયંમ એ પણ આપની ઓળખ છે. હું વિશ્વ માટે પ્રાર્થના કરું જ છુ પણ એ બધા સુધી પહોંચે એના માટે બધાએ પણ પ્રયત્ન કરવો પડશે ને? જયારે અહં, કપટ, વૈમનસ્ય, લોભ, લાલચ,જેવા ન દેખાતા ગુણો ઓગળવા લાગશે ત્યારે આપોઆપ બધુજ સંતુલિત થવા લાગશે. તમે દરરોજ ગાયત્રી મંત્ર અને મહામૃત્યુંન્જય મંત્ર જાપ કરો. સારું લાગશે. કુટુંબ સાથે રહીને આનંદ કરો.

5 એપ્રિલ રવિવારે રાતે 9 વાગ્યે 9 મિનિટ સુધી ભારતવાસીઓ પ્રકાશ ફેલાવે: PM મોદી

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાઈરસ મહાબીમારીના સંદર્ભમાં આજે પોતાનો વિડિયો સંદેશ દેશવાસીઓ સમક્ષ રજૂ કર્યો હતો અને અપીલ કરી છે કે આ બીમારીએ સર્જેલા અંધકારમાંથી આપણે પ્રકાશ તરફ જવાનું છે. એમાં કોઈ એકલું નથી, સૌ સંગઠિત છે. તેથી આપણે 130 ભારતવાસીઓએ પાંચ એપ્રિલના રવિવારે રાતે 9 વાગ્યે 9 મિનિટ સુધી પ્રકાશની મહાશક્તિનો એહસાસ કરવાનો છે.

મોદીએ અપીલમાં કહ્યું કે, પાંચ એપ્રિલ રવિવારે રાતે 9 વાગ્યે ભારતવાસીઓ તમારા ઘરની તમામ લાઈટ્સ બંધ કરી દેજો. ઘરના દરવાજા પર, કે બાલકનીમાં ઊભીને મીણબત્તી, દીવો, ટોર્ચ કે મોબાઈલ ફોનની ફ્લેશ લાઈટ પેટાવજો અને દ્વારા પ્રકાશનો ફેલાવો કરજો. એ કામ 9 મિનિટ સુધી કરજો.

વડા પ્રધાન મોદીએ ભાર દઈને કહ્યું છે કે પાંચ એપ્રિલની રાતે પ્રકાશનો ફેલાવો કરવા માટે કોઈએ એકત્ર થવાનું નથી. કોઈએ પણ રસ્તાઓ પર, ગલીઓમાં કે મહોલ્લામાં ભેગા થવાનું નથી, પણ સૌએ પોતપોતાના ઘરમાં જ એ કામ કરવાનું છે.

વડા પ્રધાન મોદીએ કહ્યું કે, આ રવિવાર, પાંચ એપ્રિલે આપણે સહુએ મળીને કોરોનાએ સર્જેલા સંકટને પડકાર ફેંકવાનો છે. પ્રકાશનો ફેલાવો કરવો એ અંધકારનો અંત લાવવા માટે રામબાણ ઈલાજ છે.

મોદીએ એમના સંબોધનની શરૂઆતમાં કહ્યું હતું કે, કોરોના મહામારી સામે લડવા માટે દેશવ્યાપી 21-દિવસના લોકડાઉનને આજે 9 દિવસ થયા છે. આ દિવસો દરમિયાન દેશવાસીઓએ નિયમોનું પાલન કરીને અને સેવાભાવનો જે પરિચય આપ્યો છે અને તે અભૂતપૂર્વ છે.

‘ચાલો આપણે સાથે મળીને કોરોના બીમારીને હરાવીએ, ભારતને વિજયી બનાવીએ,’ એમ કહીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાનો વિડિયો સંદેશ સમાપ્ત કર્યો હતો.

લોકડાઉનમાં આ વેબસાઈટ કરશે તમારી મદદ

નવી દિલ્હી: લોકડાઉનની સ્થિતિમાં ઘરની બહાર કઈ દુકાનો ખુલી છે અને કઈ દુકાનો બંધ એ જાણવું મુશ્કેલ બની જાય છે. આ મુશ્કેલીના નિવારણ માટે માર્કેટપ્લેસ પ્લેટફોર્મ Quikr એક નવી વેબસાઈટ લોન્ચ કરી છે જેનું નામ www.stillopen.in છે. આ વેબસાઈટ પરથી તમે તમારી નજીકના કરિયાણા સ્ટોર, હોસ્પિટલ, મેડિકલ, કોવિડ-19 સેન્ટર્સ સહિત અન્ય સ્ટોર્સ ખુલા છે કે નહીં એ અંગેની જાણકારી આપશે.

