આનંદ મહિન્દ્રએ કર્મચારીઓને સંદેશ આપતો પત્ર લખ્યો

નવી દિલ્હી: કોરોનાની મહામારી સામે લડવા માટે દેશના દિગ્ગજ બિઝનેસમેનો અને ફિલ્મ સ્ટારો આગળ આવ્યા છે. મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ કોરોના વાઈરસને અત્યાર સુધીની સૌથી ભયાનક આપદા ગણાવતા તમામ કર્મચારીઓને કહ્યું કે, તે લોકડાઉનમાં નવરાશના સમયે ખાનગી અને પ્રોફેશનલ તરીકે પોતાને ભવિષ્ય માટે તૈયાર કરે. કંપનીના બે લાખ કરતા વધારે કર્મચારીઓને તેમણે આ અંગે પત્ર લખ્યો છે.

તેમણે પત્રમાં આ સમયનો યોગ્ય ઉપયોગ કરવા અને નવું વિચારવા અને પોતાને ભવિષ્ય માટે તૈયાર કરવા કહ્યું. આ સાથે જ તેમણે કહ્યું કે, આ કામકાજની દ્રષ્ટીએ સામાન્ય સમય નથી. આપણે એવા સંકટ સામે ઝઝૂમી રહ્યા છીએ  જે કહેલા કદી નથી આવ્યું. આપણે બઘા આપણો પરિવાર, કારોબાર, અર્થવ્યવસ્થા અને આપણા દેશ પ્રત્યે ચિંતિત છીએ.  આપણે બધા આ સંકટના સમયે દબાણમાં આવ્યા વગર જીવવાનું શીખી રહ્યા છીએ.

આનંદ મહિન્દ્રાએ એમ પણ કહ્યું કે, બધા ઘરમાં બંધ છીએ એટલે એ ખબર પડી કે આપણે કેવી રીતે પર્યાવરણ પર બિનજરૂરી ભારણ નાખી રહ્યા હતા. મેં મુંબઈને પહેલા કયારેય આટલું સુંદર નથી જોયું…ખુલ્લા આકાશમાં સ્વચ્છ હવા અને રસ્તાઓ પર ગંદકી બિલકુલ નથી.