લોકોને રિસ્પોન્સ પર નિર્ભર છે આ વેબસાઈટ:

આ વેબસાઈટ લોકોના રિસ્પોન્સ પર આધાર રાખે છે, એટલે કે તમે આ વેબસાઈટને આધારે કોઈ સ્ટોર્સ પર જાઓ અને તે ખુલ્લો કે બંધ હોય તો તમે આ એપમાં તેનું સ્ટેટ્સ અપડેટ કરી શકો છો. આ રીતે તમે બીજાની મદદ કરી શકો છો. તો અન્ય લોકોએ કરેલી અપડેટથી તમને પણ મદદ મળશે. લોકડાઉનના કપરા સમયે આ વેબસાઈટ યુઝર્સને અત્યંત મદદરૂપ થઈ શકે છે.

આ જગ્યાઓ પર શરું થઈ સર્વિસ:

આ વેબસાઈટ સર્વિસ બેંગ્લુરુ, હૈદરાબાદ, ચૈન્નાઈ, પુણે, મુંબઈ, નવી મુંબઈ, ઠાણે, દિલ્હી, ગુડગાંવ, નોઈડા, ગ્વાલિયર, ગાઝિયાબાદ, ફરીદાબાદ, લખનૌ, અમદાવાદ, પટના, ઈન્દોર, જયપુર, કોચ્ચિ, ચંદીગઢ, કોયમ્બટૂર અને સિકંદરાબાદમાં ઉપલબ્ધ કરવામાં આવી છે.

તો આ પહેલા ગૂગલે ભારત માટે એક વેબસાઈટ રોલઆઉટ કરી હતી. જેમાં મુખ્ય હેલ્પલાઈન નંબર્સ, વાઈરસના લક્ષણો, પ્રોટેક્ટિવ મેજર્સ સહિત અન્ય માહિતી સામેલ છે. આ ઉપરાંત આમાં વિડિયો પણ છે જેની મારફતે બતાવવામાં આવી રહ્યું છે કે, કેવી રીતે લોકો તેમનો સમય ઘર પર પસાર કરી રહ્યા છે, જેમાં કેટલાક ટ્રેનિંગ મોડ્યુલ્સ પણ સામેલ છે. આ વેબસાઈટનું નામ www.google.co.in/covid19 છે.

રાશિ ભવિષ્ય 03/04/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજના દિવસે સાવચેતી રાખવી, ગુસ્સા પર કાબુ રાખવો, વાહન ધીમે ચલાવવું, તાવ, માથા, આંખ, હાડકા ની તકલીફથી સાચવવું, વાર્તાલાપમાં ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું, ખરીદી પાછળકે ફરવામાં ધાર્યા કરતા વધુ નાણા ખર્ચાય અને તેનો થોડો અજંપો તમારી શાંતિને ખલેલ પોહ્ચાડી શકે છે.


આજનો દિવસ સારી રીતે પસાર થાય કારણકે તમને ઉત્સાહ રહે તેવા સંજોગો બને અને નવીનકામનું આયોજન થાય, જુનામતભેદ ભૂલવાની તક મળે, ધાર્મિકકાર્ય હેતુ ક્યાક મુસાફરી થાય અને તેમાં તમને ખુશીની લાગણી અનુભવાય, તમે કોઈને મદદ કરવાની સદભાવના રાખો તેવું બની શકે.


આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સારી રીતે સમય પસાર થાય, ક્યાંક બિનજરૂરી નાણાકીય ખર્ચ થઈ શકે છે, પ્રવાસનું આયોજન થાય, હરવાફરવામાં ઉત્સાહ સારો જોવા મળે,  માર્કેટિંગક્ષેત્રમાં તમારા પરિચિતકે જુનાસંપર્ક દ્વારા તમને તમારા કામમાં સારો પ્રતિસાદ જોવા મળી શકે છે.


આજનો દિવસ શાંતિ અને સાવચેતીથી પસાર કરવો ખાસ કરીને વાદવિવાદથી દુર રહેવું જરૂરી છે જેથી ખોટો અજંપો ટાળી શકાય, વાહન ધીમે ચલાવવું, પાડવા, વાગવા, છાતી, પ્રેસર જેવી તકલીફથી સાચવવું, માર્કેટિંગક્ષેત્રમાં મહેનત કરતા ઓછું ફળ મળે તેવું બની શકે છે, વેપારમાં જોખમથી દુર રહેવું યોગ્ય છે.


આજનો દિવસ સામાન્ય છે, કામકાજમાં થોડી વ્યસ્તતા જોવા મળી શકે છે, મનમાં થોડી અશાંતિ જોવા મળી શકે છે, સરકારીકામ,યુનિફોર્મવાળી નોકરી,સોનાઝવેરાત,ફાર્મા જેવા ક્ષેત્રમાં કામકરનારને માનસિકથાકની લાગણી અનુભવાય. માર્કેટિંગક્ષેત્રમાં તમને સમયનો વ્યય વધુ જોવા મળી શકે છે.


આજનો દિવસ સારી રીતે પસાર થઇ શકે છે અને જો જુના કામની કોઈ ગુંચ પડેલી હોયતો તેને ઉકેલી શકાય તેવા યોગ બની શકે છે, તમારા મનમાં રહેલી કોઈ ઈચ્છા પૂરી થાય કે તેમાં તમને કોઇ મદદ કરતા મળે તેવું પણ બની શકે છે, વેપારમાં યોગ્ય ગણતરીપૂર્વક કામકાજ કરવાથી લાભ થઈ શકે છે.


આજનો દિવસ તમારે સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે , વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે, હિતશત્રુ અને ખટપટી લોકોથી દુર રહેવાની જરૂર છે , ક્યાય કોઇપણ બાબતની મિલનમુલાકાત કરવાની હોય તે દરમિયાન વાર્તાલાપમાં ધ્યાન આપવું કે જેથી કોઇપણ પ્રકારની ગેરસમજ ટાળી શકાય.


આજનો દિવસ સરસ છે અને તેમાં પણ જો કોઈ જૂનીઓળખાણ તાજી થાયતો તમારી ખુશી અને લાગણીમાં ખુબજ વધારો થાય, તમારા કોઈકામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય. વેપારમાં લાભની વાત સંભાળવા મળી શકે છે. પ્રિયજન તરફથી સારો આદરભાવ જોવા મળે અને ક્યાંક નાનાઅંતરની યાત્રા પણ થઈ શકે.


આજનો દિવસ ધીરજ અને સાવચેતીથી પસાર કરવો, વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે, ખટપટ અને ગુસ્સાથી દુર રહેવું જેથી બિનજરૂરી વિવાદ ટાળી શકાય, યુવાવર્ગ માટે મશ્કરીમજાક જેવી બાબતથી દુર રહેવાની સલાહ છે. વેપારમાં કોઈ મોટાનિર્ણય લેતા પહેલા વાતને ચકાસવી યોગ્ય કહી શકાય.


આજનો દિવસ સારો છે, તમને તમારા કામકાજમાં ઉત્સાહ સારો રહે, ક્યાંક મુસાફરી થઈ શકે છે, તમારા ધાર્યા કામ થઇ શકે તેવા યોગ પણ છે, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં વધુ સમય ફાળવો  યોગ્ય છે, પ્રિયજન સાથે કોઈ ખરીદીકે ફરવાના પ્રસંગ બને અને તેમાં તમને સારી લાગણીનો અનુભવ થાય.


આજનો દિવસ સામાન્ય છે, તમારા કામમાં વ્યસ્ત વધુ રહેવાય તેવા સંજોગો બની શકે છે, જુના કોઈ કામમાં અટવાવતો તેમાં જલ્દીથી ઉકેલન આવે અને સમયનો વ્યય થાય તેવું બની શકે છે, માનસિક થાકની લાગણી તમે વધુ અનુભવો. વેપારમાં નાનું કામ કરવું યોગ્ય છે.


આજનો દિવસ સામાન્ય છે, તમારા મિત્રો સાથે કામની કોઈ લાભકારી ચર્ચા થાય અને તેમાં તમારી ગણતરી મુજબ કામ થાય તેવું બની શકે છે, મુસાફરી થઈ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં રેફરન્સથી કામ કરોતો લાભ થાય, આજે તમારામાં ધાર્મિકભાવના સારી રહે અને કોઈક જાત્રા કરવા જવાના વિચાર વધુ જાગે.

કોરોના વાઈરસ સામે લડવા વર્લ્ડ બેન્કની ભારતને 1 અબજ ડોલરની સહાય

ન્યૂયોર્કઃ ભયાનક એવા કોરોના વાઈરસના રોગચાળાનો સામનો કરવામાં ભારતને મદદરૂપ થવા માટે વર્લ્ડ બેન્કે ભારતને 1 અબજ ડોલરનું ઈમરજન્સી રીસ્પોન્સ ફંડ મંજૂર કર્યું છે. વિશ્વ બેન્કે ભારતને આરોગ્ય ક્ષેત્ર માટે અત્યાર સુધીમાં આપેલી આ સૌથી મોટી રકમની સહાયતા છે.

કોવિડ-19 રોગચાળાને રોકવા, શોધવા અને એની સામે પગલાં લેવામાં તેમજ જાહેર આરોગ્ય ક્ષેત્રમાં ભારતને તેની સજ્જતાને મજબૂત કરવામાં મદદરૂપ થવા માટે વર્લ્ડ બેન્કે ભારતને આ સહાયતા મંજૂર કરી છે.

આ નવા ભંડોળમાં ભારતના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આવરી લેવામાં આવશે. કોરોનાના ચેપગ્રસ્ત લોકો, કોરોના થવાનું જોખમ ધરાવતા લોકો, તબીબી અને ઈમરજન્સી ક્ષેત્રના કર્મચારીઓ, સેવા પ્રદાન કરનારાઓ, તબીબી અને ટેસ્ટિંગ સુવિધાઓ તથા રાષ્ટ્રીય અને પ્રાણી આરોગ્ય એજન્સીઓની જરૂરિયાતોને પૂરી કરવા માટે આ ભંડોળનો ઉપયોગ કરી સકાશે.

આ ભંડોળનું સંચાલન નેશનલ હેલ્થ મિશન, નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ અને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય હેઠળ આવતી ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ સંસ્થા દ્વારા કરવામાં આવશે.

આ ભંડોળ ભારતને રોગ નિરીક્ષણ કાર્યક્રમને મજબૂત કરવામાં, ચેપગ્રસ્ત રોગોની સારવાર કરતી હોસ્પિટલો, જિલ્લા, સિવિલ અને જનરલ તથા મેડિકલ કોલેજ હોસ્પિટલોને નવો ઓપ આપવામાં તેમજ લેવલ-3 લેબોરેટરીઓનું નેટવર્ક બનાવવામાં મદદરૂપ થશે.

શક્તિમાનની લોકપ્રિયતા આજે ય અડગ: ટ્વિટર પર મચાવી ધૂમ

નવી દિલ્હી: દેશભરમાં ચાલી રહેલા 21 દિવસના લોકડાઉનમાં લોકો ઘરે જ મનોરંજન મળી રહે તે માટે સરકાર તરફથી પણ તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ઘરમાં જ લોકોને મનોરંજન મળી રહે તે માટે ડીડી તેમના લોકપ્રિય ટીવી શોન ફરી પ્રસારીત કરી રહી છે. ડીડીએ સૌથી પહેલા રામાયણનું ટેલિકાસ્ટ શરુ કર્યું. ત્યારપછી હવે શક્તિમાન સિરિયલનું પણ પ્રસારણ શરુ કરી દીધું છે. હકીકતમાં 90ના દાયકામાં બાળકોનો આ ફેવરીટ શો હતો.

હવે જેવી ડીડીએ જાહેરાત કરી છે ત્યારથી ડીડી પર લોકો ફરી વખત શક્તિમાન જોવા આતુર બની ગયા છે. આ સાથે લોકો શક્તિમાનને લઈને સોશિયલ મીડિયા પર પણ પોસ્ટ કરી રહ્યા છે ટ્વિટર પર #Shaktimaan ટ્રેન્ડ કરી રહ્યો છે. સાથે જ લોકો શક્તિમાન પર મજેદાર મીમ્સ પણ બનાવીને શેર કરી રહ્યા છે.

મહત્વનું છે કે, દેશભરમાં 14 એપ્રીલ સુધી લોકડાઉન કરવામાં આવ્યું છે. કોરોના વાઈરસથી બચવા માટે સરકાર દ્વારા આ પગલુ લેવામાં આવ્યું છે.

ત્રણ મહિનાની રાહત છે, પણ વ્યાજ ચાલુ રહેશે

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસને પગલે વેપારીઓ અને નાગરિકોને લોન ચૂકવવામાં રાહત આપવા માટે રિઝર્વ બેન્કે બેન્કોને ત્રણ મહિના માટે EMI નહીં વસૂલવાનો આગ્રહ કર્યો હતો. સ્ટેટ બેન્ક, બેન્ક ઓફ બરોડા, એચડીએફસી સહિત અનેક બેન્કોએ બધા પ્રકારની લોનોના હપતા ત્રણ મહિના સુધી અટકાવવા માટે જરૂરી નિર્દેશ આપવાનું શરૂ કર્યું છે અને તેમના ગ્રાહકોને એક માર્ચથી 31 મે સુધી લોનના હપતા વસૂલવામાં રાહત આપવાનું શરૂ કર્યું છે. પણ આ ત્રણ EMI ટાળવાથી લોનધારકને ખાસ કોઈ લાભ નહીં થાય.

 

રૂ. 30 લાખની હોમ લોન પર 2.34 લાખ વધારાનું વ્યાજ

જોકોઈ ગ્રાહકની હોમ લોન રૂ. 30 લાખ છે અને એને પરત કરવાનો સમયગાળો રૂ. 15 વર્ષ બાકી છે. તો ત્રણ મહિના માટે એને પાછળ ઠેલવાથી એ લોન પર રૂ. 2.34 લાખનું વધારાનું વ્યાજ લાગશે. આ વ્યાજ આઠ EMIના બરાબર હશે.

રૂ. છ લાખની વાહન લોન પર રૂ. 19,000નું વધારાનું વ્યાજ

આ જ પ્રકારે જો ગ્રાહકે રૂ. છ લાખની વાહન લોન લીધેલી છે અને એને પરત કરવા માટે 54 મહિનાનો સમય બાકી છે, જો આ પાછળ ઠેલવાનો વિકલ્પ અપનાવવામાં આવે છે તો તેને રૂ. 19,000નું વધારાનું વ્યાજ આપવું પડશે. જે દોઢ વધારાના EMI બરાબર હશે.

લોનનો સમયગાળો વધશે અને વ્યાજની પણ વસૂલાત

જોકોઈ ગ્રાહક લોનનો સમયગાળો ત્રણ મહિના માટે વધારશે તો આ ત્રણ મહિના માટે લાગનારું વ્યાજ પણ વસૂલવામાં આવશે. આગળના EMIની સાથે વ્યાજને જોડવામાં આવશે. વળી જૂના EMIને ટાળી પણ નહીં શકાય અને ચુકવણી ના કરવા પર પેનલ્ટી પણ  લાગશે.

ક્રેડિટ સ્કોર પર અસર નહીં

જો તમે હાલ ત્રણ મહિના સુધી હપતા નથી ભરતા, તેમ છતાં તમારા ક્રેડિટ સ્કોર પર એની નકારાત્મક અસર નહીં પડે.

IBAએ પણ સજાગ કર્યા

ઇન્ડિયન બેન્ક એસોસિયેશન (IBA)એ વારંવાર પૂછવામાં આવતાં સવાલ કે લોનધારકોને ફરક પડશે કે નહીંના જવાબમાં IBAએ જણાવ્યું હતું કે લોનધારકોની આવકમાં ફરક ના પડ્યો હોય તો તેમણે EMIની સમયસર ચુકવણી કરવી જોઈએ. તમારે એ બાબતમાં ધ્યાન રાખવું જોઈએ કે જો તમે EMI ટાળશો તો તમારી લોનની રકકમનું વ્યાજ સતત વધતું રહેશે, જેને હમણાં નહીં તો પછીથી તમારે ચૂકવવું જ પડશે.

આનંદ મહિન્દ્રએ કર્મચારીઓને સંદેશ આપતો પત્ર લખ્યો

નવી દિલ્હી: કોરોનાની મહામારી સામે લડવા માટે દેશના દિગ્ગજ બિઝનેસમેનો અને ફિલ્મ સ્ટારો આગળ આવ્યા છે. મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ કોરોના વાઈરસને અત્યાર સુધીની સૌથી ભયાનક આપદા ગણાવતા તમામ કર્મચારીઓને કહ્યું કે, તે લોકડાઉનમાં નવરાશના સમયે ખાનગી અને પ્રોફેશનલ તરીકે પોતાને ભવિષ્ય માટે તૈયાર કરે. કંપનીના બે લાખ કરતા વધારે કર્મચારીઓને તેમણે આ અંગે પત્ર લખ્યો છે.

તેમણે પત્રમાં આ સમયનો યોગ્ય ઉપયોગ કરવા અને નવું વિચારવા અને પોતાને ભવિષ્ય માટે તૈયાર કરવા કહ્યું. આ સાથે જ તેમણે કહ્યું કે, આ કામકાજની દ્રષ્ટીએ સામાન્ય સમય નથી. આપણે એવા સંકટ સામે ઝઝૂમી રહ્યા છીએ  જે કહેલા કદી નથી આવ્યું. આપણે બઘા આપણો પરિવાર, કારોબાર, અર્થવ્યવસ્થા અને આપણા દેશ પ્રત્યે ચિંતિત છીએ.  આપણે બધા આ સંકટના સમયે દબાણમાં આવ્યા વગર જીવવાનું શીખી રહ્યા છીએ.

આનંદ મહિન્દ્રાએ એમ પણ કહ્યું કે, બધા ઘરમાં બંધ છીએ એટલે એ ખબર પડી કે આપણે કેવી રીતે પર્યાવરણ પર બિનજરૂરી ભારણ નાખી રહ્યા હતા. મેં મુંબઈને પહેલા કયારેય આટલું સુંદર નથી જોયું…ખુલ્લા આકાશમાં સ્વચ્છ હવા અને રસ્તાઓ પર ગંદકી બિલકુલ નથી.

ટિકટોક ઈન્ડિયાએ કર્યું મોટું દાનઃ ટ્વીટર પર આપી જાણકારી

નવી દિલ્હીઃ કોરોના વાયરસ સામે લડવા માટે વડાપ્રધાન મોદીની અપીલ પર દેશના તમામ ક્ષેત્રોના જાણીતા લોકોએ દીલ ખોલીને ડોનેશન આપી રહ્યા છે. બોલીવુડમાંથી અક્ષય કુમાર, સલમાન ખાન, અમિતાભ બચ્ચન જેવા મોટા સ્ટાર્સે ડોનેશન આપ્યું. બિઝનેસ જગતમાંથી આનંદ મહિન્દ્રા, મુકેશ અંબાણી, અઝીમ પ્રેમજી સહિતના લોકો આગળ આવ્યા. રમત જગતમાંથી સચિન, વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા સ્ટાર્સે ડોનેશન આપ્યું. કોરોના વાયરસ સામેના યુદ્ધમાં હવે ટિકટોક ઈન્ડિયા પણ આગળ આવ્યું છે અને મોટી રકમનું દાન કર્યું. ટીકટોક ઈન્ડિયા દ્વારા ટ્વીટ કરીને આ જાણકારી આપવામાં આવી છે.

ટિકટોક ઈન્ડિયાએ ટ્વીટ કરતા લખ્યું કે, કોરોના વાયરસના વધતા સંકટને રોકવાની લડાઈમાં અમે 100 કરોડ રુપિયાના 4 લાખ મેડિકલ પ્રોટેક્ટિવ સૂટ અને ડોક્ટર્સ મેડિકલ સ્ટાફ માટે 2 લાખ જેટલા માસ્ક ડોનેટ કરી રહ્યા છીએ.

 

લોકડાઉનમાં ચારૂસેટની પહેલઃ ‘લર્નિંગ-ટીચિંગ ફ્રોમ હોમ’

અમદાવાદઃ કોરોના વાયરસના કારણે વિશ્વ આખું અત્યારે મુશ્કેલીમાં મુકાયું છે. વિશ્વના કેટલાય દેશના લોકો અત્યારે લોકડાઉનમાં ઘરમાં બંધ છે. કોરોના વાયરસના કારણે શિક્ષણ ક્ષેત્ર પર અને વિદ્યાર્થીઓ પર પણ અસર પડી છે. ત્યારે ચાંગાસ્થિત ચારુસેટ યુનિવર્સિટીએ પણ વિદ્યાર્થીઓ સહિત સમગ્ર સ્ટાફની સલામતી માટે સરકાર સાથે હાથ મિલાવ્યા છે. ચારુસેટના પ્રોફેસરો દ્વારા શિક્ષણ અને સંશોધનને લગતી પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓના સહકાર સાથે ચાલુ રાખવાના આશયથી 390 ફેકલ્ટીઓ દ્વારા 7200 વિદ્યાર્થીઓને ઘેરબેઠા ઇ-લર્નિંગ-ટીચિંગ અને ગૂગલ ક્લાસરૂમમાં ઓનલાઈન ડિજિટલ એજ્યુકેશન આપવામાં આવે છે. ચારુસેટની તમામ કોલેજો દ્વારા ઓનલાઈન પરીક્ષાઓ હાથ ધરવામાં આવી રહી છે. આ સમગ્ર પ્રોજેકટ કેળવણી મંડળના વાઇસ પ્રેસિડેન્ટ અને ચારુસેટના આઇટી એડવાઇઝર અશોકભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ કાર્યરત છે.

સિલેબસ વિવિધ ઓનલાઈન મોડ્યુલ દ્વારા વિદ્યાર્થીઓને પહોચાડવા માટે ચારુસેટના પ્રોફેસરોએ પોતાના જ વીડિયો લેકચર તૈયાર કરી યુ –ટ્યુબ, ગુગલ ક્લાસરૂમ જેવા માધ્યમોથી  વિદ્યાર્થીઓને પહોચાડયા છે. ચારુસેટમાં દરેક પ્રોફેસરનું પોતાનું વેબ-પેજ અને બ્લોગ પણ છે. વિદ્યાર્થીઓના મૂંઝવતા સવાલોના તેઓ બ્લોગ-ઇ-મેઇલ અને વોટ્સએપ દ્વારા જવાબો આપે છે. તેઓ વિદ્યાર્થીઓનું સતત મૂલ્યાંકન પણ ઓનલાઈન ટેસ્ટ કે ક્વીઝ લઇ એડમોડો દ્વારા કરે છે. ચારુસેટના આઇટી એડવાઇઝર અશોકભાઇ પટેલ અને ચારુસેટના રજીસ્ટ્રાર ડો. દેવાંગ જોશીના માર્ગદર્શન હેઠળ આ ઓનલાઈન મોડ્યુલ બનાવાયા છે.

15મી માર્ચે ગુજરાત સરકારે વિદ્યાર્થીઓ માટે સ્કૂલો-કોલેજો બંધ કરવાનો નિર્ણય કર્યો, ત્યારે યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવાનો નિર્ણય કર્યો હતો. વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તે માટે ઓનલાઈન પોર્ટલો દ્વારા તેમને શિક્ષણ આપવાની શરૂઆત કરાઇ છે. તમામ પ્રોફેસરો દ્વારા ઘરેથી વિવિધ પોર્ટલો દ્વારા ઓનલાઈન લેકચર હાથ ધરવામાં આવ્યા છે. શિક્ષકોને ઓન-લાઇન શિક્ષણ અને શૈક્ષણિક પધ્ધતિઓના ઉપયોગ માટે પ્રોત્સાહિત કરવાનાં ઉદ્દેશથી ડિપાર્ટમેન્ટ ઓફ કોમ્પ્યુટર સાયન્સ/ઇન્ફોર્મેશન એન્ડ ટેક્નોલોજી/કોમ્પ્યુટર એપ્લિકેશન દ્વારા તેમના દરેક પ્રશ્નનાં નિરાકરણની વ્યવસ્થા કરવામાં આવી છે. ફેકલ્ટી સભ્યો યુટ્યુબ લાઈવ સ્ટ્રીમ અને ગુગલ હેન્ગઆઉટ મીટ અને સ્ટ્રીમ યાર્ડ દ્વારા લાઈવ સેશન લેવામાં આવે છે. ઓનલાઈન વિડીયો કોન્ફરન્સિંગ ટૂલ્સ જેવા કે ઝુમ, સ્કાઈપ, ગૂગલ મિટિંગથી વેબીનાર થાય છે. NPTEL દ્વારા ઓનલાઈન લર્નિંગ કરાવવામાં આવે છે.